Saturday, July 27, 2024
Homeઓપન સ્પેસસ્ટેથોસ્કોપએક્વીસમી સદીના પડકારો

એક્વીસમી સદીના પડકારો

વિજ્ઞાન અને ટેકનોલોજીની દૃષ્ટિથી ઇતિહાસની સમીક્ષા કરીશું તો એ વાત તદ્દન સ્પષ્ટ રીતે જણાઈ આવશે કે માનવીય સંસ્કૃતિ અને સભ્યતા પર ત્રણ ટેકનોલોજીએ ઊંડી અસર નાંખી છે. એક છે કૃષિ વિજ્ઞાન, જેના થકી જંગલમાં ભટકતા અને અસ્થાયી જીવન જીવતા માનવીએ વસતી વસાવવાની શ

આત કરી. કબીલા અને ગામડાઓ અસ્તિત્વમાં આવ્યા, જેના કારણે સંસ્કૃતિ, વહીવટ-તંત્ર, રાજ્યો વગેરેની સ્થાપના થઈ. ત્યારબાદ ૧૭મી અને ૧૮મી સદીમાં વીજળીની શોધ થઈ, જેના થકી મોટા-મોટા ઉદ્યોગો, એકમો, શહેરો અને શાળાથી લઈ યુનિવર્સિટી વગેરેની સ્થાપના થવા માંડી. ત્રીજી ક્રાંતિ ઇન્ફરમેશન ટેકનોલોજીની છે, જેણે સમગ્ર વિશ્વને એક નાનકડા ગામડામાં ફેરવી દીધુ છે. (પરંતુ બે માનવો વચ્ચે બે વિશ્વ જેટલું અંતર ઊભું થઈ ગયું છે ખરું.) આ ત્રણેય ક્રાંતિઓએ માનવીય સંસ્કૃતિ અને સભ્યતાને ખૂબ જ પ્રભાવિત કરી છે. અત્યારે તેનું વિશ્લેષણ કરવાનો અવસર નથી. ટૂંકમાં, ૨૦મી સદીમાં ડોકિયું કરીશુ તો એ વાત આપણને સરળતાથી સમજાઈ જશે કે આધુનિક વિજ્ઞાનની પ્રગતિની શરૂઆતમાં જ ચર્ચ અને વિજ્ઞાન વચ્ચે ખેંચતાણ શરૂ થઈ હતી, જેના પરિણામે વૈજ્ઞાનિકો તરફથી એટલી સખત પ્રતિક્રિયા આપવામાં આવી કે તેઓ ન માત્ર ચર્ચ, બલ્કે ધર્મનો અને ધર્મ સાથે જોડાયેલી વસ્તુઓનો જ અસ્વીકાર કરવા લાગ્યા; ત્યાં સુધી કે નૈતિક મૂલ્યો પણ તેની અફડટેમાં આવી ગયા અને ઇંગ્લિશ ફિલોસોફર John Stuart Millએ ભલાઈ અને બૂરાઈની કસોટી બતાવતા કહ્યું કે, ‘જે વસ્તુ કોઈ પણ રીતે લાભદાયક હોય તે ભલાઈ છે અને જે નુકસાનકારક હોય તે બુરાઈ.’ અને John David એ કહ્યું કે ‘નૈતિક મૂલ્યો માત્ર સભ્યતાની જરૂરના પરિણામે અસ્તિત્વમાં આવે છે.’ આ રીતે વૈજ્ઞાનિકોનો મૂળભૂત સિદ્ધાંત Reductionism નો બન્યો. સમાજશાસ્ત્ર અને સભ્યાતાના પ્રશ્નોમાં માથાપચ્ચી કર્યા વગર જોઈ-પારખી શકાય તેવી વસ્તુઓ થકી વૈજ્ઞાનિક સંશોધનો જારી રાખવામાં આવ્યા.

પ્રકૃતિ પર વિજય પામવાની ઇચ્છાએ વૈજ્ઞાનિકોમાં ઈશ્વરને પરાજિત કરવાની ઉત્સુકતા પૈદા કરી. જર્મન ફિલોસોફર Friedrich Nietzsche એ કહ્યું ‘વૈજ્ઞાનિક સંશોધનો પછી “ખુદાનું મૃત્યુ થઈ ગયું છે.” (અલ્લાહની પનાહ); અને ફ્રેન્ચ દાર્શનિક Jean-Paul Sartre એ એવી ફિલસૂફી પ્રસ્તુત કરી કે, “માનવ એ વખતે સંપૂર્ણ સ્વતંત્ર હશે, જ્યારે તે ખુદાથી સંપૂર્ણ આઝાદી પ્રાપ્ત કરી લેશે.” વૈજ્ઞાનિક સંશોધનોથી જે કંઈ પ્રાપ્ત થયું તે નિઃશંકપણે માનવજાતિ પર મોટો ઉપકાર અને અલ્લાહની બક્ષિસ છે; પરંતુ ઈશ્વર, ધર્મ, નૈતિક મૂલ્યો વગેરેથી સ્વતંત્ર વૈજ્ઞાનિક પ્રગતિ અને સંશોધનોના કુપરિણામો પણ આવ્યા. જેમ કે

  • વૈજ્ઞાનિક સંશોધનો ધાર્મિક શિક્ષણ વિરુદ્ધ ન હોવા છતાં સામાન્ય વ્યક્તિની શ્રદ્ધામાં શંકા પેદા થઈ અને તે પરલોકના જીવનથી ગાફેલ થઈ ગયો.
  • અદૃશ્ય, પરંતુ અટલ વાસ્તવિકતાના ઇન્કારે માનવને ભૌતિકવાદી બનાવી દીધો. તે સમાજ પ્રત્યે લાગણીહીન થઈ ગયો અને Reductionism ના દૃષ્ટિકોણે માનવીય જીવનને વિભિન્ન ભાગોમાં વિભાજિત કરી દીધું.
  • નૈતિક સિદ્ધાંતો અને મર્યાદાઓથી સ્વતંત્ર વિજ્ઞાન અને ટેકનોલોજીએ કોમવાદી રૂપ ધારણ કર્યું તો મોટા પાયે ખુનામરકી અને નરસંહારની ઘટનાઓ બની. લડાઈઓ અને વિશ્વ-યુદ્ધો થયા અને લાખો નિર્દોષ બાળકો, સ્ત્રીઓ, વૃદ્ધો અને યુવાનો વગેરે ભોગ બન્યા.
  • વિશાળ પાયે પર્યાવરણીય પ્રદૂષણની સમસ્યા પેદા થઈ. જળ-પ્રદૂષણ, વાયુ-પ્રદૂષણ, પરમાણુ-સંબંધી પ્રદૂષણના કારણે ગ્લોબલ વૉર્મિંગ વધી રહ્યું છે. જીવન-જરૂરી વાયુઓના પ્રદૂષણ અને અસંતુલનના કારણે ગર્ભપાત, બ્રેઇન હેમરેજ, અસ્થમા, બલ્ડ પ્રેશર વગેરે જેવા રોગો વધી રહ્યા છે.
  • દુનિયાના ૪૦% લોકોને પીવાનું શુદ્ધ પાણી પણ પ્રાપ્ત નથી. ભારતમાં ૮૦ ટકા મૃત્યનું કારણ પાણી જન્ય રોગો છે.
  • મોટા પાયે વૃક્ષોનું નિકંદન થયું. જંગલોના જંગલ સાફ થઈ રહ્યા છે, જેનાથી માનવજીવન ખૂબ ખરાબ રીતે પ્રભાવિત થઈ રહ્યું છે.
  • સૂર્યમાંથી જે હાનિકારક કિરણો નીકળે છે તેનાથી સુરક્ષા માટે વાતાવરણમાં જે આવરણ છે (ઓઝોન), ઔદ્યોગિક એકમોના કારણે તે ગંભીર રીતે પ્રભાવિત થયું છે, જેથી કેન્સર જેવા ભયંકર રોગોનું પ્રમાણ વધી રહ્યું છે.
  • વિજ્ઞાનની નિરંકુશ પ્રગતિથી દરિયાની માછલીઓ સુરક્ષિત નથી, આકાશમાં ઉડતા પક્ષીઓ સુરક્ષિત નથી, જમીન પર ચરતા પ્રાણીઓ પણ સુરક્ષતિ નથી. આ પરિસ્થિતિનું વર્ણન કરતાં કુઆર્ન કહે છે, “ધરતી અને સમુદ્રમાં લોકોની પોતાના હાથોની કમાણીના કારણે બગાડ ફેલાયો છે, જેથી સ્વાદ ચખાડે તેમને તેમની કેટલીક કરણીનો, કદાચ તેઓ અટકી જાય.” (સૂરઃ રૂમ-૪૧)

ધ્યેય રહિત વિજ્ઞાન સામે પડકારો

  • બધી જ મોટી પ્રગતિઓ અને સંસાધનો પર પૈસાદાર વર્ગનો કબજો છે. દુનિયાના પછાત દેશો અને લોકોની સમસ્યા યથાવત છે, કેમ કે તેઓ તેની કિંમત ચૂકવાની શક્તિ ધરાવતા નથી.
  • ત્રીજા વિશ્વના બાળકો કુપોષણના શિકાર છે.
  • લોગો ગંદી નાળીઓ, રેલ્વે લાઈન અને ઝૂપડપટ્ટીમાં જીવન વ્યતિત કરવા મજબૂર છે.
  • વિવિધ સંસાધનોના અભાવે ગરીબ વર્ગના લાખો લોકો મૃત્યુને ભેટ ચઢી જાય છે.
  • દુનિયાભરના ઉચ્ચ કોટિના વૈજ્ઞાનિકો માનવતા માટે નુકસાનકારક ટેકનોલોજીની પ્રગતિ કરવામાં વ્યસ્ત છે. (જેમ કે સારો રેન્ક પ્રાપ્ત કરનારા ઉમેદવારો મોટી સંખ્યામાં સુરક્ષાત્મક સંસ્થાઓ સાથે સંલગ્નતાને પ્રાથમિકતા આપે છે.)
  • હાલ દુનિયામાં સત્તાની તૈયારી અને સંશોધનમાં ૬૦૦ બિલિયન ડોલરનું ધોવાણ થાય છે, જ્યારે કે સમગ્ર દુનિયાના સામાન્ય વ્યક્તિ માટેના મૂંઝવતા પ્રશ્નો (ખોરાક, પાણી, મકાન, વાતાવરણ, સ્વાસ્થ્ય)ને અંદાજે ૬૫ બિલિયન ડોલરના ખર્ચે હલ કરી શકાય છે. ઇન્ફરમેશન ટેકનોલોજીના આટલા બૂમરાણ છતાં આપણા દેશનો મોટો વર્ગ ઇન્ટરનેટ શું છે તેનાથી વાકેફ નથી, ઘણાં ગામડાઓ ટેલિફોન અને વીજળીની સુવિધાથી વંચિત છે.

૨૧મી સદીમાં વિજ્ઞાન અને ટેકનોલોજી

૨૦મી સદીમાં જે પ્રગતિ થઈ હતી, ૨૧મી સદીમાં તેનો વ્યાપ વધશે. અલ્પ-વિકસિત અને અવિકસિત દેશો સુધી પણ ટેકનોલોજીનો વ્યાપ વધશે. જેના થકી ઘણા બધા લોકોને લાભ થશે, પરંતુ જો નૈતિક સીમાનું ઉલ્લંઘન કરીને આગળ વધશે તો નુકસાન પણ થશે. ૨૧મી સદીમાં નવા સંશોધનો થશે અને નવી ટેકનોલોજીનો આવિષ્કાર થશે, પરંતુ નજીકના ભવિષ્યમાં જે વિભાગોમાં મોટાપાયે પ્રગતિ થઈ શકે છે તે ઇન્ફર્મેશન ટેકનોલોજી અને બાયોટેકનોલોજી છે. ચાલો તેના વિશે થોડુંક જાણીએ.

ઇન્ફર્મેશન ટેકનોલોજી

ઇન્ફર્મેશન ટેકનોલોજીની તેજ રફતાર પ્રગતિથી ન માત્ર માહિતી અને સંદેશાઓનો વ્યવહાર સરળ બનેલ છે, બલ્કે તેણે વિશ્વને એક ગામમાં ફેરવી દીધું છે. આજે દુનિયા મુઠ્ઠીમાં નહિં, આંગળીના ટેવરે છે. ગ્લોબલ માર્કેટનું અસ્તિત્વ થયું છે, જેના માટે ઇન્ફ્રાસ્ટ્રચરને પ્રગતિમય કરવું પડશે. ટેલિ સંદેશા-વ્યવહારની વ્યવસ્થા વધુ દૃઢ બનશે, જેનો માનવ-સમાજ પર ઊંડો સાંસ્કૃતિક પ્રભાવ પડશે.

  • પહેલા પોતાના સાંસ્કૃતિક મૂલ્યોની સુરક્ષા માટનો પ્રબંધ કરવો સરળ હતું. હવે જ્યારે કે ટેકનોલોજી બાળકો, સ્ત્રીઓ, યુવાનો તથા વૃદ્ધોની જરૂરત બની જશે, ત્યારે સાંસ્કૃતિક ટ્રાન્સફોર્મેશન થશે અને આધિપત્ય ધરાવનારી સંસ્કૃતિ અને સભ્યતા સામે પોતાના સાંસ્કૃતિક મૂલ્યોની સુરક્ષા એક પડકાર બની જશે. અશ્લીલ કલ્ચર વધશે. તેવા જ લોકોને બ્રોડ માઇન્ડેડ સમજવામાં આવશે, જેઓ જિન્સની નીકર પહેરતા હોય, હમબર્ગર ખાતા હોય, માઇકલ જેકસનના મ્યુઝિક પર થનગનતા હોય, રૉક-બેંડ અને ફ્રી-રીલેશનશિપમાં માનતા હોય વગેરે અને આવી સ્થિતિ નાના ગામડાઓમાં પણ પેદા થઈ જશે. જે હાલ મોટા શહરોમાં જોવા મળે છે.
  • ગ્લોબલ શાળાઓનું પ્રમાણ વધશે. ઓનલાઈન કોર્સીસ અને યુનિવર્સિટિઓની સ્થાપના થશે. ઇન્ટરનેટ પર લેકચર અને એસાઇનમેન્ટ મૂકવામાં આવશે. ઇ-કલાસ રૂમો બનશે. ઇ-પરીક્ષા અને રીઝલ્ટ મળશે.
  • શેરી અને ગામડાની શાળામાં ભણવા કરતા ઘેર બેઠા અમેરિકા અને યુરોપની શાળામાં ભણવાનો શોખ વધશે. શિક્ષણમાં અભૂતપૂર્વ સ્પર્ધા પેદા થશે. ઈ-પ્રાથમિક શિક્ષણ આવશે તો આસ્થા અને સંસ્કૃતિનું રક્ષણ કોમો માટે અસંભવ બની જશે.
  • ઇન્ફર્મેશન ટેકનોલોજીથી માનવીય સંબંધો પ્રભાવિત થશે. બે વ્યક્તિઓ વચ્ચે બે વિશ્વ જેટલું અંતર પેદા થશે. લાગણીશીલતા, દયા, હમદર્દી વગેરે જેવા ગુણો મૃતઃપ્રાય બનશે.
  • વર્ચ્યુઅલ ઓફિસ ઝડપથી વધશે. ઓફિસ ચાર દીવાલ સુધી સીમિત ન રહેતાં, નોકરિયાતના ઘર સુધી પગ પેસારો કરશે. લેપટોપ, ડેસ્કટોપ અને પામટોપ કમ્પ્યુટરનું પ્રમાણ વધશે. જેટોલિફોન અને સેટેલાઇટ સાથે સંલગ્ન હશે. ઓનલાઇન ઓર્ડર, કોન્ફરન્સ, રીપોર્ટ વગેરે સાઇબરની દુનિયામાં સામાન્ય બની જશે.

બાયો ટેકનોલોજી

બાયો ટેકનોલોજીના ફિલ્ડમાં સંશોધનો થઈ રહ્યા છે. તેમાંય જિનેટિક અને ન્યૂરો ટેકનોલોજીમાં વિશેષ પ્રગતિ થશે. જિનેટિક ટેકનોલોજીનો સંબંધ જનિન સાથે છે, જે માનવીય કોષોમાં હોય છે. જનિનમાં જોવા મળતા વિવિધ કોષો માનવની વારસગત વિશેષતાઓને નક્કી કરે છે. જેમાં સ્વભાવ, પ્રતિભાઓ, રંગરૂપ અને વારસાગાત રોગો વગેરે સામેલ છે. તેમાં કૃત્રિમ રીતે ડીએનએના આ કોષને પ્રભાવિત કરવાના પ્રયત્નો કરવામાં આવે છે. જ્યારે કે ન્યુરો ટેકનોલોજી માનવીય પરિબળો સાથે સંબંધિત છે. ન્યૂરો સિસ્ટમ વાસ્તવમાં વ્યક્તિના માનસ અને શરીરના તમામ ભાગો વચ્ચેની એક સંચાર વ્યવસ્થા છે.

આ ટેકનોલોજીના ઘણા લાભો થશે. વારસાગત રોગો પર કાબૂ મળશે. એવા પ્રયત્નો થઈ રહ્યા છે કે પ્રાણીઓના ડીએનએમાં એવા પરિવર્તન આણવામાં આવે કે જેથી તેમનાથી પ્રાપ્ત થતો ખોરાક લાભદાયક, સ્વાસ્થ્યવર્ધક અને રોગનિવારણ હોય. આવું થશે તો ઘણા બધા રોગોનો ઉપચાર શક્ય બનશે. અત્યાર સુધી રોબોટ બનાવવામાં આવતા હતા. હવે ક્લોનિંગ વડે અપ્રાકૃતિક માનવને જન્મ આપવામાં આવશે. કૃત્રિમ જીવન વાર્તામાંથી નીકળીને લેબોરેટરી અને કારખાનાએ સુધી પહોંચી રહ્યું છે. ધ્યેયરહિત અને અનૈતિક દિશામાં આ ટેકનોલોજી આગળ વધશે તો નીચે મુજબની ગંભીર સમસ્યાઓ ઊભી થઇ શકે છે.

  • ન્યૂક્લિયર યુદ્ધો પછી બાયોલોજિકલ યુદ્ધોનો યુગ શરૂ થશે અને એવા બેકટેરીયા અને વાયરસ ઉત્પન્ન કરવામાં આવશે, જે વિશાળ પાયે રોગો ફેલાવીને માનવોને મોતના ઘાટ ઉતારે.
  • સંભવ છે કે દવા બનાવનારી મોટી-મોટી કંપનીઓ એવા રોગો ફેલાવે, જેની દવા માત્ર તેમની પાસે જ હોય. જેથી તેઓ અઢળક નાણા કમાઈ શકે.
  • ડીએનએમાં કૃત્રિમ પરિવર્તન દ્વારા શત્રુ કોમોના લોકોમાં નકારાત્મક લાગણી અને નુકસાનકારક ગુણો જન્માવી શકાય છે. નરસંહારના મુકાબલામાં આ કાર્ય સરળ હશે કે પેઢીને વારસગાત રીતે કામ વગરના અને અયોગ્ય બનાવી દેવામાં આવે.
  • ક્લોનિંગનો પ્રયોગ સફળ થશે તો મોટી-મોટી કંપનીઓ કૃત્રિમ રીતે તેમના ક્લોન તૈયાર કરાવે તેવું સંભવ છે. એવું પણ બની શકે કે માનવીય પ્રકૃતિમાં પરિવર્તન લાવીને જરૂર મુજબના એવા નોકર તૈયાર કરવામાં આવે, જેમને પોતાના અધિકારોનું ભાન જ ન હોય. આવી પરિસ્થિતિમાં ‘સેમી માનવ’ પેદા થતાં ગુલામી પ્રથાની ફરી શરૂઆત થશે.
  • માનવ ક્લોનમાં સફળતા મળશે તો ભયંકર ‘જનસંખ્યા વિસ્ફોટ’ થશે, જેનાથી દુનિયાનું સંતુલન બગડશે; કેમ કે દુનિયામાં દરેક વસ્તુ સમતોલ પ્રમાણમાં છે.
  • માનવ અંગો-ઉપાંગોનું ખરીદ-વેચાણ શરૂ થશે.

ઇસ્લામનો દૃષ્ટિકોણ

ઇસ્લામ વિજ્ઞાન અને ટેકનોલોજીની પ્રગતિમાં અડચણરૂપ નથી. બલ્કે ઇસ્લામે તો એ વિચાર આપ્યો છે કે દુનિયા અને તેની સમગ્ર વસ્તુઓ માનવની સેવા માટે છે. ક્યામત સુધી માનવની જે જરૂર હોઈ શકે છે, તે જે કંઇ સંશોધન કરશે તેના માટેની બધી વસ્તુઓ સૃષ્ટિમાં રાખેલી જ છે. માનવને તેની શોધ અને સંર્વેક્ષણ માટે પ્રોત્સાહન આપે છે. મહાન અલ્લાહ કુઆર્નમાં ફરમાવે છે, “જે માલ અલ્લાહે તમને આપ્યો છે, તેના વડે આખિરત (પરલોક)નું ઘર બનાવવાની ચિંતા કર અને દુનિયામાંથી પણ પોતાનો હિસ્સો ન ભૂલ. ઉપકાર કર જેવી રીતે અલ્લાહે તારા પર ઉપકાર કર્યો છે અને ધરતીમાં બગાડ પેદા કરવાની કોશિશ ન કર. અલ્લાહ બગાડ પેદા કરનારાઓને પસંદ કરતો નથી.” (સૂરઃકસસ-૭૭). આ આયતથી જે વાતો સારરૂપે આપણા સમક્ષ આવે છે, તે નીચે મુજબ છે;

  • વસ્તુઓનો ઉપયોગ એવી રીતે કરો કે પરલોકમાં ફાયદો થાય અને આ ત્યારે જ શક્ય છે જ્યારે તેમનો ઉપયોગ માનવતાની સેવા અને કલ્યાણાર્થે થાય. નિર્બળો અને કમજોરોના દુખઃદર્દ દૂર કરવા તથા જમીનમાં ન્યાયની સ્થાપના માટે થાય.
  • અલ્લાહની નેઅમતોની પ્રાપ્તિમાં બેદરકારી યોગ્ય નથી. જે કંઇ પણ અલ્લાહે અવતરિત કર્યું છે તેમાંથી સંપૂર્ણપણે પોતાનો ભાગ મેળવો.
  • આ નેઅમતો અલ્લાહનો ઉપકાર છે. તેનો આભાર ત્યારે જ શક્ય બનશે, જ્યારે આપણે માનવજાત પર ઉપકાર કરીશું.
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments