Saturday, November 2, 2024
Homeઓપન સ્પેસસ્ટેથોસ્કોપઇસ્લામ, માનવજીવન માટે ઈશઉપહાર શા માટે છે ?

ઇસ્લામ, માનવજીવન માટે ઈશઉપહાર શા માટે છે ?

કોઈપણ તંત્ર, કોઈપણ વ્યવસ્થા કે ગતિમાન રહીને ચાલતા કોઈપણ મીકેનીઝમમાં અવ્યવસ્થા, અને અંતરાય ત્યારે વ્યાપ્ત થઈ જાય છે જ્યારે એનું સંતુલન બગડી જાય, એની કળવ્યવસ્થા ખોટકાઈ જાય, એના સાંચાઓ એકબીજાને સહકાર આપવાનું બંધ કરી દે અને એના સમગ્ર મીકેનીઝમમાં અફરાતફરી વ્યાપ્ત થઈ જાય. જ્યારે આવી પરીસ્થિતિઓ ઉભી થઈ જાય ત્યારે એ વ્યવસ્થામાં ભાંગફોડ અને આરાજકતાનું સામ્રાજ્ય છવાઈ જાય છે અને જે કામના માટે એ આખા તંત્રની રચના કરવામાં આવી હોય તે કામ સમુળગું બગડી જાય છે. એની ઉત્પાદકતા કથળી જાય છે, એની ઉત્કૃષ્ટતા બગડી જાય છે અને એના અસ્તિત્વનો હેતુ જ સાવ માર્યો જાય છે.

આ વ્યવસ્થા, આ તંત્રના તમામ સાંચાઓ, તમામ કળો, તમામ અંગો જો શિસ્તબદ્ધ રીતે અનુશાસિત રહીને ચાલે, એક બીજા સાથે પુરતો સહકાર સાધીને કામ કરે, એકબીજાનો સતત ખ્યાલ રાખે, સંતુલનને બગાડનારી કોઈ ખામીઓ કે  ઉત્પાતોના ખતરાઓથી સાવધાન રહે, સાવચેત રહે અને ઉભા થઈ શકનારા બગાડોને ઉગતાં જ ડામવાની વ્યવસ્થા પહેલેથી જ કરી રાખે, સેફ્ટી સીસ્ટમને મજબૂત અને ચાકચોબંદ રાખે તો એ વ્યવસ્થા, એ તંત્રને ભાંગફોડ, બગાડ અને પરેશાનીઓ ઉભી કરનારા ફસાદોથી સુરક્ષિત રાખી શકાય છે. તંત્ર વ્યવસ્થિત રીતે તાલબદ્ધ ચાલતું રહે છે અને એની ઉત્પાદકતા, ફળદાયીતા સચવાએલાં રહે છે.

આનાથી એ સિદ્ધ થાય છે કે દરેક તંત્રને, દરેક વ્યવસ્થાને એક એવી આધારશીલાની જરૃર રહે છે જે તે તંત્રને, તે વ્યવસ્થાને સુગઠીત, સુચારૃ, તાલબદ્ધ અને સ્વાસ્થ્યપ્રદ રાખી શકે, તેના અંદરમાં બગાડને પ્રસરતો અટકાવી શકે, તેની ઉત્કૃષ્ટતાને જાળવી રાખે, એટલું જ નહીં બલ્કે તેને વધુથી વધુ ઉત્કૃષ્ટ બનાવીને તેના મહત્ત્વ તેના ગૌરવ અને તેની ઉપયોગીતાને ચરમસીમાએ પહોંચાડી શકે. દરેક તંત્ર કે વ્યવસ્થા માટે આ એક જરૂરી આવશ્યકતા છે.

જીવનને લગતાં તમામ તંત્રોમાં માનવજીવન ટોચની કક્ષાનું સ્થાન ધરાવે છે. જીવનના દરેક તંત્રોનું અસ્તીત્વ માનવજીવનના અસ્તીત્વથી જ કાયમ છે. માનવી છે તો બધું છે. તમામ ભૌતિક અસ્કયામતોની ફળદાયિતા માનવીના અસ્તીત્વથી જ કાયમ છે. જો એ જ (માનવી) ન હોય તો બધું હોવા છતાં કંઈ કામનું નથી. તલત મેહમુદ સાહેબે એક ગીત ગાયું છે તેના શબ્દો છે,

યે રાત, યે હવા, યે ફીઝાં સબહે માંદમાં

જો તુ નહીં તો ઈનમેં કોઈ દીલકશી નહીં

મહાન સર્જનહાર અલ્લાહ-ઇશ્વરે માનવીને પોતાના શ્રેષ્ઠતમ સર્જનનું પદ અર્પણ કર્યું છે અને તેણે સર્જેલી તમામ ભૌતિક અસ્કયામતોના ઉપભોગનો તેને અધિકારી બનાવ્યો છે. ધરતીનો આ મઝાનો ગૃહ વસવાટ માટે તેને અર્પણ કર્યા છે અને તેમાં તેના જીવન માટેની તમામ સામગ્રીઓ તેણે ભરપૂર માત્રામાં ઉપલબ્ધ બનાવી છે. તે કહે છે કે માનવી મારૃ શ્રેષ્ઠતમ સર્જન છે. મેં મારા પોતાના હાથોએ તેનું સર્જન કર્યું છે. મારા અનંત અને સદાજીવંત આત્મામાંથી મે તેના અંદર પ્રાણ ફુંકીને તેને જીવંત કર્યા છે. મારાં તમામ સર્જનોમાં માનવી મને અતિપ્રીય છે. અને હું તેના ઉપર અત્યંત કૃપાવંત છું.

ધરતી આપણું રહેઠાણ છે. આપણું સહુનું સહીયારૃં વતન છે. આપણે સહુ એક મા-બાપ (પ્રથમ જોડું આદમ અને હવ્વા)નાં સંતાનો છીએ. આપણે તમામ એક કુટુંબના સભ્યો છીએ અને આપણે સહુએ હળીમળીને, એકબીજાના સહાયક અને પુરક બનીને આ ધરતી ઉપર રહેવાનું છે. અને આ ગ્રહને ફીત્નાફસાદ, અતિક્રમણો, અરાજકતાઓ, અતિરેકો અને અવ્યવસ્થાથી આપણે જ સુરક્ષીત રાખવાનો છે. આ માટે આપણા અંદર જાગરૃકતા હોવી જરૂરી છે. કેવાં આચરણો, વ્યવહારો અને વ્યવસ્થાથી આપણા જીવનની તમામ પ્રકારની વ્યવસ્થાઓ સંતુલિત અને ઉત્પાતોથી સુરક્ષિત રહેશે તથા કેવા આચરણો અને વ્યવહારો તથા વ્યવસ્થાથી એના અંદર ખતરાઓ ઉભા થશે, ઉત્પાતો આકાર લેશે, વિખવાદો ઉભા થશે, અને ધરતીની વ્યવસ્થા ખોરવાઈ જશે. આ જાણવું સમજવું આપણા માટે અનિવાર્ય છે. અલ્લાહ-ઇશ્વરે ઇસ્લામના રૃપમાં આ બધી કળો આપણને સારી પેઠે બતાવી દીધી છે. ઇસ્લામ વાસ્તવમાં એક ઇશઅર્પીત વ્યવસ્થાતંત્ર છે. ધરતી ઉપર માનવોએ પોતાના સહુલતો માટે અનેક વ્યવસ્થાઓ રચીને તેને અમલમાં મુકી છે. પણ માનવબુદ્ધિ તમામ પાસાંઓના પાર બરાબર પામી શકતી નથી. તેની બૌદ્ધિક ક્ષમતાઓ મર્યાદીત છે જ્યારે જીવન અમર્યાદ છે. માનવસિંચનમાં દૃષ્ટિબિદુઓ એક હદ મર્યાદા સુધીના જ અનુમાનોનો ભાગ લગાવી શકે છે. એટલે સ્વરચીત વ્યવસ્થાતંત્ર માટે તે એટલા જ ખરીધમાં ફરતા રહીને તારણો બાંધી શકે છે. અને એ માટેના કાયદાકાનુનો તથા આધારો રચી શકે છે.  પણ જીવન તો બદલાતું રહે છે, ગતિ ફરતું રહે છે. વળી તે પ્રાકૃતિક બંધનોને પણ આધીન છે. ધરતી ઉપર અને બ્રહ્માંડમાં ઘટતા ઘટનાક્રમો તેના ઉપર સતત અસરકર્તા બનતા રહે છે. જીવન વ્યક્તિગત અને સામુહિક રીતે મુક્ત હોવા છતાં બંધનો અને મર્યાદાઓથી પર નથી. એ બંધનો અને મર્યાદાઓમાં રહીને જ એને ચાલવું પડે છે. એમાં જ એના લાભાલાભ છે અને જો વિદ્રોહ કરીને માનવી એ ધારાધોરણ છે, બંધનો અને મર્યાદાઓમાંથી બહાર નીકળી જઈને મનેચ્છાપૂર્વક ચાલવા લાગે (જેને એ રોશન ખ્યાલી – આધુનિકતા કહે છે!) બેલગામ થઈ જાય તો એનાં જે દુરોગામી ખરાબ પરીણામો કુદરતી રીતે આવે છે તે એના માટે પ્રકોપ અને વબાલ બની જાય છે. એક શાળાની દીવાલ ઉપર વર્ષો પહેલાં એક સુવાકય મેં વાંચેલું જેમાં કહેવાયું હતું કે “હસીહસીને કરેલા પાપકર્મોના ફળ રડીરડીને ભોગવવાં પડે છે.” ઇશરચિત પ્રાકૃતિક બંધનોમાંથી બહાર નીકળી બેફામ થઈ જનારી માનવજાતને ઘાર આવો જ થાય છે. અને એનાં અનેક પ્રમાણો અને દૃષ્ટાંતો આજે આપણી નજરો સામે છે.

માનવી ઉપર અલ્લાહ-ઇશ્વરે જબરજસ્ત ઉપકાર કર્યો છે. તે (અલ્લાહ-ઇશ્વર) સર્વોપરી છે, સર્વશક્તિમાન છે, સર્વજ્ઞાન છે અને તમામની દેખરેખ રાખનારો છે. સમગ્ર બ્રહ્માંડ ઉપર અસલ શાસન તેનું જ કાયમ છે. ધરતી, આકાશો અને બ્રહ્માંડના તમામ તંત્રો અને વ્યવસ્થાઓ તેની આજ્ઞા મુજબ ચાલે છે. માનવી માટે શું લાભદાયી છે અને શું નુકશાનકારક તેનું સંપૂર્ણ જ્ઞાન તેને સ્વરીતે પ્રાપ્ત છે. તે માનવીની માનસિકતાને ઓળખે છે. તે કઈ તરફ ઢબી જાય એવો છે તે અલ્લાહ-ઇશ્વર બરાબર જાણે છે. તે કૈય્યુમ અર્થાત્ વ્યવસ્થાપક પણ છે, હાકીમ અર્થાત્ હુકમ આપનાર (બાદશાહ) પણ છે અને તમામ સર્જનો ઉપર બરાબર અંકુશ ધરાવે છે.

જગતના માનવસમાજો અનીતીના રવાડે ચઢીને માનવ તરીકેનું પોતાનું સત્વ ખોઈ ન બેસે, અન્યાય અને અત્યાચારના વ્યવહારો અપનાવીને જગતમાં ઉત્પાતો અને આરાજકતાઓનું સર્જન કરી ફસાદ ન ફેલાવે, પ્રાકૃતિ બંધનોને ફગાવી દઈને જનજીવનમાં બગાડ ન ફેલાવે, બેફામ અને બેલગામ બની જઈને માનવી હદમર્યાદાઓનો ભંગ કરવાની ભુલ ન કરે અને ઇશસમર્પિત રહીને શુદ્ધ અને સાત્વીક જીવન વ્યતીત કરે એ માટે અલ્લાહ-ઇશ્વરે માનવજાતને આચાર, વિચાર અને વ્યવહારના બારામાં માનવીય આધારોથી પ્રચુર માર્ગદર્શીકા રચીને માનવજાતને આપી. એનું જ નામ ઇસ્લામ છે. પ્રત્યેક યુગમાં વિવિધ ઇશદૂતો મારફત અલ્લાહ-ઇશ્વર તરફથી આ શુભસંદેશ માનવજાતને મળતો રહ્યો. એના મુળ પાયા સ્થંભો ત્રણ છે. (૧) તૌહીદ અર્થાત્ એકેશ્વરવાદ. સત્ય વાસ્તવમાં આ જ છે. સર્જક, પાલક અને વ્યવસ્થાપક તે એક અને માત્ર એક છે એટલે આરાધના અને ઉપાસના માત્ર તેની અને તેની જ થવી જોઈએ. અને તેના જ આદેશો શીરો માન્ય બનવા જોઈએ. (૨) રીસાલત અર્થાત્ તેણે મોકલેલા અધિકૃત ઈશદૂતો ઉપર સાચી આસ્થા ધરાવવી અને અંતિમ ઈશદૂત મારફત તેનો જે અંતિમ સંદેશ જગતને પહોંચ્યો છે તેનો સ્વીકાર કરીને તે પ્રમાણીની વ્યવસ્થા લાગુ કરવા પોતાની જાતને તૈયાર કરવી. અને (૩) આખેરત અર્થાત્ મૃત્યુ પછી નિર્ધારીત સમયે કયામત (પૃથ્વી પ્રલય)નો દિવસ આવવાનો છે જ્યારે તમામ માનવજાતને ફરીથી તેમના મૂળ રૃપોમાં નવસર્જીત કરવામાં આવશે અને તેમા જીવન કર્મોનો હિસાબ લેવામાં આવશે કે તેઓ જગતજીવન દરમ્યાન કેવું વર્તન કરીને આવ્યા છે. તેઓ પોતાના સર્જનહારને વફાદાર રહીને જીવ્યા કે પછી તેનાથી વિદ્રોહીતા વર્તીને મનફાવે તેમ જીવતા રહ્યા? પાપ અને પુણ્યોનો કણકણનો હિસાબ લેવામાં આવશે અને એ પછીના અનંત જીવનમાં તેનું સ્થાન નક્કી થશે. વફાદારીને તેની કૃપા અર્થાત્ સ્વર્ગમાં જગા મળશે અને વિદ્રોહીઓને તેના આક્રોશના ભોગ બનીને નર્કયાતનાઓ વેઠવી પડશે. This will be the final result of the present life. આ એક પ્રાકૃતિક અને વાસ્તવિક સત્ય છે જેનો જગતના તમામ આકાશી ધર્મોએ સ્વીકાર કર્યો છે. ઇસ્લામ, આકાશી ધર્મોનું અંતિમ સંસ્કરણ છે એટલે એનું અમલીકરણ હવે અધિકૃત ગણાશે. આ ઈશ સંદેશ છે, ઈશઆજ્ઞા છે.

ઇસ્લામના આ અંતિમ અધિકૃત સંસ્કરણમાં તે તમામ બાબતોને આવરી લેવામાં આવી છે. જેનો માનવજીવન સાથે સીધે સંબંધ છે. જીવનના તમામ પાસાંઓને અને તેના તમામ વ્યવહારોને શુદ્ધ અને સાત્વીક રાખવા માટે તેમાં તમામ જરૂરી માર્ગદર્શિકાઓ સમાવીષ્ટ કરી દેવામાં આપી છે જેને અલ્લાહ-ઇશ્વરે “હુદુદલ્લાહ” અર્થાત્ અલ્લાહ-ઇશ્વરે બાંધેલી હદમર્યાદાઓ કહી છે અને સ્પષ્ટ કરી દીધું છે કે માનવજગતમાંથી જે કોઈ તેણે બાંધેલી આ હદમર્યાદાઓનો ભંગ કરશે તો અચૂક નુકશાનમાં પડશે. જે માનવસમુદાયો ઈશશરણ સ્વીકારવાનો ઇન્કાર કરી દઈને મનફાવે તેમ જીવવા તરફ ઢળી જશે તે તો ખચીત નુકસાનમાં પડવાના જ છે પણ જે સમુદાયો ઇસ્લામનો સ્વીકાર કરવા છતાં ઇશરચીત માનવીય હદમર્યાદાઓનો ભંગ કરશે તેમને પણ નુકસાન વેઠવું પડશે. બસ ઇસ્લામનો સંદેશ આ જ છે.

ઈશ અર્પીત આ અંતિમ આદેશને બરાબર જાણવા માટે, તેમાં દર્શાવવામાં આવેલી નિયમાવલીઓ અને આચાર સંહિતાઓની જાણકારી મેળવવા માટે અને તેમાં બતાવવામાં આવેલી સમાજ રચના લાગુ કરવા માટે જરૂરી જાણકારીઓના બે મુખ્ય સ્ત્રોત આજે જગત સમક્ષ અકબંધ અને નિર્ભેળ અવસ્થામાં ઉપલબ્ધ છે. એક છે અંતિમ ઈશગ્રંથ કુઆર્ન અને બીજો સ્ત્રોત અંતિમ ઈશદૂત – હઝરત મુહમ્મદ સ.અ.વ.ના તે આદેશો, તે માર્ગદર્શીકાઓ અને તે આચરણો છે જેને હદીષ તથા સીરતે નબવી (ઈશદૂતની જીવનઝરમર)ના નામે ઓળખવામાં આવે છે. આજના (અને કયામત સુધી આવનારા) માનવજીવનના તમામ અંગો અને તમામ પાસાંઓને સીધા, ક્ષતિરહીત અને સુગઠીત રાખવા માટે તેમાં ભરપૂર માર્ગદર્શીકાઓ ઉપલબ્ધ છે. આપણે તમામ તેનાં જ સર્જન છીએ, તેના જ  સંતાન છીએ તેના જીવન અર્પણ કરવાથી જ જીવી રહ્યા છીએ અને તેણે આપણા માટે રચીને તૈયાર કરેલી ભૌતિક સામગ્રીઓથી જ આપણા જીવનનું ભરણપોષણ થઈ રહ્યું છે તો પછી તેનું શરણ સ્વીકારમાં આપણને શું વાંધો હોય?  અને તેના માર્ગદર્શન મુજબ જીવન વ્યતિત કરવામાં આપણે શા માટે આનાકાની કરીએ? જ્યારે કે એમાં જ આપણા તમામ લાભાલાભ છુપાએલા છે.

આ એક અનુભવ કરવા જેવું વલણ છે. એની મઝા તો તે જ લોકો જાણી શકે છે જેમણે આ ઈશજ્ઞાન પચાવ્યું હોય અને એના આધારો ઉપર પોતાનું જીવન સ્થાપિત કર્યું હોય – જીવનને સંતુલિત, સુખપ્રદ અને ફળદાયી બનાવવા તથા ઈશકૃપા મેળવવાનું સ્થાન પ્રાપ્ત કરવા માટે આ જ એક સહુથી સારો માર્ગ છે. આવો આપણે સહુ પ્રાર્થના કરીએ કે,

ઐ માલિક તેરે બંદે હમ,

ઐસે હો હમારે કરમ

નેકી પર ચલે, ઔર બદીસે બચે,

તાકે હંસતે હુએ નીકલે દમ.

સહુના માટે શુભકામના. /

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments