Sunday, July 21, 2024
Homeઓપન સ્પેસઆદર્શ કુટુંબ મુહમ્મદ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમના જીવન - ચરિત્રના પ્રકાશમાં

આદર્શ કુટુંબ મુહમ્મદ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમના જીવન – ચરિત્રના પ્રકાશમાં

… મુફતી ફઝીલુર્રેહમાન હિલાલી ઉસ્માની

ઇતિહાસના ગર્ભમાં કોણ જાણે કેટલીયે મહત્વ પૂર્ણ ઘટનાઓ છુપાયેલીછે. પરંતુ ઈસ. ૨૨, એપ્રિલ ૫૭૧ નાદિવસે ઇતિહાસની એ મહત્વ પૂર્ણ ઘટના ઘટી જેણે સંસાર ના પ્રવાહની દિશાને બદલી નાખી અને ઇતિહાસના માથે કાયમ માટે એક નિશાની અંકિત કરી કે જીવનમાં જ્યારે પણ કોઈ પણ બાબતમાં ઉચ્ચ દ્રષ્ટાંતના નમૂનાની જરૃર પડશે, સમસ્યાઓમાં ઘેરાયેલા વિશ્વને નિરાકરણની જરૃર પડશે. કોઈપણ કોયડાને ઉકેલવાની જરૂરીયાત ઉભી થશે ત્યારે ઇતિહાસે પાછા ફરીને એજ જગ્યાએ જવું પડશે જ્યાંથી આ પ્રવાહ ધારાનો પ્રારંભ થયો હતો.

અબ્દુલ મુતલ્લિબના હાશમી કુરેશી ખાનદાનમાં એમના પુત્ર અબ્દુલ્લાહના ઘરે આમના બિન્તે વહબના ગર્ભથી એ સંપૂર્ણ અને મહાન વ્યક્તિનો જન્મ થયો જેણે જ્ઞાાનના પ્રકાશથી અજ્ઞાાનતાના અંધકારને ચીરીને સમગ્ર વિશ્વને જ્ઞાાનનું અજવાળું આપ્યું જેમનું નામ મોહંમદ તેમજ અહમદ હતું.

આપના પવિત્ર જીવન ચરિત્રના આધારે આપણે એક ઉદાહરણીય અને ઉચ્ચ ખાનદાનની છબી નિહાળીશું જેથી વિશ્વને ખબર પડે કે આ પ્રકારની જીવન શૈલીથી કુટુંબની સમસ્યાઓનું નિરાકરણ થઈ શકે છે.

નાનપણથીજ અનાથ અને પિતાની છત્રછાયાથી વંચિત મોહંમદબિન અબ્દુલ્લાહ જ્યારે સમજણા થયા ત્યારે તેમણે જોયું કે તે તેમના પાલક કાકા અબૂતાલિબ ને ખુદ ઘણાં સંતાનો હતાં અને અતિથિ-સત્કારના લીધે તેઓ કાયમ આર્થિક તંગી ભોગવતાં હતાં. તેથી આ મહાન વ્યક્તિએ કોઈ પણ જાતની શરમ રાખ્યા વગર બકરીઓને ચરાવવાની નોકરી કરી.

હઝરત જાબિર બિન અબ્દુલ્લાહ કહે છે કે એક વાર અમે પીલૂના વૃક્ષ નીચેથી ફળ વીણી રહ્યા હતાં ત્યારે મોહંમદ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ સાહેબે ફરમાવ્યું કે જે વૃક્ષ કાળા છે તે વીણજો તે ખૂબજ સારા હોય છે. જ્યારે હું બકરીઓ ચરાવતો હતો ત્યારે હું પણ એ જ ફળ વીણતો હતો. સહાબાઓએ પૂછયુ કે “યા રસૂલલ્લાહ ! શું આપ બકરીઓ ચરાવતા હતાં ?” આપે કહ્યું, “હા, અને દરેક પયગમ્બરે આ કામ કર્યું છે.”

દસબાર વર્ષની ઉંમર સુધી આપે આ કામ કર્યું. આપનો ખાનદાની વ્યવસાય વ્યાપાર હતો. આપના ખાનદાની વડા હાશિમે એક વ્યાપારિક વણઝારની સ્થાપના કરી હતી જે એક રીતે પ્રાયવેટ લિમિટેડ કંપની હતી તેના એક ભાગીદાર અને સહાયક અબૂતાલિબ પણ હતા. આ વ્યાપારિક વણઝાર શામ થઈને યમન જતી હતી. આપે પોતાના કાકા અબૂતાલિબની જોડે આ વણઝારની અનેક વખત યાત્રા કરી.

વીસ વર્ષની ઉંમરે આપે પોતાનો વ્યાપાર શરૃ કર્યો અને વિભિન્ન વ્યાપારિક મેળાવડા માં શામેલ થયા આપે નજદ, યમન, બહરીન અને શામની યાત્રા અનેક વાર કરી. બહારગામની યાત્રા ઉપરાંત આપ સ્થાનિક વ્યાપારમાં પણ વ્યસ્ત રહેતા હતા. આપના વ્યવસાયિક જીવનમાં પ્રમાણિક્તા સત્યનિષ્ઠા, વાયદાપાલન, અને વ્યાપારિક સૂઝનું વિશેષ મહત્વ હતું.

મોહંમદ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમની વ્યાપારિક સૂઝ અને પ્રમાણિક્તાની ચર્ચા મક્કાની એક મહિલા હઝરત ખદીજા સુધી પહોંચી એમના ભત્રીજા કતીમાએ મોહંમદ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમની ખૂબજ પ્રશંસા કરી તેથી હઝરત ખદીજાએ આપને તેમનો વ્યાપારિક માલસામાન શામ (સીરીયા) લઈ જવાનું કહ્યું અને તે માટે અન્ય કરતાં વધુ મહેનતાણું આપવાનું કહ્યું. પોતાના કાકા અબૂતાલિબની સલાહ લઈ આપ હઝરત ખદીજા નો વ્યાપારિક માલ સામાન લઈને શામ રવાના થયા. એમની જોડે હઝરત ખદીજાના ગુલામ મૈસરા તથા અન્ય એક સંબંધીદાર ખુઝેમા બિન હકીમ પણ હતાં. યાત્રા દરમ્યાન તેઓ આપના વ્યવહાર અને સદાચારથી ખૂબજ પ્રભાવિત થયાં.

યાત્રાબાદ આપે હઝરત ખદીજાને તેમના માલસામાનના વેચાણની વિગત આપી જેના આધારે તેમને પહેલાં કરતાં બમણો નફો થયો. હઝરત ખદીજાએ પણ ખુશ થઈને આપને નક્કી કરેલા મહેનતાણાં કરતાં બમણું અર્થાત ચાર ઊંટના બદલે આઠ ઊંટ આપ્યા.

હઝરત ખદીજાના ગુલામ મૈસરાએ જ્યારે યાત્રા દરમ્યાન મોહંમદ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમના વ્યવહાર અને સદાચારની વાત કરી તો એમણે સામે ચાલીને પોતાના સહેલી નફીસા બિન્તે મનીયા દ્વારા લગ્નનો સંદેશ મોકલાવ્યો. આપે પોતાના સમવયસ્ક કાકા હઝરત હમઝાને વાત કરી. તેમણે કુટુંબીજનો જોડે વિચાર વિમર્શ કરી જાતે જઈને લગ્નની વાત પાકી કરી.

હઝરત ખદીજા વિધવા હતા. તેમનો પ્રથમ નિકાહ પંદર વર્ષની ઉંમરે હિન્દબિન નબાશ જોડે થયો જે અબૂહાલાના નામે પ્રખ્યાત હતો તેનાથી બે પુત્રીઓ હાલા અને હિન્દ તેમજ એક પુત્ર તાહિરનો જન્મ થયો.

હઝરત ખદીજા એકવીસ વર્ષની ઉંમરે વિધવા થયા ત્યાર બાદ તેમનો બીજો નિકાહ અતીક બિન આઈઝ મખઝૂમી જોડે થયાં. તેનાથી એક પુત્રી હિન્દનો જન્મ થયો અતીકનું પણ અવસાન થયું અને હઝરત ખદીજા બીજીવાર વિધવા થયા.

હઝરત મોહંમદ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ જોડે તેમનો આ ત્રીજો નિકાહ હતો. કહેવાય છે કે નિકાહ વખતે હઝરત ખદીજાની ઉંમર ૪૦ વર્ષ અને હઝરત મોહંમદ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમની ઉંમર ૨૫ વર્ષની હતી.

ઈ.સ. ૫૯૬માં આપ બન્ને જણાં લગ્ન ગ્રંથિથી જોડાયા. આ સંબંધના પાયામાં ધન કે સૌંદર્ય નહીં પરંતુ શરાફત અને પ્રમાણિકતા હતી આ અંગે આપે ખુદ ફરમાવ્યું છે.

“ચાર વસ્તુને ધ્યાનમાં રાખીને સ્ત્રી જોડે લગ્ન કરવામાં આવે છે (૧) તેનું ધન જોઈને (૨) તેનો ખાનદાન જોઈને (૩) તેનું રૃપ જોઈને (૪) અને તેની ધર્મપરાયણતા જોઈને. તમે ધર્મ પરાયણ મહિલાને શોધો તમારૃં કલ્યાણ થશે”

તે ઉપરાંત આપે ફર્માવ્યું છે :

“જ્યારે તમારી પાસે એવી વ્યક્તિ લગ્નનો પ્રસ્તાવ લઈને આવે જેની ધાર્મિક્તા અને આચાર તમને ગમતા હોય તો એ પ્રસ્તાવ સ્વીકારી લો જો તમે આવું નહીં કરો તો ધરતી પર ઉપદ્રવ અને બગાડ પૈદા થશે.”

નિકાહ માટે જીવનસાથીનું ચયન સૌથી પહેલો તબક્કો છે. એ ખૂબજ અઘરો અને મહત્વપૂર્ણ તબક્કો છે. નિકાહના કારણે જે અન્ય સંબંધો બંધાય છે. તેના પર વ્યક્તિનો કોઈ અધિકાર નથી હોતો તે સંબંધો એની મેળે બંધાય છે. પરંતુ જીવનસાથીના ચયન પર મોટાભાગે વ્યક્તિનો અધિકાર હોય છે.

ધન, પ્રતિષ્ઠા, આબરૃ, રૃપ પ્રમાણિકતા અને શરાફત આ તમામ વસ્તુઓ સારી છે પરંતુ જ્યારે કોઈ પણ સમાજની વિચારધારા બદલાય છે ત્યારે ધર્મ અને સદાચારને બદલે લોકો અન્ય વસ્તુઓને ઈજ્જત મેળવવાનું સાધન સમજે છે. ત્યારે આખી સામાજિક વ્યવસ્થા અસ્ત-વ્યસ્ત થઈ જાય છે. શુદ્ધ મૂલ્યો કોઈપણ સોસાયટીની ખરી પૂંજી છે તેનું રક્ષણ કરવું એ સોસાયટીની જવાબદારી છે. શુદ્ધ સામાજિક વ્યવસ્થાનો પાયો છે નેક કુટુંબ અને નેક કુટુંબનો પાયો દંપતિ છે.

હઝરત મોહંમદ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ અને હઝરત ખદીજાની વચ્ચે ઉંમરનો તફાવત હતો. પરંતુ દંપતિ નેક હોય તો આ તફાવત સંબંધ જાળવવામાં અવરોધક નથી બનતો. ઈ.સ. ૫૯૬થી માંડીને હઝરત ખદીજાના મૃત્યું પર્યત (ઈ.સ. ૬૨૧) લગભગ પચ્ચીસ વર્ષ સુધી આ સંબંધ એવી રીતે જળવાયો કે દરેક સુખઃદુખમાં બન્ને જણાં એકબીજાની પડખે રહ્યા. દરેક સંઘર્ષમય સંજોગોમાં હઝરત ખદીજાએ આપને સાંત્વના આપી અને એક વફાદાર પત્નિનું કર્તવ્ય પુરૃ કર્યું. હઝરત ખદીજાના ગર્ભદ્વાર અલ્લાહે સંતાનો આપ્યા. હઝરત ખદીજાના જીવન પર્યત હઝરત મોહંમદ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ સાહેબે બીજું લગ્ન કર્યું નહીં. એમના નિધન પછી આપ ખૂબજ દુઃખી રહેતાં હતાં અને તેના બે મહીના પછીજ આપના કાકા અબૂતાલિબનું પણ અવસાન થયું જે ઇતિહાસમાં ‘આમુલહિઝન’ (સાર્વજનિક દુખ)તરીકે ઓળખાય છે. આપ હઝરત ખદીજાને ભુલાવી શક્યા નહોતા. અવાર નવાર તેમની સહેલીઓ અને સગા સંબંધીઓને યાદ કરતાં હતાં અને ભેટ મોકલતાં હતાં.

એક વખતની વાત છે. આપ ઘરની અંદર કામમાં વ્યસ્ત હતાં. એકાએક એક સુપરિચિત અવાજ આપના કાને અથડાયો, જે આપ વરસો સુધી સાંભળતા હતા. એ અવાજ સાંભળી એકદમ ચોંકી ઉઠયા પછી તરતજ વિચાર આવ્યો કે હઝરત ખદીજાની બહેન હાલા આવી હશે કારણકે હાલાનો અવાજ હઝરત ખદીજાને આબેહૂબ મળતો આવતો હતો.

આ એક એવો ઉદાહરણીય ખાનદાન હતો કે જેમાં પતિ પત્નિ એકબીજાના અધિકારોને જાણતા હતાં અને તેનું પાલન પણ કરતા હતા. પરસ્પર બલિદાન અને ત્યાગની ભાવના હતી એકબીજાની લાગણીઓ પ્રત્યે સન્માન હતો.

આ કુટુંબમાં સંતાનોને એજ વાત્સલ્ય, પ્રેમ અને શિક્ષણ મળતું હતું જે માતા પિતાની જવાબદારી છે.

બદરના યુદ્ધ વખતે હઝરત ઝેૈનબના પતિ પણ અન્ય લોકો સાથે યુદ્ધ કેદી તરીકે પકડાયા હતા. એ વખતે તેમણે ઇસ્લામધર્મ અંગીકાર નહોતો ક્રર્યો. યુદ્ધ કેદીઓ ફિદયા(મુક્તિની રકમ) લઈને મુક્ત કરવામાં આવી રહ્યા હતા. અબૂલ આસે ફિદયામાં સોનાનો જે હાર રજૂ કર્યો તેને જોઈને હઝરત મોહંમદ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમની આખો ભીની થઈ ગઈ. તે હાર હઝરત ખદીજાનો હતો જે તેમણે પોતાની પુત્રીને આપ્યો હતો. આપે સહાબાઓ (અનુયાયી)થી હાર પાછો આપી દેવાની આજ્ઞાા માગી. બધાએ સહર્ષ મંજૂરી આપી જેના ફળસ્વરૃપે અન્ય કેદીઓને પણ ફિદયા વગર મુક્ત કરી દેવામાં આવ્યા.

રિવાયત દ્વારા જાણવા મળે છે કે આપની સૌથી નાની પુત્રી હઝરત ફાતિમાં જ્યારે આપને મળવા આવતી ત્યારે આપ તેનું ખૂબજ ભાવભીનું સ્વાગત કરતાં અને તેના કપાળે ચુંબન કરતાં હતાં. હઝરત ફાતિમાનું મકાન નજીકમાંજ હતું એકવાર દૌહિત્રોનાં રડવાનો અવાજ આવ્યો. આપ વિહવળ થઈ ગયા. પતિ પત્નિ ભર ઉંઘમાં હતાં તેમની ઉંઘમાં ખલેલ ના પડે એ માટે બાળકોને ગોદમાં ઊંચકી ઘરની બહાર લઈ આવ્યા તેમને રમાડી, શાંત કરીને પાછા સુવાડી દીધાં.

સંબંધોની જાળવણીના અવસાન પછી આપને વિવિધ કારણોસર કેટલાંક લગ્નો કરવા પડયા અને એ માટે આપને અલ્લાહ તરફથી વિશેષ પરવાનગી મળી હતી. એક માત્ર હઝરત આયેશા રદિયલ્લાહો અન્હા સિવાય આપની તમામ પત્નીઓ કાં તો ત્યાક્તા હતી અથવા વિધવા દરેકને રહેવા માટે જુદી જુદી વ્યવસ્થા હતી દરેકનો વારો નિશ્ચિત હતો. દરેકનેે તેમના સઘળા અધિકારો ન્યાય પૂર્ણ રીતે આપવામાં આવતા હતા અને દરેકની સાથે એક સરખો વ્યવહાર કરવામાં આવતો હતો.

આ પવિત્ર ખાનદાનને કસોટીમાંથી પણ પસાર થવું પડતું હતું. ક્યારેક એમાં કડવાશ ઉદ્ભવી ગેરસમજૂતી થઈ અને સંબંધોમાં ચડતી-પડતી પણ આવી.

સૌથી મોટી કસોટી એ વખતે આવી જ્યારે હઝરત આયેશા રદિયલ્લાહો અન્હા ઉપર ખોટો આરોપ લગાડવામાં આવ્યો. અફકની આ ઘટનાનું વર્ણન કુરાનની સુરએ નૂરની આયત નંબર ૧૧ થી ૨૧માં મોજુદ છે. આ ઘટના એક ખતરનાક ષડયંત્ર હતું કે જો આપનું કુટુંબ ઉચ્ચ આદર્શોવાળુ ના હોત તો કૌટુંબિક જીવન વેરવિખેર થઈ જાત. આપની તમામ પત્નિઓના ઉચ્ચ આદર્શોના કારણે એ સંકટ ટળીગયું. આના પરથી પ્રમાણિત થાય છે કે ઉચ્ચ આદર્શોને વરેલા કુટુંબની સામે મોટામાં મોટું ષડયંત્ર પણ નિષ્ફળ થઈ જાય છે. એ વખેત આપનાં સંતાનો, જમાઈઓ અને સ્વયં આપના સાસુ અને સસરાએ જે અભિગમ અપનાવ્યો તેનાથી સ્પષ્ટથાય છે કે જો આજે વિશ્વને કોઈ ઉદાહરણીય કુટુંબ જોવુ હોય તો તેમણે આપના કુટુંબને જોવું જ પડશે કારણકે આ કુટુંબનો પાયો એ સિદ્ધાંતો પર રચાયો છે જેનો નિર્દેશ કુરાન અને હઝરત મોહંમદ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમના જીવન ચરિત્ર પર આધારિત છે. તેમાં અધિકાર અને જવાબદારીઓનું એક સંતુલન છે. અને સૌથી મોટી વાત તો એ છે કે જીવનનો એક ઉચ્ચ ધ્યેય છે. રહેણી કરણીમાં સાદાઈ છે પરંતુ એમાં જીવનની મીઠાશ છે.

આ જીવનશૈલિમાં મહિલાઓનો આદર અને તેમના અધિકારોનું જતન મુખ્યત્વે છે. હઝરત મોહંમદ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ સાહેબે એમને જીવનના અંતિમ પ્રવચનમાં એકરીતે વસીયત કરતા કહ્યું. “મહિલાઓની બાબતમાં અલ્લાહથી ડરો” આપણી સામાજિક વ્યવસ્થાનું એક નબળું પરંતુ મહત્વપૂર્ણ અંગને આપે આદર આપવાને લાયક ઠરાવ્યો છે. મા ના પગ તળે સ્વર્ગ છે. જેને ઘેર દીકરી જન્મે તેને ખુશખબરી આપવામાં આવે છે કે સ્વર્ગમાં તે હઝરત મોહંમદ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમની એટલી નિકટ હશે જેટલી હાથની બે આંગળીઓ હોય છે. અહીં સ્ત્રીને બજારની વસ્તુ નથી બતાવી, તેને સંપૂર્ણ સુરક્ષા અને સન્માન આપ્યું છે કારણકે બાળકનો ઉછેર અને કેળવણી માતાની ગોદમાંથાય છે અને એજ બાળક ભવિષ્યમાં સમાજનો અંગ બને છે અને તેનાથીજ એક પવિત્ર અને સબળ સમાજ – વ્યવસ્થાની રચના થાય છે.*

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments