મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે અત્યારે સમગ્ર જગત એક વૈશ્વિક મહામારી નો સામનો કરી રહ્યું છે , એક એવો અદ્રશ્ય દુશ્મન કે જેણે લાખો જિંદગી ઓના ભોગ લીધા અને લઈ રહ્યો છે. આ વિષય પર ઘણા બધા લોકો ઘણું બધું બોલી પણ રહ્યા છે અને લખી પણ રહ્યા છે. એટલે હું આપ સૌના સમયની બચત કરતા મૂળ વિષય પર આવું…
જો અત્યારની પરિસ્થિતીની વાત કરીએ તો અત્યારે આપણે બધા એક ભયંકર જોખમ સાથે જીવી રહ્યા છીએ. એક એવો સમય કે જેમાં પ્રાથમિક જરૂરિયાતો તેમજ પોતાની જાતની સલામતી સીવાય બીજો કોઈ ઉપદેશ જણાતો નથી.
સદ્નસીબે આપણા સૌની પ્રાથમિક જરૂરિયાતો કોઈકને કોઈક રીતે સંતોષાઈ રહી છે. પરંતુ જેને એક ખૂબ જ મહત્વની જરૂરિયાત તેમજ જીવનનો અવિભાજ્ય અંગ કહી શકાય એવા શિક્ષણથી આપણા બાળકો આંશિક રીતે વંચિત છે. બીજા શબ્દોમાં કહીએ તો એક એવો પ્રવાહ અટકી ગયો છે જે લાખો બાળકો ને જ્ઞાન વડે ભીંજવી રહ્યો હતો. શિક્ષણ કે જેની ગતિ નિરંતર હતી તેની ઉપર અચાનક નો અંકુશ મુકાઇ ગયો છે.
મિત્રો આજે વર્ષો પહેલા સાંભળેલું એક વિધાન યાદ આવે છે , કે કાળા માથાનો માનવી વહેતા પ્રવાહ જેવો છે , જે તેના વહેણ માટેનો રસ્તો કાઢી જ લે છે. બસ , આવું જ કંઈક આપણે શિક્ષણ માટે પણ કર્યું….
આ વિકટ પરિસ્થિતિમાં પણ આપણા બાળકો શિક્ષણ થી લાભાન્વિત થઈ શકે એ માટે આપણે ( ઓનલાઇન શિક્ષણ ) નો વિકલ્પ પસંદ કર્યો. બાળકો ઘરે બેઠા બેઠા જ તેઓની શૈક્ષણિક પ્રવૃત્તિઓ કરી શકે એ માટે તમામ શિક્ષણવિદો તેમજ સરકારે સાથે મળી ઉત્તમ વ્યવસ્થાઓ કરી. પરંતુ જે દેશમાં મોબાઈલ ફોન ઉપર સારી રીતે વાત કરી શકાય અને સારું નેટવર્ક મળી રહે એ માટે મોબાઇલને ચમાટો મારવી પડતી હોય , અથવા મોબાઈલ ફોન લઈ આમતેમ ફરવું પડતું હોય , કે પછી ચાલુ વાત દરમિયાન બધું જ કામ મૂકી રૂમમાંથી બહાર આવવું પડતું હોય ત્યાં આવી રીતે શિક્ષણ માટે ની વ્યવસ્થા શું ખરેખર શક્ય છે ખરા ?. જ્યાં વિનામૂલ્યે અનાજ ની દુકાન ઉપર એક એક કિલોમીટર લાંબી લાઈનો લાગતી હોય એવા વાલીઓના બાળકોને કેવી રીતે ઓનલાઇન શિક્ષણ આપી શકાય. આપને હિમાચલ પ્રદેશ નો બનાવ યાદ જ હશે કે જ્યાં પોતાના બાળકને ઓનલાઇન શિક્ષણ આપી શકાય એ માટે થઈને એક વ્યક્તિએ પોતાની કમાણીનો એક માત્ર સાધન ( એની ગાય ) વહેંચવી પડી હતી. આવી પરિસ્થિતિમાં સ્માર્ટ child સ્માર્ટ એજ્યુકેશન નો હેતુ કેવી રીતે પુરવાર કરી શકાય. મિત્રો , આપણે સૌએ એક વસ્તુ સ્વીકારવી જ રહી કે ઓનલાઇન શિક્ષણ આપવાથી બાળકોને ફક્ત શિક્ષણ મળી રહેશે સંસ્કાર નહીં. અહીં મારું સ્પષ્ટપણે માનવું છે કે આ પદ્ધતિ દ્વારા શિક્ષણ આપવાથી બાળકોમાં ફાયદા કરતાં નુકસાન વધારે જોવા મળશે …
પરંતુ ખૂબ જ શરમ સાથે લખવું પડે છે કે કેટલીક શાળાઓ તેમજ પ્રાઇવેટ કોચિંગ સંસ્થાન નો એ ઓનલાઈન શિક્શણ ને પોતાની કમાણી નું સાધન બનાવી લીધું છે. તેઓ દ્વારા ઓનલાઇન શિક્ષણ ના નામે ખોટી રીતે ફી ઉઘરાવવું એ કોઈ કાણે યોગ્ય નથી. કોઈપણ શૈક્ષણિક સંસ્થા દ્વારા ફી માટેનું વાલીઓ પરનું દબાણ કોઈ પણ સંજોગો મા ચલાવી ન લેવાય. જો આવું જ ચાલતું રહેશે તો ઓનલાઇન શિક્ષણ નો આ વિકલ્પ દરેક વાલીઓ માટે મજબૂરી બની રહેશે…
અત્રે વાલીઓએ પણ એક વાત સમજવી પડશે કે જે લોકો દ્વારા તમને પૈસા માટે વારંવાર કહેવામાં આવી રહ્યું છે તે લોકો માટે પણ આપના પૈસા એકમાત્ર આવક નો સ્ત્રોત છે. બે-પાંચ ટકા લોકો માટે થઈને તમે સમગ્ર શિક્ષણ જગત ને વખોડો એ વ્યાજબી નથી. આપ પોતાની જગ્યાએ બિલકુલ સાચા છો પરંતુ આપનો શિક્ષણ સંસ્થાઓ માટે નો સ્પષ્ટ વિરોધ દેશમાં રહેલા રાજનૈતિક દળો માટે એક મહત્ત્વનો મુદ્દો બની ગયો છે. કેટલાક રાજનેતાઓ આપ લોકોની સહાનુભૂતિ મેળવી તેઓના રોટલા શેકી રહ્યાં છે. મહેરબાની કરી આવા લોકો માટે રાજનૈતિક હેન્ડલ ન બનો…
આવા કપરા સમયમાં આપણે સૌ સાથે મળી આ સમસ્યા પર ધ્યાન કેન્દ્રિત કરીશું તો ચોક્કસપણે અને વહેલામાં વહેલી તકે સમાધાન મેળવી લઈશું.