Saturday, July 27, 2024
Homeઓપન સ્પેસઆર્થિક અસમાનતા : ગરીબ વધુ ગરીબ અમીર વધુ અમીર

આર્થિક અસમાનતા : ગરીબ વધુ ગરીબ અમીર વધુ અમીર

દુનિયાની દરેક વ્યક્તિ ઇચ્છે છે તેની મૂળભૂત જરૂરીયાતો સહેલાઈથી સંતોષાતી રહે. મૂળભૂત જરૂરીયાતોમાં ભરપેટ ભોજન, પહેરવા માટે કપડાં અને રહેવા માટે ઘરનો સમાવેશ થાય છે. આ વસ્તુઓને મેળવવા માટે તે મજૂરી, ધંધો, નોકરી કે વ્યવસાય પોતાના જ્ઞાન, સમજ, બજારની પરિસ્થિતિ, મૂડી રોકવાની ક્ષમતા વિ. પરિબળોના આધારે કરે છે. કેટલાક લોકો બહુ પૈસા કમાય છે, તેમની જીવન જરૂરીયાતની વસ્તુઓની ઉપલબ્ધી ઉપરાંત અસંખ્ય મકાનો, પુષ્કળ રોકડ અને જબરદસ્ત રોકાણો ઊભા કરી લે છે. કેટલાક લોકો સરેરાશ આવક હાંસલ કરે છે, અને તેમની જીવન જરૂરીયાતો આસાનીથી સંતોષાતી રહે છે. કેટલાક લોકો એવા હોય છે જેમની મૂળભૂત વસ્તુઓ માંડ ભેગી થાય છે. અને કેટલાક લોકો એવા હોય છે જે તેમની મૂળભૂત જરૂરીયાતો પણ પૂરી કરી શકતા નથી. આમ આર્થિક રીતે લોકોને ચાર સમુહોમાં વહેંચી શકાય. (૧) માલેતુજાર (૨) શ્રીમંત (૩) ગરીબ (૪) દરિદ્ર કે નિરાધાર.

દુનિયામાં આવકની આ અસમાનતાને લઈને અર્થશાસ્ત્રીઓ ચિંતા વ્યક્ત કરતા આવ્યા છે અને તેમની ચિંતા વ્યાજબી પણ છે. સમાજનો સૌથી દરિદ્ર કે ગરીબ વ્યક્તિ અને માલેતુજાર વ્યક્તિની આવક વચ્ચે કેટલો તફાવત હોવો જોઈએ એ આ જ દિન સુધી કોઈ પણ અર્થશાસ્ત્રી નક્કી કરી શક્યો નથી અને કરી શકે તેમ પણ નથી. કારણ કે મુક્ત બજારમાં પૈસા કમાવવાની અસંખ્ય તકો ઉપલબ્ધ છે, ઇજારાશાહી (Monopoly) અને પુર્ણ સ્પર્ધાત્મક બજાર (Perfect Competitive Market) પણ છે. તેથી લોકોની આવકને અંકુશમાં કરવાની કે આવક સંબંધિત નિયમો ઘડવાની કોઈ ફોર્મ્યુલા નથી. છતાં અમીર અને ગરીબ વચ્ચે શક્ય તેટલું ઓછું અંતર હોય તે ઇચ્છનીય છે. તે માટે જરૂરી છે કે પૈસાનું પરિભ્રમણ અમીરો વચ્ચે સીમિત ન રહે. પૈસાનો ધોધ અમીરોથી ગરીબો તરફ વહેવો જોઈએ.

માનવના સર્જનહાર અલ્લાહે કુઆર્ન દ્વારા આ વિષે સ્પષ્ટતા કરી છે,

“જે કંઈ પણ અલ્લાહ વસ્તીઓના લોકોથી પોતાના રસૂલ તરફ ફેરવી દે તે અલ્લાહ અને તેના રસૂલ અને સગાઓ અને અનાથો અને મોહતાજો (વંચિતો) અને મુસાફરો માટે છે જેથી તે તમારા ધનવાનોના જ વચ્ચે ફરતું ન રહે…” (સૂરઃ અલ-હશ્ર ઃ૭)

અલ્લાહે ફકત ફરમાન જારી કર્યું નથી પરંતુ માલ અમીરો વચ્ચે ફરતો ન રહે તે માટે ઝકાતને ફર્જ પણ કર્યું છે. સમાજના શ્રીમંત અને પૈસાદાર લોકો પર ઝકાત ફર્જ કરતાં અલ્લાહ ફરમાવે છે, “આ સદકાનો માલ તો હકીકતમાં ‘ફકીરો’ (ગરીબો) અને ‘મિસ્કીનો’ (નિર્ધનો) માટે છે અને તે લોકો માટે જેઓ સદકા (દાન)ના કામ માટે નિયુક્ત છે, અને તેમના માટે જેમના હૃદય મોહી લેવાનો આશય હોય, ઉપરાંત આ ગરદનો છોડાવવા અને દેવાદારોની સહાય કરવામાં અને અલ્લાહના માર્ગમાં અને મુસાફરની મહેમાનગતિમાં ઉપયોગ કરવા માટે છે. આ એક અનિવાર્ય કર્તવ્ય છે અલ્લાહ તરફથી, અને અલ્લાહ સર્વજ્ઞ, તત્ત્વદર્શીઅને જોનાર છે.”    (સૂરઃ તૌબા- ૬૦)

દુનિયાના લોકોએ આ આદેશને અપનાવ્યો નથી. તેથી દુનિયાની દોલત અને સાધનો ખૂબ ઓછા લોકો પાસે સમેટાઈ ગયા છે. અમેરિકાના પૂર્વ પ્રમુખ બરાક ઓબામાએ સંયુક્ત રાષ્ટ્રોની ૨૦૧૬ની જનરલ એસેમ્બલીમાં કહ્યું હતું કે દુનિયામાં ૧ ટકા લોકો પાસે એટલા રૃ. છે જે ૯૯ ટકા લોકોની કુલ સંપત્તિ છે.

આવકની અસમાન વહેંચણી પર પસ્તાળ પાડતાં અને વ્યંગ કરતા બ્રિટનના વિદ્વાન જ્યોર્જ બર્નાડ શૉનો એક કિસ્સો પ્રખ્યાત છે. તેમને એક વાર પુછવામાં આવ્યું કે આર્થિક ક્ષેત્રે માનવજાતની તકલીફ શું છે? તો તેમણે પોતાની હૅટ (અંગ્રેજી ટૉપી) માથેથી ઉતારી પોતાના ટાલ અને મોટી દાઢી તરફ ઇશારો કરતા કહ્યું, “આ જ મનુષ્યજાતની તકલીફ છે ઉત્પાદનની ભરપુર માત્રા અને અસમાન વહેંચણી.”

દુનિયાની ઘણી કોર્પોરેટ કંપનીઓ પર સરકારો દ્વારા CSR (Corporate Social Responsibility)ના નામે કેટલાક કાર્યો ફરજીયાત પણે કરાવવામાં આવે છે. પરંતુ તેમાં ભ્રષ્ટાચાર થવાના કારણે તેના પરિણામો કે અસર દેખાતા નથી. એવી રીતે દુનિયાની ઘણી સેવાભાવી સંસ્થાઓ ગરીબો, નિરાધારો અને નિઃસહાયોની મદદ કરે છે પરંતુ તેનાથી ફકત મદદ થઈ જાય છે ગરીબી તો ઠેરની ઠેર રહે છે. ગરીબીને જડમૂળથી ઉખાડી ફેંકવા માટે જરૂરી છે કે ઝકાતની વ્યવસ્થાને લાગૂ કરવામાં આવે. ઝકાત એ પોતાના વપરાશમાં ન હોય તેવી તમામ મિલ્કતો, સાધનો અને રોકડ રકમ પર આપવાની હોય છે. જે ૨.૫ ટકા જેટલો હિસ્સો થાય છે. રસપ્રદ વાત આ છે કે ઝકાત આવક પર નહીં બચત પર લાગે છે અને એવી બચત જેના પર ઓછામાં ઓછું ૧ વર્ષ વીતી ગયું હોય. તેથી વ્યક્તિની આવક હોય કે ન હોય તેને તેની બચતોમાંથી ગરીબ અને જરૂરીયાતમંદોનો હિસ્સો આપવો જ રહ્યો.

આમ અમીરોના પૈસા ગરીબો તરફ આવશે અને અમીરો અને ગરીબો વચ્ચેનું અંતર ઘટતું જશે. આ અંતરને ઘટાડવાનો આ સિવાય બીજો કોઈ રસ્તો નથી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments