અલ્લામા ઇકબાલ રહ.એ ૧૯૩૨માં ઇદુલફિત્રના પવિત્ર પ્રસંગે આ પ્રવચન આપ્યું હતું. આમાં તેમણે મુસલમાનોને સામાજિક અને આર્થિક પાસા પર ખૂબ જ ઊંડાણપૂર્વક પ્રકાશ નાખ્યો હતો અને તેમને આ યુગમાં પોતાના જીવનને ઇસ્લામી શિક્ષણના બીબામાં ઢાળી દઈ ભાઈચારો જન્માવવાનો અનુરોધ કર્યો હતો. આજે આ પ્રવચનને ૮૫ વર્ષ થઈ ચૂક્યા છે પરંતુ તેની ઉપયોગિતામાં લેશમાત્ર પણ ઘટાડો થયો નથી. (તંત્રી)
બિરદારાને ઇસ્લામ,
કુઆર્નેપાકમાં અલ્લાહ તઆલા ફરમાવે છે ઃ શહરૃ રમઝાનલ્લઝી ઉન્ઝિલા ફીહિલ કુઆર્ન હુદલ્લિન્નાસ વ બૈયિનાતિ મિલહુદા વલફુર્કાન ફમન શહેદા મિન્કુમુશ્શહરા ફલયસુમ. આ જ છે અલ્લાહની તે આજ્ઞા જેના પાલન માટે આપે રમઝાનના સમગ્ર માસમાં રોઝા રાખ્યા અને અલ્લાહની આજ્ઞાપાલનની આ શક્તિ મળી હોવાની ખુશીમાં આજે એક સમૂહરૃપે અલ્લાહ તઆલાની બારગામમાં આભારનો સજદો અદા કરવા અહીં એકઠા થયા.
નિઃશંક મુસ્લિમની ઈદ અને તેની ખુશી જો કંઈ છે તો એ કે તે અલ્લાહનો આજ્ઞાપાલક એટલે કે બંદગીની ફરજને અદા કરવામાં સરળ પુરવાર થાય. બીજી જાતિઓ પણ પર્વ ઉજવે છે. પંરતુ મુસ્લિમો સિવાય એવી કઈ જાતિ છે જે અલ્લાહ તઆલાની આજ્ઞાપાલનમાં સફળ થવા બદલ ઈદ ઉજવતી હોય ?
ઇતિહાસકારોના કથન પ્રમાણે ૨ હિજરીમાં રોઝા ફર્ઝ કરવામાં આવ્યા. ઈદુલ ફિત્રના સદ્કાનો આદેશ પણ રસૂલુલ્લાહ સ.અ.વ.એ આ જ સાલમાં આપ્યો.
પ્રથમ ઈદઃ
હુઝૂર સ.અ.વ.એ એક પ્રવચન આપ્યું જેમાં આપે સદ્કાના ફઝાઇલનું વર્ણન કર્યુ ંઅને ત્યારબાદ સદ્કાનો આદેશ આપ્યો. ઈદુલફિત્રની જમાઅત સાથેની નમાઝ આ જ વર્ષે અદા ફરમાવી. ૨ હિજરી પહેલાં ઈદની નમાઝ અદા કરવામાં આવતી ન હતી.
ઇસ્લામના સ્તંભને એટલે કે એકેશ્વરવાદ (તૌહીદ)નમાઝ , રોઝા , હજ્જ અને ઝકાત અદા કરવાનો અલ્લાહ તઆલાએ બંદાઓની સુધારણા અને ક્લ્યાણ માટે નબીએ ઉમ્મી દ્વારા આદેશ આપ્યો. આમ કરવા પાછળનો હેતુ એ હતો કે મુસલમાન એક વ્યક્તિ તરીકે એ માનવી બની શકે જેનું વર્ણન અલ્લાહતઆલાની વહી અહસનુત્તકવીમ શબ્દો દ્વારા કરે છે. આનો હેતુ હોત એ હતો કે મિલ્લતે ઇસ્લામિયા તે મિલ્લત બની જાય જે કુઆર્ને પાકના શબ્દો પ્રમાણે દુનિયાની સર્વશ્રેષ્ઠ ઉમ્મત હોય અને પોતાના જીવનના તમામ વ્યવહારોમાં સંતુલનના સિધ્ધાંતને હંમેશાં નજર સમક્ષ રાખે.
સમાજ શુદ્ધિઃ
ઇસ્લામનો દરેક સ્તંભ યોગ્ય ધોરણો પર માનવીય જીવનના વિકાસ માટે પોતાનામાં હજારો આંતરિક તથા બાહ્ય સંબંધો ધરાવે છે. અત્યારે હું આપની સમક્ષ માત્ર આ જ એક સ્તંભની હકીકત વિષે એક-બે મુદ્દા રજૂ કરીશ જેને સૌમ (રોઝા)ના નામે ઓળખવામાં આવે છે. અને જેના પાલનની શક્તિ મળી હોવાના આભારમાં આજે આપ ઈદ ઉજવી રહ્યા છો.
પહેલાંની ઉમ્મતો પર પણ રોઝા ફર્ઝ કરવામાં આવ્યા હતા. જો કે રોઝાઓની સંખ્યા એટલી ન હતી જેટલી આપણા રોઝાની છે. રોઝાઓને ફર્ઝ કરવા પાછળ એક આશય રહેલો છે અને તે એ છે કે માનવી સદાચારી બને.
અલ્લાહે ફરમાવ્યું, યા ઐયૂહલ્લઝીના આમનૂ કુતિબા અલયકુમુસ્સિયામા કમા કુતિબા અલલ્લઝીના મિન કબ્લેકુમ લઅલ્લકુમ તત્તકુન.
એટલે કે રોઝાનો હેતુ માનવને સદાચારી બનાવવાનો છે. તેનાથી શરીર અને આત્મા બંનેની શુદ્ધિ થાય છે . એ વિચાર ખરો નથી કે રોઝા એક વ્યક્તિ ગત ઇબાદત છે. પંરતુ આંતર અનેે બાહ્ય શુદ્ધિની પધ્ધતિ, આ આત્મસંયમ અને પાશવી ઇચ્છાઓને પોતાના કાબૂમાં લેવાની આ વ્યવસ્થામાં મિલ્લતના સમગ્ર આર્થિક અને સામાજિક જીવનની સુધારણાના હેતુઓ છુપાયેાલા છે.
એ લાભો જે એક વ્યક્તિને રોઝો રાખવાથી પ્રાપ્ત થાય છે એ રીતે પણ મેળવી શકાયા હોત કે એક મહિના સુધી સતત રોઝા રાખવાને બદલે ક્યારેક કાયરેક રાખી લેવામાં આવતા અથવા રમઝાન માસમાં રાખવાને બદલે વર્ષના બીજા કોઈ મહિનામાં રાખી લીધા હોત. જો માત્ર વ્યક્તિની સુધારણા અને તેનો આધ્યાત્મિક વિકાસ જ નજર સમક્ષ હોત તો નિઃશંક તે આમ કરવુ યોગ્ય હતું. પરંતુ અલ્લાહતઆલાની નજર સમક્ષ તો વ્યક્તિ અને સામાજિક શુદ્ધિનો હેતુ પણ હતો.
ઈદના દિવસનું ખરૃં મહત્ત્વ ઃ
આજની ઈદ ઈદુલફિત્ર કહેવાય છે. ખુદાના રસૂલ સ.અ.વ.એ ઈદ માટે ઇદગાહમાં એકઠા થવાની સાથે સાથે ઈદુલ ફિત્ર અદા કરવાનો આદેશ પણ આપ્યો છે. ઈદનો દિવસ નક્કી કરવાનો મૂળ હેતુ સદ્ક એ ફિત્ર શરૃ કરવાનો હોય તો નવાઈ નહીં.વાસ્તિવકતા તો એ છે કે આર્થિક અને સામાજિક સમાનતા સ્થાપવાની રીત ઝકાત અને વારસા વિભાજનના સિધ્ધાંતો પછી સદ્કા હતા. અને સદ્કાઓમાં પણ સૌથી વધુ સદ્કએ ફિત્રનો એટલા માટે કે આ સદ્કો સમગ્ર જાતિને એક નિશ્ચિત દિવસે અદા કરવો પડે છે.
અસલ વાતઃ
કોઈને સાહજિક રીતે પૂછવાનું મન થાય કે રોઝાઓનો સંબંધ રમઝાન સાથે જ શા માટે છે. આનો જવાબ એ છે કે ઇસ્લામે માનવીના વ્યક્તિગત અને સામૂહિક જીવનના રહસ્યોને નજર સમક્ષ રાખી રોઝાઓના સમયના સાતત્યને જરૂરી ગણ્યું છે. આ સાતત્ય માટે સમયનું નક્કી કરવું જરૂરી હતું.
કેમ કે ઇસ્લામ નો મૂળ આશય માનવને અલ્લાહના આદેશોના આજ્ઞાપાલન માટે તૈયાર કરવાનો છે. એટલા માટે આ માસ રોઝા માટે નક્કી કરવામાં આવ્યો, આ માસમાં અલ્લાહના આદેશો ઊતર્યા, બીજા શબ્દોમાં એક કહો કે મુસલમાનોને દર વર્ષે એક સમગ્ર માસ આત્મ શુદ્ધિ સાથે કુઆર્નપાકના ઊતરવાની વર્ષગાંઠ ઉજવવાનો આદેશ આપવામાં આવ્યો છે. જેથી અલ્લાહના આદેશોની મહાનતા અને પવિત્રતા હંમેશાં નજર સમક્ષ રહે. અને તરાવીહની નમાઝ અદા કરીને મિલ્કતની દરેક વ્યક્તિને સામૂહિક જીવનના નિયમો મોઢે યાદ થઈ જાય.
અસલ વાત મિલ્લતની આર્થિક અને સામાજિક જીવનની સામૂહિક સુધારણા વિષે હતી. કુઆર્નમાં રોઝા વિષેના વર્ણન પછી ફરમાવ્યું કે તિલકા હુદૂદુશાહિ ફલા તકરબુહા કઝાલિકા યુબય્યન્નલાહુ આબાતિહી લિન્નાસિ લઅલ્લહુમ યતકૂન- તેની સાથે જ આ તમામ બાબતો સાથે સંબંધિત રીતે રમઝાન માસ આપે એવી રીતે પસાર કર્યો કે ખાન-પાનના સમયનું પાલન કરતાં આપ શીખી ગયા, પોતાનું આરોગ્ય સાચવી લીધું, પોતાને આગામી ૧૧ મહિનાના રોગોથી સુરક્ષિત રહેવા યોગ્ય બનાવી લીધા. કરકસર કરતાં શીખ્યા અને રોજીની કદર કરતા શીખ્યા. આ બધા લાભો વ્યક્તિગત લાભોે હતા.
રોઝાઓના રાષ્ટ્રીય અને મિલ્લી લાભ એ છે કે પૈસે ટકે સુખી મુસલમાનોના દિલમાં પોતાની જાતિના ગરીબ અને વંચિત મુસલમાનોની સાચી સહાનુભૂતિની ભાવના જન્મે અને સદ્કએ ફિત્ર અદા કરવાને લીધ ેકોમમાં એક પ્રકારની આર્થિક અને સમાજિક સમાનતા સ્થપાય.
પૈસે ટકે પ્રત્યેક મુસ્લિમને આદેશ આપવામાં આવ્યો છે કે તે સદ્કએ ફિત્ર અદા કર્યા પછી ઈદગાહમાં આવે. માત્ર એક બે દિવસ માટે સામાજિક અને આર્થિક સમાનતા સ્થાપવાનો આનો હેતુ નથી. એક મહિનાનો સતત આત્મ સંયમ એટલા માટે શીખવાડવામાં આવ્યો છે કે આખા વર્ષ દરમ્યાન તમે આર્થિક સમાનતા સ્થાપવા પ્રયત્નશીલ રહો.
વલા યકૂલુ અમવાલુકુમ બયનુકુમ બિલ બાતિલિ વતદલૂલિહા ઇલલ હુક્કામિ લતાકુલૂ ફરીકમ મિન અમવાલિન્નાસિ બિલ ઇસ્મી વ અન્તુમ તાલમૂન.
રોઝા રાખવા ગરીબો સાથે માત્ર સહાનુભૂતિની ભાવના પૂરતું ન હતું. આગલા દિવસે બે-ચાર દિવસો સુધી —કરાવવું જ પૂરતું ન હતું. આની પાછળનો આશય તો એ હતો કે જેનાથી હંમશાં માટે દુન્યવી માલ-મત્તાનો લાભ લેવાના નિયમો હંમેશ માટે એવી રીતે સ્થપાય કે જેથી વારસા વ્હેંચણી અને ઝકાતથી મિલ્લતે ઇસ્લામિયાની માલ-મત્તામાં એક પ્રકારની સમાનતા સ્થપાય. અને આ સમાનતામાં એકબીજાના ધનમા અનુચિત દખલગીરીથી કોઇ પ્રકારની ખલેલ ન પહોંચે.
હંગામી સહાનુભૂતિ આશય નથી ઃ
રોઝા ફર્ઝ કરવા પાછળનો હેતુ માત્ર વ્યક્તિગત આધ્યાત્મિક વિકાસ અથવા વધુમાં વધુ માનવોની સાથે એક હંગામી સહાનુભૂતિનો આશય નથી પરંતુ શરીઅત બનાવનારની નજર એ વાત પર છે કે આપ આ હલાલ રીતે કમાવેલા ધનને ખોટી રીતે ઉપયોગમાં લેવાનો પ્રયત્ન ન કરો. ખોટી રીતે બીજાઓના ધન હજમ કરવાની સૌથી ખરાબ રીત કુઆર્નની નજરમાં ધન-દૌલત દ્વારા શાસકો સુધી પહોંચાડવામાં આવે અને તેમને લાંચ આપી પોતાના હિમાયતી બનાવી બીજા લોકોના ધનને પોતાના કબજામાં લઈ લેવામાં આવે. ઉપરોકત આયતમાં ઇસ્મનો અર્થ વિવરણ કર્તાઓએ ખોટી સાક્ષી વિગેરેનો કર્યો છે.
કુઆર્નના વિદ્વાનોએ હુક્કામ (શાસકો)થી મુસલમાનોના પોતાના મુફતી, કાઝી અને સુલતાનના અર્થ લીધા છે, જ્યારે ઇસ્લામી ધારાશાસ્ત્રીઓ અને કાઝીઓ પાસે ખોટા મુકદ્દમા તૈયાર કરીને લઈ જવાને અલ્લાહે ખૂબ જ નિંદાપાત્ર ઠેરવ્યું છે. હવે વિચારો કે બિન ઇસ્લામી રાજ્યો પાસે આ પ્રકારના મુકદ્દમા લઈ જવાનુ કેટલું અનુચિત છે.
રસુલેપાકની ચેતવણી ઃ
સમગ્ર માસ દરમયાન રોઝા રાખવાનો અંતિમ હેતુ એ હતો કે આગામી સમગ્ર વર્ષ દરમ્યાન આવી જ રીતે એક બીજાના ભાઇ બની રહો. આપ જો પોતાનુ ધન પરસ્પરમાં વહેંચી નથી શકતા તો ઓછામા ઓછું એટલુ તો કરો કે શાસકો પાસે એવા મુકદ્દમાઓ ન લઇ જાઓ જેમા તેમને લાંચ આપી ન્યાયની અપેક્ષા કરી બીજાના ધન પર કબ્જો કરવાનો આશય હોય.
આજથી તમારે પ્રતિજ્ઞા કરવી જોઈએ કે મિલ્લતની આર્થિક અનેે સામાજિક સુધારણાનો જે હેતુ કુઆર્નકરીમે પોતાના આદેશોમા ઠેરવ્યો છે, તેેને હંમેશા નજર સમક્ષ રાખીશ.
શું અત્યારે પણ તમને કુઆર્ન તરફ વળવાની જરૂરતનો અહેસાસ નહી થાય અને તમે પ્રતિજ્ઞા નહીં કરો કે તમામ દુન્યવી બાબતોમાં કુઆર્નના આદેશોના પાનલકર્તા બની જાઓ.
કેટલીક મહાન અને ગંભીર ચેતવણી સાથે રસૂલે પાક સ.અ.વ.એ મુસલમાનોને પોકારી કહ્યુ હતું ઃ
જો જો દેવાથી દુર રહેજો, દેવુ રાતની ચિંતા અને દિવસનુ અપમાન છે.
આ પ્રવચનમા મુસલમાનોના આર્થિક જીવન પર જ પ્રકાશ નાખવામાં આવ્યો છે.