Thursday, October 10, 2024
Homeઓપન સ્પેસસ્ટેથોસ્કોપઇસ્લામમાં અર્થકારણ : વિશેષતાઓ અને અગ્રીમતા

ઇસ્લામમાં અર્થકારણ : વિશેષતાઓ અને અગ્રીમતા

દુનિયાએ ઘણી બધી આર્થિક વ્યવસ્થાઓ અજમાવ્યા છતાં પણ કોઇ પણ વ્યવસ્થા માનવીની સમસ્યાઓનું નિરાકરણ કરવામાં સફળ નથી થઇ. ફકત ઇસ્લામ જ એવો ધર્મ છે કે જેની આર્થિક વ્યવસ્થા દરેક માનવી અને દરેક કોમ માટે રહેમત પૂરવાર થઇ છે. ઇસ્લામની આર્થિક વ્યવસ્થા શું છે? તેેની વિશેષતાઓ શું છે ? કુઆર્નમાં એના વિશે અત્યંત સ્પષ્ટ માર્ગદર્શન આપ્યું છે. ટુંકમાં એની વિશેષતાઓ નીચે મુજબ વર્ણવી શકાય છે;
પહેલી વિશેષતા ઃ ઇસ્લામની આર્થિક વ્યવસ્થાની પહેલી વિશેષતા એ છે કે તે અલ્લાહના માલને અલ્લાહની અમાનત સમજે છે. તે હકીકતમાં અલ્લાહનો માલ છે જે અમાનત તરીકે વિવિધ હાથોમાં સોંપવામાં આવ્યો છે અને એટલા માટે સોંપવામાં આવ્યો છે કે તે પોતે એ માલથી લાભાંતિક થાય અને વંચિત લોકો સુધી પણ એ માલ પહોંચાડે. અલ્લાહનો ફરમાન છે કે “અને તમે એમને આપો અલ્લાહના માલમાંથી જે એણે તમને આપ્યું છે.” (સૂરઃનૂર-૩૩). આ આદેશ વ્યક્તિઓ માટે પણ છે, સમાજ માટે પણ છે અને ઇસ્લામી રાજ્ય તથા ઇસ્લામી વ્યવસ્થા માટે પણ છે. દરેકની ફરજ છે કે તે પોતાની હેસિયત અને પરિસ્થિતિ મુજબ ગરીબોની મદદ કરે. દરેક માલ અલ્લાહનો માલ છે. એના પરથી આ વાત પણ સાબિત થાય છે કે કોઇ જરૂરતમંદને વ્યાજ ઉપર નાણાં આપવા અથવા ઉછી પૈસા પર વ્યાજનો દર નક્કી કરવું તદ્દન હરામ છે. આજ કારણ છે કે વ્યાજનો ધંધો કરવાવાળાની વિરૂદ્ધ અલ્લાહ અને તેના રસૂલ સ.અ.વ. તરફથી ખુલ્લો એલાને જંગ છે.

બીજી વિશેષતા: ઇસ્લામમાં આર્થિક વ્યવસ્થાની બીજી વિશેષતા એ છે કે તે માલને કોઇ એક વ્યક્તિ, કોઇ વિશેષ। વર્ગ, વિશેષ કુટુંબ અથવા કોઇ વિશેષ કોમના હાથોમાં જોવા ઇચ્છતો નથી. તે ઇચ્છે છે કે તે માલ વધુમાં વધુ લોકો સુધી પહોંચે. આ ફકત ધનવાનોના હાથોમાં જ ન રહે. બલ્કે ગરીબો અને નાદારો સુધી પણ પહોંચે અને વધુમાં વધુ હાથો સુધી પહોંચે. જ્યારે આજે દુનિયામાં જે આર્થિક વ્યવસ્થા પ્રચલિત છે એ પ્રયત્ન કરે છે કે આખી દુનિયાની દોલત સમેટીને એક જ લોબીના હાથમાં આવી જાય અને પછી તે આખી દુનિયાને જેમ ચાહે તેમ નચાવે. જ્યારે ઇસ્લામ અલ્લાહનો દીન છે. જે બધા ઇન્સાનો માટે રહમત બનીને આવ્યો છે. તે આવી માનસિકતાને ખૂબ જ નાપસંદ કરે છે. એ તો ઇચ્છે છે કે અલ્લાહની નેઅમતોથી બધા માણસો સરખી રીતે લાભાંવિત થાય. આ ધ્યેયને પ્રાપ્ત કરવા માટે કુઆર્ન પાકે વિવિધ રીતો અખ્તીયાર કરી છે.

પહેલી વાત તો આ છે કે દરેક માલદારના માલમાં ગરીબોનો નિયત હિસ્સો નક્કી કરવામાં આવ્યો. બીજી બાજુ છે એ વાતની પણ તાકીદ કરવામાં આવી કે મરનાર વ્યક્તિના માલ પર કોઇ એક વ્યક્તિ કબ્જો ન કરી લે પણ બધા જ નજીકના સગામાં વહેંચી દેવામાં આવે. પુરૃષોની સાથે સાથે સ્ત્રીઓમાં પણ પહોંચવામાં આવે. આ જ ધ્યેયને પ્રાપ્ત કરવા માટે ઝકાતની વ્યવસ્થા ઉભી કરવામાં આવી. ઝકાત ઉપરાંત સદ્કા, ખેરાત અને ઇન્સાફની તાકીદ કરવામાં આવી. સાથો સાથ આ વાતની પણ તાકીદ કરવામાં આવી કે આપવાવાળો ઘમંડ ન કરે. જેની મદદ કરે એને દુઃખ ન આપે. એના પર એહસાન ન જતાવે. ઉલ્ટાનું એને એ એહસાસ થાય કે તે તેનો હક્ક તેના સુધી પહોંચાડી રહ્યો છે અને જો એનું હક્ક પહોંચાડવામાં કોઇ ઉણપ હોય અથવા ઢીલાશ થઇ હોય તો આખિરતમાં તેની જવાબદારી મુશ્કેલ થશે. આનું પરિણામ એ થાય છે કે લેવા વાળાનું આત્મસમ્માન જળવાઇ રહે છે અને સમાજમાં અમીર-ગરીબ એવી રીતે રહે છે. જેવી રીતે એક જ ઘરમાં મોટો ભાઇ પોતાના નાના ભાઇ સાથે રહે છે.

ત્રીજી વિશેષતા: ઇસ્લામની આર્થિક વ્યવસ્થાની ત્રીજી વિશેષતા એ છે કે તે માનવોને પોતાના સ્તરથી ઉપર લઇ જાય છે. તે અલ્લાહની નેઅમતોની કદર કરવાનું શીખવે છે. તે નેઅમતો તેની પોતાની હોય કે બીજાની દરેક પરિસ્થિતિમાં તેમની સુરક્ષા કરવાની ભાવના પેદા કરે છે. અનાથના માલની સુરક્ષાની તાકીદ કરતા અલ્લાહ ફરમાવે છે, “અને પોતાના તે માલ જેમને અલ્લાહે તમારા માટે જીવન-નિર્વાહ માટેના સાધનો બનાવ્યા છે, નાસમજ લોકોને ન સોંપો. અલબત્ત, તેમને ખોરાકી-પોશાકી (ખાવા-પહેરવાનો ખર્ચ, નિર્વાહનો ખર્ચ) આપો અને તેમને સારી શિખામણ આપો.” (સૂરઃ અન્-નિસા, આયત-૫) અહીં અનાથના માલને તેનું પોતાનું માલ સ્વીકારતા એ માલને અનાથના વાલી અથવા સરપરસ્તનું માલ કહેવું બહુ મહત્વનું છે. ઇસ્લામની આર્થિક વ્યવસ્થાનું એક વિશેષ પાસુ છે કે એ મનુષ્યને અનુભૂતિ કરાવે છે કે તે કોઇપણ માણસને પારકો ન સમજે અને કોઇના માલને પણ પારકો માલ ન સમજે. દરેક મનુષ્ય તેનો પોતાનો ભાઇ છે. દરેક માલ તેનો પોતાના માલ છે. તેથી તેના માલની સુરક્ષા કરવી આ તેની ફરજ છે. અને કોઇ પણ સંજોગોમાં તેને બરબાદ ન કરે. હકીકત પણ આજ છે કે માલ કોઇ એક વ્યક્તિનો નથી હોતો. તે બરાબર એક હાથથી બીજા હાથમાં સ્થાળાંતર થતો રહે છે. આમ તે એકનો હોવા છતાં પણ બધાનો હોય છે. કદાચ આ જ કારણ છે કે વહાલા નબી સ.અ.વ. દુશ્મનો સાથે યુદ્ધ કરવા કોઇ સેના મોકલતા ત્યારે સખત રીતે આ વાતની તાકીદ કરતા કે રસ્તામાં કોઇ તોડફોડ કરશે નહિ. વગર કારણે કોઇ નુકસાન પહોચાડશે નહિ. ઇસ્લામ જયાં સામાન્ય માલ અથવા જરૃરિયાતની ચીજોને નુકસાન પહોંચાડવાથી રોકે છે ત્યાં આ વાતની પણ તાકીદ કરે છે કે પોતે પોતાની દોલતને વ્યર્થ ખર્ચ ન કરે. તેને સારા અને ઉપયોગી કામોમાં ખર્ચ કરવામાં આવે. ઇસ્લામી આર્થિક વ્યવસ્થામાં દરેક વ્યક્તિને વ્યર્થ ખર્ચથી રોકવામાં આવશે. જે કોઇ આનું ઉલંઘન કરશે તો સરકાર એના વિરૂદ્ધમાં યોગ્ય પગલા લેશે અને એના ખોટા ખર્ચ પર અંકુશ મુકવામાં આવશે.

ચોથી વિશેષતા: ઇસ્લામી અર્થ વ્યવસ્થાની ચોથી વિશેષતા આ છે કે આમાં બીજાની માલ મિલકત પર અવૈધ અને નાહક કબજો કરવાની પરવાનગી રહેશે નહિ. અલ્લાહ તઆલા ફરમાવે છે, “હે લોકો, જેઓ ઇમાન લાવ્યા છો ! પરસ્પર એકબીજાનો માલ અનુચિત રીતે ન ખાઓ, તમારી વચ્ચે લેવડદેવડ અથવા ખરીદવેચાણ થવી જોઈએ પરસપર સંમતિથી, અને પોતે પોતાની હત્યા ન કરો. વિશ્વાસ રાખો કે અલ્લાહ તમારા ઉપર મહેરબાન છે.” (સૂરઃનિસા-૨૯). આ એક મહત્વની આયત છે જેમાંથી ઇસ્લામી આર્થિક વ્યવસ્થાના સંબંધમાં બે મહત્વપૂર્ણ વાતો સામે આવે છે. પહેલી વાત એ છે કે ઇસ્લામની આર્થિક વ્યવસ્થા કોઇપણ ભોગે બીજાનો માલ ખોટી રીતે ખાવાની પરવાનગી આપતો નથી. અર્થાત એ વાતની પરવાનગી નથી આપતો કે પોતાની આર્થિક પરિસ્થિતિ સારી બનાવવા માટે બીજા લોકો અથવા બીજી કોમોને નુકસાન પહોંચાડવામાં આવે. જે આવું કરે છે તે ઇસ્લામની દૃષ્ટિમાં અપરાધી છે. શરીઅતમાં ચોરો અને ડાકુઓના હાથ કાપવા આ જ અપરાધની સજા છે. કોઇ કોમ માટે આ વાત કોઇ પણ રીતે જાઇઝ નથી કે તે બીજી કોમોના મુલ્યવાન ભંડોળ અથવા આર્થિક સાધનો પર કબ્જો કરી લે અને ત્યાંની સંપત્તિ પોતાના વતનમાં લઇ જાય. જે દેશની સંપત્તિ છે તે એ જ દેશના રહીશોની છે અને સૌપ્રથમ તેનો લાભ એ જ દેશના લોકોને મળવો જોઇએ. ઇસ્લામ તો આ બાબતે એટલો બધો સંવેદનશીલ છે કે એની પણ પરવાનગી આપતો નથી કે કોઇ એક દેશની ઝકાત બીજાક દેશમાં લઇ જવામાં આવે. દરેક દેશની ઝકાત તે જ દેશના ગરીબોનો હક્ક છે તે એક જ શરતે બીજા પ્રદેશમાં લઇ જઇ શકાય છે જ્યારે ત્યાં ગરીબો ન હોય. વ્હાલા નબી સ.અ.વ. ફરમાવ્યું કે ઝકાત તેમના માલદારો પાસેથી લેવામાં આવશે અને તેમના જ ગરીબોમાં વહેંચવામાં આવશે.

ઉમ્મતે મુસ્લિમાએ પોતાના ઇતિહાસમાં ફરમાને ઇલાહી (લાતાકુલુ અમવાલોકુમ બયનાકુમ બિલ બાતિલ)નું પૂરેપૂરૃં આદર કર્યું. એને કદાપી માત્ર મિત્રો જ નહિ બલ્કે શત્રુઓને પણ લૂંટવાની અને તેમના કિમતી ભંડોળ ઉપર કબ્જો કરવાનો પ્રયત્ન નથી કર્યો. અપવાદરૃપમાં આવા શાસકો પણ ઇતિહાસમાં મળે છે. જેમને આ આદેશનું ઉલંઘન કર્યું પણ આવા શાસકોના આ કૃત્યોને ક્યારેય પણ ઉમ્મતે મુસ્લિમાનું સમર્થન મળ્યું નથી. હંમેશા આવા શાસકોને ઉમ્મતે મુસ્લિમાએ નફરત અને ધિક્કારની નજરથી જોયું છે. બીજી વાત જે આ આયતથી માલૂમ થાય છે એ આ છે કે વ્યાપારની આત્મા વેચનાર અને ખરીદનારની પરસ્પર મરજી છે. આમાં એ વાત પણ સામેલ છે કે બીજા પક્ષ વાળાની કમજોરી અથવા મજબૂરીથી ખોટી રીતે લાભ મેળવવામાં ન આવે. તેને કોઇપણ પ્રકારની ખોટ આપવામા ન આવે. એની સાથે સચ્ચાઇ અને ઇમાનદારીનો વ્યવહાર કરવામાં આવે એને જે વસ્તુ આપવામાં આવે તે દરેક જાતના મિશ્રણ અને દરેક જાતના નુકસાનથી પવિત્ર હોય. માલ ખરીદવાવાળાની ફરજ છે કે જે વસ્તુ એ ખરીદી રહ્યા છે તેની યોગ્ય કીંમત ચૂક્વે. વેચનારની મજબૂરીનો ફાયદો ઉઠાવીને મજબૂરીનો લાભ લેવો તે ઇસ્લામની દૃષ્ટિએ નાજાઇઝ છે. એવી રીતે જ વેચનારની આ ફરજ છે કે તે ખરીદનારને સારો અને ચોખ્ખો માલ આપે. જો માલમાં કોઇ ખામી હોય તો સંકોચ વિના એને બતાવી દે. અને માલમાં જે ખામી હોય તેને ધ્યાનમાં રાખીને માલની કીંમતમાં પોતે જ ઘટાડો કરી આપે.

આજે માલની ઓરીજનાલીટી અને પ્યોરીટી (ચોખ્ખાપણું)ની સમસ્યા ખૂબ જ વધી ગઇ છે. આજે કોઇપણ વસ્તુ ખરા અને ચોખ્ખા સ્વરૃપમાં મેળવવી મુશ્કેલ છે. આજે માણસ જે વસ્તુઓ પોતાના હાથથી બનાવી રહ્યો છે. એ તો ઠીક પણ ખેતરોમાં ઉગાડવામાં આવેલ શાકભાજી. પશુંઓ પાસેથી પ્રાપ્ત દૂધ, દહી અને વૃક્ષો પરથી તોડવામાં આવેલ ફળ પણ સંતોષકારક રહ્યા નથી. આનું પરિણામ આ છે કે આજે વેપાર મનુષ્ય માટે રાહત અને ફાયદાના બદલે બીમારી અને મોતનો સોદો બની ગયો છે. આજે માણસ મોટી મોટી રકમો ચૂકવીને દવાના નામ પર રોગો અને ખોરાકના નામે મોતને ખરીદી રહ્યો છે.

પાંચમી વિશેષતા: ઇસ્લામી અર્થ વ્યવસ્થાની પાંચમી મોટી વિશેષતા આ છે કે તે ગંદકી અને નાપાકીથી તદ્દન પાક હશે અલ્લાહ તઆલાએ કુઆર્નમાં ફરમાવ્યું છે, “તેઓ તમને પૂછે છે, તેમના માટે કઇ વસ્તુઓ હલાલ કરવામાં આવી છે ? કહી દો તમારા માટે બધી પાક વસ્તુઓ હલાલ કરવામાં આવી છે.” (સૂરઃમાયદા-૨). આનો સ્પષ્ટ અર્થ આ થાય છે કે ઇસ્લામી શાસનમાં બજારમાં ખાવા પીવાની જેટલી વસ્તુઓ ઉપલબ્ધ હશે તે બધી સાફ-ચોખ્ખી અને પાક-સ્વચ્છ તથા સો ટકા હલાલ હશે. કોઇ વસ્તુ એવી નહીં હોય જે ગંદી, નાપાક અને હરામ હોય.

દવાખાનાઓમાં અને દવાની દુકાનોમાં જેટલી પણ દવાઓ હશે તે બધી સાફ-સ્વચ્છ પાક અને હલાલ હશે. કોઇપણ દવા એવી નહીં હોય કે જેમાં કોઇ હરામ અથવા નાપાક તત્વ સામેલ હોય. બીજા શબ્દોમાં એમ કહી શકીએ છે કે ઇસ્લામી માર્કેટમાં ખાવા પીવાની જેટલી વસ્તુઓ હશે તે બધી દેશની અંદર મુસ્લિમ હાથોથી તૈયાર થયેલી હશે. આવી જ રીતે બધી દવાઓ આપણે ત્યાં તૈયાર થયેલ હશે. જે પ્યોર ઇસ્લામીક ફાર્મ્યુલા મુજબ તૈયાર કરવામાં આવશે. જેમા હરામ અને નાપાક વસ્તુઓનું બિલકુલ મિશ્રણ નહીં હોયે. નબી સ.અ.વ.નો ઇરશાદ છે, “અલ્લાહ તઆલાએ તમારૃ સ્વાસ્થ્ય અને શિફા હરામ વસ્તુઓમાં નથી મુક્યું.”

ટૂંકમાં એમ કહી શકાય કે ઇસ્લામી વ્યવસ્થા માટે જરૂરી હશે કે તે આર્થિક ક્ષેત્રમાં તદ્દન સ્વતંત્ર હોય અને સંપૂર્ણ રીતે પોતે પોતાના પગ ઉપર ઉભો હોય અને કોઇપણ રીતે બીજાઓનો નિર્ભર ન હોય.

છઠ્ઠી વિશેષતા ઃ ઇસ્લામી અર્થ વ્યવસ્થાની છઠ્ઠી વિશેષતા આ છે કે તે ઇસ્લામી રાજ્યમાં રહેવાવાળા બધા નાગરિકોને સરખી રીતે માન આપશે. આ રાજ્યમાં રહેનાર દરેક નાગરિક પ્રથમ દરજ્જાનો નાગરિક હશે. કોઇપણ નાગરિક બીજા દરજ્જાનો નહી હોય. ધર્મના આધાર ઉપર પાયાના હક્કો મેળવવામાં કોઇ ભેદભાવ નહી હશે. શાસન તરફથી જે કર લાદવામાં આવશે તે મુસ્લિમ અને ગેરમુસ્લિમ બધા માટે સરખા હશે. બિનમુસ્લિમ નાગરિકો પર અલગથી કોઇ કર નહી હોય. બિનમુસ્લિમ નાગરિકો અથવા ઝિમ્મીઓ પાસેથી અલગથી જઝિયા વસૂલ કરવાની જે વાત પ્રખ્યાત છે તે સાચી નથી. કુઆર્ને પાકમા બિનમુસ્લિમ રાજ્યો પાસેથી જઝિયા વસૂલ કરવાની વાત કહેવામાં આવી છે. જો કે બિનમુસ્લિમ જનતા પાસેથી કુઆર્નપાકની જે આયતમાં જઝિયા લેવાનું વર્ણન છે તે આ મુજબ છે. “યુદ્ધ કરો ગ્રંથવાળાઓ પૈકી તે લોકો વિરૂદ્ધ જેઓ અલ્લાહ અને આખિરતના દિવસ પર ઇમાન નથી લાવતા અને જે કંઇ અલ્લાહ અને તેના રસૂલે હરામ (અવૈધ) ઠેરવ્યું છે તેને હરામ નથી કરતા અને સત્ય દીન (ધર્મ)ને પોતાનો દીન નથી બનાવતા. (તેમનાથી લડો) ત્યાં સુધી કે તેઓ પોતાના હાથે જઝિયો (રક્ષ–કર) આપે અને આધીન બનીને રહે.” (સૂરઃતૌબા-૨૯). દેખીતી રીતે આ જંગ (યુદ્ધ) બિનમુસ્લિમ રાજ્યો સામે થશે ન કે બિનમુસ્લિમ જનતા સાથે. આ જઝિયો તે જાલિમ રાજ્યોને પરાસ્ત કર્યા પછી તેમના પર લાગુ કરવામાં આવશે. જે હકીકતમાં આ વાતનું પ્રતિક હશે કે તેઓ મુસ્લિમ શાસનને સ્વીકારે છે અને તેની સત્તા હેઠળ છે. તેના વિદ્રાહી નથી. આ છે તે જઝિયો જેનું વર્ણન કુઆર્ન પાકમાં આવ્યું છે. આ જઝિયો જ્યારે પણ લેવામાં આવશે, ગેરમુસ્લિમ રાજ્યો પાસેથી લેવામાં આવશે નહિં કે બિનમુસ્લિમ જનતા પાસેથી.

સાતમી વિશેષતા: ઇસ્લામી અર્થ વ્યવસ્થાની સાતમી વિશેષતા આ છે કે તે મૂડીવાદીઓના કબ્જાથી સ્વતંત્ર હશે. આ વ્યવસ્થામાં સમાજના ગરીબ અથવા કમજોર વર્ગોને દરેક રીતે ઊંચે લઇ જવા માટે ધ્યાન આપવામાં આવશે. જેની પાસે ઘર નથી તેને ઘર આપવામાં આવશે. જેની પાસે ખાવા માટે નથી તેને માનભેર ખાવા પીવાની વ્યવસ્થા કરવામાં આવશે. જેની ઉંમર લગ્ન કરવા લાયક થઇ ગઇ હોય પણ આર્થિક સમસ્યાના કારણે લગ્ન કરી શકતો નથી તેના લગ્ન કરવાની વ્યવસ્થા કરવામાં આવશે. જે દર્દી સારવાર કરાવવા માટે સક્ષમ નથી તેની સારવારની વ્યવસ્થા કરવામાં આવશે. શિક્ષણ મેળવવાની અને પોતાનો વિકાસ કરવાની સગવડ બધાને પ્રાપ્ત થશે. કોઇપણ વ્યક્તિ ગરીબોના કારણે શિક્ષણથી વંચિત રહે નહીં.

ઇસ્લામી અર્થ વ્યવસ્થામાં ક્યારેય પણ ગરીબોને પોતાની આજીવિકા અથવા પોતાના પાયાના હક્કો માટે રાજ્ય સાથે ઝઘડવું નહિ પડે. હડતાલો, ધરણાઓ, સભાઓ, રેલીઓ, કાઢવી નહીં પડે. અરજી સંબંધિત વિભાગના જવાબદારને આપવું પૂરતું હશે.

હજરત ઉમર ફારૃક રદી. એક પ્રસંગે તેમના ખુત્બામાં ફરમાવ્યું, હે લોકો ! તમને તમારા હક્કો પ્રાપ્ત કરવામાં કોઇ કષ્ટ કરવાની જરૃર નહીં પડે. અલ્લાહના માલમાં તમારો જે હક્ક છે તે ઘેરબેઠા તમને મળી જશે. જે મુસ્લિમનો જે હક્ક હશે તે તેના સુધી પહોંચી રહેશે.

હજ્જના જમાનામાં જ્યારે દરેક દેશ અને દરેક શહેરના હાજી એકત્રિત થતા હતા, હઝરત ઉમર રદી. એક એક ટેન્ટમાં પોતે જઇ જઇને લોકોને પૂછતા હતાં કે તમારા વિસ્તારના ગવર્નર કેવા છે ? તે તમારી સાથે કોઇ અન્યાય તો નથી કરતા. તે તમારી જરૃ-રીયાત પૂરી કરવામાં કોઇ કસર તો નથી રાખતો. ઇસ્લામ અર્થ વ્યવસ્થાની આ જ ખૂબી છે કે જ્યારે પણ આ ધરતી પર ઇસ્લામી શાસન કાયમ થયું છે, તેમાં ક્યારેય અમીર-ગરીબનો ઝગડો પેદા નથી થયો. ઇસ્લામી અર્થ વ્યવસ્થામાં હંમેશા અમીર-ગરીબ આવી રીતે હળી મળીને રહ્યા છે કે જેવી રીતે એક જ કુટુંબના સભ્યો હોય. મોમિનીનની આ વ્યાખ્યા અને ઇન્સાફની તાકીદનું આ પરિણામ હતું કે ખિલાફતે રાશિદામાં એક સમય એવો આવ્યો કે કોમના માલદાર લોકો સદકા અને ખેરાત માટે ગરીબો અને જરૂરતમંદોને શોધતા ફરતા હતા પણ એમનાસદકો લેનાર કોઈ ન હોતો મળતો.

આઠમી વિશેષતા ઃ ઇસ્લામી અર્થ વ્યવસ્થાની આઠમી વિશેષતા આ છે કે તે આર્થિક સમસ્યાઓને તદ્દન પ્રાકૃતિક રીતે ઉકેેલે છે. તે ધનના ખોટા ઉપયોગના રસ્તાઓ બંધ કરે છે અને એના વિરૂદ્ધમાં ધનનો વાજબી ખર્ચ બતાવે છે. જીવનને ઊંચી કલ્પના આપે છે અને જીવનની કાયમી ખુશીઓનો રસ્તો બતાવે છે. જેનું પરિણામ એ આવે છે કે ધીમે ધીમે ધન ખરા સ્થાને અને સારા કામોમાં ખર્ચ થવા લાગે છે. આર્થિક સમસ્યાઓનો આનાથી સારો નિરાકરણ શું હોઈ શકે છે ?

અલ્લાહ તઆલાનો ઇરશાદ છે, “જેઓ પોતાની ભૂલોથી સચેત થઇને બંદગીના માર્ગે પાછા ફરે, સગાને તેનો હક્ક આપે અને ગરીબ અને મુસાફરને તેનો હક્ક. ફુઝૂલ (નકામો, બિનજરૂરી) ખર્ચ ન કરો, ફુઝૂલખર્ચ કરનારાઓ શેતાનના ભાઇ છે, અને શેતાન પોતાના રબ (પ્રભુ)નો કૃતધ્ન છે.” (સૂરઃઇસરા-૨૬,૨૭)

અંતિમ શબ્દો: આ ઇસ્લામી અર્થ વ્યવસ્થાનોે ટુંકો પરિચય છે. કુઆર્નની રોશનીમાં આ અર્થ વ્યવસ્થા કોઇ વૈચારિક વ્યવસ્થા નથી, પણ આ એક પ્રાયોગિક વ્યવસ્થા છે, જે પોતાનો એક ભવ્ય ઇતિહાસ ધરાવે છે.

એક જમાનામાં આ વ્યવસ્થા આ ધરતી પર સ્થાપિત થઇ અને એની બરકતથી આ ધરતી શાંતિનું કેન્દ્ર બની ગઇ અને સદીઓથી વંચિત મઝલૂમ અત્યાચારનો ભોગ બનેલા મનુષ્યોને આ પ્રતિત થયું કે જાણે આકાશથી જન્નત (સ્વર્ગ) ધરતી ઉપર ઉતરી આવી છે. પહેલી વખત લોકોને માલૂમ પડ્યું કે સ્વતંત્રતા શું હોય છે ? પ્રેમ શું હોય છે ? મનુષ્યની શ્રેષ્ઠતા શું હોય છે ? સુઃખ અને સંપન્નતા શું હોય છે ? શું એના પહેલા કોઇએ સાંભળ્યું હતું કે પ્રવર્તમાન ખલીફા વહેલી સવારે એક વૃદ્ધાના ઘરે જઇને એના ઘરના પટાંગણમાં ઝાડુ લગાવી રહ્યો છે, અને પોતાના હાથોથી તેની ઊંટણીનું દૂધ દોહીને પોતે પોતાના હાથોથી તેને પીવડાવી રહ્યા છે. હઝરત અબુ સાલેહ ગફફારીનું બયાન છે કે મદીનામાં એ વૃદ્ધ આંધળી સ્ત્રી હતી. હઝરત ઉમર રદી. દરરોજ રાત્રે એના ત્યાં જતા અને ઘરનું જે કાંઇ કામકાજ હોય તે કરી આવતા હતા. પછી કેટલી વાર એવું બનતું કે તેઓ પેલી વૃદ્ધાના ઘરે ગયા તો જોવું કે કોઇએ એમના પહેલા જ આવીને ઘરનું બધુ કામકાજ કરી દીધું અને જતો રહ્યો. છેવટે એક દિવસે તેઓ જુએ છે કે કોણ એમના પહેલા રાત્રે આવીને ઘરનું બધું કામ કરીને જતા રહે છે ? એ રાત્રે એમને ખબર પડી કે આ તો હઝરત અબુબકર રદી જે રાત્રે અંધારામાં આવે છે અને આખા ઘરની સફાઇ અને ઘરનું બધુ કામ કાજ કરીને જપ્ત રહે છે. પણ પેલી વૃદ્ધાને ખબર પડવા દેતા નથી કે તે કોણ છે ?

શું એ પહેલા આકાશના તારાઓએ કદી આ દૃશ્ય જોયું કે તે અમીરૃલ મોમીનીન જેના નામથી રોમ અને ઇરાનની સત્તાઓ ફફડતી હતી. તે ઇન્સાની વસ્તીઓમાં રાત્રીના સમયે એકલો ફરી રહ્યો છે અને જ્યારે દૂર એક ટેન્ટમાંથી બાળકોના રડવાનો આવાજ આવે છે અને નજીક ગયા પછી ખબર પડે છે કે આ બહારથી આવેલો એક કાફલો છે જે રાત્રે અહીંયા રોકાઇ ગયો છે. એની પાસે ખાવા માટે કશું જ નથી અને બાળકો ભૂખથી મરી રહ્યા છે. રાત્રે જ બયતુલમાલનો દરવાજો ખોલાવે છે અને પોતે પોતાની પીઠ ઉપર દાળના બોરા લાદીને તે ટેન્ટ સુધી પહોંચાડે છે પછી પોતે પોતાના મોંથી ફૂંકી ફૂંકીને આગ સળગાવે છે અને જ્યાં સુધી ખાવાનું તૈયાર કરીને બાળકોને ખવડાવી નથી દેતા ત્યાં સુધી ત્યાંથી ખસતા નથી. આ હતા અમીરૃલમુમીનીન હઝરત ઉમર બિન ખત્તાબ રદી!

આહ ! તે કેવો જમાનો હતો ! શું આજનો માનવી આ માનવા માટે તૈયાર થશે કે આ ધરતી પર ક્યારે એવા લોકોએ પણ શાસન કર્યું છે જેઓ આ ધરતી ઉપર ચાલતા હતા અને આકાશની ઊંચાઇઓ એમના કદમ ચૂમતી હતી. આ બધુ ઇસ્લામ અને તેના રાજકીય તથા આર્થિક વ્યવસ્થાની બરકતો હતી.

આજે દુનિયાને કેવી રીતે વિશ્વાસ આપવામાં આવે કે ઇસ્લામના રાજકીય અને આર્થિક વ્યવસ્થાની આ બરકતો છે. અને કેવી રીતે બતાવવામાં આવે કે આજના વૈશ્વિક આર્થિક સંકટ અને સમસ્યાઓથી તે મુક્તિ પ્રાપ્ત કરવા ઇચ્છે છે તો આનો એની સિવાય કોઇ બીજો રસ્તો નથી કે તે ઇસ્લામે આપેલ આર્થિક વ્યવસ્થાનો પ્રયોગ કરે. આ વ્યવસ્થા જ એના તમામ આર્થિક અને રોજગારની સમસ્યાઓનો સૌથી ઉત્તમ ઉકેલ છે. આ એક મહત્વપૂર્ણ પ્રશ્ન છે જેનો જવાબ હું મારા સમજુ અને મહત્વકાંક્ષી નવયુવાનોને તથા બાહોશ મુસ્લિમ વિદ્વાનોને કરૃં છું.

ઇસ્લામની આર્થિક વ્યવસ્થાની આ વિશેષતા છે કે તે સ્વભાવમાં ઉંચાઇ, મસ્તિકમાં વિસ્તૃતતા અને હૃદયોમાં અલ્લાહની મખલૂકથી પ્રેમ કરે છે. તે ધન એેકઠુ કરવાની અથવા તો એશ આરામનું જીવન જીવવાની જગ્યાએ કુર્બાનીની ભાવના પેદા કરવા ઇચ્છે છે.

ઇસ્લામની આર્થિક વ્યવસ્થાને ખરી રીતે કુઆર્નની રોશનીમાં જે સમજી લે છે તેને ગરીબો, અનાથો, મિલ્કતોનો અને દુખી માણસોના આસું લૂંછવામાં જે લિજ્જત મળે છે, તેને કોઇ બીજો શું જાણે ?

અલ્લાહ તઆલા અમોને પોતાના દીન અને પોતાના કુઆર્નનો ખરો પ્રેમ એની લિજ્જતને ઓળખનાર બનાવે અને અમારી રક્ત વાહિનીઓમાં તે વીજળીનો સંચાર કરી દે જે અમને આ વ્યવસ્થાને લઇને આગળ વધવા માટે બેચેન કરી દે. (આમીન)

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments