Thursday, September 12, 2024

ઇસ્લામનો પરિચય

અલ્લાહતઆલાએ તેની જીવન વ્યવસ્થાને સદાયના માટે મનુષ્યના ભાગ્યનો ફેંસલો કરી દીધો છે. તેણે માનવી સમક્ષ ફક્ત બે માર્ગ રાખ્યા છે એક આ કે તે આ જીવન વ્યવસ્થાનો સ્વિકાર કરીને દુનિયા અને પરલોકની સફળતા પ્રાપ્ત કરે. બીજી આ કે આ જીવન વ્યવસ્થાનો અસ્વિકાર કરીને હંમેશાની નિષ્ફળતા અને નિરાશાનો સામનો કરે, જેના પછી ક્યારેય સફળતા નસીબ નહીં થાય.
માનવીની સફળતા અલ્લાહની જીવન વ્યવસ્થા સાથે જોડાયેલી છે.
ભૂતકાળમાં માનવીની સફળતા અલ્લાહની આ જીવન વ્યવસ્થા સાથે જોડાયેલી હતી. વર્તમાનમાં પણ તેની સાથે જ જોડાયેલી છે અને ભવિષ્યમાં પણ આ જ વ્યવસ્થા સાથે જોડાયેલી રહેશે. માનવી જ્યારથી આ પૃથ્વી પર વસવાટ કરે છે ત્યારથી આ નિયમમાં ન કોઇ પરિવર્તન આવ્યું છે અને ન આવશે. અગાઉ પણ જ્યારે તેણે અલ્લાહની જીવન વ્યવસ્થાથી બંડ પોકાર્યો, નિષ્ફળ અને નિરાશ થયો. અત્યારે પણ આ જ કારણે તે નિષ્ફળ છે. તેને પોતાની આર્થિક પ્રગતિ અને સાધન સંપન્નતા ઉપર ઘમંડ છે અને તે આ વાતની કોઇ જરૂરત નથી સમજતો કે તેનો ખુદા તેને સીધો માર્ગ દેખાડે. આ કોઇ નવી વાત નથી. દુનિયાની ઘણી કોમોને પોતાના વિકાસ અને સુખ-સમૃદ્ધિ ઉપર ઘમંડ હતો પરંતુ આ તેમની અજ્ઞાનતા હતી અને હવે આ તેની અજ્ઞાનતા છે. જે પણ વ્યક્તિ ખુદાના માર્ગદર્શનથી વંચિત છે તે ખોટા માર્ગ ઉપર છે તે એક ભયાનક પરિણામ તરફ વધી રહ્યો છે. પોતાની પાસે તમામ સાધન સામગ્રી હોવા છતાં તેને બરબાદીથી કોઇ ચીજ બચાવી નહીં શકે. માનવીની જીવન નાવ અલ્લાહતઆલાના માર્ગદર્શન દ્વારા જ ઇચ્છિત કિનારા સુધી પહોંચી શકે છે. જ્યાં આ માર્ગદર્શન નથી ત્યાં આ જીવન નાવ અવશ્ય ડૂબીને રહેશે.
ઇસ્લામ અલ્લાહની જીવન વ્યવસ્થાનું નામ છે.
અલ્લાહનો આ દીન હંમેશાથી એક જ રહ્યો છે. આ ઇસ્લામ જ છે જે તેણે દરેક યુગમાં તે મહાત્માઓ ઉપર અવતરિત કર્યો, જેને ઇશદૂત અને પયગમ્બર કહેવામાં આવે છે. આ જ દીન અંતિમ વાર અલ્લાહના નબી હઝરત મુહમ્મદ (સ.અ.વ.) પર મોકલવામાં આવ્યો. તેને જેવો અને તેવો સુરક્ષિત કરી દેવામાં આવ્યો અને કયામત સુધીના સમય માટે ઇશદૂતત્વ અને પયગમ્બરનો ક્રમ સમાપ્ત કરી દેવામાં આવ્યો.

ઇસ્લામ શું છે ?
આ દીન એક વિચારધારા પણ છે અને વ્યવહાર પણ, આસ્થા પણ છે અને ઇબાદત પણ. સદાચરણ પણ છે અને નીતિ-નિયમો પણ. આ અલ્લાહથી માનવીનો સંબંધ પણ જોડે છે અને માનવીઓમાં એક બીજા વચ્ચે સંબંધોને સુધારે પણ છે. આ વ્યક્તિની સુધારણા પણ કરે છે અને સમાજની રચના પણ. આ પવિત્રતા અને શુદ્ધતા પણ છે અને સતત પ્રયત્નશીલતા અને સંઘર્ષ પણ. આમાં આત્માની શાંતિ પણ છે અને આર્થિક જરૃરિયાતોની પૂર્તિ પણ. આ માનવીના સ્વભાવ, લાગણીઓ અને વિચારોની પણ સંભાળ લે છે અને તેના મામલાઓની પણ દેખ રેખ રાખે છે. આ તેની આત્માને ખુદાની સામે ઝુકાવે છે અને શરીરને તેના આદેશોનો પાબંદ બનાવે છે. આ દીન સ્ત્રીઓ માટે પણ છે અને પુરૃષો માટે પણ. યુવાનો માટે પણ છે અને ઘરડાઓ માટે પણ. રાજાઓ માટે પણ છે અને પ્રજા માટે પણ, અમીર માટે પણ છે અને ગરીબ માટે પણ. આ દરેકના અધિકાર પણ બતાવે છે અને ફરજો પણ. વ્યક્તિ અને સમાજ પર ખુદાનું શાસન સ્થાપે છે. તેનું શાસન જાહેર ઉપર પણ છે અને આંતરિક પણ. આ વ્યક્તિને શુદ્ધ પવિત્ર જીવન અને કોમને સર્વોપરિતા અને પ્રગતિ પ્રદાન કરે છે. આ પાક ખુદાનો દીન છે તેમાં દુનિયાની સફળતા પણ છે અને પરલોકની સફળતા પણ. “અને કોઇ કહે છે કે હે અમારા રબ ! અમને દુનિયામાં પણ ભલાઇ આપ અને આખિરત (પરલોક)માં પણ ભલાઇ આપ અને આગ (નર્ક)ની સજાથી અમને બચાવી લે.” (સૂરઃબકરહ – ૨૦૧)

ઇસ્લામની આસ્થાઓ
દરેક વ્યવસ્થા તંત્રના કેટલાક સિદ્ધાંતિક સ્તંભો હોય છે, જેના ઉપર તેની આખી ઇમારત ઉભી હોય છે. આ સ્તંભોને તોડી નાખવામાં આવે તો આ ઇમારત ધ્વસ્ત થઇને કાટમાળમાં પરિવર્તિત થઇ જાય છે. ઇસ્લામની આસ્થાથી તેના વૈચારિક આધારનું નિર્માણ થાય છે. તેના દ્વારા તેનું સમગ્ર વિવરણ સામે આવે છે અને એક વ્યાપક જીવન વ્યવસ્થા અસ્તિત્વમાં આવે છે. આ આસ્થાઓ વિના આ વિવરણ પોતાના લાભો સદંતર ગુમાવી દે છે અને આ વ્યવસ્થાની સ્થિતિ એક નિર્જીવ માળખુ બનીને રહી જાય છે.
ઇસ્લામની આસ્થાઓ આપણી આ ભૌતિક દુનિયાથી બહારની કેટલીક હકીકતોને માનવાનું નામ છે. પરંતુ તેનો પ્રભાવ અને પરિણામ આ જ ભૌતિક, આત્મિય અને પ્રાકૃતિક અને માનસિક દુનિયામાં જાહેર થાય છે. આ આસ્થાઓ માનવીની મુંઝવણ અને પરેશાનીનો સચોટ જવાબ આપે છે કે આ સંસાર શું છે ? તે પોતે કોણ છે ? ક્યાંથી આવ્યો છે ? તેને ક્યાં જવાનું છે ? તેના માટે સાચો માર્ગ ક્યો છે ? તેની મંઝિલ શું છે ? તેનું પરિણામ શું આવવાનું છે ? આ આસ્થાઓને સ્વિકારીને તે આ નક્કી કરે છે કે આ દુનિયા ફકત એક ઇશ્વરની છે. માનવી તેનો ગુલામ છે. તે ઇશ્વર એ જ પોતાના સંદેશવાહકો દ્વારા તેને જ્ઞાન અને માર્ગદર્શન પુરૃ પાડ્યું છે. આ જ્ઞાન દ્વારા તેને દુનિયામાં પવિત્ર જીવન અને પરલોકમાં સફળતા અને હંમેશની સફળતા પ્રાપ્ત થઇ શકે છે. આ જવાબથી તેની પરેશાની દૂર થઇ જાય છે અને તેનું દુઃખ અને ગભરામણ દૂર થઇ જાય છે. તેને તે વસ્તુ પ્રાપ્ત થાય છે જેના વિના દુનિયા શાંતિ અને ચેનથી વંચિત છે અને અંધકારમાં ભટકી રહી છે.
આ આસ્થાઓ માનવીના સમગ્ર જીવનને એક વિશિષ્ટ દિશા પ્રદાન કરે છે. તે તેને એક ઇશ્વરનો બંદો અને દુનિયાનો અત્યંત જવાબદાર માનવી બનાવે છે. તે તેને કુફ્ર, શિર્ક (બહુદેવવાદ)થી, નાસ્તિક્તાથી, કુરિવાજો અને અંધશ્રદ્ધાથી અને તમામ ઝુઠી વિચારસરણી અને ખોટા દૃષ્ટિકોણથી સુરક્ષિત રાખે છે. ઇસ્લામ શરીઅત અને નીતિ-નિયમોની એક સંપૂર્ણ વ્યવસ્થા ધરાવે છે. તેમાં જીંદગીના દરેક ક્ષેત્રથી સંબંધિત બોધ અને માર્ગદર્શન છે. આ આસ્થાઓને માની લીધા પછી તે આપોઆપ આ પુરી વ્યવસ્થાને કબુલ કરી લે છે અને તેનો પાબંદ બની જાય છે. તેને માન્યા વગર આ વ્યવસ્થા ન તો તેના માટે સ્વિકાર્ય બની શકે છે અને ન જ તેના ઉપર તે એકાગ્રતાપુર્વક અમલ કરી શકે છે. જે વ્યક્તિને અલ્લાહ ઉપર સંપૂર્ણ વિશ્વાસ છે તેના જ માટે આ શક્ય છે કે તે અન્યોની ખુદાઇનો ઇન્કાર કરે, જેને હઝરત મુહમ્મદ (સ.અ.વ.)ની રિસાલત (ઇશદુતત્વ) પર શ્રદ્ધા હોય તે જ દિલથી તેમનું અનુસરણ પણ કરી શકે છે અને તેના ઉપર મક્કમપણે અડગ રહી શકે છે. જેને પરલોકના બદલા અને પૂણ્યનું વિશ્વાસ હોય તેની જ અંદર આ હિંમત હશે કે દીન માટે દુનિયાના લાભોનું બલિદાન આપી દે. ઇતિહાસ સાક્ષી છે કે આ આસ્થાઓનો સ્વિકાર કર્યા વગર કોઇએ તેની વૈદ્યાનિક વ્યવસ્થાનો ક્યારેય અંગીકાર નથી કર્યો.
પ્રશ્ન ફકત આ દુનિયાનો જ નથી. આખેરતમાં મુક્તિનો આધાર આ જ આસ્થાઓ ઉપર રહેલો છે. જે વ્યક્તિ ખુદા, રસૂલ અને આખેરતને દિલથી માને તે જ ત્યાં સફળ થશે અને જે આ હકિકતોનો ઇન્કાર કરશે તેને ખુદાના પ્રકોપથી કોઇ ચીજ બચાવી નહી શકે.

ઇસ્લામની ઇબાદતો (ઉપાસનાઓ)
આસ્થાઓ પછી ઇસ્લામમાં ઇબાદતોનું સ્થાન છે. નમાઝ, રોઝા, હજ, ઝકાત, ઝિક્ર, દુઆ અને તોબા (પશ્ચાતાપ) વગેરે તેના વિવિધ પ્રકારો છે. અલ્લાહથી માનવીનો સંબંધ કોઇ એક પાસાથી નથી પરંતુ ઘણા પાસાઓથી છે. ઇબાદતોથી તેના સંબંધના આ જ પાસાઓ જાહેર થાય છે. નમાઝ સાંગોપાંગ વિનમ્રતા અને સમર્પણ છે. તેના દ્વારા માનવી બંદગીનું સંપૂર્ણ ચિત્ર બની જાય છે અને પોતાને અલ્લાહ સમક્ષ ઝુકાવીને તેની ખુદાઇનો સ્વિકાર કરે છે. ઝકાત આ બાબતની નિશાની છે કે બંદો અલ્લાહના આદેશ આજ્ઞા પ્રમાણે પોતાનો માલ ખર્ચ કરી શકે છે. નમાઝમાં માનવીનું તન,મન, અને પ્રાણ ખુદાના હવાલે હોય છે અને ઝકાતમાં તે પોતાનોે માલ તેને ભેટ ચઢાવે છે. નમાઝ અને ઝકાત એ વાતની સાબિતી છે કે માનવીને અલ્લાહથી પણ મુહબ્બત છે અને તેના બંદાઓ પ્રત્યે પણ તે હમદર્દી ધરાવે છે. રોઝા ખુદાનો ડર અને સંયમ ઉત્પન્ન કરે છે અને ધીરજ અને મક્કમતાનું શિક્ષણ આપે છે. હજ અલ્લાહના માર્ગમાં ઘર-બાર છોડવા, દોડ-ધૂપ કરવી અને પોતાની પ્રિય વસ્તુઓને કુરબાન કરવાનું નામ છે. આ પ્રમાણે ઇબાદતો વિવિધ રીતોથી તે સંબંધને ઉજાગર કરે છે જે ખુદા અને બંદા વચ્ચે છે અને હોવો પણ જોઇએ.
આ ઇબાદતો સારી રીતે કરવામાં આવે તો તેનાથી સંયમ, સમર્પણ, ડર, વિનમ્રતા અને નિખાલસતા જેવા ગુણો ઉત્પન્ન થાય છે અને માનવીનું સંપૂર્ણ અસ્તિત્વ ખુદા આગળ ઝુકી જાય છે. તેના તમામ કર્મો તેના જ બની જાય છે. તે સૌથી વધારે અલ્લાહથી ડરનાર અને સૌથી વધારે તેનાથી પ્રેમ કરનાર બની જાય છે. તે તેની ઇબાદત અને આદેશ પાલનમાં લિજ્જત અનુભવવા લાગે છે અને તેની ગુનાહગારી અને અવજ્ઞાકારી તેના માટે અસહ્ય બની જાય છે. તેનામાં અથાક પ્રયત્નો અને સંઘર્ષની આત્મા પેદા થઇ જાય છે. વિષમ પરિસ્થિતિઓમાં અડીખમ રહેવાની હિંમત આવી જાય છે. માનવ સેવા, સમાનતા અને હમદર્દીની ભાવના જાગી ઉઠે છે અને તેનું સમગ્ર જીવન અલ્લાહ માટે થઇ જાય છે. આ રીતે તેના દરેક કાર્યો ઇબાદત બની જાય છે અને તે સહસા પોકારી ઉઠે છે ઃ “નિઃશંક મારી નમાઝ, મારી સર્વ ઇબાદતની વિધિઓ, મારૃં જીવવું અને મારૃં મરવું બધું જ અલ્લાહ રબ્બુલ આલમીન માટે છે.” (કુઆર્ન-૬ઃ૧૬૨)

ઇસ્લામની નૈતિકતા
આસ્થાઓ અને ઉપાસનાઓ પછી ઇસ્લામે સૌથી વધારે જોર અખ્લાક અર્થાત્ નૈતિકતા ઉપર આપ્યું છે. નૈતિકતાથી માનવ સંબંધોમાં સદ્ગુણ, સારપ, અને શ્રેષ્ઠતા ઉત્પન્ન થાય છે અને એક વ્યક્તિનું અસ્તિત્વ બીજી વ્યક્તિ માટે લાભદાયક અને શાંતિદાયક બને છે.
નૈતિકતા માનવીના ચારિત્ર્યનો શ્રેષ્ઠ માપ-દંડ છે. તેનાથી જાણી શકાય છે કે તેના ઉપર જીવન વ્યવહારમાં ક્યાં સુધી વિશ્વાસ કરી શકાય છે ? તેને અન્યોથી કેટલો પ્રેમ છે ? તે તેમના માટે શું બલિદાન આપી શકે છે ? તેમના દુઃખ દર્દનો તેને કેટલી હદ સુધી અહેસાસ છે ? અને તે એમના શું કામમાં આવી શકે છે ? નૈતિકતા વગર આદમી કાં તો લાગણીઓથી ખાલી એક નિર્જીવ મશીન બનીને રહી જાય છે અથવા તો એક ખતરનાક જંગલી જાનવર.
કુઆર્ન મજીદે જ્યાં જ્યાં ઇમાનવાળાઓના મુખ્ય સદ્ગુણોનું વર્ણન કર્યું છે ત્યાં તેમના ચારિત્રિક સદ્ગુણોનું અચુક વર્ણન કર્યું છે. તે ઊચ્ચ ચારિત્ર્ય વગર કોઇ મોમિન (આસ્થાવાન)ની કલ્પના નથી કરતો. તે ઇમાનવાળાઓ વિષે કહે છે કે તે માનવીઓનો શુભચિંતક અને હમદર્દ હોય છે તે પોતાની જાત ઉપર બીજાઓને પ્રાથમિક્તા આપે છે તે સત્યવાદી, સાચા, દિયાનતદાર અને અમાનતદાર હોય છે. તે વાયદાના પાબંદ હોય છે તે વ્યભિચાર અને દુરાચારથી દૂર રહે છે અને શીલવાન હોય છે. તે માફી અને દરગુજરથી કામ લે છે. તેમનામાં ઘમંડ નથી હોતો. મહેમાનનવાઝી અને નમ્રતા તેમનો ધર્મ છે. તે નરમ અને શાંત સ્વભાવના હોય છે. અજ્ઞાનતા અને જંગલિયતનું પ્રદર્શન નથી કરતા. તે ધન દોલતને ખુદાની અનામત સમજે છે. ન તો તેમનામાં કંજુસાઇ હોય છે અને ન જ તે ખોટા કામોમાં ધન દોલત ખર્ચે છે. તે હકદારોના હક્કોને જાણે છે. જુલ્મ અને અત્યાચારથી તેમનો દામન પાક હોય છે. તે નાહક કોઇનું ખૂન નથી કરતા, કોઇનો માલ પચાવી નથી પાડતા અને કોઇના ઉપર અન્યાયપૂર્ણ હાથ નથી ઉઠાવતા. તે અલ્લાહના નેક બંદા હોય છે. અલ્લાહના કોઇ બંદાને તેમનાથી કદાપિ કોઇ તકલીફ નથી પહોંચતી.
વળી આ નૈતિક મૂલ્યો તેની નજીક ન તો બદલાય છે અને ન અલ્પજીવી હોય છે, પરંતુ તે હંમેશા માટે સ્થાયી, કદર અને કિંમત ધરાવે છે. સત્ય અને ન્યાયનો વ્યવહાર દરેક સાથે હોવો જોઇએ અને કાયમ માટે હોવો જોઇએ. છેતરપીંડી અને ખયાનત જેવી રીતે સ્વજનો સાથે અયોગ્ય છે તેવી જ રીતે અન્યો સાથે પણ અયોગ્ય છે. દિયાનત અને અમાનતની પાબંદી દરેક પરિસ્થિતિમાં કરવી જોઇએ. વાયદો જેના સાથે પણ કરવામાં આવે તેને પુરો કરવો જરૂરી છે. ઇસ્મત (આબરૃ) અને સતીત્વનું મહત્વ હંગામી નથી પરંતુ હંમેશા માટે અને સ્થાયી છે. વ્યભિચાર અને દુરાચાર કોઇપણ સ્વરૃપમાં સ્વિકાર્ય નથી.
આવી રીતે ઇસ્લામે મૌલિક નૈતિક ચારિત્રની સ્પષ્ટ વિચારધારા પ્રદાન કરી છે. દુષ્કર્મ અને સતકર્મ બંનેની વિસ્તારપૂર્વક છણાવટ કરી દીધી છે. દુષ્કર્મોથી હંમેશા માટે રોકી દીધા અને સત્કર્મોના સ્થાયી રીતે પાબંદ બનાવી દીધા.
આ સાથે તેની નજીક ઇમાનવાળા સત્યના ધ્વજવાહકો હોય છે. એમના દ્વારા ધરતી પર સત્ય અને ન્યાયની સ્થાપના થાય છે. આ મહાન કાર્ય જે ઉચ્ચ નૈતિક ગુણોનો તકાદો કેરે છે તેનાથી એમના જીવન સુશોભિત બને છે. તે સત્યના સાથી અને અસત્યના દુશ્મન હોય છે. તે ઉતાવળીયા અને ક્ષણિક સ્વભાવવાળા નથી હોતા. તે મુશ્કેલીઓનો ધૈર્યપૂર્વક સામનો કરે છે. તેમને તોડી તો શકાય છે પરંતુ હટાવી શકાતા નથી. તે સાહસ અને શૌર્યના બીબામાં ઢળેલા હોય છે. એક અલ્લાહ સિવાય કોઇનો પણ ડર તેમના દિલોમાં સ્થાન પામી શકતો નથી. તે પોતાના ધ્યેય માટે પ્રાણની બાજી લગાવી શકે છે, માલ લૂંટાવી શકે છે, રિશ્તેદારો અને સગા-વહાલાની કુરબાની આપી શકે છે. સત્ય વાત, તેમને ફાંસીના માંચડે પણ કહેતા આવડે છે. એમને કોઇપણ કિંમતે ખરીદી શકાતા નથી. તે અલ્લાહના દીન માટે જીવતા હોય છે અને મરતા હોય છે. તેમની દોસ્તી અને દુશ્મની બધુ અલ્લાહ માટે જ હોય છે.

ઇસ્લામના આચરણ (વ્યવહાર)
ઇસ્લામે નૈતિકતાના શિક્ષણ સાથે જીવનના વ્યવહારની પણ સુંદર વ્યવસ્થા કરી છે અને તેના માટે વ્યાપક નિયમો અને માર્ગદર્શન આપ્યા છે. ઇસ્લામની અવધારણા આ છે કે ઇબાદત જ નહીં, જિંદગીના સર્વ વ્યવહારો ખુદાના દીનના આધિન હોવા જોઇએ. માનવી ખુદાનો બંદો છે. તેને આ અધિકાર નથી કે ખુદાની હિદાયત (માર્ગદર્શન)થી બેપરવા બનીને પોતાના મામલા પોતાની ઇચ્છા પ્રમાણે હલ કરે અને તેના માટે કાનૂન બનાવે, જ્યારે તે આ પ્રકારનું કોઇ પગલું ભરે છે તો પોતાની હદ મર્યાદાનો ભંગ કરે છે અને સંગીન ગુનાનું કામ કરે છે. પરલોકમાં પણ તેને તેનો જવાબ આપવો પડશે અને દુનિયામાં પણ તેનું પરિણામ સારૃં નહીં આવે. આમ જ્યારે પણ તેણે પોતાને ખુદાઇના સ્થાન ઉપર બિરાજમાન સમજીને પોતાના મામલા હલ કરવા ઇચ્છીયું ત્યારે તે મુશ્કેલીઓની સ્થિતિમાં સપડાઇ ગયો અને સત્ય અને ન્યાયનો પાલવ છોડી બેઠો, ક્યારેક કોઇ વ્યક્તિ ઉપર અત્યાચાર થયો, ક્યારેક જમાઅત ઉપર કોઇ એક સંપ્રદાયે જુલ્મ કર્યો તો ક્યારેક બીજા સંપ્રદાયે. પોતાના મામલાને ખુદાના દીનથી અલગ પાડ્યા પછી આ પરિણામનું જાહેર થવું આવશ્યક હતો. એનાથી ન તો તે આજ સુધી બચી શક્યો છે અને ન આગળ ભવિષ્યમાં બચી શકશે.
ઇસ્લામ આપણી રાજકિય, આર્થિક અને સામાજિક વ્યવસ્થાને ખુદાની ઇચ્છાને આધીન બનાવે છે અને ખાનદાનથી લઇને શાસન અને રાજ્ય સુધી દરેક વિભાગને ન્યાય અને ઇન્સાફના પાયા ઉપર ચલાવે છે. આ એક એવો સચોટ કાનૂન હોય છે જે રાજા અને રંક વચ્ચે ફરક નથી કરતો. તે પીડિતને તેનો પૂરેપૂરો હક અપાવે છે અને અત્યાચારીને તેના અત્યાચારની ભરપૂર સજા આપે છે. તે એવા નિયમ બનાવે છે કે નિર્બળમાં નિર્બળ માનવી પણ પોતાને સુરક્ષિત સમજે અને જોરાવરને જુલ્મ કરવાથી હજાર વખત વિચારવું પડે. ઇસ્લામ એક ન્યાયીક વ્યવસ્થાનો ધ્વજવાહક છે અને તેને આ દુનિયામાં સ્થાપિત કરવા ચાહે છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments