ઇસ્લામમાં ધૈર્ય (સબ્ર)નું ખૂબ મહત્વ છે. કુઆર્નમાં ધૈર્યનું વર્ણન જુદી જુદી રીતે ૮૦ થી ૯૦ વાર કરવામાં આવ્યું છે. સહી બુખારીમાં ઇબ્ને મસ્ઉદ રદિ.ની હદીસ મુજબ “તે કહે છે ધૈર્ય અડધો ઈમાન છે, જ્યારે ભરોસો પુર્ણ ઈમાન છે.” ઇસ્લામના વિદ્વાનો ‘ધૈર્ય અડધો ઈમાન છે’ને સમજાવતા જણાવે છે કે અડધા ઇસ્લામી આદેશો ધૈર્ય પર આધારિત છે. જો મુસ્લિમ ધૈર્ય કરે છે તો તેનો અર્થ એમ થયો કે તે શરીઅતનો ૫૦ ટકા હિસ્સા પર અમલ કરી શકે છે, અને જો તે ધૈર્ય ન રાખે તો તે મોટા ભાગના ઇસ્લામી આદેશો પર અમલ કરવામાં નિષ્ફળ જઈ શકે છે.
વિદ્વાનોએ ધૈર્ય માટે ખૂબ દુઆઓ માગી છે. સૂરઃબકરહમાં આયત નંબર ૨૫૦માં જણાવે છે કે “હે અમારા માલિક ! અમારા ઉપર ધૈર્યની વર્ષા કર, અમારા કદમ જમાવી દે અને અમને આ ઇન્કાર કરવાવાળા જૂથ ઉપર વિજય પ્રદાન કર.”
ધૈર્ય વગર તમે કઈ રીતે અડગ રહી શકો? યુદ્ધના મેદાનમાં તમે પોતાનો માણસ ગુમાવી દીધો, તમારો ચહેરો ઈજા પામ્યો, તમને ડર છે કે તમે માર્યા જશો છતાં તમે ત્યાં અડગ છો, કારણ કે તમારી પાસે ધૈર્ય છે. તેથી જ ઉપરની દુઆમાં કહેવામાં આવ્યું છે કે ‘અમારા ઉપર ધૈર્યની વર્ષા કર’. એ જાદુગરોએ જ્યારે મુસા અલૈ.ના ચમત્કાર જોયો કે જે તેમના જાદુથી બિલ્કુલ જુદો હતો ત્યારે તેઓએ આ જ દુઆ કરી કે ‘અમારા ઉપર ધૈર્યની વર્ષા કર’. આ એવી પરિસ્થિતિ હતી કે જ્યારે તેઓ મૃત્યુની નજીક હતા.
સૂરઃબકરહની આ અને બીજી આયતોમાં કહેવામાં આવ્યું છે કે જેઓ અલ્લાહની મદદ ઇચ્છે છે તેઓ ધૈર્ય અને નમાઝ દ્વારા અલ્લાહની મદદ માગે.
ધૈર્યએ શક્તિનો સ્ત્રોત છે. તે જબરદસ્ત માનસિક શક્તિ પણ આપે છે. યાદ કરો એ પરિસ્થિતિ જ્યારે અલ્લાહના રસૂલ સલ્લ. અને અબુબકર રદિ. ગારમાં હતા અને દુશ્મનો એટલા નજીક હતા કે તેમની પગની આંગળી દુશ્મન આરામથી જોઈ શકતો અને બંનેને ઢાળી શકતો. અબુબકર રદિ. ખૂબ ડરી રહ્યા હતા પણ રસુલુલ્લાહ સલ્લ.એ તેમને આશ્વાસન આપ્યા, તે બે વિશે તમારૃં શું માનવું છે જેમની સાથે ત્રીજો અલ્લાહ હોય? સૂરઃતોબાની આયત નંબર ૪૦માં મુહમ્મદ સલ્લ.નો અલ્લાહ પર અપાર ભરોસો જણાવવામાં આવ્યો છે અને તે સાક્ષાત ધૈર્યનો નમુનો હતો. હજારો વર્ષ પહેલા એક બીજા નબી પણ ધૈર્યથી નવાજવામાં આવ્યા હતા, જેઓ સમુદ્રની નજીક ઊભા હતા અને ક્યાંય જવાનો કોઈ રસ્તો ન હતો અને દુશ્મનો તેમની નજર સમક્ષ હતા.
જ્યોર મુસા અલૈ.નો અનુયાયી ખૂબ ભયમાં હતો ત્યારે મુસા અલૈ.એ તેનો ભય દૂર કરતા ખુબજ ધૈર્યથી કહ્યું ક્યારેય નહીં! મારો રબ મારી સાથે છે અને તે મારૃં માર્ગદર્શન કરશે. ‘ક્યારેય નહીં’નો અર્થ છે કે મારો દુશ્મન મને પકડી શકશે એ ક્યારેય શક્ય નથી. પછી તેમણે કહ્યું કે મારો રબ મારી સાથે છે. ફિરઓન પાસે મોટું લશ્કર હતું પણ મુસા અલૈ. પાસે અલ્લાહ હતો. મુસા અલૈ.એ ધૈર્ય બતાવ્યું અને મુહમ્મદ સલ્લ.એ પણ ધૈર્ય બતાવ્યું, તેથી અલ્લાહે તેમને આત્મવિશ્વાસ અર્પણ કર્યો અને મદદ કરી, કેમકે અલ્લાહ તેમની સાથે છે જેઓ ધૈર્યવાન છે.
આજે મુસ્લિમ રાષ્ટ્રો રાજકીય રીતે કમજોર છે. ૫૫ થી વધારે દેશો હોવા છતાં કોઈ આપણા મતની નોંધ લેતું નથી, આપણી જીંદગી સાવ સસ્તી છે. આપણી જમીનો આસાનીથી કોઈપણ પચાવી જાય છે અને આપણે શાસકો અડધી રાત્રે અપહ્યત થઈ જાય છે. કુઆર્ન બની-ઇસરાઈલના વિજયની સાક્ષી આપતા કહે છે કે, ધૈર્ય તેમના ગુણોમાં મુખ્ય હતો તેથી જ કમજોર સમાજમાંથી સમગ્ર રાષ્ટ્ર એક શક્તિશાળી કોમમાં પરિવર્તિત થઈ ગયું.”મૂસાએ પોતાની કોમને કહ્યું, ”અલ્લાહથી મદદ માગો અને ધૈર્યથી કામ લો, ધરતી અલ્લાહની છે, પોતાના બંદાઓમાંથી જેને ચાહે છે તેનો વારસ બનાવી દે છે, અને અંતિમ સફળતા તેમના જ માટે છે જેઓ તેનાથી ડર રાખીને કામ કરે.” (સૂરઃ આ’રાફ-૧૨૮). જ્યારે કોમ ધૈર્ય ગુમાવી દેવાની પરિસ્થિતિમાં હતા ત્યારે તેમણે કહ્યું “તેની કોમના લોકોએ કહ્યું, ”તારા આગમન પહેલાં પણ અમને સતાવવામાં આવતા હતા અને હવે તારા આગમન પછી પણ સતાવવામાં આવી રહ્યા છીએ.” તેણે જવાબ આપ્યો, ”નજીક છે તે સમય કે તમારો રબ તમારા શત્રુને નષ્ટ કરી નાખે અને તમને ધરતીમાં ખલીફા (નાયબ) બનાવે, પછી જુએ કે તમે કેવા કર્મ કરો છો.” (સૂરઃ આ’રાફ-૧૨૯)
બની-ઇસરાઈલ વિદ્રોહી અને પાપાચારી હોવા છતાં જ્યારે તેમણે અપાર ધૈર્યનો પરચો આપ્યો તો અલ્લાહે તેમનામાંથી એવા આગેવાનો નીમ્યા કે જેઓ તેમનું માર્ગદર્શન કરતા રહ્યા, “અને જ્યારે તેમણે ધૈર્ય રાખ્યું અને અમારી આયતો પર વિશ્વાસ અપાવતા રહ્યા, તો તેમના અંદર અમે એવા આગેવાનો પેદા કર્યા જેઓ અમારી આજ્ઞાથી માર્ગદર્શન કરતા હતા.” (સૂરઃ સજદહ – ૨૪). અલ્લાહે તેમને રાજકીય તેમજ ધાર્મિક આગેવાનો આપ્યા. દાઊદ અને સુલેમાન અલૈ. જેવા નબીઓની સાથે-સાથે રાજા પણ આપ્યા. બની-ઇસરાઈલ એક સમય મહાસત્તા બની, જ્યારે દાઊદ અલૈ. પેલેસ્ટાઈન પર શાસન કર્યો. ધૈર્યએ એવો ગુણ છે જે ફક્ત એક વ્યક્તિને જ નહીં પણ સમગ્ર કોમને એક શક્તિશાળી રાષ્ટ્ર બનાવે છે.