Sunday, October 6, 2024
Homeઓપન સ્પેસસ્ટેથોસ્કોપઇસ્લામ : સફળતાનો એકમાત્ર માર્ગ

ઇસ્લામ : સફળતાનો એકમાત્ર માર્ગ

આ મહાન સૃષ્ટિ જેના દૂર-સુદૂરના તારાઓનો પ્રકાશ ધરતી સુધી પહોંચવામાં કરોડો વર્ષ લાગે છે જ્યારે કે પ્રકાશની ગતિ એક સેકન્ડમાં ૩ લાખ કિલોમીટર છે-આપ મેળે અસ્તિત્વમાં નથી આવી ગઇ અને કોઇ પણ વસ્તુ આપ મેળે અસ્તિત્વમાં નથી આવી જતી, તેને એક હસ્તીએ બનાવી છે અને તે અલ્લાહ છે.

આ સૃષ્ટિમાં અજોડ વ્યવસ્થા છે, તેના એક રજકણથી લઇને મોટા મોટા તારાઓ સુધી સૃષ્ટિની દરેક વસ્તુ એક વ્યવસ્થા અને નિયમમાં જકડાયેલા-સંકળાયેલા હોય છે, એટલું જ નહીં, સૃષ્ટિની દરેક વસ્તુમાં આપણને અજોડ બુદ્ધિમત્તા અને આયોજન જોવા મળે છે. આ એ વાતનો પુરાવો છે કે સૃષ્ટિનો એક શાસક છે જે સમગ્ર સૃષ્ટિનું વહીવટ બુદ્ધિમત્તા અને યોજનાબદ્ધ રીતે ચલાવી રહેલ છે અને તે ચોક્કસપણે ડહાપણવાળો ખુદા જ છે. હકીકત આ છે કે આ સૃષ્ટિ ન તો ખુદા-વિહોણી છે અને ન જ આના અનેક ખુદા છે. એક ખુદા આ સૃષ્ટિનો સર્જનહાર, માલિક, વ્યવસ્થાપક અને શાસક છે અને સૃષ્ટિના કણે-કણમાં તેનો નિયમ લાગુ છે.

આ જ ખુદા આપણા સૌ માનવોનો પણ સર્જનહાર, માલિક અને શાસક છે. તે આપણો પાલનહાર અને આપણી ઉપર પોતાની ને’મતોની વર્ષા કરનાર પણ છે. આપણું શરીર, આપણા અવયવોે, આપણી કાબેલિયતો તથા શક્તિઓ અને ધરતીની અંદર તથા બહાર સમુદ્રોના પેટાળ અને વાતાવરણમાં, શૂન્યાવકાશ તથા ગ્રહોમાં મૌજૂદ તમામ ને’મતો તેની પેદા કરેલી અને અર્પેલી છે. તે જ સૂર્ય કાઢે છે, હવાઓ ચલાવે છે અને પાણી વરસાવે છે. તે પાણી ન વરસાવે તો આપણે એક ટીપું પણ પાણી મેળવી ન શકીએ અને તે ચાહે તો એટલું પાણી વરસાવે કે તમામે તમામ વિસ્તારો પાણીમાં ડૂબી જાય અને જીવવું આપણા માટે ભારે મુશ્કેલ થઇ જાય. આપણે પાણીના એક એક ટીપા, અનાજના એક એક દાણા, જીવનની દરેક સામગ્રી અને પોતાના દરેક શ્વાસ માટે તેના મહોતાજ છીએ. જે પણ વ્યક્તિ કે કોમને જે કંઇ પણ મળે છે, તે તેના દ્વારા આપવાથી જ મળે છે અને તેના ઝૂંટવી લેવાથી ઝૂંટવાઇ જાય છે.

હકીકત આ છે કે અલ્લાહે માનવીની દરેક જરૂરતો પૂરી કરવાની વ્યવસ્થા કરી છે, પરંતુ તેની (માનવીના) સૌથી મોટી જરૂરત આ છે કે તેને જીવન ગુજારવાની સાચી પદ્ધતિ માલૂમ હોય કે જેથી તે નિષ્ફળતાથી બચી શકે અને સફળતા પામી શકે. અલ્લાહતઆલાએ જે અગણિત ને’મતો તેને અર્પી છે, તેના ઉપયોગની ખરી રીતથી તે વાકેફ હોય. તેના શરીર, અવયવો અને શક્તિઓનો ખરો ઉપયોગ શું છે તેનાથી માહિતગાર હોય, પોતાના જીવન-ધ્યેયથી વાકેફ હોય, તેને એક એવી જીવન શૈલી જોઇએ જેમાં દરેક કોમ, દરેક વર્ગ, દરેક બિરાદરી, દરેક જાતિ અને દરેક વ્યક્તિ માટે ન્યાય તથા વિકાસની સમાન તકો હોય અને સૌના જાનમાલ તથા ઇજ્જત-આબરૃ સુરક્ષિત હોય, જે સૌની તમામ જીવન-સમસ્યાઓનો સાચો સર્વગ્રાહી તથા પૂર્ણ ઉકેલ હોય, જેમાં માનવોને ખુદાથી ડરનાર તથા ચારિત્ર્યવાન બનાવવાની તર્બિયત (પ્રશિક્ષણ) માટેની વ્યવસ્થા હોય, જેમાં ધન-દૌલત અને તમામ સાધન-સામગ્રીની ન્યાયિક વ્હેંચણી હોય, જે માણસોને ખુદાથી ડરનાર, જવાબદાર અને ન્યાયી શાસન-વ્યવસ્થા અને આંતરરાષ્ટ્રીય વિવાદોના ઉકેલ માટે સાચા સિદ્ધાંતો પૂરા પાડી શકે. આની સાથે જ આ દીનને અપનાવવાથી ખુદા પ્રસન્ન થાય જે સૌ માણસોનો સર્જનહાર, માલિક, હાકેમ, પાલનહાર અને ઉપકારક છે, અને જેના હાથમાં આપણી દુનિયા અને આખિરત છે.

આ માણસની સૌથી મોટી જરૂરત છે. આ જરૂરત પૂરી ન થાય તો બધી જ ભૌતિક પ્રગતિઓ છતાં માણસને તમામ સ્તરે તબાહી તથા બરબાદીનો સામનો કરવો પડશે, જેવું કે હાલમાં જોવા મળે છે. માનવ રચિત કોઈ બંધારણ અને કોઈ વ્યવસ્થા આ જરૂરતને પૂરી કરી ન શકે. જગતમાં એવી કોઈ વ્યવસ્થા મૌજૂદ નથી જે જીવનની તમામ સમસ્યાઓને હલ કરી શકતી હોય. સામ્યવાદ ફકત પેટની સમસ્યાનો ઉકેલ છે અને એ પણ નિષ્ફળ ઉકેલ ! લોકશાહી એક રાજકીય માળખું છે અને એ પણ નિષ્ફળ રાજકીય માળખું અને બસ ! સમગ્ર જીવનની કોઈ વ્યવસ્થા નથી. સાથે જ કોઈ પણ વ્યવસ્થા અને કોઈ કાનૂન તમામ માનવોની સમસ્યા સાથે ચર્ચા નથી કરતો. રાષ્ટ્રીય કાયદા-કાનૂનો પોત-પોતાની કોમો અને રાષ્ટ્ર માટે જ છે, અને તે પણ તેમની સમસ્યાઓને ઉકેલવામાં નિષ્ફળ છે. સામ્યવાદને ફકત મજૂરોની ચિંતા છે અને તે પણ તેમની સમસ્યાઓ ઉકેલવામાં નિષ્ફળ છે, પછી એ તો સૌથી ખરાબ જુલ્મી તથા અત્યાચારી સામ્રાજ્ય છે. !

જે ખુદાએ માનવીની તમામ જરૃરિયાતોને પૂરી કરવાની વ્યવસ્થા કરી છે, તેણે જ માનવીની આ સૌથી વધુ મહત્વની જરૂરતને પૂરી કરવાની વ્યવસ્થા પણ કરી છે. તે દરેક કોમ અને દરેક યુગમાં પોતાના પયગમ્બર, જેઓ શ્રેષ્ઠ માનવી હતા, માનવોના માર્ગદર્શન માટે મોકલતો રહ્યો અને તેમના પર પોતાનો દીન (જીવન-વ્યવસ્થા) અવતરિત કરતો રહ્યો.

આ સૌ પયગમ્બરોએ તમામ માનવોને એક જ વાતનું આમંત્રણ આપ્યું અને તે આ કે તેઓ ફકત અલ્લાહની ઉપાસના અને બંદગી કરે અને સમગ્ર જીવનમાં તેના સર્વગ્રાહી, સંપૂર્ણ તથા ન્યાયી દીનનું અનુસરણ કરે. આના સિવાય અન્ય કોઈ પણ જીવન-વ્યવસ્થાનું અનુસરણ ન કરે. તેમણે આ પણ કહ્યું કે અલ્લાહના દીનનું સંપૂર્ણ તથા નિખાલસ અનુસરણ કરીને જ તેઓ દુનિયાની સાચી અને આખિરતની કાયમી સફળતા પામી શકે છે.
દુષ્ચારિત્ર્ય અને જાલિમ તથા ખરાબ માનવોએ અલ્લાહના આ પયગમ્બરોનો ભારે વિરોધ કર્યો, પરંતુ જ્યારે તેમના વિરોધ છતાં અલ્લાહનો દીન દુનિયામાં ફેલાયો અને ફૂલ્યો-ફાલ્યો તો તેમણે આ નબીઓના દુનિયામાંથી ગયા બાદ અલ્લાહના દીનમાં ફેરફાર કરીને તેે બગાડી મૂક્યો. આ એ બગાડનું પરિણામ છે કે દુનિયાના ધર્મો વિરોધાભાસી શિક્ષણ અને બૂરાઈઓ તથા દંતકથાઓ તેમજ ધર્મના નામે જુલ્મ, અત્યાચાર અને દુષ્ચારિત્ર્યની બોલબાલા છે. આ બધું હોવા છતાં અલ્લાહતઆલા માનવીઓની સુધારણા માટે પોતાના રસૂલ બરાબર મોકલતો રહ્યો. આ પયગમ્બર સામાન્ય રીતે એક કોમ માટે હોતા હતા.

અંતમાં અલ્લાહતઆલાએ હઝરત મુહમ્મદ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમને પોતાના રસૂલ બનાવ્યા. આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ જો કે અરબસ્તાનના એક શહેર મક્કામાં જન્મ્યા, અને આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ એક જ સ્થાને જન્મી શકતા હતા. પરંતુ અલ્લાહતઆલાએ આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમને કયામત સુધી માટે તથા સમગ્ર વિશ્વના માનવો માટે માર્ગદર્શક બનાવ્યા અને માનવીય ફેરફારોથી મુક્ત કરીને આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ ઉપર એ જ દીન અંતિમ અને પૂર્ણ સ્વરૃપમાં અવતરિત કર્યો, જે દુનિયાના તમામ નબી લાવ્યા હતા. આ દીન, દુનિયા રહેશે ત્યાં સુધી સમગ્ર માનવો માટે છે.

અલ્લાહનો આ દીન ઇસ્લામ પોતાના મૂળરૃપમાં કુઆર્નમજીદ અને હઝરત મુહમ્મદ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમની હદીસોમાં સુરક્ષિત છે. જ્યારે કે અન્ય તમામ ધર્મોના ગ્રંથોમાં ફેરફાર થઈ ચૂક્યા છે. હઝરત મુહમ્મદ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમના જીવનની તમામ વિગતો પ્રમાણભૂત ઇતિહાસના પ્રકાશમાં આજે પણ દુનિયા સમક્ષ એવી જ રીતે મૌજૂદ છે જેવી રીતે આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમના જીવનમાં હતી અને આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમની આ સીરત જીવનના તમામ પાસાઓમાં સમગ્ર માનવજાત માટે ઉદાહરણરૃપ અને અનુકરણને પાત્ર નમૂનો છે. જ્યારે કે દુનિયાના કોઈ પણ આગેવાનની સીરત (જીવન ચરિત્ર)ની વિગતો આ રીતે સુરક્ષિત નથી. પછી આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમે જે રીતે બગડેલા લોકોની સુધારણા તથા પ્રશિક્ષણ (તર્બિયત) કર્યું, જે નમૂનારૃપ સમાજની રચના કરી અને જે આદર્શ રાજ્યની સ્થાપના કરી, અને જે રીતે દુનિયાની અજોડ ક્રાંતિ આણી એ સૌની પ્રમાણભૂત વિગતો મૌજૂદ છે અને આ આદર્શ સમાજ, આદર્શ ક્રાંતિ અને આદર્શ રાજ્ય દુનિયા રહેશે ત્યાં સુધી માનવો માટે નમૂનાની હૈસિયત ધરાવે છે. ઇતિહાસમાં કાઈ અન્ય સમાજ, ક્રાંતિ અને રાજ્યની આ પ્રકારની વિગતો મૌજૂદ નથી.
આ આપણા માનવીઓ ઉપર અલ્લાહનો કેટલો મોટો અહેસાન છે. આપણી પાસે અલ્લાહનો એ દીન ઇસ્લામ મૌજૂદ છે જે અકીદાઓ, વિચારસરણીઓ, ઇબાદતો, ચારિત્ર્ય, સામાજિક્તા, અર્થ-વ્યવસ્થા, રાજકારણ અને આંતરરાષ્ટ્રીય બાબતો, અર્થાત્ જીવનની તમામ બાબતોમાં આપણું સાચું માર્ગદર્શન કરે છે, જે આપણી કોમ તથા રાષ્ટ્ર તેમજ સમગ્ર માનવજાતની જીવન-સમસ્યાઓને કે જેમને ઉકેલવામાં સામ્યવાદ, લોકશાહી અને દુનિયાના તમામ કાયદા-કાનૂન નિષ્ફળ થઈ ચૂક્યા છે, સારી રીતે ઉકેલ છે. સાથે જ હઝરત મુહમ્મદ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમના જીવનનો આદર્શ નમૂનો, સહાબાએ કિરામ રદિ.ના આદર્શ સમાજનો નમૂનો અને નબવીકાળ તથા ખિલાફતે રાશિદહ કાળની આદર્શ રાજ્ય-વ્યવસ્થાનો નમૂનો પણ આપણી સામે મૌજૂદ છે, અને આપણે આ સૌના પ્રકાશમાં આપણી તર્બિયત (પ્રશિક્ષણ), પોતાની કોમની સુધારણા તથા નિર્માણ અને રાષ્ટ્ર તેમજ સમગ્ર માનવજાતની તમામ સમસ્યાઓને ઉકેલવાનું કામ સારી રીતે અંજામ દઈ શકે છે. સાથે જ આપણે આ દીનને અપનાવતા આજના બૌદ્ધિક યુગમાં ઝડપી રીતે આગળ વધી શકીએ છીએ, કારણ કે આ દીન જ્ઞાન તથા બુદ્ધિને પાયાનું કે મૂળ મહત્ત્વ આપે છે અને જ્ઞાન તથા બુદ્ધિ વિરુદ્ધ કોઈ વાત નથી કહેતો.

પરંતુ મામલો ફકત પોતાની કોમની અને માનવજાતની દુન્યવી સફળતાનો જ નથી, મૂળ મામલો તો અલ્લાહની પ્રસન્નતા અને આખિરતની કાયમી સફળતા પામવાનો અને કાયમી અઝાબ-પ્રકોપથી મુક્તિનો છે. આપણ સૌએ એક દિવસ મૃત્યુ પામવાનું છે અને મૃત્યુ પામીને એ જ ખુદા પાસે જવાનું છે જેણે આપણને દુનિયામાં મોકલ્યા હતા. તમામ માણસો આ રીતે મૃત્યુ પામશે અને એક દિવસ આ સૃષ્ટિ – જેમ કે વૈજ્ઞાનિકો પણ કહે છે – નષ્ટ થઈ જશે, ત્યારબાદ અલ્લાહતઆલા સૃષ્ટિને નવેસરથી બનાવશે, આ સૃષ્ટિ કાયમી તથા હંમેશ માટેની હશે, તે તમામ માણસોને પુનઃ જીવિત કરશે અને તેમનું આ જીવન કાયમી તથા હર-હંમેશ માટેનું હશે. પછી સૃષ્ટિના હાકેમ તથા શાસક અલ્લાહતઆલાની અદાલત સ્થપાશે. તે એટલા માટે કે જુલ્મીઓ તથા બૂરા લોકોને તેમની બૂરાઈ તથા જુલ્મની ભરપૂર સજા મળે, જે દુનિયામાં નથી મળતી અને નથી મળી શકતી, અને મજલૂમોની ફરિયાદ સાંભળવામાં આવે અને નેક લોકોને તેમની નેકીનું ભરપૂર વળતર મળે, અને આ પણ દુનિયામાં નથી મળતું અને નથી મળી શકતું. પછી તમામ માનવો અલ્લાહની અદાલતમાં હાજર કરવામાં આવશે. તેમનામાંથી કોઈ પણ બચીને જઈ નહીં શકે. તમામ માનવીઓનો જીવનનો ભરપૂર રેકોર્ડ અલ્લાહની અદાલતમાં રજૂ કરવામાં આવશે. તેઓ પોતાના કાનોથી પોતે કહેલી વાતોને સાંભળશે, પોતાની આંખોથી પોતે કરેલા કર્મોને જોશે, તેમનું સમગ્ર જીવન તેમની અને અલ્લાહની સામે હશે, જેનો તેઓ ઇન્કાર નહીં કરી શકે. ધરતી જેના પર તેમણે જીવન વિતાવ્યું હતું, તેમના કર્મો તથા ગતિવિધિઓ વર્ણવી દેશે, આસપાસના લોકો સાક્ષી આપશે અને આ સૌથી વધીને આ કે માણસનું પોતાનું શરીર જેના પર માણસના કહેણી અને કરણીની અસરો પડી હતી, બતાવશે કે માણસે જીવન કેવી રીતે પસાર કર્યું હતું. અદાલતની ખુરશી ઉપર ખુદ અલ્લાહ તઆલા બિરાજમાન હશે, તેની નજરથી માણસનું કોઈ કર્મ, કોઈ કથન તેમજ દિલ-દિમાગનો કોઈ ઇરાદો છૂપો નહીં હોય, ત્યાં જૂઠા સાક્ષીઓ ઉપલબ્ધ નહીં હોય ન જ કેસ ચલાવવા માટે કોઈ વકીલ હશે અને ન તો હિમાયત માટે દૂર તથા નજીકનો કોઈ પ્રિય મિત્ર. સૌને પોત-પોતાની પડી હશે. બસ ખુદા હશે અને માનવી, અને માનવીએ પોતાના જીવનના તમામ કાર્યોનો ખુદા તઆલાને હિસાબ આપવાનો હશે ! એકેએક કથન અને કરણીનો હિસાબ !

અદાલતમાં જો આ વાત પુરવાર થઈ ગઈ કે માનવી અલ્લાહનો અને માત્ર અલ્લાહનો ઉપાસક હતો, પોતાના સમગ્ર જીવનમાં તેના દીન અને આદેશોનો અનુયાયી હતો, નેકીઓને અપનાવનાર અને બૂરાઈઓથી બચનાર હતો, માનવીઓના હક્કો અદા કરનાર અને તેમની સાથે ન્યાય તથા સદ્વર્તન કરનાર હતો, જુલ્મ, બગાડ, અસત્ય તેમજ બૂરાઈઓને મિટાવનાર અને સત્ય ન્યાય તથા નેકીઓ તેમજ માનવતાને સ્થાપિત કરનાર હતો અને આ સર્વ કાર્યો માત્ર અલ્લાહની પ્રસન્નતા અને આખિરતની કાયમી સફળતા માટે કરતો રહ્યો હતો, તો અલ્લાહની અદાલતથી તેના માટે જન્નતનો ફેસલો થશે. તે ત્યાંના કાયમી જીવનમાં અસીમ તથા કાયમી નેઅ્મતો પામશે. ત્યાં તેને એ બધું જ મળશે જે તે ઇચ્છશે અને જે તે વિચારી શકશે આ ઉપરાંત તેને એ નેઅ્મતો પણ મળશે જે નેઅ્મતો કોઈ કાને સાંભળી, ન તો કોઇ આંખે જોઈ અને ન તો કોઈ દિલમાં તેનો વિચાર આવ્યો હશે. અલ્લાહ તેનાથી હંમેશ માટે રાજી થઈ જશે, તેની સાથે વાત કરશે, તેને પોતાના સામિપ્યથી નવાજશે અને તેને પોતાના દીદારથી ખુશ કરી દેશે. આ છે કાયમી જન્નતની જેની વિશાળતા સૃષ્ટિ સમાન છે. હંમેશની તથા કાયમી નેઅ્મતો !

આનાથી વિરુદ્ધ જો અલ્લાહની અદાલતમાં આ પુરવાર થઈ ગયું કે માનવી અલ્લાહનો અપકારી હતો, તેણે અલ્લાહ સિવાય અન્ય હસ્તીઓની પૂજા-અર્ચના તથા આજ્ઞાપાલન કર્યું હતું. અલ્લાહના દીન તથા તેના આદેશોના બદલે પોતાની મનેચ્છાઓ અને પોતાના જેવા માનવોના વિચારો, રીત-ભાત તથા કાયદાઓનું અનુસરણ કર્યું હતું. નેકીઓના બદલે બૂરાઈઓ તથા અલ્લાહની અવજ્ઞાનો માર્ગ અપનાવ્યો હતો, અને માનવો ઉપર જુલ્મ તથા અત્યાચાર ગુજાર્યો અને ધરતી પર અનૈતિકતા તથા બગાડને પ્રોત્સાહન આપ્યું હતું તો અલ્લાહની અદાલતથી તેના માટે જહન્નમના અઝાબનો આદેશ થશે. જહન્નમમાં અગણિત પ્રકારના બિહામણા અઝાબ હશે, ગાઢ તથા પ્રચંડ આગ દોજખીઓને ઉપર, નીચે ડાબે, જમણે એમ દરેક બાજુથી ઢાંકી લેશે જે આ દુનિયાની આગ કરતાં સિત્તેર ગણી વધારે તીવ્ર હશે. પરંતુ માનવી તેમાં બળીને મૃત્યુ નહીં પામે, બલ્કે ચામડી બળશે, બદલાઈ જશે, માંસ બળશે, બદલાઈ જશે, હાડકાં બળશે, બદલાઈ જશે, માણસ ફકત બળતો રહેશે, બળતો રહેશે. તરસ લાગશે ત્યારે પીવા માટે તેને ઊકળતું પાણી મળશે અને તે હોંઠો, ગળા અને આંતરડાઓને ઉતરડી નાખશે, આ જ ઉકળતું પાણી તેના શરીર ઉપર નાખવામાં આવશે. ખાવા માટે એટલું ઝેરી તથા કાંટાળો ખોરાક મળશે કે જેની કોઈ માનવી કલ્પના સુદ્ધાં નથી કરી શકતો અને આ પ્રકારના અન્ય ઘણા બધા અઝાબ ! ખુદાની અવજ્ઞાઓ, બુરાઈઓ, અનૈતિકતાઓ અને જુલ્મ તથા બગાડનો ભરપૂર બદલો !

હકીકત આ છે કે દુનિયાની સફળતાની સાથે અને આનાથી ખૂબ જ વધારે આપણને આખિરતની કાયમી સફળતાની પ્રાપ્તિ માટે અને કાયમી અઝાબથી મુક્તિની ચિંતા તથા જદ્દોજહદ કરવાની છે, અને આનો એક જ માર્ગ છે, (અને તે છે) અલ્લાહના દીન – ઇસ્લામનું સમગ્ર જીવનમાં નિખાલસ અનુસરણ ! અલ્લાહથી દુઆ છે કે તેઓ આ મહાન કાર્ય માટે ઊભા થાય – આગળ આવવાની તૌફીક એનાયત કરે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments