મદ્રસા હાઇકોર્ટના એક જજ વૈદ્ય નાથન ઇચ્છે છે કે નૈતિક અપરાધો માટે આપણા દેશમાં પણ કડક સજાઓનું આયોજન થાય. તેના માટે દંડસંહિતાના કાયદાઓ ઘડવામાં આવે કે જેથી લોકો એ અપરાધો આચરવાથી દૂર રહે. ૧૦ જુલાઈના રોજ છેતરપિંડીના એક કેસની સુનાવણી દરમ્યાન તેમણે ખૂબજ દર્દભર્યા શબ્દોમાં અફસોસ વ્યકત કર્યો કે ‘છેતરપિંડી કરનારાઓ, ધોકેબાજો અને માલ-મિલકતોના નકલી દસ્તાવેજો તૈયાર કરનારાઓ વિરુદ્ધ આપણા દેશમાં હાથ કે આંગળીઓ કાપવાનો કાયદો મૌજૂદ નથી.’ માનનીય જજે આ પણ કહ્યું કે, ‘ઇસ્લામી દેશોમાં ચોરી-ચકારી જેવા મામૂલી અપરાધો માટે પણ ભારે સજાઓ આપવામાં આવે છે, જેનાથી અપરાધોને અટકાવવામાં મદદ મળે છે.’ અને જસ્ટીસ વૈદ્યનાથને આ પણ કહ્યું કે ‘કુઆર્ને ચોરીને હરામ ઠેરવી છે. પૈગમ્બરે ઇસ્લામે ચોર ઉપર લાનત મોકલી છે તે એટલા માટે કે તે સમાજનો એક ખોટું કામ કરનાર વ્યક્તિ છે અને જો તેને સજા આપ્યા વિના છોડી દેવામાં આવે તો તેની બૂરાઈ ભ્રષ્ટાચાર વધુ ફેલાશે અને ઉમ્મતના શરીરને વિષાકત બનાવી દશે–’ (ટાઇમ્સ ઓફ ઇન્ડિયા, ૧૧ જુલાઈ, ર૦૧૪). આ કેસમાં એક અરજદાર નકલી દસ્તાવેજો દ્વારા કોઈ બીજાની મિલકતને હડપ કરી લેવા કે પચાવી પાડવા ઇચ્છતો હતો. માનનીય જજે દરખાસ્ત રદ કરી તેના પર ૧ લાખનો દંડ ફટકારી દીધો.
આ પહેલા પણ થયું છે
નૈતિક અપરાધીઓ માટે આ દેશમાં કડક સજાઓની માગણીઓ અવારનવાર કરાતી રહી છે. કયારેક ઇસ્લામના હવાલાથી તો કયારેક ઇસ્લામના હવાલા વિના વ્યભિચારીઓ માટે લાલકૃષ્ણ અડવાણી પણ આ જ સૂચન રજૂ કરી ચૂકયા છે. એનડીએની પાછલી સરકારમાં સુષ્મા સ્વરાજ આરોગ્યમંત્રી હતા ત્યારે નકલી દવાઓ બનાવનારાઓ અને વેચનારાઓ માટે મૃત્યુદંડની વાત કરતા હતા. મહિલાઓ વિરુદ્ધ અપરાધો, ખાસ કરીને જાતીય અપરાધો આચરનારાઓ માટે મૃત્યુદંડની સજાની માગણીઓ તો વારંવાર ઉઠી ચૂકી છે. અપરાધીઓ માટે કડક સજાઓ સૂચવનારાઓમાં કેટલાક ન્યાયાધીશો પણ સામેલ છે પરંતુ આ માગણીઓ સામાન્ય રીતે ગંભીર અપરાધો આચરનારાઓ માટે કરવામાં આવે છે. આ કદાચ પ્રથમ અવસર છે કે જાયદાદ કે માલ-મિલકતના દસ્તાવેજાની છેતરપિંડી કરવા બદલ એક જજે ગંભીર સજાની ઇચ્છા વ્યકત કરી છે અને એ પણ ઇસ્લામી શરીઅતના હવાલાથી કરી છે, જેનાથી આ પણ જાહેર થાય છે કે જસ્ટીસ વૈદ્ય નાથને કુઆર્ન, ઇસ્લામના પૈગમ્બરની સીરત (જીવન ચરિત્ર) અને શરઈ કાયદાઓની માગણી કરી છે, અથવા કરી રહ્યા છે અથવા ઓછામાં ઓછું થોડું જ્ઞાન ધરાવે છે, અને આ ખૂબજ ખુશીની વાત છે કે માનનીય જજ સાથે મુલાકાત કરી તેમને મુબારકવાદી આપવી જોઈએ.
ઇસ્લામ
ઈસ્લામ માનવ જીવન ઉપર સંપૂર્ણપણે છવાયેલ છે, અને તેના દરેક ક્ષેત્ર સાથે ચર્ચા કરે છે, તે પ્રાકૃતિક દીન છે. આથી જ તેના વિવિધ શિક્ષણથી વિવિધ લોકો અજાણતામાં પણ પ્રભાવિત થાય છે. વિશ્વમાં અનેક બિન-મુસ્લિમ અર્થશાસ્ત્રીઓ છે, જેઓ ઇસ્લામના આર્થિક વ્યવસ્થા અને ખાસ કરીને તેની વ્યાજરહિત વ્યવસ્થાથી પ્રભાવિત છે અને તેનું ઔચિત્ય તથા લાભદાયી હોવા અંગે કલાકો સુધી ચર્ચા કરી શકીએ છીએ. કેટલાય બિનમુસ્લિમ વિદ્વાનો શરાબ તથા અન્ય કૈફી દ્રવ્યો તેમજ તેના ઉપયોગ અંગે ઇસ્લામના દૃષ્ટિકોણને સ્વીકારનરા છે અને સમજે છે કે માનવ સમાજમાંથી આ લાનત ઇસ્લામનું શિક્ષણ અપનાવીને જ સમાપ્ત કરી શકાય છે અનેક નિષ્ણાતો ઇસ્લામમાં સ્ત્રીના સ્થાન તથા દરજ્જાને ફેમિનિઝ્મની તુલનામાં બહેતર સમજે છે. ટૂંકમાં જે નિષ્ણાતો માનવજીવનના જે ક્ષેત્રથી સંબંધ ધરાવે છે તે એ ક્ષેત્ર સંબંધે ઇસ્લામના વલણને બહેતર જુએ છે, જ્યારે એ તેની જાણમાં આવે છે, પરંતુ શરત આ છે કે સંબંધિત નિષ્ણાતો પોતાની જગ્યાએ નિખાલસ હોય અને નેક નિયત સાથે સમાજ રચના ઇચ્છતા હોય. આથી કહી શકાય કે સમાજમાંથી નૈતિક અપરાધોના ખાત્માના પ્રયાસોમાં જસ્ટી વૈદ્ય નાથન નિખાલસ છે.