Tuesday, September 10, 2024
Homeઓપન સ્પેસએક હી ખિરમન કે દોનોં મે જુદાઈ હૈ ગઝબ

એક હી ખિરમન કે દોનોં મે જુદાઈ હૈ ગઝબ

જલ રહા હું કલ નહીં પડતી કિસી પહેલૂ મુઝે

હાં ડુબો દે એ મોહિતે આબે ગંગા તૂ મુઝે

સરઝમીં અપની કયામત કી નિફાક અંગેજ હૈ

વસ્લ કૈસા યાં તો ઈક કુર્બ ફિરાક અંગેઝ હૈ

બદલે યક રંગી કે યહ નાઆશનાઈ હૈ ગઝબ

એક હી ખિરમન કે દાનોં મેં જુદાઈ હૈ ગઝબ

જિસકે ફૂલોં મેં ઉખુવ્વત કી હવા આઈ નહીં

ઇસ ચમન મેં કોઈ લુત્ફે નગ્મા પૈરાઈ નહીં

લિજ્જતે કુર્બે હકીકી પર મિટા જાતા હું મેં

ઇખ્તલાતે મોજહ વ સાહિલ સે ઘબરાતા હું મેં

દાનાએ ખિરમન નુમા હૈ શાઈરે મોઅજ્ઝ બયાં

હો ન ખિરમન હી તો ઈસ દાને કી હસ્તી ફિર કહાં

હુસ્ન હો કયા ખુદનુમા જબ કોઈ માઈલ હી નહો

શમ્અ કો જલને સે કા મતલબ, જો મહફિલ હી નહો

ઝૌકે ગોયાઈ ખમોશી સે બદલતા ક્યું નહીં

મેરે આઈને સે યહ જોહર નિકલતા ક્યું નહીં

કબ ઝબાં ખોલી હમારી લિજ્જતે ગુફતારને

ફુંક ડાલા જબ ચમનકો આતિશે પયકારને

ડૉ. મોહમ્મદ ઇકબાલની ઉપરોક્ત પ્રસિદ્ધ કવિતાનું શીર્ષક ખૂબ જ યોગ્ય છે ‘સદાએ દર્દ’ – પ્રથમ બંદમાં પાંચ અને બીજા બંદમાં ચાર પંક્તિઓ ધરાવતી આ કવિતામાં રાષ્ટ્રીયતા કે કોમનું દર્દ છલકાઈ રહ્યું છે. યાદ રહે કે અલ્લામા ઇકબાલે આ કવિતા ત્યારે લખી હતી જ્યારે પાકિસ્તાનની માંગણીઓ બુલંદ થઈ રહી હતી અને ભારતમાં હિન્દુ-મુસ્લિમો વચ્ચે તણાવ વધી રહ્યો હતો. આટલા વર્ષો પછી પણ આજે આપણે એ જ પરિસ્થિતિ જોઈ રહ્યા છીએ. એટલે આજે પણ ઇકબાલની આ કવિતા ખૂબ પ્રસ્તુત લાગે છે. પ્રથમ બંદમાં ઇકબાલ કહે છે –

ભારતવાસીઓના દિલોમાં ઘૃણાનું જે વાતાવરણ સર્જાઈ રહ્યું છે એ પરિસ્થિતિએ મને બાળીને રાખ કરી દીધું છે. આ દુઃખને કારણે એક ક્ષણ માટે પણ મને કળ નથી વળતી. આ દુખમાં હું તડપી રહ્યો છું. આનાથી મુક્તિ કદાચ ત્યારે મળે કે હું ગંગા નદીમાં ડૂબીને મરી જાઉં. અફસોસ એ બાબતનો છે કે દેશ ઘૃણા , નફરત અને અસહમતિનો અખાડો બન્યો છે. વિવિધ સમુદાયના લોકો એકબીજાથી અંતર વધારી રહ્યા છે. એમની વચ્ચે ઘૃણા અને નફરત વધતી જઈ રહી છે અને કોમી રમખાણોના છમકલા થઈ રહ્યા છે. સ્થિતિ એ છે કે શાંતિ અને એકતાની કોઈ શક્યતા દેખાતી નથી. એક સાથે રહેવા છતાં નફરતની એ સ્થિતિ છે કે કોઈ એક બીજાને સહન કરવા તૈયાર નથી.

હોવું તો એ જોઈતું હતું કે અહીં એકતા અને પરસ્પર સહમતિ હોત. આનાથી ઊલટું આ દેશની ધરતી ઉપર ઉપસ્થિત દરેક જણ બીજાના ખૂનનો તરસ્યો થયો છે. આ સ્થિતિ ખૂબ દુઃખદાયક છે. અહીંનું વાતાવરણમાં હવે પ્રેમ અને ભાઈચારાની ભાવના નાબૂદ થઈ રહી છે. મારા જેવો કવિ આવા વાતાવરણમાં કાવ્ય સર્જન કેવી રીતે કરી શકે છે? મારા ગીતો હું કેવી રીતે સંભળાવું હું તો ભારતના સાચા નાગરિકોની જેમ શાંતિ, એકતા અને પ્રેમનો ઇચ્છુક છું. મોજ અને કિનારા વચ્ચે ટકરાવનું જે વાતાવરણ હોય છે એ મારા માટે ઘબરાટ અને બેચેનીનું કારણ બની જાય છે.

બીજા બંદમાં ઇકબાલ કહે છે કે જેવી રીતે માત્ર એક દાણાથી આખા ખલિયાન કે અનાજની ગોદામની સ્થિતિની જાણ થઈ જાય છે એવી જ રીતે કવિ અને એનું સર્જન કોઈપણ સમુદાયનો અરીસો હોય છે. પરંતુ ગોદામની તબાહીથી દાણાનું અસ્તિત્વ પણ ટકી શકતું નથી. એવી જ રીતે સમૂદાયોમાં એકતા ન હોય તો પછી સાચા કવિનું અસ્તિત્વ જ રહેતુ નથી. આ જ વાતને ઇકબાલ બીજી પંક્તિમાં કહે છે કે જો કોઈ ધ્યાન આપનાર ન હોય તો પછી સૌંદર્યની મહત્તા રહેતી નથી. કેમકે શમ્અ/ મીણબત્તી તો સભામં પ્રકાશ પાથરે છે પરંતુ જો સભા જ ન હોય તો મીણબત્તીના બળવાનો શો લાભ! કહેવાનું તાત્પર્ય એ છે કે એકતા અને સંપશીલ સમુદાયો ન હોય તો કોઈ કવિ (અથવા સાહિત્યકાર) પોતાની રચનાઓને પ્રકાશિત કેવી રીતે કરી શકે.

છેલ્લી બે પંક્તિઓમાં ઇકબાલ નિરાશાના સૂરમાં કહે છે કે પ્રવર્તમાન પરિસ્થિતિમાં હું મારી સર્જનકલાથી દૂર કેમ નથી થઈ જતો અથવા આ સર્જનાત્મકતા મારામાંથી કેમ નષ્ટ નથી થતી. દુઃખ તો આ વાતનું છે કે મેં આવા ઘૃણાસ્પદ અને નફરતભર્યા વાતાવરણમાં કાવ્ય કહેવાની શરૃઆત કરી છે, મારા ગીતોને કોણ સાંભળશે.

ઇકબાલની ઉપરોક્ત કવિતા વાંચ્યા પછી વાચકોને અનુભૂતિ થઈ જ ગઈ હશે કે મથન સાહિત્યકારો/ કવિઓ ક્યારે પણ અપ્રસ્તુત થતા નથી. એમની વિચારધારાઓ, એમનું સર્જનની સુગંધ સમયના બધા જ પડળો ફાટી ચારેકોર પ્રસરતી જ રહે છે. ઇકબાલની આ કવિતા પણ આટલા વર્ષો પછી કેટલી પ્રસ્તુત લાગે છે! આજે ફરીથી ઇતિહાસનું પુનરાવર્તન થતું લાગી રહ્યું છે. આજે ફરીથી દેશમાં ભય, અશાંતિ અને ઘૃણાનું વાાતવરણ ઉપસ્થિત થઈ રહ્યું છે. આ દેશની સદીઓની પ્રેમ અને ભાઈચારાની પરંપરાઓ દમ તોડતી દેખાઈ રહી છે. ઘૃણાના શેતાનો પોતાનો નાપાક પંજો પ્રસરાવતા જઈ રહ્યા છે. રાષ્ટ્રીયતા અને રાષ્ટ્રભક્તિના નામે બીજા લોકોને હેરાન કરવામાં આવી રહ્યા છે. જે લોકોએ દેશની સ્વતંત્રતા સંગ્રામમાં કોઈ ભાગ લીધો ન હતો અને જેમના કાર્યાલય ઉપર ક્યારે ત્રિરંગો ફરકયો નથી એવા લોકો આજે ભારતના લોકો ખાસ કરીને મુસ્લિમો પાસેથી રાષ્ટ્રભક્તિની સાબિતીઓ માગી રહ્યા છે.!

આજે ‘સબ કા સાથ, સબકા વિકાસ’ નહીં પરંતુ ‘શબકા વિકાસ’ થઈ રહ્યું છે! નિર્દોષ લોકોને રંજાડવામાં આવી રહ્યા છે. નિહથ્યાઓને હથિયારધારી ગુંડાઓ મોતને ઘાટ ઉતારી રહ્યા છે, અને છતાંય એમની મર્દાનગી લજાતી નથી! દેશની સરકારે ભલે અત્યારે આ ગુંડાઓને છૂટ આપી રહી હોય પણ ફિલ્મ ‘લાઈફ’ની વાર્તા યાદ રાખવી જોઈએ કે વિજ્ઞાનીઓ જે જીવનું નિર્માણ પોતાની પ્રયોગશાળામાં કરે છે, બીજાનું લોહી પી પીને એ શસક્ત થતું જાય છે. અને પછી એ બધાને ભરખી જાય છે. સરકાર વેળાસર આ ગુડાઓને કાબુ નહીં કરે તો કદાચ એક દિવસ એવો આવશે કે આ ગુંડાઓ સરકારના જ નેતાઓ ઉપર હુમલા કરશે. હજી પણ સમય છે ઘોડાઓ નાસી છૂટે એ પહેલા તબેલાને તાળા મારવાનો.

વડાપ્રધાનએ એ વાત સમજવી જોઈએ કે સંસદમાં માત્ર મોટી મોટી વાત કરવાથી અને દેશને ભ્રષ્ટાચાર મુક્ત કરીને રહીશું, વિકાસ કરીને રહીશું, ગરીબી નાબૂદ કરીને રહીશું, જેવા નારાઓ લગાવવાથી દેશ ભ્રષ્ટાચાર મુક્ત થવાનો નથી, વિકાસ થવાનો નથી કે ગરીબી નાબૂદ થવાની નથી. એના માટે સૌ પ્રથમ દેશમાં શાંતિ, સલામતી, એકતા, અને સમાનતાની ભાવના દરેક સમુદાયમાં પેદા કરવી પડશે. નક્કર પોલીસીઓ બનાવ્યા પછી એનું અમલીકરણ કરાવવું પડશે. માત્ર અમીરોની નહીં ‘બધાની’ સરકાર બનવું પડશે. સદ્ભાવના ઉપવાસ કરવાથી સદ્ભાવના ઉત્પન્ન થતી નથી. બધા સમુદાયો એકબીજાને માન સન્માન અને પ્રેમ આપે એ પછી જ આ સદ્ભાવના ઉત્પન્ન થઈ શકે. આ બધી બાબતો શક્ય બને એ પછી જ દેશ પ્રગતિ સાધી શકે. આપણે આવી આશા રાખીએ એમાં કંઈ વાંધો નથી. /

(લેખક રાહબર એજ્યુકેશન એન્ડ વેલ્ફેર સોસાયટીના પ્રમુખ છે. અને તેમનાથી મો. ૯૬૨૪૦૪૬૬૭૭ ઉપર સંપર્ક સાધી શકાય છે.)

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments