Sunday, July 21, 2024
Homeઓપન સ્પેસએક આરજૂ (ઇચ્છા)

એક આરજૂ (ઇચ્છા)

દુનિયાકી મહેફિલોંસે ઉકતા ગયા હું યારબ

ક્યા લુત્ફ અંજુમનકા જબ દિલહી બુઝ ગયા હો

સૌરિશસે ભાગતા હું, દિલ ઢુંઢતા હૈ મેરા

ઐસા સુકૂત જિસ પર તકરીરભી ફિદા હૌ

મરતા હું ખામશી પર યહ આરઝૂ હૈ મેરી

દામનમેં કોહ કે એક છોટાસા ઝોપડા હો

આઝાદ ફિક્ર સે હું, ઉઝલતમેં દિન ગુઝારૂં

દુનિયાકે ગમકા દિલસે કાંટા નિકલ ગયા હો

લઝ્ઝત સરોદકી હો ચિડીયોંકી ચેહચહોંમેં

ચશ્મે કી શોરિશોં મેં બાજાસા બજ રહા હો

ગુલકી કલી ચિટક કર પૈગામ દે કિસી કા

સાગર ઝરાસા ગોયા મુઝકો જહાં નુમાહો

હો હાથકા સિરહાના સબ્ઝહકાહો બિછૌના!

શરમાએ જિસસે જલ્વત, ખલ્વતમેં વહ સદાહો

માનૂસ ઇસ કદરહો સૂરત સે મેરી બુલબુલ

નન્હે સે દિલમેં ઇસકે ખટકા ન કુછ મિરા હો

સફ બાંધે દોનોં જાનિબ બૂટે હરે હરે હોં

નદીકા સાફ પાની તસ્વીર લે રહા હો

હો દિલફરેબ ઐસા કોહસારકા નઝારા

પાનીભી મોજ બનકર ઉઠ ઉઠ કે દેખતા હો

આગોશમેં ઝમીંકી સોયા હુઆ હો સબ્ઝહ

ફિર ફિર કે ઝાડીયોં મેં પાની ચમક રહા હો

પાની કો છૂ રહી હો ઝૂક ઝૂક કે ગુલકી ટહેની

જૈસે હસીન કોઈ આઈના દેખતા હો

મહેંદી લગાએ સૂરજ જબ શામકી દુલ્હન કો

સુરખી લિએ સુનહરી હર ફૂલ કી કબા હો

રાતો કો ચલને વાલે રહ જાએં થક કે જિસ દમ

ઉમ્મીદ ઉનકી મેરા ટૂટા હુઆ દિયા હો

બિજલી ચમક કે ઉનકો કુટિયા મિરી દિખા દે

જબ આસમાં પે હરસૂ બાદલ ઘિરા હુઆ હો

પિછલે પહરકી કોયલ, વહ સુબ્હકી મોઅઝ્ઝન

મૈં ઉસકા હમનવા હું, વહ મેરી હમનવા હો

કાનોં પે હો ન મેરે દેરો હરમ કા એહસાં!

રોઝન હી ઝોંપડીકા મુઝકો સહરનુમા હો

ફૂલોં કો આએ જિસદમ શબનમ વુઝુ કરાને

રોના મિરા વુઝુ હો, નાલહ મિરી દુઆ હો

ઈસ ખામશીમેં જાએં ઇતને બુલંદ નાલે

તારોંકે કાફલે કો મેરી સદા દરા હો

હર દર્દમંદ દિલ કો રોના મિરા રૂલા દે

બેહોશ જા પડે હૈં શાયદ ઉન્હે જગા દે

અલ્લામા ઇકબાલ રહ.

આ કવિતાને હમીદ એહમદખાનના મંતવ્ય મુજબ જા સેમ્યુઅલ રોજર્સની કવિતા ‘A wish’ સ્વતંત્ર અનુવાદ સમજી લેવામાં આવે તો પણ ‘એક આરઝુ’ (‘એક ઇચ્છા’) માસ્ટર પીસ બનીને ઉભરે છે. કવિતાની પ્રારંભિક બે-ત્રણ પંક્તિઓમાં નિરાશા છલકે છે પરંતુ એ પછી આખી કવિતામાં આશાવાદનો સંચાર થાય છે, જેમાં ઇકબાલ પોતાના હૃદયેચ્છાઓ વિશે વર્ણન કરે છે.


