Saturday, July 27, 2024
Homeમનોમથંનઇસ્લામ એક મહાન અને શાંતિપ્રિય ધર્મ છે

ઇસ્લામ એક મહાન અને શાંતિપ્રિય ધર્મ છે

આજકાલ ઇસ્લામ વિશે હલ્કી કક્ષાની નિવેદનબાજીની જાણે હોડ લાગી હોય. ઇસ્લામ વિશે એલફેલ કે ઉતરતું બોલવાનું એમને કોણે અધિકાર આપ્યો? વિશ્વના મુઠ્ઠીભર અસામાજીક તત્વોના કુકર્મો, કે જેની સાથે ઇસ્લામને જોજનો દૂરનો કોઈ સંબંધ નથી એવા અસામાજીક તત્વોના આચરણ અને કુકર્મોને આડ બનાવીને ઇસ્લામને ગંદો ચિતરનારા આવા તત્વોના ઇરાદા કંઇક જુદા અને ભયંકર પ્રતીત થાય છે. એમનો મુખ્ય આશય ઇસ્લામ વિશે એલફેલ વાતોના વડા બનાવી હિંદુ સમાજની ઉશ્કેરણી કરવી અને ઇસ્લામ તેમજ મુસ્લિમ સમાજ વિશે ગેર સમજો ફેલાવવા માત્રનો છે. જેથી સમાજમાં ઇસ્લામ અને મુસ્લિમ સમાજ વિશે ધૃણા અને નફરતનું સામ્રાજ્ય સર્જી શકાય. આ સિવાય આવા વિકૃત તત્વોનો બીજો કોઈ આશય નથી, જે હિંદુ સમાજના પણ ઘણા સમજદાર અને તટસ્થ તેમજ પુર્વગ્રહથી મુક્ત માનસિકતા ધરાવતો વર્ગ સારી રીતે સમજે અને જાણે છે. સમગ્ર માનવજાત માટે તારણહાર અને દયા બનીને આવેલ ઇસ્લામ તેના ઉપદેશ, તેના માનનારા, તેની શૈક્ષણિક સંસ્થાઓ, તેના માનનારાઓની રહેણી-કરણી, ખાનપાન, ધાર્મિક વિધિઓ વગેરે વિશે બેહુદી અર્થહીન અને ઢંગધળા વિનાની વાતોનો અપ્રચાર કરનારાઓને ઇસ્લામનો કક્કો પણ આવડતો નથી કે તેઓ જાણતા પણ નથી. છતાં આવી વિવિધતામાં એકતા ધરાવનારા ભારત દેશની શાણી પ્રજામાં માત્ર દ્વેષ, ઇર્ષ્યા, અદેખાઈ પ્રગટાઈને હિંસા અને નફરતનું વાતાવરણ ઊભું કરવાનો જ આશય રાખીને વિવિધ પ્રકારના બકવાસ અને વાહિયાત નિવેદનો કરીને પોતાની અજ્ઞાનતા અને મુર્ખામીનું સમાજ પ્રતિ નિરૃપણ કરે છે.

આજે દેશના કરોડો લોકો બે ટંકનું પેટીયુ રળવા અને ઘરના રસોડાના ચુલા પ્રગટાવવા સતત સંઘર્ષ ખેડી રહ્યા છે. યુવાનો લાયકાત ધરાવતા હોવા છતાં નોકરી વગર ટળવળી રહ્યા છે, એક સામાન્ય ઘરના મા-બાપને પોતાના વ્હાલસોયા બાળકના ઉત્તમ શિક્ષણ માટે ભારે મથામણ કરવી પડી રહી છે. ગરીબ અને મધ્યમ વર્ગ માટે આધુનિક તબીબી સારવાર એક સ્વપ્ન સમાન બની ગઈ છે. આજે દરેક પરિવાર કંઇકને કંઇક રીતે આર્થિક સંકળામણનો સામનો કરી રહ્યો છે. ત્યારે આવા નાશ્વંત તેમજ વિધ્વંશક વિચારોનો નાશ કરીને ઉન્મત્ત થઈ ગયેલા અને બેફામ બની ગયેલા આવા વિકૃત તત્ત્વો દેશની કરોડોની જનતાના પ્રાણ પ્રશ્નો અને પાયાની જરૂરીયાતને બાજુએ મુકીને આવા ઉટપટાંગ વિધાનો કરી સમાજના વિવિધ વર્ગો વચ્ચે અવિશ્વાસની ખાઈ ખોદવાની જે ભયંકર ચાલબાજી અને ષડયંત્રોનો આશરો લઈ રહ્યા છે તેને શું આપણે રાષ્ટ્રવાદ કહીશું કે રાષ્ટ્રદ્રોહ? એ સમાજ અને આ રાષ્ટ્રની શાણી અને સમજદાર જનતાને નક્કી કરવાનું છે કે દેશને સતત વિનાશ તરફ ધકેલવાની કોશિશ આ નફરતના સોદાગરો સતત કરી રહ્યા છે, જેનાથી શાણી પ્રજા પણ અજાણ નથી. જેથી કરીને જ તેઓ તેમના ષડયંત્રોમાં એટલા સફળ થતા નથી અને લોકપ્રિયતાના ગ્રાફે પણ સડસડાટ નીચે તરફ પ્રયાણ કરવાનું ચાલુ કર્યું છે. જેનો તાદૃશ નમૂનો હાલમાં થયેલ પેટાચૂંટણીના પરિણામો આપી જાય છે.

ઇસ્લામએ કોઈ ધર્મ માત્ર નથી પરંતુ એક સંપૂર્ણ જીવનવ્યવસ્થા છે. ઇસ્લામ, કે જે સમગ્ર વિશ્વમાં શાંતિ, ભાઈચારો, દેશ અને સમાજો વચ્ચે ઐકય તથા પ્રેમનો સેતુ બાંધવા આવ્યો છે. ઇસ્લામ સમગ્ર વિશ્વમાં અમન શાંતિ અને બંધુત્વની ભાવના કેળવી એક કૃપા બનીને આવ્યો છે. હઝરત મુહમ્મદ પયગમ્બર સાહેબ સ.અ.વ.ના આગમન માત્રથી અંધકાર અને અરાજકતામાં ડૂબેલુ અને ખુનામરકીમાં ગર્ક થયેલુ વિશ્વ પ્રેમ, શાંતિ અને કરૃણાના તેજોમય પ્રકાશથી ઝળહળી ઊઠ્યું. જે ધર્મ માનવમાત્ર પ્રતિ દયા અને કરૃણાનો પ્રેરક સંદેશો આપે છે, જે ધર્મ વ્યક્તિમાં સદ્વિચારોનો સિંચન કરીને સદ્ગુણોના શિખર પર લઈ જઈ જાનવર અને અજ્ઞાનમાંથી સર્વગુણ સંપન્ન ઇન્સાન બનાવવાની અમૂલ્ય સેવા બજાવે છે. જે ધર્મ મહિલાઓને આબરૃભેર સમાજમાં અને પરિવારમાં માન-મોભો, ઇજ્જત તથા રક્ષણ બક્ષે છે, જે ધર્મ વિશ્વભરની પ્રજા માટે દિવા-દાંડી સમાન છે, જે ધર્મ એક પ્રેરણા સ્ત્રોત છે, જે ધર્મ રંગ, જાતપાત, ભાષાવિસ્તાર, અમીર-ગરીબના મતભેદોને પગતળે કચડીને સમગ્ર વિશ્વમાં સમાનતા અને બંધુત્વની ભાવના કેળવે છે એવા વિશ્વ તારણહાર ધર્મ વિશે જોયા જાણ્યા વિના રોજ ઉઠીને લવારો કરી રહેલા અને ગલીચ ગંદી અને અભદ્ર તેમજ જુગુપ્સા પ્રેરક ભાષાનો ઉપયોગ કરી રહેલા વિદુષકો વિકૃત માનસિકતામાં વ્યાપ્ત થઈને સમાજમાં ઝેર ઓકવાના નશામાં ધુત થઈ ગયેલા આવા વિકૃત તત્વો શું સમજણ ધરાવે છે ઇસ્લામની? તેમને શું ભાન છે ઇસ્લામના પાયાના આદર્શોની? તેઓ શું જાણે ઇસ્લામના પ્રેરણાદાયી અને મહાન આદર્શો શું છે? અમે આમ ભાંડણલીલા આચરનારાઓને અહીં પુછવામાં માગીએ છીએ કે ઇસ્લામ જેવા પવિત્ર અને વિશ્વવ્યાપી મહાનધર્મમાં એવું શંુ દેખાય છે કે રોજ ઊઠીને તમને ઇસ્લામ ધર્મ વિરૃધ્ધ ઝેર ઓકવાની ચૂક પેટમાં ઉપડે છે? ઇસ્લામ જેવા પથદર્શક ધર્મની પાછળ પડી જવાનું ઝનૂન વાસ્તવમાં કયા કારણસર દર્શાવવામાં આવી રહ્યું છે? જે ધર્મની તમને સાવ સમજ નથી, જેનો અભ્યાસ નથી એના વિશે વગર વિચારી બોલવામાં અને અકારણ અને અમસ્તા જ કાદવ ઉછાડતા રહેવાની આ રમતો અત્યંત હીન કક્ષાની અને નિંદનીય છે અને બિલ્કુલ વખોડવા પાત્ર છે. દેશનો સુંદર વાતાવરણ સાર્વભૌમત્વ તેમજ સમાનતા અને બંધુત્વની ભાવના પર એક નિમ્ન સ્તરનું કાળો ધબ્બો છે. આવા નિમ્ન સ્તરની વિચારસરણીથી જ આવી ચાલબાજી ભરી જાળ પાથરવામાં આવી રહી છે. એ હવે સામાન્ય નાગરિકના માનસપટલ પર સ્પષ્ટ થવા લાગ્યું છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments