આ આપણા સર્જનહારની કૃપા છે કે તેણે આપણને એક એવા દેશમાં પેદા કર્યા જ્યાં વિવિધ ધર્મના માનનારાઓ જેમાં હિન્દુધર્મ, ઇસ્લામ, ખ્રિસ્તી ધર્મ, શીખ સંપ્રદાય અને જૈન-બૌદ્ધ ધર્મો શામેલ છે. ભાતભાતની બોલી બોલાનારાઓ, વિવિધ પ્રકારની સભ્યતાઓ, ઇતિહાસ અને આસ્થા ધરાવનાર લોકો એક સાથે જીવન વ્યતિત કરે છે. આ જ આપણા દેશની વિશેષતા છે અને અને આ વિશેષતાએ જ આપણા દેશને સમગ્ર વિશ્વમાં વિશેષ ઓળખ પ્રદાન કરી છે. અમેરીકા અને યુરોપના દેશો પણ આવા બહુસાંસ્કૃતિક સમાજથી મહેરૃમ છે. વિવિધતામાં એક્તાની ઓળખે આપણા દેશ અને સમાજને મજબૂત બનાવ્યો છે. જેમ વિવિધ રગંના તાંતણાથી એક આકર્ષક કાપડ તૈયાર થાય છે અથવા વિવિધ પુષ્પોથી એક મનગમતો બગીચો ઊભો થાય છે તે જ રીતે વિવિધ માન્યાતાઓ,ભાષાઓ અને સભ્યતાઓએ આ દેશને સુંદર બનાવ્યો છે એટલે જ પ્રસિદ્ધ કવિ ઇકબાલ કહે છે કે ‘સારે જહાં સે અચ્છા હિન્દોસ્તાં હમારા, હમ બુલબુલે હૈં ઉસકે વો ગુલશિતાં હમારા’
કોમવાદી રમખાણો પણ આપણા દેશ માટે નવા નથી પંરતુ આ અનિચ્છનિય બનાવો છતાં માનવતાના સંબંધો હમેંશા કાયમ રહ્યા છે. વિખવાદો ઊભા થયા, ક્યારેક અથડામણ અને હિંસા પણ થઇ પરંતુ આ બનાવોએ ક્યારેય કાયમી અથડામણનું સ્વરૃપ ધારણ નથી કર્યું. અને સમાજ વિભાજીત નથી થયો.
સ્વતંત્રતાના ચાહકો અને તેના માટે જાન કુર્બાન કરનારા જાંબાઝો એ જે સ્વપ્નો જોયા હતા તેમાં બધા માટે સમાનતા, માનવ સન્માન, સહિષ્ણુતા અને માનવ હક્કોની જાળવણી હતી. આપણા દેશના બંધારણે પણ તમામ ધર્મો અને સંપ્રદાયોના માનનારાઓને સંપૂર્ણ આઝાદી આપી છે. તમામને સમાન હક્કો આપ્યા છે. આસ્થા, બંદગી, વિચાર વિનિમય, પ્રસાર અને પ્રચાર, અભિવ્યક્તિ, સામાજિક અને રાજકીય જેવી બાબતો આપણા બંધારણના આધાર છે. શાંતિ, સલામતી, ભાઇચારો અને સમાનતા ભારતના બંધારણની વિશેષતા છે. બંધારણની કલમ ૨૫માં કહેવામાં આવ્યું છે કે, “તમામ વ્યક્તિઓને અભિવ્યક્તિની સ્વતંત્રતા, સ્વતંત્રતાપુર્વક ધર્મ સ્વિકારવો અને તેનું પાલન અને પ્રચાર કરવા સમાન અધિકાર છે.”
નૈતિક શિક્ષા, તમામ ધર્મોનો મહત્વનો ગુણ છે, જેમાં પ્રેમ, ભાઇચારો ધીરજ-સ્વસ્થતા, નરમાશ, દયા કરવી અને માફી આપવી. ન્યાય કરવો, ભોગ અને બલિદાન, સહિષ્ણુતા, સગવડતા વગેરે જેવી તાલીમ આપવામાં આવી છે. જેની મહેંકથી માનવતા સુગંધિત થઇ ઉઠે છે. કોઇ પણ સમાજની પ્રગતિ માટે જરૂરી છે કે કાયદાનુું વર્ચસ્વ માની લેવામાં આવે. જો આ ચીજો ન હોય તો અફરા તફરી અને વિખવાદ પેદા થઇ શકે છે. જે સમાજમાં વિખવાદ અને ફિત્નાઓ થશે તે સમાજ કે દેશ સાચા અર્થમાં પ્રગતિ નથી કરી શક્તો. અશાંતિ અને અસલામતી ચારેકોર ફેલાઇ જાય છે.
વર્તમાન સમયમાં દરેક વ્યક્તિની જીભે શાંતિ શબ્દ છે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સરકારો પણ શાંતિનો જાપ કરવાથી થાકતી નથી બલ્કો મોટા મોટા સેમિનારો અને પરિસંવાદોનો કેન્દ્રીય વિષય પણ શાંતિ-સલામતી અને માનવ અધિકારોની બહાલી અથવા તેની સુરક્ષા હોય છે. શાંતિ એ મનુષ્યની પ્રાકૃતિક જરૂરત છે તેના સાનિધ્યમાં જ એક સામાન્ય જન પોતાની પ્રગતિ અને સફળતા માટે મહેનત કરી શકે છે. અશાંતિ ન માત્ર વ્યક્તિ માટે બલ્કે સમગ્ર સમાજ અને દેશના વિકાસ અને પ્રગતિ માટે અવરોધક છે.
રોટી, કપડા ઔર મકાન, શાઇનીંગ ઇન્ડિયા, ફિલગુડ, ભ્રષ્ટાચારમુક્ત ભારત, અચ્છે દીન વગેરે નારાઓ સારા તો લાગે છે અને એક સામાન્ય માણસના ભાગમાં આ નારાઓ જ આવ્યા છે. પણ વાસ્તવિક્તા કઇંક બીજી જ છે શાંતિ અને સલામતીની સ્થાપના વગર આ પ્રકારના નારાઓ પણ હવાના ફુગ્ગાઓ જ હોય છે. જે થોડીવાર માટે ફુલાતો દેખાય છે પરંતુ ખૂબ જલ્દીથી ફાટી જાય છે.
આપણે પોતાના સમાજ ઉપર દૃષ્ટીપાત કરીએંે તો મહેસુસ થશે કે સમગ્ર દેશમાં લુંટમાર, હત્યા, હિંસાઓનું બજાર ગરમ છે. નાગરિક અધિકારો પાયમાલ થઇ રહ્યા છે. ભ્રષ્ટાચાર ચરમ સીમા પર છે. મહિલાઓ પર અતિક્રમણના બનાવો વધતા જઇ રહ્યા છે અને કોમવાદ તેમ જ જાતિવાદ પ્રતિદિન વકરી રહ્યો છે. અને આતંકવાદનું વલણ વધતું જઇ રહ્યું છે અમુક સ્વાર્થી તત્વો પોતાના રાજકીય આર્થિક ફાયદાઓ અને હિતો માટે દેશની પ્રાચીન વિશેષતાઓને નષ્ટ કરવા તૈયાર થયા છે.
દેશનું વિભાજન એક દુખઃદાયક ઘટના હતી. સ્વતંત્રતા પહેલા અંગ્રેજોએ પોતાની ‘ભાગલા પાડો અને રાજ કરો’ની પોલીસી આધિન રમખાણો કરાવડાવ્યા. પરંતુ સ્વતંત્રતા પછી પણ અમુક કોમવાદી લોકોના કારણે રમખાણોનો સિલસિલો ચાલુ છે. જેના કારણે ધીરે ધીરે દેરક જગ્યાએ જાતિ આધારિત વસાહતો ઊભી થવી શરૃ થઇ. આ પરિસ્થિતીએ અંતિમવાદીઓના કામને વધુ સરળ કરી નાંખ્યું વિવિધ રાજ્યોમાં અનેક રમખાણો થયા. ઇન્ફોર્મેશન ટેકનોલોજી અને ગ્લોબલાઇઝેશનના કારણે વિશ્વ સંકોચાઇ ગયું છે. જાણે નાનકડા ગામડાની જેમ બની ગયું છે. આથી હવે એવું લાગ્યું કે મોટા રમખાણો વિશ્વસ્તરે દેશની બદનામી કરે છે એટલા માટે એ વલણ ઉભું થયું જે નાના-નાના પરંતુ અત્યંત ભયાનક બનાવોના સ્વરૃપે હવે સામે આવી રહ્યું છે. લોકસભામાં ગૃહવિભાગ દ્વારા જે આંકડાઓ રજુ થયા તે મુજબ પાછલા વર્ષ ૨૦૧૫માં કોમવાદી રમખાણોમાં ૧૭%નો વધારો થયો છે જેમાં ૮૭% બનાવો જે ૭ રાજ્યોમાં બન્યા હતા તેમાં આપણું ગુજરાત પણ શામેલ છે.
પાછલા ઇતિહાસમાં જવાની જરૃર નથી. હાલના દિવસોમાં એવા ઘણા ઘાતકી અને ભયાનક બનાવો સામે આવ્યા છે જે મુજબ એક નવયુવાન અને એક સગીર છોકરાને ઝાડ ઉપર લટકાવી દીધા. દાદરીમાં મુહમ્મદ અખલાકની નિર્દય હત્યા, કોમવાદની ટીકા કરનારા લેખકો અને બૌદ્ધિકોની હત્યાઓ,વિવિધ રાજ્યોમાં ચર્ચ ઉપર હુમલાઓ, વિખ્યાત વિદ્યાલાયોમાં દલિતો ઉપર થનારા અત્યાચારો, રોહીમ વેમુલાની આત્મહત્યા અને કોર્ટ સંકુલમાં એક વિદ્યાર્થી ઉપર વકીલોનો હુમલો, દલિત સ્ત્રીઓ સાથે બળજબરી બળાત્કારના બનાવો, ઊનામાં દલિત ભાઇઓ સાથે અમાનવીય અત્યાચાર કવામાં આવ્યા. શાંત ગણાતા કચ્છ વિસ્તારમાં પણ મારપીટની થયેલી ઘટનાઓ, મધ્યપ્રદેશમાં મુસ્લિમ સ્ત્રીઓને માર-ઝુડ, ૧૫ રૃપિયા માટે ઉત્તર પ્રદેશમાં દલિત દંપતિની હત્યા, પગવારામાં મુસ્લિમો ઉપર હુમલાઓ, આ સમગ્ર દેશમાં ચારેકોર મુસ્લિમો, દલિતો, આદિવાસિઓ અને લઘુમતિઓ ઉપર થઇ રહેલા હુમલાઓ અને અત્યાચાર, તેમના સાથે નફરત, દ્વેષ, કોમવાદ,અંતિમવાદ, ઉંચનીચ અને અસ્પૃશ્યતાના વ્યવહારના આ થોડા દૃષ્ટાંતો છે. પ્રત્યક્ષ રીતે આ બાબતોમાં કોઇ એક અથવા અમુક વર્ગોનું નુકશાન દેખાય છે. પરંતુ આ માત્ર ભ્રમ છે નહિંતર આ નુકશાન સમગ્ર દેશનું છે. આ માનસિક્તાને રોકવામાં નહીં આવે તો આ એવી આગ છે જેમાં બધું જ ભસ્મ થઇ જશે.
આ પ્રકારના બનાવો પહેલા શહેરો સુધી સિમિત હતા, હવે તેનું વર્તુળ મોટું થઇને ગામડાઓ સુધી પહોંચ્યું છે. ઉત્તર પ્રદેશના ગામડાઓમાં છેલ્લા ત્રણ વર્ષમાં બે ડઝનથી વધારે બનાવો પ્રકાશમાં આવ્યા છે. અને ગાંધીના ગુજરાતમાં પણ પ્રતિદિન આ પ્રકારની અથડામણોના સમાચાર આવતા રહે છે.
રમખાણો તો અગાઉ પણ થતા હતા. પરંતુ તેના કારણો હંગામી હોતા હતા. થોડા સમયમાં શાંતિ થઇ જતી હતી. અને તેની અસરો નિર્મૂળ થઇ જતી હતી. અને લોેકો પણ ભુલી જતા હતા. અને હળીમળીને રહેવા લાગતા હતા. પરંતુ હવે આ કારણોને અમુક ચોક્કસ પ્રકારના આધારો આપવામાં આવી રહ્યા છે. એવી રાજકીય ઐતિહાસિક અને વૈચારિક બાબતો શોધવામાં આવે છે જેની અસરો લાંબાગાળા સુધી બાકી રહે. વિવિધ વર્ગો દરમિયાન ગેરસમજણો, પૂર્વગ્રહો અને ફરિયાદો ઉભી કરવામાં આવી રહી છે. જે સરળતાથી દૂર નથી થતી અને કાયમ માટે એક તિરાડ ઉભી થઇ જાય છે. એક વર્ગના વ્યક્તિને બીજા વર્ગના મોહલ્લા કે કોલોનીમાં ઘર નથી મળતું. વકીલો કોમવાદી ધોરણે કેસ લેવાથી ઇન્કાર કરી દે છે. નાની વાતોમાં સામાજિક બહિષ્કાર કરી દેવામાં આવે છે. નાનકડા આકસ્માતના બહાને બે કોમો તરત જ સામસામે આવી જાય છે. ત્યાં સુધી કે હવે લઘમતિઓની ભાષા અને સભ્યતાની નિશાનીઓ પણ નફરતપાત્ર બની ગઇ છે. સમાજ બહુમતિ અને લઘુમતિના બે ખાનાઓમાં વહેંચાતો જઇ રહ્યો છે. પોતાનો અને બીજાનો ભેદભાવ સમગ્ર સમાજને ઉધઇની જેમ ખાઇ રહ્યો છે. એવા વાતાવરણનું નિર્માણ થઇ રહ્યું છે કે જો એક વર્ગના વિરૃધ્ધ અમુક લોકો કોઇ અત્યાચારી કાર્યવાહી કરે તો પણ બહુમતીના લોકો તેને જાઇઝ સમજે છે અને ચુપચાપ દર્શકો બનીને જોઇ રહે છે. વિચારોની આપ-લેની કોઇ તક બાકી ન રહે અને આ સંજોગોમાં કોઇ સંયુક્ત સહિયારૃ મંચ બાકી ન રહે અને પરિસ્થિતિ અત્યંત સંગીન બની જાય છે.
નફરતની આ આગને ફેલાવવામાં તે અમુક વિચારસરણીનો પ્રચાર અને આયોજનબધ્ધ રીતે જોર શોરથી તેનો ઉપયોગ પણ છે. જેમ કે, પ્રાચીન બારત ખૂબજ ખુશહાલ હતું, મુસ્લિમ બાદશાહોએ તેને કંગાળ કરી નાખ્યું લોકોને તલવારના જોરે ઇસ્લામ સ્વીકારવા વિવશ કરાયા, આપણા મંદિરો તોડી નાંખ્યા, ઇસ્લામ નફરતનું શિક્ષણ આપે છે, મુસલમાનોની વસ્તિ ઝડપથી વધતી જાય છે. તેઓ ચાર શાદીમાં પચીસ બાળકો પેદા કરે છે, લઘુમતિઓ આ દેશથી પ્રેમ નથી કરતી, વગેરે આ કલ્પનાઓ અને ભ્રમ ફેલાવનારી માન્યતાઓને શિક્ષ્ણધામો દ્વારા કુમળા બાળકોના મનસમાં ફેલાવામાં આવે છે. જેથી તે વિદ્યાર્થીઓ, બાળપણથી પુર્વગ્રહ, શંકા, દ્વેષ, ગેરસમજણો સાથે બહાર આવશે તો સમાજની શું દુર્દશા થશે તેનો અંદાજો લગાવવો મુશ્કેલ નથી. ગત વર્ષોમાં આ પરિકલ્પનાના આધારે અમુક કોમવાદી તત્વોેએ મુસ્લિમ વસ્તી વધારો,લવ જિહાદ,મુસ્લિમ મુક્ત ભારત, બેટી બચાવો બહુ લાવો, રાષ્ટ્રભક્તિ,ધર્માંતરણ જેવા આધારહીન નારાઓનું સર્જન કર્યું.
રમખાણોની તપાસ કરનારા કમિશનોએ એ વાત પણ નોટ કરી છે કે કોમવાદી નફરતમાં એક મહત્વની ભુમિકા ઉશ્કેરણીજનક પ્રવચનોની પણ રહી છે. ઝેરીલી પ્રવચનો અને નિવેદનો દેશની એક્તા માટે ખૂબ મોટો ખતરો છે, ખુલ્લેઆમ હિંસા અને હત્યાની વાતો થઇ રહી છે. અનેે માથા સાથે ઇનામ જાહેર કરવામાં આવે છે. બળાત્કારની ધમકીઓ આપવામાં આવે છે પરંતુ આ બધાના સામે ન્યાય વ્યવસ્થા તદ્દન નિષ્ક્રીય થઇ રહી છે. પ્રિંટ અને ઇલેક્ટ્રોનિક મીડીયાનો એક મોટો હિસ્સો પણ આ માટે જવાબદાર છે જે પોતાની ટી.આર.પી. વધારવાના ચક્કરમાં અફવાઓનો પ્રચાર પ્રસાર અને નાના સામાન્ય બનાવોને મોટા અને ભયાનક બનાવીને સનસનાટી ઉભી કરે છે. લોકોની નિર્દોષ ભાવનાઓને ભડકાવવાના પ્રયત્નો કરવામાં આવે છે. વ્હોટ્સ એપ જેવા માધ્યમો દ્વારા જુઠી વાતોને સાચી બતાવીને ફોટોશોપ દ્વારા ઉપજાવેલા ચિત્રો અને બનાવટી વીડીયો ક્લીપ્સ જંગલની આગની જેમ બહોળા પ્રમાણમાં ફેલાવવામાં આવે છે અને વર્ગો દરમિયાન પરસ્પર વાર્તાલાપ ન થવો પણ આ આગમાં ઇંધણ નાંખવાનું કામ કરે છે. આ બધા એવા હથિયારો છે જેની પહોંચ હવે ગામડાઓ સુધી વિસ્તરી છે.
પરંતુ આ એક આનંદદાયક વાત છે કે હજુ સમગ્ર દેશ આ ગંભીર બિમારીઓમાં સપડાયો નથી. સમજદાર વિચારશીલ લોકો વર્તમાન પરિસ્થિતિથી ચિંતાગ્રસ્ત છે અને તેને રોકવા તેમજ પરિસ્થિતિને બદલવા પ્રયત્નો પણ કરી રહ્યા છે. ઘણા બધા લોકોનું પોતાના એવોર્ડ પરત કરવા આ વાતનું પ્રમાણ છે. દેશના વિખ્યાત વૈજ્ઞાાનિકોએ પણ રાષ્ટ્રપતિને પત્ર લખ્યો છે જેમાં તેમણે દેશની વર્તમાન પરિસ્થિતિ પ્રત્યે તેમનું ધ્યાન દોરતા લખ્યું છે કે, આ પ્રકારની કોમવાદી પરિસ્થિતિ પરમાણુ બોંબની જેમ છે, જે ફાટવાની તૈયારીમાં છે જેની નોંધ લેવામાં આવે અને એવા પગલાં ભરવામાં આવે કે આ વધતી જતી ખાઇને ઓળંગી શકાય.
ઇસ્લામની તાલીમ :
સમાન બાબતો જ માનવીને માનવીથી સમીપ કરી શકે છે. અને જોડાવવાનું માધ્યમ બને છે, પ્રેમ સંબંધ અને સહિષ્ણુતાની ભાવના પેદા કરવા અને અંતરોને ખતમ કરવા માટે કુઆર્ન આ વાત કહે છે,
“જેણે કોઇ વ્યક્તિના ખૂનના બદલે કે ધરતી પર બગાડ ફેલાવવા સિવાય કોઇ અન્ય કારણસર હત્યા કરી, તેણે જાણે કે સમગ્ર માનવજાતની હત્યા કરી અને જેણે કોઇને જીવન પ્રદાન કર્યું તેણે જાણે કે સમગ્ર માનવજાતને જીવન પ્રદાન કર્યું.” (કુઆર્ન ઃ ૫-૩૨)
અંતિમ પયગંબર મુહમ્મદ સ.અ.વ.એ ફરમાવ્યું, લોકો તમે બધા આદમની સંતાન છો અને આદમ માટીથી બનાવવામાં આવ્યા. કોઇ કાળાને કોઇ ગોરા ઉપર અન ેકોઇ ગોરાને કોઇ કાળા ઉપર, કોઇ અરબીને બિન અરબી ઉપર અને કોઇ બિરઅરબીને કોઇ અરબી ઉપર કોઇ શ્રેષ્ઠતા નથી, શ્રેષ્ઠતા માત્ર ઇશભયની બુનિયાદ પર છે.
પૈગંબર મુહમ્મદ સલ્લ.એ ભાઇના અધિકાર ઉપર પ્રકાશ આપતા ફરમાવ્યું;
* પોતાના ભાઇ માટે તે જ પસંદ કરો જે પોતાના માટે પસંદ કરો, કોઇ વ્યક્તિ ઇમાનવાળો નથી હોઈ શકતો કે તે પેટ ભરીને ખાય અને તેનો પાડોસી ભુખ્યો સુઇ જાય.
* કોઇ વ્યક્તિ ઇમાનવાળો નથી જેની જીભ અને હાથથી તેનો ભાઇ સુરક્ષિત ન હોય.
* કોઇકએ પૂછયું, શ્રેષ્ઠ ઇસ્લામ શું છે? આપ સ.અ.વ.એ ફરમાવ્યું, ભુખ્યાને ખાવાનું ખવડાવવું.
* કુઆર્ને આ શિક્ષણ આપ્યું, “હે લોકો જેઓ ઇમાન લાવ્યા છો તમે તેમના ખુદાઓને ખરાબ ન કહો”
* ઇસ્લામ મુર્દાને બાળવાની પરવાનગી નથી આપતો તો પછી જીવતા મનુષ્યને કેવી રીતે બાળી શકાય.
* જીવંત તો ઠીક ઇસ્લામે મુર્દાના સન્માનનો પણ ખ્યાલ રાખ્યો છે એક વાર કોઇ વ્યક્તિનો જનાઝો આપ સ.અ.વ.ના સામેથી પસાર થયો તો આપ સલ્લ. ઉભા થઇ ગયા કોઇએ કહ્યું, હુઝુર આ તો યહુદી છે આપ સ.અ.વ.એ ફરમાવ્યું, શું તે માનવી નથી?
* સમગ્ર સૃષ્ટિ અલ્લાહનો પરીવાર છે જે તેમના ઉપર દયા નથી કરતો અલ્લાહ પણ તેમના ઉપર દયા નથી કરતો.
* ધરતીવાળા ઉપર દયા કરો આકાશવાળો તમારા ઉપર દયા કરશે.
* એક બીજાથી કિન્નાખોરી અને અદાવત ન રાખો અને ન ઇર્ષા કરો ન સંબંધ તોડી નાંખો અને અલ્લાહના બંદાઓ, પરસ્પર ભાઇ બનીને રહો.
* પોતાના ભાઇની મદદ કરો ઝાલીમ હોય કે મઝલૂમ. પૂછવામાં આવ્યું, મઝલૂમની મદદ તો સમજમાં આવે છે જાલિમની મદદ કેવી રીતે કરીએ કહ્યું, જુલ્મ કરવાથી તેમનો હાથ રોકી દો.
“બુરાઇને રોકવાના ત્રણ તબક્કા છે, પ્રથમ તબક્કો એ છે કે માનવી પોતાના હાથથી (બુરાઇને) રોકી દે, બીજો એ છે કે પોતાની જીભથી રોકી દે ત્રીજો અને અંતિમ તબક્કો એ છે કે પોતાના મનમાં તેને બુરાઇ તરીકે ઓળખે..”
આ ભાઇઓમાં ચાહે તે હિંદુ હોય, મુસ્લિમ હોય, ખ્રિસ્તી હોય બૌદ્ધ હોય કે પછી કોઈ પણ ધર્મને માનવાવાળો હોય જો કોઇ બાબતમાં મતભેદ કે વિવાદ ઉભો થાય જે માનવ સમાજમાં સહજ છે તો કુઆર્નનો હુક્મ છે કે, “હે લોકો જેઓ ઇમાન લાવ્યા છો! અલ્લાહ માટે સચ્ચાઇ ઉપર કાયમ રહેવાવાળા અને ન્યાયની સાક્ષી આપવાવાળા બનો કોઇ જૂથની દુશ્મનાવટ તમને એટલા ઉત્તેજીત ન કરે કે તમે ન્યાયથી ફરી જાઓ, ન્યાય કરો આ ઇશભય અને વધુ વધુ સુસંગત છે.” (સૂરઃ માયદા-૮)
” અને જ્યારે વાત કહો ત્યારે ન્યાયની કહોે ચાહે મામલો પોતાના સગાનો જ કેમ ના હોય.” (અન્આમ – ૧૫૨)
“લોકો! અમે તમને એક પુરૃષ અને એક સ્ત્રીથી પેદા કર્યા અને પછી તમારી કોમો અને કબીલા બનાવી દીધા જેથી તમે એકબીજાને ઓળખો. હકીકતમાં અલ્લાહના નજીક સૌથી પ્રતિષ્ઠીત તે છે જે તમારામાં સૌથી વધુ પરહેઝગાર (સંયમી) છે.” (હુજુરાત – ૧૩)
“અને જો તમે માફ કરો અને જવા દો અને દરગુઝરથી કામ લો તો અલ્લાહ અત્યંત ક્ષમાશીલ અને દયાળુ છે.”
પથ્થરને નહીં તે મારનારને પકડાઃ
ઇસ્લામના સોનેરી સિધ્ધાંતો માત્ર પુસ્તકો સુધી જ ન રહી જાય એટલા માટે તેને હિસાબ-કિતાબથી જોડવામાં આવ્યા છે જેના ઉપર ઇમાન લાવ્યા વગર કોઇ વ્યક્તિ મુસલમાન જ થઇ શક્તો નથી.
કાલે કયામતના દિવસે સૌથી પ્રથમ સવાલ બંદાથી કોઇની નાહક હત્યા બાબત થશે. એક વાર હઝરત મુહમ્મદ સ.અ.વ.એ કહ્યું, ‘મારી ઉમ્મતમાં સૌથી ગરીબ કોણ કહેવામાં આવ્યું જેના પાસે ધન સંપત્તિ ન હોય, આપ સ.અ.વ.એ ફરમાવ્યું, ના, મારી ઉમ્મતનો સૌથી નિર્ધન વ્યક્તિ તે છે જે કાલે કયામતના દિવસે અલ્લાહના સામે એ રીતે હાજર થાય કે તેણે કોઇને ગાળ આપી હશે, કોઇના ઉપર અત્યાચાર કર્યો હશે, કોઇનો હક માર્યો હશે, અલ્લાહ તેની નેકીઓ પિડીતને આપી દેશે અને મઝલુમના ગુના તે વ્યક્તિ ઉપર નાંખી દેશે જેના પરિણામે તેના પાસે કંઇ નહીં બચે.’
ક્યામતના દિવસે દરેક માણસથી પાંચ સવાલ કરવામાં આવશે. જેનો જવાબ આપ્યા વગર તે ત્યાંથી હઠી શકશે નહીં. – જીવન કેવી રીતે વ્યતીત કર્યું? – યુુવાની કેવી રીતે ગુજારી? – ધન ક્યાંથી કમાવ્યું, ક્યાં ખર્ચ કર્યું? પોતાના જ્ઞાાન ઉપર કેટલો અમલ કર્યો
આપણું કરવાના કામ :
જો આપણે સમાજમાં સાચા અર્થમાં શાંતિ અને સલામતિ ફેલાવવા ઇચ્છીએ છીએ અને માનવમુલ્યોને જીવંત કરવા માંગીએ છીએ. આપણા દેશમાં ન્યાય અને કાનૂનનું શાસન ઇચ્છિએ છીએ જે પ્રત્યેક નાગરીકના દીલની તમન્ના છે તો આ કામ માત્ર પ્રવચનો કે સેમિનારોથી નહીં થાય. આપણે પ્રાથમિક સ્તરે આયોજનબધ્ધ રીતે કામ કરવું પડશે. જે બાબતોથી વાતાવરણને બગાડવાના પ્રયત્ન કરવામાં આવે છે, આપણે તે તમામ માધ્યમોનો સકારાત્મક ઉપયોગ કરીએ, પછી તે ઇન્ટરનેટ હોય, ફેસબુક હોય કે વ્હોટ્એપ હોય, કોઇ ચીજ કાનૂનની વિરુધ્ધ જોઇએ તો કાયદો પોતાના હાથમાં લેવાને બદલે કાનૂની કાર્યવાહી કરીએ. માહોલને બગડવા ના દઇએં, ક્યાંક જુલ્મ કે અત્યાચાર થતો જોઇએં તો સાથે મળીને તેનો સામનો કરીએ, ન અફવાઓને ફેલાવીએ ન નફરત વધારનારી વાતો બીજા સુધી પહોંેચાડીએ.
આવા નાના-નાના કાર્યક્રમોનું આયોજન કરીએંે, જેમાં જુદાજુદા જુથો અને વર્ગો તેમજ ધર્મને માનનારા લોકો શામેલ હોય તેમના વચ્ચે વાતચીત અને વિચારોની આપ-લે થાય જેથી જે ગેરસમજણો પૂર્વગ્રહો જોવા મળે છે તેનું નિરાકરણ લાવી શકાય.
આપણને એવા જ મંચ બહોળા પ્રમાણમાં ઉભા કરવાની જરૂરત છે જે શાંતિ અને સદભાવના અને માનવતા માટે ક્રિયાશીલ રહે. કોઇ અનિચ્છિનિય ઘટના કે હિંસાનો બનાવ સામે આવે તો તરત જ કાર્યરત થઇ જઇને શાંતિના માહોલને યથાવત રાખી શકે.
“ઉનકા જો કામ હૈ વો એહલે સિયાસત જાને
મેરા તો પૈગામ મુહબ્બત હૈ જહાં તક પહોંચે”
દુઆ છે કે, અલ્લાહ આપણા વચ્ચે પ્રેમ અને ભાઈચારો પેદા કરે, માનવમૂલ્યોની જાળવણી અને ભેગા મળીને સમાજ તથા દેશના વિકાસ અને નિર્માણમાં સહભાગી થવાની સદ્બુદ્ધિ અને પ્રેરણા આપે. *