શબ્દાર્થઃ દિલહી બુઝ ગયા હો – દિલ ઉદાસ થઈ જવું, શોરિશ – શોરબકોર, સુકુત – શાંતિ, કોહ – પર્વત, ઉઝલત – એકાંત, સાગર – પ્યાલો, જલ્વત – ભીડ, બધાની હાજરી હોય એવું, ખલ્વત – એકાંત, માનૂસ – આકર્ષિત, સફ – કતારબદ્ધ, દિલફરેબ – દિલને આકર્ષિત કરનાર, કબા – એક પ્રકારનો આગળથી ખુલ્લો લાંબો ડગલો, હમનવા – સમાન વિચારસરણી વાળું, મિત્ર; દેર – મંદિર, હરમ- એ સ્થળ જેની ઇઝ્ઝત કરવામાં આવે – અહીં આશય છે મસ્જિદથી, રોઝન – છિદ્ર, કાણું.


ભાવાર્થઃ

ઇકબાલ અલ્લાહને સંબોધીને કહે છે કે દુનિયાની મહેફિલો અને દોડધામથી હું કંટાળી ગયો છું.એટલા માટે કે જ્યારે ઝમાનામાં ઘટતી ઘટનાઓથી હૃદય નિરાશ થઈ ગયો હોય તો આવી મહેફિલો/ સભાઓનો કોઈ અર્થ નથી. હવે દુનિયાના શોરબકોરથી ગભરાટ થાય છે. મને તો એવી શાંતિ જોઈએ જેના ઉપર તકરીર (પ્રવચન)ને પણ ઇર્ષ્યા આવે.

હું તો એવા શાંત જીવન ઉપર વારી જવાનો ઇચ્છુક છું અને એટલી જ ઇચ્છા છે કે કોઈ પહાડનાં પાલવમાં એક નાનકડી ઝુંપડી હોય, જેમાં શાંતિ અને નિરવતાથી જીવન પસાર કરૂં. એકાંતમાં દિવસો પસાર કરૂં. દરેક પ્રકારની ચિંતાઓથી મુક્ત થઈ જાઉં. એવો કોઈ શોક કે ખેદ ન હોય જે મારી શાંતિને છીનવી લે.

મારા નિવાસથી આસપાસ એવું નિર્મળ વાતાવરણ હોય જ્યાં ચકલીઓના કલરવમાં ગીતો ગુંંજતા હોય, અને વહેતા ઝરણાના ખળબળાટમાં વાજા વાગતા હોય એવી અનુભૂતિ થાય. ફુલોની કળીઓ ચટકે તો એવું લાગે જાણે એ કોઈનો સંદેશ આપી રહી છે. કળીઓ અને ફૂલોના ઝુમખાં મારા માટે એ પ્યાલા જેવા ભાસે જેમાં બધા જ પ્રાકૃતિક દૃશ્યોનું દર્શન કરી શકું.

આ ઝુંપડામાં જ્યારે આરામ કરવાની ઇચ્છા થાય ત્યારે જમીન પર ઉગેલી લીલી ઘાસ મારૂં પાથરણું બને અને મારા હાથ ઓશીકાની ગરજ સારે. આ ક્ષણોમાં એવું એકાંત હોય જે ભરેલી મહેફિલોથી પણ વધુ મનભાવન પ્રતીત થાય. ત્યાં ઉપસ્થિત કોયલ અને બીજા નાના નાના પક્ષીઓ મારાથી એવી રીતે આકર્ષિત થાય કે એમના મનમાંથી દરેક પ્રકારનો ભય દૂર થઈ જાય.

આટલું જ નહીં પરંતુ દરેક દિશામાં લીલા લીલા છોડવા ગર્વથી ખીલી ઉઠ્‌યા હોય. સામે નદીનું ચોખ્ખું નિર્મળ પાણી એવી રીતે વહી રહ્યું હોય જેમાં આ છોડવાઓનું પ્રતિબિંબ દિલને હરી લે. અહીં ઉપસ્થિત પર્વતોના દૃશ્યો પણ એટલા લોભામણા અને હૃદય આકર્ષક હોય કે નદી અને ઝરણાઓનું પાણી લહેરો બનીને ઊંચે ઉઠે અને એને જોઈ શકે.

અહીં આ વાતનું નિર્દેશ કરવામાં આવે તો એ બિનજરૂરી નહીં લેખાય કે ઇકબાલે આખી કવિતામાં કુદરતી દૃશ્યોના નિરૂપણ માટે જે દૃશ્યફલક (ઇમેજરી) રજૂ કર્યું છે એનો કોઈ જવાબ નથી. તેથી આગળ એ કહે છે કે ધરતી ઉપર પથરાયેલી લીલી ઘાસેજાણે ધરતીને પોતાની બાહુપાશમાં લઈ લીધી છે. અને વહેતા પાણીની વાત છે તો એ ઝાડીઓમાંથી પસાર થતાં સાફ સ્પષ્ટ દર્પણની જેમ ચમકી રહ્યું હોય. આ વહેતા પાણીને ફૂલોની ડાળખીઓ એવી રીતે સ્પર્શતી હોય જાણે કોઈ ખૂબસૂરત ચહેરાવાળી મુગ્ધા દર્પણ જોતી હોય!

ખૂબસુરત દૃશ્યોનું વર્ણન કરતાં ઇકબાલ કહે છે કે સૂર્યાસ્ત સમયે સૂર્યની લાલાશ અને સોનેરી કિરણો એવા ભાસે છે જાણે દુલ્હન (વધૂ)ને મહેંદી રચાવવામાં આવી રહી હોય! ફૂલોની મનઃસ્થિતિપણ એવી હોય જાણે લાલ અને સોનેરી ડગલા પહેર્યા હોય. નિશંકપણે સૂર્યાસ્ત સમયના સૂર્યનું વર્ણન આનાથી વધારે સારી રીતે દૃશ્યાંકન શક્ય જ ન હતું.

આગળ ઇકબાલ કહે છે કે રાતના રાહી (મુસાફર) જ્યારે યાત્રા કરતા કરતા થાકી જાય તો મારા ઝૂંપડાના દીપકનો ધુંધળો અજવાશ એમના માટે આશાનું કિરણ બને. અને જ્યારે આકાશમાં ચારે તરફ વાદળો છવાયેલા હોય અને માર્ગ દૃષ્ટિગોચર ન થતો હોય ત્યારે વીજળી ચમકી ઉઠે અને આના પ્રકાશમાં થાકેલા મુસાફરોને મારું ઝુંપડું દેખાઈ આવે.

આટલું જ નહીં જ્યારે રાતની અંતિમ ક્ષણોમાં – નિશાંતે – ઉગાના મોઅઝ્ઝન  (અઝાન પોકારનાર) એવી કોયલનો સાદ બુલંદ થાય તો હું પણ એના સાદમાં સાદ પરોવું. મસ્જિદો અને મંદિરોથી ઉગાના ઇબાદત કરનારા અને પૂજારીઓને ખબર કરવા માટે જે અઝાનો અને આરતીઓના સાદ ગુંજે છે, મને એમની કોઈ આવશ્યકતા નથી. પરંતુ ઉદય થતા સૂર્યના કિરણો મારી ઝુંપડીના છિદ્રોમાંથી અંદર પ્રવેશે અને મને જગાડે.

અને જ્યારે સવારે ફૂલો ઉપર ઝાકળએવી રીતે વરસે જાણે એમને વુઝુ કરાવે, ત્યારે મારા હૃદયની આહ અને પોકાર મારા માટે વુઝુ અને દુઆનું કામ કરે. આ નિઃશબ્દ વાતાવરણમાં મારી પોકાર એટલી ઊંચે જાય કે તારાઓના કાફલાઓ માટે યાત્રા આરંભનું કારણ બની જાય. આમ, મારૂં રડવું એવું અસરકારક હોય કે દરેક દર્દથી ભરેલ હૃદય મારી સાથે રડવા માંડે અને મારા હૃદયની દર્દભરી પોકાર એ લોકો માટે જાગૃતિનું કારણ બની જાય જેઓ એક મુદ્દતથી મસ્ત અને બેહોશ પડ્‌યા છે. •

 

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments