કદાચ ભારતથી વધારે બદનસીબ કોઈ દેશ નહીં હોય, કે તેની ઉપર રાજ કરનારા લોકો આટલા લોભી, લાલચી, દંભી અને તકવાદી હોય. તમામ રાજકીય પક્ષોએ જે રીતે સર્જિકલ સ્ટ્રાઇકને લઈ અખાડો ઊભો કર્યો તેને જોતાં એવું લાગે છે કે જાણે દરેક તેમાં છુપાયેલ રાજકીય ફાયદા અને ગેરફાયદાની ગણતરી કરી રહ્યા હોય. ઉરી પર થયેલ આતંકી હુમલા પછી સતત બે વર્ષથી વિવાદ વચ્ચે આંટાફેરા મારતી અને વિકાસના નામે સદંતર નિષ્ફળ ગયેલ સરકારને જ્યારે ચો તરફથી મળેલ ફિટકાર અને ઘેરાબંધી વચ્ચે કંઈ મળ્યું નહીં તો સર્જિકલ સ્ટ્રાઈકએ એકમાત્ર ઉપાય દેખાયું. સર્જિકલ સ્ટ્રાઇક થઈ કે નહીં તે વિશે જગત આખું અવઢવમાં છે ત્યારે દેશમાં તેની સાબિતી માગનાર લોકોને ગદ્દાર અને રાષ્ટ્રદ્રોહીના પ્રમાણપત્ર વહેંચવામાં આવી રહ્યા છે. સરકાર જે કહે તે બરાબર. તેની વિરુદ્ધ કે તેની કામગીરી પર પ્રશ્ન કરવો નહીં. જો કરો તો તમે રાષ્ટ્રદ્રોહી.!
સર્જિકલ સ્ટ્રાઇક થકી જનતાના મનમાં એમ ઠસાવવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે કે સરકારની ૫૬ની છાતી છે તે પાકિસ્તાનથી કોઈ પણ ભોેગે બદલો લઈ શકે છે. જડબાતોડ જવાબ આપી શકે છે. રક્ષામંત્રી મનોહર પારીકર દેશના રક્ષામંત્રી મટીને જાણે સંઘના પ્રચારમંત્રી હોય તે રીતે સર્જિકલ સ્ટ્રાઇકનો શ્રેય પહેલાં મોદીને પછી આડકતરી રીતે સંઘને આપી રહ્યા છે. જાણે લશ્કરની જગ્યાએ સ્વયંસેવકોએ સર્જિકલ સ્ટ્રાઇક કરી હોય. બીજી તરફ કોંગ્રેસ પોતાની રહી સહી ઇજ્જત બચાવવા ‘પોતે સત્તા પર હતી’ ત્યારે પણ સર્જિકલ સ્ટ્રાઇક થઈ હતી તેવું રટણ કરી રહી છે. આક્ષેપ અને પ્રતિઆક્ષેપથી ભારતીય રાજકારણીઓ દેશની ગરીમા અને અસ્મિતાને નુકસાન પહોંચાડી રહ્યા છે છતાં દંભી એટલા કે પોતાને સૌથી મોટા દેશભક્ત સમજે છે.
ગોવામાં યોજાયેલ બ્રિક્સ સંમેલનમાં મોદીએ જાણે કોઈ ચૂંટણી સભાને સંબોધતાં હોય તે રીતે પાકિસ્તાનનું નામ લીધા વગર તેને આતંકવાદની જન્મભૂમિ ગણાવી અને તેને આતંકવાદી રાષ્ટ્ર ઘોષિત કરવા માટે બ્રિક્સના અન્ય દેશોને પ્રોત્સાહિત કર્યા. પરંતુ મોદી ભૂલી ગયા કે બ્રિક્સ દેશો મોદી ભક્ત નથી કે તેમના જયજયકાર સાથે તેમનો પડયો બોલ ઝીલશે. ભારતની અપેક્ષાથી તદ્દન વિરુદ્ધ ચીને પાકિસ્તાનના આતંકવાદને ખતમ કરવા માટે આપવામાં આવેલ ‘બલિદાન’ને નહી ંભૂલવાની શીખ આપી હતી. અને પાકિસ્તાનને આતંકવાદનો ભોગ બનેલ દેશ બતાવી ભારતની આશા પર ઠંડું પાણી રેડી દીધું હતું. રશિયાની પ્રતિક્રિયા પણ પાકિસ્તાન માટે સાનુકૂળ હતી. આમ ભારતની આંતરરાષ્ટ્રીય સ્તરે પાકિસ્તાનને એકલુ પાડી દેવાની કોશિશ નિષ્ફળ નીવડી હતી. બીજી તરફ ઇંગ્લેન્ડ અને અમેરિકાએ પણ પાકિસ્તાન માટે સાનુકૂળ નિવેદન કરી તેની વહારે આવી ગયા.
૧૮મી ઓકટોબરે હિમાચલના મંડી શહેરમાં એક જાહેરસભાને સંબોધતાં મોદીએ સર્જિકલ સ્ટ્રાઇકના મુદ્દાને વધુ ચગાવતાં દેશના સૈનિકોની તુલના ઇઝરાયેલી સૈનિકો સાથે કરી હતી. દલિતો પર થતા અત્યાચારનો પણ ઉલ્લેખ કરતાં તેમણે દુઃખની લાગણી પ્રગટ કરી હતી. જ્યારે હકીકત આ છે કે દેશમાં દલિતોથી વધારે અત્યાચારનો ભોગ મુસ્લિમો બની રહ્યા છે. છતાં દલિતોના અત્યાચાર પર દુઃખ વ્યક્ત કરવામાં આવે છે અને મુસ્લિમો પરના અત્યાચારને ભુલાવી દેવામા આવે છે? છેલ્લા એક મહિનાથી સર્જિકલ સ્ટ્રાઇક અને આતંકવાદનું મીડિયા દ્વારા જે રીતે વાતનું વતેસર કરવામાં આવ્યું છે તેને જોતાં સાફ લાગે છે કે ઉત્તરપ્રદેશ, પંજાબ અને ગુજરાતમાં યોજાનાર ચૂંટણીમાં આ મુદ્દાનો ઉપયોગ કરવાનો છે.
ભાજપ સરકાર જે વિકાસના મુદ્દાઓ સાથે સત્તામાં આવી હતી તે મુદ્દાઓને બાજુ પર મૂકી તેણે પોતાની જનેતા સંઘના એજન્ડાને આગળ ધપાવવાનું શરૃ કર્યું હતું. ભાજપને એક ગેરસમજ ઊભી થઈ કે લોકોએ તેમને ધર્મને આધારે મતો આપી વિજયી બનાવ્યું છે જ્યારે હકીકત આ છે કે કોંગ્રેસના બીજી ટર્મના (૨૦૦૯થી ૨૦૧૪) શાસનમાં ભ્રષ્ટાચાર અને મોંઘવારીના કારણે જનતા ત્રાસી ગઈ હતી અને રાષ્ટ્રીય સ્તરે ભાજપ સિવાય કોઈ રાજકીય પક્ષ હતો નહીં. તેથી લોકોએ પરિવર્તન ખાતર ભાજપને જંગી જીત અપાવી હતી. છેલ્લા બે વર્ષના શાસનમાં દેશમાં સાંપ્રદાયિક માહોલ એટલી હદે બગડયો છે કે નાની મોટી ઘટનાઓને ગણીએ તો બે સમુદાયો વચ્ચે લગભગ બાર હજાર જેટલા બનાવો બન્યા છે. આર્થિક બાબતો, વિદેશ નીતિ અને આંતરીક સુરક્ષા એમ ત્રણેય ફ્રન્ટ પર ભાજપા સરકાર સદંતર નિષ્ફળ ગઈ છે. આવા સમયે જે વિકાસના એજન્ડા સાથે સરકાર સત્તા પર આવી હતી તે જ એજન્ડા સાથે ફરી મત માગવા ઉત્તર પ્રદેશ જેવા રાજકીય રીતે અતિ સક્રિય અને બાહોશ રાજ્યમાં જઈ શકાય તે ન હોવાથી આતંકવાદ અને સર્જિકલ સ્ટ્રાઇકની આડમાં ધર્મનું રાજકારણ કરી અતિમહત્ત્વનું રાજ્ય કબ્જે કરવાનું કાવતરૃં છે. ઉત્તરપ્રદેશમાં બસપાની પકડ મજબૂત જણાઈ રહી છે. અને જો બસપા ઉત્તર પ્રદેશમાં સત્તા હાસલ કરે તો ભાજપ પાસે લોકસભાની ૮૦માંથી ૭૨ સીટો હોવા છતાં સરકાર નહીં બનાવી શકવાનો ઘેરો આઘાત થશે અને તેની નોંધ સ્થાનિક સ્તરેથી લઈ છેક આંતરરાષ્ટ્રીય સ્તર સુધી લેવાશે. બીજી તરફ રાજ્યસભામાં બહુમતી પુરવાર કરવા માટે પણ ઉત્તરપ્રદેશમાં વધુમાં વધુ સીટો પર જીત હાસલ કરવી અત્યંત જરૂરી છે. તેથી ભાજપ માટે કરો યા મરો વાળી પરિસ્થિતિનું નિર્માણ થયું છે. દેશની પ્રજા તેમાંય ખાસ કરીને ઉત્તરપૂર્વીય રાજ્યોની પ્રજા માટે રાષ્ટ્ર વિશિષ્ટ મહત્ત્વ ધરાવે છે. તેથી ભાજપ દેશભક્તિ, સુરક્ષા, પાકિસ્તાન અને આતંકવાદ જેવા મુદ્દાઓ ત્યાં રજૂ કરી રહેલ છે.
પંજાબની પરિસ્થિતિ પણ પંજાબ માટે અનુકૂળ નથી. આમ આદમી પાર્ટીનો પ્રભાવ ત્યાં વધારે જોવા મળી રહ્યો છે. હાલમાં ભાજપ અને અકાલીદળની સંગઠનવાળી સરકાર છે, જે મુશ્કેલીમાં છે. પંજાબ એક એવું રાજ્ય છે જે ભાગલા વખતે સૌથી વધુ પ્રભાવિત થયું હતું. બીજું લશ્કરમાં જોઈએ તો પંજાબ રાજ્યમાંથી નોંધપાત્ર હાજરી જોવા મળે છે. તેથી ત્યાં પાકિસ્તાન અને સર્જિકલ સ્ટ્રાઇક બન્ને મુદ્દાઓ સુપરહીટ સાબિત થાય તેમ હોવાથી તે મુદ્દો ત્યાં પણ ચલાવવામાં આવી રહ્યો છે.
ગુજરાત રાજ્ય ભાજપનો ગઢ મનાતું હોવા છતાં છેલ્લા દોઢેક વર્ષનો ઘટનાક્રમ ભાજપ માટે સંતોષકારક નથી રહ્યો. ભાજપનો વર્ષોથી વફાદાર એવો પાટીદાર સમાજ જે રાજ્યમાં લગભગ ૧૮ ટકા વસ્તિ ધરાવે છે અને આર્થિક રીતે સમૃદ્ધ છે અને ભાજપને દરેક રીતે મદદ કરે છે. તે અત્યારે ભાજપથી નારાજ છે. પાટીદાર આંદોલનને કાબૂમાં લેવા માટે જે ચાલો ચલવામાં આવી, જે ગણતરી કરવામાં આવી તે તમામ ઊંધી પડી છે. અધૂરામાં પૂરૃં હોય તેમ આમ આદમી પાર્ટીએ સૂરતમાં પાટીદારોને સંબોધિત કર્યા તેમાં જંગી માનવ મેદની ઉમટી પડી હતી. તેને જોઈ ભાજપની ઊંઘ ઔર હરામ થઈ ગઈ છે. બીજી તરફ ગૌરક્ષકો દ્વારા દલિતો પર થયેલ અત્યાચારના કારણે ‘દલિત મુસ્લિમ એકતા’ના નારા બુલંદ થતાં ભાજપની હાલત વધારે કફોડી બની છે.
આમ સામાન્ય રીતે જોઈએ તો ભાજપ પાસે હવે અંધારામાં હવાતિયા માર્યા સિવાય કોઈ રસ્તો નથી. તેથી બિકાઉ મીડિયાના ઉપયોગ દ્વારા જનતાને રોજગાર, મોંઘવારી, શાંતિ, સુરક્ષા જેવા મુદ્દાઓથી ભટકાવી આતંકવાદ, સર્જિકલ સ્ટ્રાઇક અને ધર્મનું કાર્ડ રમી રાજકીય લાભ ખાટવાનું આયોજન છે.
સત્તાના નશામાં મદમસ્ત અને જનતાને મૂર્ખ બનાવવાનું કાર્ય કરતા લોકોએ વિચારી લેવું જોઈએ કે એક મહાશક્તિ સત્તા તે છે જેના કબ્જામાં તમામ ફેંસલાઓ છે. તેથી અત્યાચાર, અન્યાય અને ઝેર ફેલાવી લોકોમાં વૈમનસ્ય ઊભું કરવાનું કાર્ય વધારે સમય સુધી ચાલવાનું નથી. દેશની જનતાએ ઘટનાનું પુથક્કરણ કરી હકીકત સુધી પહોંચવું જોઈએ અને રાજકીય પક્ષોના સ્વાર્થને સમજવો જોઈએ.
“તેમણે તેમની બધી જ ચાલો ચાલી જોઈ, પરંતુ તેમની દરેક ચાલનો તોડ અલ્લાહ પાસે હતો, જો કે તેમની ચાલો એવી ભયંકર હતી કે પર્વતો તેમનાથી ખસી જાય.” (સૂરઃ ઇબ્રાહીમ-૪૬) *