હઝરત અબૂ સઈદ ખુદરી રદિ. રિવાયત કરે છે કે હઝરત મુહમ્મદ સ.અ.વ.એ ફરમાવ્યું કે “સોનાના બદલામાં સોનું ન વેચો અહીં સુધી કે તેની માત્રા સમાન ન હોય; કોઈ વસ્તુના બદલામાં તે જ વસ્તુની માત્રા વધારી ન દો; અને ચાંદીના બદલામાં ચાંદી ન વેચો અહીં સુધી કે તેની માત્રા સમાન ન હોય. કોઈ વસ્તુના બદલામાં તે જ વસ્તુની માત્રા વધારી ન દો અને કોઈ વસ્તુના વેપાર અર્થે એવી રકમ ન સ્વિકારો જેને આપવાનો વાયદો મોડેથી હોય.” (સહીહ મુસ્લિમ)
જ્યારે પણ આર્થિક સંકટ માથુ ઉચકે છે ત્યારે તેમની મૂળમાં વ્યાજ હોય છે. વ્યાજના દરોમાં વધારો થવાની સાથે નફાની ટકાવારીમાં ઘટાડો થયો હોવાથી રોકાણકાર ધંધામાં ખતરો લેવાને બદલે વ્યાજ પર પૈસા આપવાનો વધારે પસંદ કરે છે.
વ્યાજચલિત અર્થ વ્યવસ્થા સતત વિકસતી જઈ રહી છે તે ભ્રમ અને ષડયંત્ર સ્વાર્થી અને નિર્દયી પૈસાદાર વર્ગનું ઉત્પાદનના બીજા ઘટકો વિરુદ્ધ ફેલાવવામાં આવ્યું છે. મોટા આધુનિક ઔદ્યોગિક અર્થતંત્રમાં મૂડીએ ખૂબ મહત્ત્વ ધારણ કર્યું છે. તેથી મૂડીવાદીઓએ ઉત્પાદનની સમગ્ર વ્યવસ્થાને પોતાના સ્વાર્થ માટે ઉપયોગ કર્યો છે. એક એવી વ્યવસ્થા જેમાં તેને “ચોક્કસ નફો” થાય પછી ભલે ધંધો તરે કે ડૂબે.
અહીં અલ્લાહના રસૂલ સ.અ.વ.એ નસીહત કરી છે કે વ્યાજથી પોતાના માલમાં વૃદ્ધિ કરવાના બદલે હંમેશા નફા દ્વારા પોતાના માલમાં વૃદ્ધિ કરવાનું વિચારો.
એવી જ રીતે દીનાર અને દિરહમની વધારે દીનાર અને દિરહમ માટે વેચવાનું હરામ ઠેરવવામાં આવ્યું છે. કારણ કે બે એક જ પ્રકારની ચીજવસ્તુને ચઢીયાતી સંખ્યામાં, ચઢીયાતા જથ્થામાં અને ચઢીયાતા મુલ્યમાં વિનિમય ગેરકાયદેસર છે. કેમ કે તેની અંદર વ્યાજ રહેલો હોય છે.