ઉમર બિન ખત્તાબ રદી.થી રિવાયત છે. રસુલુલ્લાહ સ.અ.વ. એ ફરમાવ્યુંઃ “કર્મોનો આધાર નિયત (આશય) ઉપર છે. અને માણસ માટે એટલું જ છે જેની તેણે નિયત કરેલી છે, તો જેની હિજરત અલ્લાહ અને તેના રસૂલની તરફ છે તો (હકીકતમાં) તેની હિજરત અલ્લાહ અને તેના રસૂલ તરફ છે, અને જેની હિજરત દુનિયા તરફ છે કે તેને પ્રાપ્ત કરે, અથવા સ્ત્રી તરફ છે કે તેની સાથે લગ્ન કરે તો (હકીકતમાં) તેની હિજરત એવી વસ્તુ તરફ છે જે તરફ તેણે હિજરત (ની નિયત) કરી છે.” (બુખારી, મુસ્લિમ, મિશ્કાત, ‘કિતાબુલઈમાન’ પા. ૩)
અબૂ મૂસા રદી.ની રિવાયત છે, તેમણે કહ્યું કે એક વ્યક્તિ નબી સ.અ.વ. પાસે આવી (તેણે પૂછયું), “એક વ્યક્તિ ગનીમતના માલ માટે લડાઈમાં લડે છે, એક વ્યક્તિ એટલા માટે લડે છે જેથી તેની શૂરવીરતા દેખાઈ આવે, તો (આમાંથી) કોણ અલ્લાહની રાહનો મુજાહિદ છે.” આપ સ.અ.વ.એ ફરમાવ્યું, “એ, જે લડે છે જેથી અલ્લાહની વાત બુલંદ થાય (બસ એ જ અલ્લાહની રાહનો મુજાહિદ છે.)” (સહીહ મુસ્લિમ, ભાગ-૧ પા.૧૩૯)
હઝરત અબૂહુરૈરહ રદી.ની રિવાયત છે, તેમણે કહ્યું કે રસૂલુલ્લાહ સ.અ.વ. એ ફરમાવ્યું, “અલ્લાહતઆલા તમારા ચહેરા અને ધનસંપત્તિ જોતો નથી બલ્કે તમારી નિયતો (આશયો) અને કર્મ જુએ છે.” (બુખારી, મિશ્કાત, બાબુર્રિયા પા. ૪૪૬)
અબૂ ઉમામહ રદી.ની રિવાયત છે, તેઓ કહે છે કે રસૂલુલ્લાહ સ.અ.વ. એ ફરમાવ્યું, “જેણે અલ્લાહ માટે (લોકોને) પ્રેમ કર્યો, અલ્લાહ માટે નફરત અને અણગમો દાખવ્યો, અલ્લાહ માટે તેણે આપ્યું અને અલ્લાહ માટે પોતાનો હાથ રોકી લીધો, તો બેશક તેણે પોતાના ઈમાનને પૂર્ણ કક્ષાએ પહોંચાડી દીધું.” (અબૂદાઊદની રિવાયત, મિશ્કાત, કિતાબુલઈમાન પા. ૭)