Tuesday, September 10, 2024
Homeઓપન સ્પેસએકતા અને બંધુતા પરિવર્તનની ચાવી

એકતા અને બંધુતા પરિવર્તનની ચાવી

કોઈપણ દેશ કે સમાજની પ્રગતિ અને ઉન્નતિની પૂર્વ શરત છે વ્યક્તિની વ્યક્તિગત પ્રગતિ અને ઉન્નતિ. આ પ્રગતિને આર્થિક કે ભોતિક સંદર્ભમાં જોવું સંકુચિત માનસિકતાની નિશાની છે. પ્રગતિ એને જ કહેવાય જ્યારે વ્યક્તિની સ્વતંત્રતા, સલામતિ, રોજગારની ઉપલબ્ધિ, માળખાગત સુવિધાઓ અને વ્યક્તિ-વ્યક્તિ વચ્ચે પ્રેમ, ભાઈચારા અને નિઃસ્વાર્થ સંબંધોની સ્થાપના કરવામાં આવે. આ પેકી વ્યક્તિગત પ્રેમ, ભાઈચારા અને સુમેળભર્યા સંબંધો દેશ અને સમાજને સફળતાની હરણફાળ ભરવામાં અગત્યનો ભાગ ભજવે છે. હાલમાં જ દેશમાં પી.બી.ડી. (પ્રવાસી ભારતીય દિવસ)ની ઉજવણી અંતર્ગત નેપાળથી પધારેલ નેતાએ ખૂબ સરસ વાત કરી હતી કે, “અમારા માટે વ્યક્તિગત સુખાકારી ભૌતિક અને આર્થિક સુખાકારી કરતા વધૂ મહત્વ ધરાવે છે.”

દેશની સરકાર ચલાવનારા આગેવાનોએ આ વ્યક્તિગત પ્રેમ, ભાઈચારા અને સુમેળભર્યા સંબંધો સ્થપાય તેના માટે પ્રયત્નશીલ રહેવું જોઈએ. દેશની પ્રગતિના આધારભુત સ્તંભોમાંના એક એવા આ સ્તંભને ટકાવવાની, મજબૂતી અર્પણ કરવાની અને તેના અવસરો પૂરા પાડવાની જવાબદારી તેમની છે. જો દેશના અને સમાજના આગેવાનો અને નેતાઓ પોતાની સત્તાનો ઉપયોગ વ્યક્તિગત સ્વાર્થ અને દુશ્મનાવટનો બદલો વેરઝેર અને વૈમનસ્ય ઊભું કરવા માટે કરે તો પ્રેમ, ભાઈચારા, લાગણી અને નિઃસ્વાર્થ સંબંધોની સ્થાપનાને બદલે ગુસ્સો, નફરત, દ્વેષ, છળકપટ અને વિશાળ અંતરનો જન્મ થશે. જે દેશ કે સમાજને પ્રગતિના માર્ગે નહીં પરંતુ બરબાદી અને અદ્યોગતિની ખાડીમાં લઈ જશે.

છેલ્લા કેટલાક સમયથી વિવિધ સમાજ અને સંસ્થાઓના આગેવાનો દ્વારા જે બેફામ બયાનબાજી અને કાર્યક્રમો ઘડવાની યોજનાઓની જાહેરાતો કરવામાં આવી રહી છે તેનાથી સુર્યના પ્રકાશની જેમ વાત સાફ છે કે તેઓ નથી ઇચ્છતા કે દેશની એકતા અને બંધુતા કાયમ રહે. તેથી ‘લવ-જિહાદ’, ‘ઘર-વાપસી’ અને ‘બેટી બચાઓ બહુ લાઓ’ જેવા અત્યંત નિમ્નકક્ષાની અને વાહીયાત વાતોને મુદ્દાઓ બનાવી દેશની શાંતિને ઢોળવાની અત્યંત હીન પ્રયાસ કર્યો છે. એક સંસ્થાના નેતાઓ કહ્યું, “દરેક હિન્દુ યુવતિ ચાર બાળકો પેદા કરે” તેના પર્યુત્તર સ્વરૃપે બીજા એક સંગઠનના આગેવાન કહે છે, “હિન્દુ યુવતિઓ બાળકો પેદા કરવાની ફેકટરી નથી.” આવા બેજવાબદાર અને બોદ્ધિક સ્તરની દૃષ્ટિએ પછાત કહી શકાય તેવા વિધાનો કરવામાં આવી રહ્યા છે. જેની પાછળનો હેતુ દેશની લઘુમતિ સમુદાયના લોકો વિરૂદ્ધ ઝેર ફેલાવવા સિવાય બીજું શું હોઈ શકે? ફળ સ્વરૃપે અહીં પવિત્ર દરગાહો, મસ્જિદો અને ચર્ચને નિશાન બનાવી હુમલાઓ થાય છે, નજીવી બાબતે થયેલ બોલાચાલી મોટા કોમી હુલ્લડોમાં પરિણમે છે, જેનો ઉદાહરણ મુઝફ્ફરનગરના રમખાણો છે, હિન્દુ વ્યક્તિ દ્વારા મંદિરમાં ગૌ-માંસ ફેંકી મુસ્લિમો સામે આક્રોશ ફેલાવવાની ઘટના બને છે, મુસ્લિમના નામે બનાવટી ઇ-મેલ એકાઉન્ટ બનાવીને આતંકવાદી સંગઠન જેવો ઢોળ કરીને ધમકી આપવામાં આવે છે કે જેથી મુસ્લિમોની આતંકવાદી વાળી ઠોકી બેસાડવામાં આવેલી છાપને વધૂ મજબૂતી મળે. આ અને આવા ઘણા દાખલાઓ આપી શકાય જેમાં મુસ્લિમોને એન-કેન પ્રકારે બદનામ કરવામાં આવે અને ભોળા અને સમજદાર હિન્દુઓમાં નફરત અને ઝેર ફેલાવી શાંતિપૂર્ણ વાતાવરણ તંગ કરવામાં આવે અને રાજકીય રોટલો શેકવામાં આવે. આ ઘટનાઓની વચ્ચે વર્તમાન સરકાર દ્વારા સુચક મૌન ધારણ કરવું કંઇ પણ કહ્યા વગર ઘણું કહી જાય છે. જાણે આવા લોકોને દેશની શાંતિને ઢોળવાનો ખુલ્લો પરવાનો આપી દેવામાં આવ્યો હોય.

અમેરિકાના રાષ્ટ્રપતિ બરાક ઓબામા ભારતથી પોતાના દેશ પરત થતા કહ્યું કે, “જો ગાંધીજી જીવતા હોત તો દેશની ધાર્મિક અસહિષ્ણુતા (Religious Intolerance)ને જોઈને દુખી થાત.” આ સૂચવે છે કે દેશની સાચી પરિસ્થિતિનો ખ્યાલ અમેરિકાએ મેહસૂસ કર્યું. આમ દેશમાં ઉભી થયેલ પ્રેેમ, ભાઈચારા, લાગણી, એક્તા અને બંધુતા અને સહિષ્ણુંતાની અછતને આંતરરાષ્ટ્રીય સ્તરે ‘પ્રસિદ્ધિ’ મળી રહી છે.

આજે બે કોમ વચ્ચેનું અંતર વધ્યું છે અને વધતું જ જઈ રહ્યું છે. જેનો એહસાસ આપણે કરી રહ્યા છીએ. સોશ્યલ મીડિયા (ફેસબુક, ટ્વીટર, વોટ્સએપ વગેરે) પર અવાર-નવાર એવી વસ્તુઓ અત્યંત ભૂંડી રીતે ફેલાવવામાં આવે છે કે નફરતનો બજાર ગરમ રહે. સોશ્યલ મીડિયાનો ઉપયોગ કરતો દરેક નાગરિક તેમને શેર કરવામાં કે મોકલવામાં આવતી દરેક ચેટ, પિકચર, વિડિયો પાછળની માનસિકતાનો તાગ આસાનીથી મેળવી શકે છે. કોલેજ-કેેમ્પસમાં ભણતા વિદ્યાર્થીઓ ધર્મ અને સંપ્રદાયના આધારે મળવાનું અને મિત્રતા કરવાનું રાખે છે. જે દેશમાં આવો સાંપ્રદાયિક માહોલ હોય, નફરતનો બજાર ગરમ હોય, રાજકીય લાભ ખાટવા માટે ગમે તેવા વિધાનો કરી માહોલને તંગ બનાવવામાં આવતો હોય અને સરકાર આવા અસામાજીક અને અસહિષ્ણુ તત્વોને સજા કરવાને બદલે આંખ આડા કાન કરી પરોક્ષ રીતે પીઠ થાબડતી હોય તો તે દેશમાં શાંતિ અને સલામતી કઇ રીતે કાયમ રહેશે? તે દેશ પ્રગતિ અને ઉન્નતિના માર્ગે કઈ રીતે દોડશે? તે દેશના લોકો વચ્ચે સુમેળભર્યા સંબંધોની સ્થાપના કઈ રીતે થશે? દેશના નેતાઓ દેશને સુપર-પાવર બનાવવાના જે સ્વપ્ન જોઈ રહ્યા છે તે આ રીતે સાકાર થશે?

દેશની દરેક વ્યક્તિ એક બીજાની સાથે એવી રીતે જોડાયેલ હોવી જોઈએ કે જેવી રીતે એક દિવાલમાં ઈંટો એક બીજા સાથે જોડાયેલ હોય છે. દિવાલની ઈંટો એક બીજાને સહારો આપે છે. દરેક ઈંટનો ટકવાનો આધાર બીજી ઈંટ પર હોય છે. ઈંટોની ગોઠવણ ‘અંતર’ રાખીને કરવામાં આવે તો દિવાલ ઊભી થશે? ના, પત્તાની મહેલની જેમ ધરાશાયી થઈ જશે. આ વેરઝેર, કટ્ટરતા અને અસહિષ્ણુંતા રૃપી અંતરનો અંત લાવી પોતાના મનની અંદર પરિવર્તન લાવવાની જરૃર છે. આ પરિવર્તન નહીં લાવવામાં આવે તો સમાજમાં કોઈ પરિવર્તન નહીં આવે. જે મતભેદ આપણી વચ્ચે છે તેને પરસ્પર વાતચીત અને સ્વસ્થ સંવાદ દ્વારા સમજવાની જરૃર છે. જ્યાં સુધી આપણે એકબીજાને, એકબીજાના ધર્મોને નહીં સમજીશું ત્યાં સુધી પરિસ્થિતિ ઠેરની ઠેર રહેશે. તેથી કહેવાતા ધર્મના ઠેકેદારોની માનસિકતાથી પરે આપણી આપણા દેશની ઉન્નતિ અને પ્રગતિ ખાતર એક બીજાને અને એક બીજાના ધર્મને સમજીએ અને અંતરને દૂર કરીએ કે જેથી દેશમાં સકારાત્મક પરિવર્તન લાવી શકાય જે ઇચ્છનીય છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments