Thursday, May 30, 2024
Homeપયગામઉદ્યોગ સાહસિકતા અને ઇસ્લામ

ઉદ્યોગ સાહસિકતા અને ઇસ્લામ

એવી વ્યક્તિ કે જે વ્યવસાયનું આયોજન અને તેનું સંચાલન કરે છે, અને તે કરવા માટે સામાન્ય કરતા વધુ નાણાંકીય જોખમો ખેડે તેને Entrepreneur (ઉદ્યોગ સાહસિક) કહી શકાય. આ ઉદ્યોગ સાહસિકતા વ્યક્તિગત રીતે પણ હોઈ શકે અને સામુહિક રીતે પણ. જે વ્યક્તિ સામાજિક સમસ્યાઓ ઉકેલવા અથવા સામાજિક પરિવર્તનને લક્ષ્ય બનાવવાના ઉદ્દેશ્ય સાથે એન્ટરપ્રાઈઝ પ્રસ્થાપિત કરે છે તેને સામાજિક ઉદ્યોગ સાહસિક કહી શકાય. Entrepreneurship કોઈ પણ અર્થતંત્રનું મહત્ત્વનું અંગ હોય છે. સામાજિક આર્થિક ઉન્નતિમાં પણ વિવિધ સ્તરે સાહસિકતા મહત્ત્વનો ભાગ ભજવે છે.

ધર્મોમાં આ વિશે શું માર્ગદર્શન છે તે બાબતે હું વધારે કહી શકું નહીં પરંતુ જ્યાં સુધી ઇસ્લામની વાત છે તો ઇસ્લામે ચોક્કસ આ ક્ષેત્રનું શિક્ષણ આપ્યું છે. ઇસ્લામ કે જે સમગ્ર જીવનની વ્યવસ્થાનું નામ છે, તેમાં આ બાબતે કશું ન હોય એવું શક્ય નથી. ઉદ્યોગસાહસિકતા ઇસ્લામિક અર્થશાસ્ત્રનો એક ભાગ છે. MSME (micro, small, medium enterprises)ના દરેક ક્ષેત્રમાં ઇસ્લામે સાહસ કરવા પ્રોત્સાહન આપ્યું છે. ઇસ્લામને આ અર્થમાં ઉદ્યોગસાહસિક ધર્મ તરીકે સમજવામાં આવે છે કે તે ઉદ્યોગસાહસિક પ્રવૃત્તિને સક્રિય કરે છે અને ઉત્તેજન આપે છે. મુહમમદ સ.અ.વ. અને તેમના સહાબા રદી.નું જીવન તેનું સ્પષ્ટ ઉદાહરણ છે.

એક વખત એક અન્સારી સહાબી આપ સ.અ.વ.ની ખિદમતમાં આવ્યા અને આપની પાસેથી કંઈ માંગ્યું. આપ સ.અ.વ.એ પૂછ્યું તમારી પાસે કંઈ છે? તેમને જવાબ આપતાં કહ્યું કે અલ્લાહના રસૂલ મારી પાસે ફકત કંતાનનું પાથરણું અને એક પાણીનું પવાલું છે. આપ સ.અ.વ.એ બંને વસ્તુ મંગાવી અને બે દીરહામમાં તેની હરાજી કરી અને કીધું જાઓ એક દીરહામથી ખાવા પીવાની વસ્તુઓ ખરીદી ઘરવાળાઓને આપી દો અને એક દીરહામથી કુહાડી ખરીદી લાવો. ત્યારબાદ આપ સ.અ.વ.એ પોતાના મુબારક હાથોથી તેમાં હાથો લગાવ્યો અને ફરમાવ્યું, જાઓ જંગલથી લાકડા કાપીને લાવો અને બજારમાં વેચો. દિવસો પછી જ્યારે તે સહાબી આપ સ.અ.વ.ને મળ્યા તો ખૂબજ ખુશ હતા ને દસ દીરહામ ભેગા કરી લીધા હતા. આપ સ.અ.વ. ફરમાવ્યું કે આ મહેનતની કમાણી તમારા માટે વધુ સારી છે કે તમે લોકો પાસેથી માંગતા ફરો.

પરંતુ એક વાત સમજવાની જરૃર છે કે ઇસ્લામી ઉદ્યોગ સાહસિકતા અને પ્રવર્તમાન અથવા પાશ્ચત્ય ઉદ્યોગ સાહસિકતામાં તફાવત છે. ઇસ્લામે ઘણા નિયંત્રણો લાદયા છે. જ્યારે બીજી અર્થ વ્યવસ્થામાં કોઈ મર્યાદા દેખાતી નથી. પરંતુ સમાજમાં નૈતિક અને આધ્યાત્મિક સફળતાની દૃષ્ટિએ ઇસ્લામ ઉદ્યોગ સાહસિકતા  જુદી તરી આવે છે. મુસ્લિમ ઉદ્યોગસાહસિકો ધાર્મિક કાયદાને બંધનકર્તા હોવાથી કેટલીક  ચોક્કસ આર્થિક અને ધિરાણની પ્રવૃત્તિઓ, જેમકે જુગાર, વ્યાજ અને સટ્ટાનો સમાવેશ થાય છે તેમાં સામેલ થવાથી દૂર રહે છે. જોકે પાશ્ચત્ય સાહસિકો પણ નૈતિક કાયદાઓને કારણે તેને છોડવાનું પસંદ કરી શકે છે; પરંતુ તેમની મર્યાદાઓ સ્વૈચ્છિક છે અને ઘણી વખત શરિયતના નિયમો કરતાં ઓછી પ્રતિબંધિત છે. મુસ્લિમ સાહસિકો પર લાદવામાં આવેલી મર્યાદાઓ સ્વાભાવિક રીતે અનૈતિક અને અન્યાયી આર્થિક વ્યવહારો દૂર કરે છે, અને તેમના ઉપર પ્રતિબંધ અર્થતંત્રના સામાજિક મુલ્યને વધારી દે છે.

વ્યક્તિ ઉદ્યોગ સાહસિકતા વડે પોતાનું ગુજરાત ચલાવી શકે પરંતુ પોતાના જીવન નિર્વાહ સારૃ ઇસ્લામે અર્થોપાર્જનનું જે શિક્ષણ આપ્યું છે તેને હલાલ અને હરામ વડે નિયંત્રિત રાખ્યું છે. દેખીતી રીતે આ બંધનોથી આર્થિક નુકસાન દેખાય છે પરંતુ પરિણામની દૃષ્ટિએ તેના ફાયદા વધારે છે. ઇસ્લામી શિક્ષા મુજબ એ દરેક કર્મ (અમલ) અલ્લાહની ઇબાદત છે જે અલ્લાહ અને તેના રસૂલ સ.અ.વ.ના શિક્ષણ મુજબ હોય. એટલે જો ઇસ્લામી સિદ્ધાંતોને નજર સમક્ષ રાખી વ્યક્તિ સાહસ કરે તો એ પણ અલ્લાહની ઈબાદત (ભક્તિ) છે. ઇસ્લામે માત્ર નમાઝ પઢવાની તાલીમ આપી નથી બલ્કે જીવનનો સંતુલિત વિકાસ કરવા અર્થોપાર્જન માટે મહેનત કરવાનું પ્રોત્સાહન અને આદેશ આપ્યો છે. કુઆર્નમાં અલ્લાહ ફરમાવે છે,

“પછી જ્યારે નમાઝ પૂરી થઈ જાય તો ધરતી ઉપર ફેલાઈ જાઓ અને અલ્લાહની કૃપા (આજીવિકા) શોધો અને અલ્લાહને પુષ્કળ યાદ કરતા રહો, કદાચ તમને સફળતા પ્રાપ્ત થઈ જાય.” (સૂરઃ જુમુઆ-૬૨ઃ૧૦) અને “તે જ તો છે જેણે તમારા માટે ધરતીને આધીન કરી રાખી છે, ચાલો તેની છાતી પર અને ખાઓ અલ્લાહની રોજી, તેના જ સમક્ષ તમારે બીજી વખત જીવંત થઈને જવાનું છે.” (સૂરઃ મુલ્ક-૬૭ઃ૧૫)

અર્થતંત્ર કોઈ પણ સમાજ કે દેશની કરોડરજજુ સમાન છે. ઉદ્યોગ સાહસિકતા એક એવું પરિબળ છે જેના વડે આર્થિક સમસ્યાઓને હલ કરી શકાય છે. તેના વડે લોકોને સ્વરોજગાર પણ મળે છે અને નોકરીઓ ઉત્પન્ન કરવાના અવકાશ પણ વધે છે. ઇસ્લામે સ્વરોજગારને પ્રોત્સાહિત કર્યું છે. એક વાર અલ્લાહના રસૂલ સ.અ.વ.થી પૂછવામાં આવ્યું કે સૌથી શ્રેષ્ઠ કમાણી કઈ છે? આપે ફરમાવ્યું કે પોતાના હાથની કમાણી અને એ દરેક વેપાર કે જેમાં જૂઠ અને બેઈમાની ન હોય.

વર્તમાન પરિસ્થિતિને જુઓ આખી દુનિયા ભયંકર આર્થિક સંકટનો સામનો કરી રહી છે. બર્લિનની દિવાલના ધરાશયી થયા પછી દુનિયા વિકલ્પની શોધમાં સમાજવાદી વ્યવસ્થા તરફ વળી રહી છે. ભારતને પણ જે આર્થિક મંદીએ પોતાના ભરડામાં લીધું છે તેનું એક મુખ્ય કારણ મૂડીવાદી નીતિઓ છે. જેના કારણે મોટી સંખ્યામાં લોકો બેરોજગાર થયા છે અને નાના તથા મધ્યમ વ્યાપારીની કમર ભાંગી ગઈ છે,  જ્યારે કે મોટા માથાઓને કોઈ ફર્ક પડયો નથી બલ્કે તેનાથી વિપરિત વિમુદ્રીકરણ અને જીએસટીના અમલ પછી તેમને ફાયદો થયો છે. Perkin નામના અર્થશાસ્ત્રીએ ૨૦૦૩માં સંપત્તિ સર્જનમાં ઇસ્લામની ભૂમિકા ઉપર મૂડીવાદની પુષ્ટિ કરતા એક વિશ્લેષણમાં લખ્યું હતું કે, Islam is an economic hindrance and barrier to prosperity and fulfilment of human ambition, potential and welfare. પરંતુ બીજા ઘણા લેખકો ભારપૂર્વક દલીલ કરી કે ઇસ્લામ વ્યક્તિગત પહલ પડે થતા વિકાસને રોકતો નથી બલ્કે પરવાનગી જ નહીં પ્રોત્સાહન પણ આપે છે. તેના માટે નીચેના સંદર્ભ પુસ્તકનાં પાના વાંચી શકાય.

M.A. Haneef, “Can there be an economic based on religion? The case of Islamic economic” Post-Autistic Economics review – Vol. 34 P. 41-52,2005.  Pistrui and J. Fahed-Sreih, “Towards an understanding of Islam and Muslim Entrepreneurship in Middle east,” In Entrepreneurship : Values and Responsibility, W.W. Gasparski. C.L. Ryan and S. Kwiatkowski, Ed. New Jersey, NJ: Transaction, Inc, 2010 P. 221-235.

ઉદ્યોગસાહસિકતા વાસ્તવમાં સામાન્યથી ઉપર ઉઠી રોજગાર અને વેપાર માટેની નવી તકો શોધવાનું નામ છે. જે માનવીને એવી નવી દિશાઓ અને અજાણી તકોના સંશોધન માટે પ્રેરે છે જે માનવીય સમાજ માટે લાભદાયી હોય. અને આ શોધ જોખમ ખેડવા અને નવા વિચારો થકી જ શક્ય બને છે. ઇસ્લામે તેના માટે ખુબજ મહેનત કરવાની તાલીમ આપી છે. પયગંબર હઝરત મુહમ્મદ સ.અ.વ.એ ફરમાવ્યું કે રોજીની શોધમાં અને હલાલ કમાણી માટે વહેલી સવારે જ નીકળી જાઓ કેમકે સવારના કામોમાં બરકત અને વિશાળતા હોય છે.

ઇસ્લામ ઘર્ષણ રહિત અને અન્યાય મુક્ત સમાજની રચના કરવાનું શિક્ષણ આપે છે. અને આર્થિક સંતુલન દ્વારા આ હેતુને પ્રાપ્ત કરી શકાય છે. આપ સ.અ.વ. જયારે હિજરત કરીને મદીના આવ્યા તો એક મોટું કાર્ય મદની માર્કેટનું નિર્માણ હતું. એટલું જ નહીં આર્થિક સમસ્યાનો મુકાબલો કરવા માટે જે નવીન દાખલો બેસાડ્યો તે ઇતિહાસમાં બીજે ક્યાંય જડતો નથી. આપ સ.અ.વ.એ અન્સાર અને મુહાજીરો (મદીનાના રહેવાસી અને હિજરત કરીને આવનારા) લોકો વચ્ચે ભાઈચારો કર્યો. ઇસ્લામે ઉદ્યોગ સાહસિકને વિશેષ સ્થાન આપ્યું છે. હઝરત મુહમ્મદ સ.અ.વ.એ ફરમાવ્યું “સાચો અને પ્રમાણિક વેપારી કયામતમાં નબીઓ, સીદ્દીકો અને શહીદોની સાથે હશે.” (તિરમીજી)

ઇસ્લામી સંસ્કૃતિ છે કે વ્યક્તિ જ્યારે કોઈ કાર્ય કરવાનો ઇરાદો કરે તો ઇનશાઅલ્લાહ કહે છે જેનો અર્થ છે કે અલ્લાહે ઇચ્છયું તો, તેનું અર્થઘટન એમ કરી શકાય કે આ કાર્ય માટે હું મારાથી બનતા શ્રેષ્ઠ પ્રયાસ કરીશ પરંતુ બાહ્ય વસ્તુઓ મારા નિયંત્રણમાં નથી જો અલ્લાહની ઇચ્છા હશે તો થઈ જશે. આ વિશ્વાસ વ્યક્તિમાં નવું જોમ પેદા કરે છે અને સફળતાની આશા અને સકારાત્મકતા ઉત્પન્ન કરે છે. જેના થકી તે નવા સાહસ કરી શકે છે. બિન શ્રદ્ધાળુ વ્યક્તિમાં ખતરો લેવાની શક્તિની અછત હોય છે. જ્યારે ઈમાનવાળા વ્યક્તિ અલ્લાહના ભરોસે નવું સાહસ કરી નાંખે છે.

ઇસ્લામમાં ઉદ્યોગસાહસિકતા માત્ર નફો રળવાનો કીમિયો નથી બલ્કે તે સમાજ પ્રત્યે વ્યક્તિને  વધુ જવાબદાર બનાવે છે. તેથી ઇસ્લામે દાન કરવાની ખૂબ તાકીદ આપી છે. વ્યક્તિ મરી જાયતો તેની કર્મનોધમાં બંધ થઈ જાય છે. સિવાય ત્રણ વસ્તુઓના જેમાં એક દાન છે. દાન માત્ર પૈસાનું નથી બલ્કે ઇસ્લામે સંપત્તિ, જમીન, ઈમારત, કુવા, વૃક્ષ, વિ. વસ્તુઓને વકફ  (ઇશ્વરના માર્ગમાં અર્પણ) કરવાની તાલીમ આપી છે. જેના વડે અનાથો, વિધવાઓ, ગરીબો વિ.ની આર્થિક સમસ્યાઓને હલ કરી શકાય છે. “તમે નેકી (ઉચ્ચતમ્ સદાચાર)ને પહોંચી શકતા નથી જ્યાં સુધી તમારી તે વસ્તુઓ (અલ્લાહના માર્ગમાં) ખર્ચ ન કરો જેને તમે પ્રિય રાખો છો, અને જે કંઈ તમે ખર્ચ કરશો અલ્લાહ તેનાથી અજાણ નહીં હોય.” (સૂરઃ આલે ઇમરાન-૩ઃ૯૨)

ઝકાતની વ્યવસ્થા સામુહિક રીતે અને આયોજનબદ્ધ રીતે કરવામાં આવે તો ગરીબી નિર્મુલન અને રોજગારી આપવામાં ખુબજ મદદરૃપ થઈ શકે છે. એની બરકત હતી કે ખિલાફત કાળમાં કોઈ ઝકાત લેવાવાળું રહ્યું ન હતું. આજે મસ્જીદને કેન્દ્ર બનાવી આવી વ્યવસ્થા ઉભી કરી શકાય છે. આવી વ્યવસ્થાના અભાવના કારણે જ આજે મુસ્લિમ સમાજમાં ભીખારીઓની સંખ્યા ખૂબ વધી ગઈ છે. જ્યારે ઇસ્લામે ભીખ માગવાને બિલ્કુલ જ નાપસંદ કર્યું છે. આપ સ.અ.વ. કહેતા હતા કે આ મહેનતની કમાણી તમારા માટે એના કરતા વધુ સારી છે કે તમે લોકો પાસે માગતા ફરો અને કયામતના દિવસે તમારા ચહેરા ઉપર ભીખ માગવાનું કલંક હોય.

ઉદ્યોગ સાહસિકતામાં જ્ઞાનની ભૂમિકા ખૂબજ મહત્ત્વનો ભાગ ભજવે છે. ઇસ્લામમાં જે પણ જ્ઞાન છે તેને પ્રાપ્ત કરવા ખૂબજ પ્રેરણા આપેલ છે. કુઆર્ન આદેશ આપતાં કહે છે, “પઢો (હે પયગંબર !) પોતાના રબ (પ્રભુ)ના નામ સાથે જેણે સર્જન કર્યું, થીજેલા લોહીના એક લોચાથી મનુષ્યનું સર્જન કર્યું. પઢો, અને તમારો રબ અત્યંત ઉદાર છે જેણે કલમ વડે જ્ઞાન શીખવાડ્યું, મનુષ્યને તે જ્ઞાન આપ્યું જેને તે જાણતો ન હતો.” (સૂરઃ અલક-૯૬: ૧ થી ૫)

વ્યક્તિ આર્થિક રીતે મજબૂત હશે તો દીનની સેવા પણ સારી રીતે કરી શકશે. તેથી માણસે નવું સાહસ કરવું જ રહ્યું કે જેથી તેની આર્થિક ઉન્નતી થાય. કેટલાક એવા મુલ્યો છે જે ઉદ્યોગ સાહસિકતાને ઇસ્લામી બનાવે છે અથવા એમ કહી શકાય કે ઇસ્લામી ઉદ્યોગ સાહસિકતાના મૂળભૂત ગુણધર્મો શ્રદ્ધા, વેપારનું હલાલ અને કાયદેસર હોવું,વ્યવસાયનું જ્ઞાન હોવું, ઈમાનદારી, પારદર્શિતા, સચ્ચાઈ, નૈતિકતા, સમાજ પ્રત્યે જવાબદારી અને ઉત્તરદાયિત્વનું ભાન છે. સોદો પર સોદો કરવો, દગો, જૂઠ, સંગ્રહખોરી, વ્યાજ હરામ વસ્તુનોવેપાર કે તેમાં રોકાણ, સંસાધનોનો બગાડ અને અનૈતિકતા વિ. એવી વસ્તુઓ છે જે ઇસ્લામી ઉદ્યોગ સાહસિકતાને ખતમ કરી નાંખે છે.  /

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments