Thursday, September 12, 2024
Homeઓપન સ્પેસઈમાન : ઓળખ અને કસોટી

ઈમાન : ઓળખ અને કસોટી

ઇસ્લામમાં ઈમાનને મૌલિક મહત્ત્વ પ્રાપ્ત છે. ઈમાન વિના આપણે ઇસ્લામની કલ્પના પણ નથી કરી શકતા. ઈમાન જ ઇસ્લામનો આત્મા અને ‘ન્યુક્લિયસ’ છે. ઈમાન ન હોય તો એ તમામ કાર્યો જે આપણે કરીએ છીએ, અને તેમને ધાર્મિક સમજીને કરીએ છીએ, નિરર્થક બનીને રહી જશે. જો કાર્યને જ વાસ્તવિક ઉદ્દેશ્ય ઠેરવી લેવામાં આવે અને તેની પાછળ કોઈ રહસ્ય અને ગુપ્તતા ન હોય અને ન જ તેનો કોઈ આત્મા હોય તો કાર્ય બોજો બનીને રહી જશે, અને એવા કાર્યો આપણા જીવનને શુષ્ક બનાવી દેશે. આ શુષ્કતાને દૂર કરવાનો એક જ ઉપાય છે કે મો’મિનો જેવું જીવન વ્યતીત કરવામાં આવે. માત્ર રસમરૃપી કે પારંપરિક ઈમાનથી કામ ચાલવાનું નથી. આપણને એ ઈમાન જોઈએ કે જે જીવંત હોય. તે આપણા જીવનની વાસ્તવિક મૂડી બનીને રહે, જેનો અભાવ આપણા માટે અસહ્ય બની જાય, જેના વિના જીવવું આપણને અસંભવ લાગે.

આપણને ઈમાનની દૌલત પ્રાપ્ત છે કે નહીં? આપણો ઈમાન જીવંત છે કે નહીં? તે આપણા ચારિત્ર્યનો આધાર અને તેની શક્તિ બની શકયો છે કે નહીં? તે આપણા જીવનને સુંદરતાથી આભૂષિત કરી શકયો છે કે નહીં? તે સ્વયં સુંદર છે કે નહીં? આ તમામ વાતોની આપણે કસોટી લેવી પડશે.

આપણે પોતાના ઈમાનનું સર્વેક્ષણ કેવી રીતે કરીએ? આપણે આ કેવી રીતે જાણી શકીએ કે આપણે આપણા જીવનમાં ઈમાનને શું સ્થાન આપ્યું છે? આના માટે આવશ્યક છે કે આપણે ઈમાનના લક્ષણોમાંથી કેટલાક મૌલિક લક્ષણ નિર્ધારિત કરી લઈએ. પછી એ લક્ષણોની સહાયતાથી આપણે કોઈ પણ સમયે આપણી ઈમાની દશાનું અવલોકન કરી શકીએ છીએ. અવલોકનથી જો આ જણાય કે આપણો ઈમાન તેજહીન છે તો પછી આપણને આની ચિંતા થશે કે આપણે ઈમાનમાં શક્તિ કેવી રીતે અને ક્યાંથી લાવીએ. ઈમાનના આમ તો કેટલાય લક્ષણ હોઈ શકે છે, પરંતુ તેના વિશેષરૃપે મુખ્ય ત્રણ લક્ષણ છેઃ

       (૧) વિશ્વાસ :

વિશ્વાસ ઈમાનનો પ્રથમ ગુણ કે લક્ષણ છે. વિશ્વાસ વિના ઈમાનના અસ્તિત્વની કલ્પના પણ નથી કરી શકાતી. દા.ત. જો કોઈને આ વિશ્વાસ જ ન હોય કે ખુદા છે તો પછી એ ઈમાનની દૌલતથી વંચિત જ રહેશે, કેમ કે જે ઈમાનની આપણે વાત કરી રહ્યાં છીએ એ કોઈ ભૌતિક જગત ઉપર ઈમાન લાવવાની વાત નથી. ભૌતિક જગત ઉપર તો દરેક વ્યક્તિ પ્રત્યક્ષ રીતે વિશ્વાસ કરવા મજબૂર છે. ઈમાનનું અસ્તિત્વ અને તેની સત્તા જે આપણા અસ્તિત્વનો વાસ્તવિક આધાર છે, તેના પર જો આપણને વિશ્વાસ ન હોય તો તેનો અર્થ આ સિવાય કંઈ નથી હોતો કે આપણા જીવનનો આપણી દૃષ્ટિમાં કોઈ મૌલિક આધાર નથી. આધાર ન હોવાના કારણે આ જીવન ઉદ્દેશ્યહીન બનીને રહી જશે. અર્થાત્ આજીવનનો કોઈ ઉચ્ચ ઉદ્દેશ્ય નહીં હોય. આપણે એ સમયે પણ ખાતા-પીતા હોઈશું, શ્વાસ લઈ રહ્યા હોઈશું, પરંતુ ખાવું-પીવું અને શ્વાસ લેવું જ જીવન નથી. આ કાર્ય તો પશુ, પક્ષી અને જીવ-જંતુઓ પણ કરે છે.

ઈમાનનો પ્રથમ પાયો આ છે કે આપણો એક અલ્લાહ છે, અને તે આપણો સર્વેસર્વા છે. અલ્લાહ સર્વ-શક્તિમાન છે, માત્ર એટલું જ નહીં બલ્કે તે સર્વગુણ સંપન્ન પણ છે. દુર્બળતા તેને સ્પર્શી પણ નથી શકતી. દયા તેનામાં છે, દાનશીલતા તેનામાં જોવા મળે છે, તે પોતાના ચાહનારાઓની સમીપ હોય છે, અને તેમના પર દયા અને પ્રેમ દર્શાવે છે.

ઈશ-જ્ઞાન (Awareness of God) વિના માણસની દરિદ્રતા ક્યારેય દૂર નથી થઈ શકતી. અલ્લાહ સિવાય આખિરત વિ. ઉપર ઈમાન વાસ્તવમાં અલ્લાહ ઉપર ઈમાન લાવવાની જ પરિપૂર્ણતાનું બીજું નામ છે. પરલોક કે આખિરત એની જ સલ્તનત છે. કોઈ સમ્રાટની કલ્પના સામ્રાજ્ય વિના શક્ય નથી. અલ્લાહ અને તેના ન્યાય વિ. ઉપર જો વિશ્વાસ ન હોય તો માણસનું સમગ્ર જીવન અવિશ્વાસની સ્થિતિમાં પસાર થશે. અલ્લાહ વિના તે અધૂરો છે. તેને પ્રસન્નતા અને તૃત્પિનું મળવું અશક્ય છે. જે વ્યક્તિને વિશ્વાસની દૌલત પ્રાપ્ત ન હોય તેને ક્યારેય પણ શાંતિ નથી મળી શકતી. તે વિભિન્ન કાર્યોમાં વ્યસ્ત રહીને પ્રયત્ન કરશે કે તેના જીવનમાં જોવા મળતું ખાલીપણું તેને મહેસૂસ ન થાય અથવા તેને તેનો ઓછામાં ઓછો આભાસ થાય.

       (૨) સારી આશા 

ઈમાનનું આ બીજું લક્ષણ છે. વાસ્તવમાં આશા અલ્લાહથી જ રાખી શકાય છે. એ જ છે કે જેની પાસે બધું જ છે. તે ઇચ્છે છે કે આ અનુગ્રહ સામાયિક ન હોય, બલ્કે સ્થાયી તથા પૂર્ણ હોય. આ જ પૂર્ણતાના પ્રદર્શનને પરલોક કે આખિરતનું જીવન કહેવામાં આવે છે. વ્હાલા નબી સ.અ.વ.એ કેટલું સત્ય કહ્યું છે કે “જીવન તો બસ આખિરતનું જીવન છે.”

અલ્લાહથી સારી આશા એ શક્તિ છે કે જેનાથી જીવનને તેજ અને બળ બધું જ મળે છે. અને આ જ આશા છે કે જે જીવન-પથ ઉપર માણસને હંમેશ અગ્રેસર રાખે છે.આ આશા ન હોય તો માણસ ભાંગી પડશે. જેઓ અલ્લાહને નથી માનતા, અથવા માને તો છે પરંતુ તેમનું માનવું માત્ર રસમ-રૃપ હોય છે, તેઓ ભાંગી પડેલા દેખાય છે. તેમના જીવનમાં સ્ફૂર્તિ, તાજગી અને એવી પ્રફુલ્લતા નથી જોવા મળતી જે હૃદયને આકર્ષિત કરી શકે. અલ્લાહથી સારી આશા ન રાખવી એટલો મોટો ગુનાહ છે કે એને કુફ્ર (કૃતઘ્નતા) કહેવામાં આવ્યું છે, અને તેનાથી સારી આશા રાખવી એ વાસ્તવમાં તેની બંદગી તથા ઉપાસના છે.

       (૩) આસક્તિ 

ઈમાનનું ત્રીજું અને અંતિમ લક્ષણ છે આસક્તિ કે પ્રેમ. પ્રેમ વિના કોઈ પણ વાર્તાને પૂર્ણ કહી નથી શકાતી. પછી ઈમાન આના વિના કેવી રીતે જીવન-નિધિ બની શકે છે. ઈમાનમાં અલ્લાહ પ્રત્યે પ્રેમ કે સ્નેહ સામેલ હોય છે. અલ્લાહમાં વિશ્વાસ તો હોય પરંતુ તેનાથી પ્રેમ ન હોય તો પછી આ વિશ્વાસ કે યકીનને ઈમાન કહી ન શકાય, પ્રેમ વિના ઈમાન અસ્તિત્વમાં નથી આવતો, અને ન જ સ્થિર રહે છે. આ પ્રેમ અને આસક્તિ  જ છે જે જીવનની ખુશીઓ અને આનંદથી ભરી દે છે, અને જેના કારણે જીવન ભાવમય થઈ જાય છે. તેનામાં નિરાશાની કોઈ કાલિમા બાકી નથી રહેતી.

ઈમાનના ઉપરોક્ત લક્ષણો એવા છે કે જેમનાથી એક એવા વ્યક્તિત્વનું નિર્માણ (Perfect Personality) કહી શકીએ છીએ. અને આપણે જાણીએ છે કે પૂર્ણતા (Perfection) જ જીવનનું લક્ષ્ય હોઈ શકે છે. અને જીવન આ જ પૂર્ણતા તરફ ગતિશીલ રહે છે. અને આ જ ગતિશીલતા જીવનનું મુખ્ય લક્ષણ છે./

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments