Sunday, October 6, 2024
Homeઓપન સ્પેસઔરંગઝેબ

ઔરંગઝેબ

ઔરંગઝેબે મન્દિરો તોડયા, મસ્જિદો પણ તોડી, પરંતુ કેમ? ઓરંગઝેબ વિષે તેમને આખી દાસતાનમાં લઈ-દઈને એટલું જ યાદ છે કે ઔરંગઝેબ હિન્દુઓની હત્યા કરતો, અત્યાચારી હતો, ત્રાસવાદી હતો. પુસ્તક તથા તેના લેખક: “ઇતિહાસની સાથે આ અન્યાય” પ્રો. બિ.એન.પાંડે, ભૂતપૂર્વ રાજ્યપાલ, ઓરિસ્સા, રાજ્ય સભાના સભ્ય, ઇલાહાબાદ નગરપાલિકાના ચેરમેન તથા ઇતિહાસકાર.

જ્યારે હું ઇલાહાબાદ નગરપાલિકાનો ચેરમેન હતો (૧૯૪૮ થી ૧૯૫૩ સુધી) તો મારી સમક્ષ વારસાગત મિલકતનો એક કેસ લાવવામાં આવ્યો. આ મામલો સોમેશ્વરનાથ મહાદેવ મંદિરથી સંબંધિત ધન સંપત્તિનો હતો. મંદિરના મહંતના મૃત્યુ પછી એ ધન સંપત્તિના બે દાવેદારો ઉભા થઈ ગયા હતા. એક દાવેદારે કેટલાક દસ્તાવેજો રજૂ કર્યા જે એના કુટુંબમાં વર્ષોથી ચાલ્યા આવતા હતા. આ દસ્તાવેજોમાં શહેંશાહ ઓરંગઝેબના ફરમાનો પણ હતા. ઓરંગઝેબે આ મંદિરને જાગીર તથા રોકડ દાન રૃપે આપી હતી. મેં વિચાર્યું કે આ ફરમાન બનાવટી હશે. મને આશ્ચર્ય થયું કે આ કેવી રીતે થઈ શકે છે કે ઔરંગઝેબ જે મંદિરો તોડવા માટે પ્રસિદ્ધ છે, તે મંદિરને એમ કહીને જાગીર આપી શકે છે કે આ જાગીર પૂજા તથા ભોગ માટે આપવામાં આવી રહી છે. ઓરંગઝેબ પોતાને મુર્તિપૂજા સાથે જોડે એ કેવી રીતે શક્ય બને. મને વિશ્વાસ હતો કે આ દસ્તાવેજો બનાવટી છે, પરંતુ કોઈ નિર્ણય પર આવતા પહેલા મેં ડો. સર તેજબહાદુર સપ્રુથી સલાહ લેવાનું વિચાર્યું. તેઓ અરબી તથા ફારસીના સારા જાણકાર હતા. મેં દસ્તાવેજોને એમની સમક્ષ રજૂ કરી એમની સલાહ મેળવી તો તેમણે દસ્તાવેજોના અભ્યાસ પછી કહ્યું કે ઔરંગઝેબના આ દસ્તાવેજો અસલીને વાસ્તવિક છે. ત્યાર બાદ તેમણે તેમના મુન્શી દ્વારા બનારસના જંગમવાડી શિવમંદિરની ફાઈલ લાવવાનું કહ્યું. આ મુકદ્દમો ઇલાહાબાદ કોર્ટમાં ૧૫ વર્ષથી ચાલતો હતો. જંગમવાડી મંદિરના મહંત પાસે પણ ઔરંગઝેબના કેટલાય દસ્તાવેજો હતા, જેમાં મંદિરોને જાગીરો આપવામાં આવી હતી. આ દસ્તાવેજોએ ઔરંગઝેબનું એક નવું ચિત્ર મારી સમક્ષ મુકયું, જેનાથી હું આશ્ચર્યચકીત થઈ ગયો. ડો. સપ્રુની સલાહ મુજબ મેં ભારતના જુદા જુદા પ્રમુખ મંદિરોના મહંતોની પાસે પત્ર લખી તેમનાથી એ નિવેદન કર્યું કે જો તેમની પાસે ઔરંગઝેબેના એવા કોઈ દસ્તાવેજો હોય જેમાં મંદિરોને જાગીરો આપવામાં આવેલી હોય તો તે કૃપા કરી તેમની ફોટો-સ્ટેટ કોપીઓ મને મોકલી આપે. હવે મારી સમક્ષ એક બીજી આશ્ચર્યની વાત આવી. ઉજ્જૈનનું મહાકાળેશ્વર મંદિર, ચિત્રકૂટનું બાલાજી મંદિર, ગૌહત્તીનું ઉમાનન્દ મંદિર શત્રુન્જાઈના જૈન મંદિર તથા ઉત્તર ભારતમાં આવેલા અન્ય પ્રમુખ મંદિરો તથા ગુરૃદ્વારાઓ થી સંબંધી જાગીરો માટે ઔરંગઝેબના દસ્તાવેજોની નકલો મને મળવા લાગી. આ દસ્તાવેજો ૧૦૬૫ હિ. થી ૧૦૯૧ હિ. એટલે કે ૧૬૫૯ ઇ.સ. થી ૧૬૮૫ ઇ.સ. દરમ્યાન આપવામાં આવ્યા હતા. આતો હિન્દુઓ અને મંદિરો પ્રતિ ઔરંગઝેબના ઉદાર વ્યવહારના થોડાક ઉદાહરણો છે, તો પણ આનાથી એ પ્રમાણિત થઈ જાય છે કે ઇતિહાસ લખનારાઓએ ઔરંગઝેબની સંબંધમાં જે કંઈ લખ્યું છે તે પક્ષપાત પર આધારિત છે અને આના થી ચિત્રનો એક જ ભાગ સામે લાવવામાં આવ્યો છે. ભારત એક વિશાળ દેશ છે, જેમાં હજારો મંદિરો ચારે બાજુ ફેલાયેલા છે. જો સાચી રીતે શોધખોળ કરવામાં આવે તો મને વિશ્વાસ છે કે હજુ ઘણા એવા ઉદાહરણો મળી જશે જેનાથી ઔરંગઝેબના બિનમુસ્લિમો પ્રત્યે ઉદાર વ્યવહારની ખબર પડે છે. ઔરંગઝેબના દસ્તાવેજોના તપાસના સંદર્ભમાં મારો સંપર્ક શ્રી જ્ઞાાનચંદ અને પટના મ્યુઝિયમના ભૂતપુર્વ ક્યુરેટર ડો. પી.એલ.ગુપ્તાથી થયો. આ મહાનુભાવો પણ ઇતિહાસની દૃષ્ટિથી ઔરંગઝેબ વિષે અતિ મહત્ત્વપૂર્ણ સંશોધન કરી રહ્યા હતા. મને એ જાણી આનંદ થયો કે અમુક બીજા સંશોધનકર્તાઓ સત્યની શોધમાં વ્યસ્ત છે અને બહુજ બદનામ ઔરંગઝેબના ચિત્રને ચોખ્ખુ કરવામાં પોતાનું યોગદાન આપી રહ્યા છે. ઔરંગઝેબ કે જેને પક્ષપાતી ઇતિહાસકારોએ ભારતમાં મુસ્લિમ સત્તાનો પ્રતિક માની રાખ્યું છે. એના વિષે તેઓ શું વિચાર રાખે છે, તે અનુસંધાનમાં શિબલી જેવા ઇતિહાસના વિષયના કવિને એ કહેવું પડયું કે,

“તુમ્હેં લે દે કે સારી દાસતાં મેં યાદ હે ઈતના, કે ઔરંગઝેબ હિન્દુ-કુશ થા, ઝાલિમ થા, સિતમગર થા.”

ઔરંગઝેબ ની હિન્દુ દુશ્મનીના આરોપના સંબંધમાં જે ફરમાનને બહુજ ઉછાળવામાં આવે છે એ બનારસના ફરમાન તરીકે પ્રસિદ્ધ છે. આ ફરમાન બનારસના એક બ્રાહ્મણ પરિવારથી સંબંધ ધરાવે છે. જેને ઇ.સ. ૧૯૦૫માં ગોપી ઉપાધ્યાયના પૌત્ર મંગલ પાંડે એ સીટી મજીસ્ટ્રેટની સમક્ષ રજૂ કર્યું હતું. આને પહેલી વાર ‘એસિયાટીક-સોસાયટી’ બંગાળની પત્રિકાએ સૌ પ્રથમ પ્રકાશિત કર્યું હતું. જેના પરિણામ સ્વરૃપ સંશોધન કરનારાઓનું ધ્યાન આ બાજુ ગયું. ત્યારથી ઇતિહાસકારો આનો સંદર્ભ આપી રહ્યા છે. અને તેઓે આના આધારે એ આરોપ ઘડે છે કે તેણે હિન્દુ મંદિરોના નિર્માણ પર પ્રતિબંધ મુકી દીધો હતો, જ્યારે કે આ ફરમાનની વાસ્તવિક્તા એ લોકોની આંખોથી અદ્રશ્ય થઈ જાય છે. આ લેખિત ફરમાન ઔરંગઝેબે ૧૫ જમાદિલ-અવ્વલ ૧૦૬૫ હિ. (૧૦ માર્ચ, ઇ.સ. ૧૬૫૯)માં બનારસના સ્થાનિય અધિકારીના નામે મોકલ્યો હતો, જે એક બ્રાહ્મણની ફરિયાદને ધ્યાનમાં લઈને આપવામાં આવ્યો હતો. એ બ્રાહ્મણ એક મંદિરનો મહંત હતો અને કેટલાક લોકો તેને હેરાન કરી રહ્યા હતા. ફરમાનમાં કહેવામાં આવ્યું હતું કે ઃ “અબુલ હસનને અમારી શાહી ઉદારતાને માન્ય રાખતા એ જાણવું જોઈએ કે અમારી સ્વભાવિક દયા તથા પ્રાકૃતિક ન્યાયના અનુસાર અમારો સંપુર્ણ અનથક સંઘર્ષ ન્યાયપ્રિય ઇરાદાઓનો ઉદ્દેશ્ય જન કલ્યાણને પ્રોત્સાહન આપવું છે તથા પ્રત્યેક ઉચ્ચ તથા નિચલા વર્ગોની દશામાં સુધાર લાવવાનો છે. આપણા પવિત્ર કાયદા અનુસાર અમે નિર્ણય લીધો છે કે પ્રાચિન મંદિરોને તોડવામાં ન આવે, અલબત્ત નવા મંદિરો ન બનાવવામાં આવે. અમારા આ ન્યાય પર આધારિત સમયકાળમાં અમારા પ્રતિષ્ઠિત તથા પવિત્ર દરબારમાં આ સૂચના પહોંચી છે કે કેટલાક લોકો બનારસ શહેર તથા તેની નજીક રહેતા હિન્દુ નાગરિકો અને મંદિરના બ્રાહ્મણો તથા મહંતોને હેરાન કરી રહ્યા છે, તથા તેમના કામોમાં હસ્તક્ષેપ કરી રહ્યા છે, જ્યારે કે આ પ્રાચિન મંદિરો એમની જ દેખરેખમાં છે. આથી વધુ તે લોકો ઇચ્છે છે કે આ બ્રાહ્મણોને તેમના જુના પદો પરથી હટાવી દેવામાં આવે. આ હસ્તક્ષેપ આ સમુદાય માટે મુશ્કેલીનું કારણ છે. તેથી આ અમારો હુકમ (ફરમાન) છે કે અમારૃં શાહી ફરમાન પહોંચતાની સાથે તમે આ આદેશ લોકો સમક્ષ મુકી દો કે કોઈ પણ વ્યક્તિ ગૈરકાનૂની રીતથી હસ્તક્ષેપ ન કરે, અને ન તો તે જગ્યાના હિન્દુઓ તથા બ્રહ્મણોને મુશ્કેલીમાં નાખે. જેથી પહેલાની જેમ તેમનો કબ્જો જળવાઈ રહે અને તેઓ અંતરમનથી અમને ઈશ્વરે આપેલી આ હકૂમત માટે પ્રાથના કરતા રહે. આ આદેશને તુરતજ અમલમાં લાવવામાં આવે. ”

આ ફરમાનથી સ્પષ્ટ છે કે ઔરંગઝેબે નવા મંદિરોના નિર્માણ વિરૃધ્ધ કોઈ નવો હુકમ નહોતો આપ્યો. પરંતુ તેણે પહેલાથી ચાલતા પરંપરાનો સંદર્ભ આપ્યો અને એ પરંપરા જળવાય તેના પર ભાર મુક્યો હતો. પહેલાથી બનેલા મંદિરોને ધ્વસ્ત કરવાના તે અત્યંત વિરોધમાં હતો. આ ફરમાનથી એ પણ સ્પષ્ટ થઈ જાય છે કે તે હિન્દુ પ્રજાને શુખ શાંતિથી જીવન પસાર કરવાનો અવસર મળે તેનો ઇચ્છુક હતો.

આ માત્ર એક જ ફરમાન નથી. બનારસમાં એક બીજું ફરમાન પણ મળે છે કે જેનાથી સાબિત થાય છે કે હિન્દુ સુુખ શાંતિથી જીવન પસાર કરે. આ ફરમાન આ મુજબ છે ઃ

“રામનગર (બનારસ) મહારાજા રાજા રામસિંહે અમારા દરબારમાં અરજી કરી છે કે તેમના પિતા એ ગંગા નદીના કાંઠે પોતાના ધાર્મિક ગુરૃ ભગવત ગોસાઈને રહેવા માટે એક ઘર બનાવ્યું હતું, હવે કેટલાક લોકો ગોસાંઈને હેરાન કરી રહ્યા છે. તેથી આ શાહી ફરમાન આપવામાં આવે છે કે આ ફરમાન મળતાની સાથે બધા વર્તમાન તથા આવનારા અધિકારીઓ એ વાતનું ધ્યાન રાખશે કે કોઈ પણ વ્યક્તિ ગોસાંઈને હેરાન ના કરી શકે તથા બિવડાવી કે ધમકાવી ના શકે. અને ન તેના મામલામાં હસ્તક્ષેપ કરે. જેથી તે પોતાના અંતરમનથી આપણી ઇશ્વરે આપેલી હકૂમત જળવાઈ રહે તેના માટે પ્રાથના કરતો રહે. આ ફરમાનને તુરતજ અમલમાં લાવવામાં આવે. ” ( તારીખ ૧૭ રબિઉસ્સાની, ૧૦૯૧ હિ.)

જંગમવાડીના મહંત પાસેથી મળેલા કેટલાક ફરમાનોથી એ જાણવા મળે છે કે ઔરંગઝેબ ક્યારે આ સહન ન હોતો કરતો કે તેની પ્રજાના અધિકારો કોઈ પણ રીતે છીનવામાં આવે, ભલે કે તે હિન્દુ હોય કે મુસલમાન. તે અપરાધિઓ સાથે કઠોરતાથી વર્તતો હતો.

આ ફરમાનોમાં એક જંગમ લોકો (શિવ સંપ્રદાય ની એક જાતિ) દ્વારા એક મુસલમાનને દરબારમાં હાજર કરવામાં આવ્યો. જેની પર શાહી હુકમ આપવામાં આવ્યો કે બનારસ પંથક ઇલહાબાદના અફસરોને સુચિત કરવામાં આવે છે કે જુના બનારસના નાગરિકો અર્જુનમલ અને જંગમીયોએ ફરિયાદ કરી છે કે બનારસના એક નાગરિક નજીર બેગે બનારસમાં તેમની પાંચ હવેલિયો પર કબ્જો કરી લીધો છે. તેમને આદેશ આપવામાં આવે છે કે જો ફરિયાદ સાચી ઠરે અને ધન સંપત્તિનો અધિકાર પ્રમાણિત થાય તો નજિર બેગને તે હવેલીઓમાં દાખલ થવા દેવામાં ન આવે. જેથી જંગમીયોને ભવિષ્યમાં ફરિયાદ કરવા માટે અમારા દરબારમાં ન આવવું પડે. આ ફરમાન પર ૧૧ શાબાન, ૧૩ જુલાઈ (ઇ.સ. ૧૬૭૨)ની તારીખ નાંખેલી છે. આ જ મઠને મળેલ એક બીજા ફરમાન પર ૧ રબીઉલ અવ્વલ ૧૦૭૮ હિ. ની તારીખ નાખેલી છે. એમાં ઉલ્લેખ છે કે જમીનનો કબ્જો જંગમીયોને આપવામાં આવી રહ્યો છે. ફરમાનમાં છે કે ઃ “પરગના હવેલી ના બધાજ વર્તમાન તેમજ ભાવી જાગીરદારો તથા કરોડીયોને સુચિત કરવામાં આવે છે કે શહંશાહના હુકમથી ૧૭૮ વીઘા જમીન જંગમીયો (શીવ સંપ્રદાયનો એક વર્ગ)ને આપવામાં આવી રહી છે. જુના અધિકારોએ તેની પુષ્ઠી કરી હતી. અને એ સમયના પરગનાના માલિક ના સિક્કાની સાથે આ પુરાવા રજુ કર્યા છે કે જમીન પર તેમનો જ હક છે. શહંશાહના જીવનના સદકાના રૃપમાં આ જમીન તેમના દનમાં આપી દેવામાં આવી. ખરીફ પાકની શરૃઆતમાં જમીન પર તેમનો કબ્જો આપી દેવામાં આવે, અને પછી કોઈ પણ પ્રકારનો હસ્તક્ષેપ ન કરવા દેવામાં આવે. જેથી જંગમી લોકો એની આવકથી પોતાની દેખ રેખ કરી શકે.”

આ ફરમાનથી માત્ર એજ જાણવા નથી મળતુ કે ઔરંગઝેબ સ્વાભવનો ન્યાયપ્રિય હતો. પરંતુ એ પણ ચોખ્ખુ દેખાઈ આવે છે કે આવી મિલકતોની વહેંચણીમાં હિન્દુ ધાર્મિક સેવકો સાથે કોઈ પણ પ્રકારનો ભેદભાવ ન હોતો રાખતો. જંગમીયોને ૧૭૮ વીઘા જમીન સ્વયં ઔરંગઝેબે જ દાન કરી હતી. કારણ કે એક બીજા ફરમાન (તારીખ ૫ રમઝાન, ૧૦૭૧ હિ.) માં આ વાતનું સ્પષ્ટીકરણ કરવામાં આવ્યું છે આ જમીન મહેસૂલ મુક્ત છે. ઔરંગઝેબે એક બીજા ફરમાન (૧૦૯૮ હિ.)દ્વારા એક બીજી હિન્દુ ધાર્મિક સંસ્થાને પણ ધન સંપત્તી પ્રદાન કરી હતી. ફરમાનમાં કહેવામાં આવ્યું હતું કે ઃ “બનારસમાં ગંગા નદીના કિનારે બેની-માધો ઘાટ પર બે પ્લોટ ખાલી છે, એક મસ્જિદની પાસે રામજીવન ગોસાંઈની ઘરની સામે અને બીજો તેનાથી પહેલા. આ પ્લોટ બયતુલમાલની સંપત્તિ છે, અમે આ પ્લોટ રામજીવન ગોસાંઈ તથા તેમના છોકરાને ઈનામ રૃપે પ્રદાન કર્યું છે, જેથી આ પ્લોટ પર બ્રાહ્મણો તથા ફકિરો માટે રહેવાના ઘર બનાવ્યા પછી તઓ ખુદાની ઈબાદત તથા અમારી આ ઇશ્વરીય હકૂમત જળવાઈ રહે તે માટે દુઆ તથા પ્રાર્થનામાં લાગી જાય. અમારી સંતાનો, વજીરો, અમીરો, ઉચ્ચ પદાધિકારીઓ તથા પોલિસ કર્મિયો માટે આ અનિવાર્ય છે કે આ આદેશના પાલનમાં ધ્યાન રાખે, ઉપર્યુક્ત પ્લોટ ઉપર જણાવેલ વ્યક્તિઓ તથા તેમના વારસદારોના કબ્જા હેઠળ જ રાખવામાં આવે. અને ન તો તેમનાથી કોઈ મહેસૂલ કે ટેક્સ લેવામાં આવે, અને ન તો તેમનાથી દર વર્ષે સર્ટિફિકેટ માંગવામાં આવે. ”

લાગે છે કે ઔરંગઝેબ પોતાની પ્રજાની ધાર્મિક ભાવનાઓના સમ્માન પ્રત્યે ખૂબ જ ધ્યાન રાખતો હતો. અમારી પાસે ઔરંગઝેબનો એક ફરમાન (૨ સફર, ૯ જુલૂસ) છે આસામના શહેર ગોહત્તી ના ઉમાનન્દ મંદિરના પુજારી સુદામન બ્રાહ્મણની નામે છે. અસમના હિન્દુ રાજાઓ તરફથી આ મંદિર તથા તેના પુજારીને એક જમીનનો ટુકડો તથા જંગલોની થોડીક આવક સંપત્તિના રૃપમાં આપવામાં આવી હતી. જેથી ભોગના ખર્ચમાં તેનો ઉપયોગ કરવામાં આવે અને પુજારીની આજીવિકા ચાલી શકે. જ્યારે આ પ્રાંત ઔરંગઝેબના શાસન ક્ષેત્રમાં આવી ગયું તો તેણે તરતજ એક ફરમાન દ્વારા આ જાગીર (ધન સંપત્તિ)ને યથાવત રાખવાનો આદેશ આપ્યો.

હિન્દુઓ અને તેમના ધર્મની સાથે ઔરંગઝેબની સહિષ્ણુતા તથા ઉદારતાનો એક પુરાવો ઉજ્જૈનના મહકાળેશ્વર મંદિરના પુજારીઓથી મળે છે. આ શિવજીના પ્રમુખ મંદિરોમાનું એક છે, જ્યાં દિવસ રાત દિપ પ્રગટેલો રહે છે. એના માટે પ્રતિદિવસ ચાર સેર ઘી ત્યાંની સરકાર દ્વારા ઉપલબ્ધ કરાવવામાં આવતું હતું અને પુજારીઓ કહે છે કે આ મુગલ કાળમાં જળવાઈ રહ્યું. ઔરંગઝેબે પણ આ પરંપરાનું સંમાન કર્યું. આ સંદર્ભમાં પુજારીઓ પાસે દુર્ભાગ્યવશ કોઈ ફરમાન તો ઉપલબ્ધ નથી પરંતુ એક આદેશની નકલ તેમની પાસે હતી જે ઔરંગઝેબના કાળમાં રાજકુમાર મુરાદ બખ્શ દ્વારા આપવામાં આવ્યો હતો. (૫ શવ્વાલ ૧૦૧૬ હિ.) એ આ આદેશ શહંશાહના તરફથી રાજકુમારે મંદિરના પુજારી દેવનારાયણ ના આવેદન પર આપવામાં આવ્યો હતો. વાસ્તવિક્તા તપાસ્યા પછી આ આદેશમાં કહેવામાં આવ્યું છે કે મંદિરના દિપ માટે ચબૂતરા કોતવાલના અધિકારી ચાર સેર (અકબરી ઘી પ્રતિદિવસ મુજબ ઉપલબ્ધ કરાવવામાં આવે)આની નકલ મૂળ આદેશ આપ્યાના ૯૩ વર્ષ પછી (૧૧૫૩ હિજરી) મુહમ્મદ સાદુલ્લાહે ફરીથી અમલમાં મુક્યું.

સામાન્ય રીતે આનો ઉલ્લેખ વધુ કરે છે કે અહમદાબાદમાં બનાવેલ નાગરશેઠના ચિંતામણી મંદિર ને ધ્વસ્ત કરવામાં આવ્યું હતું, પરંતુ આ વાસ્તવિક્તાને છુપાઈ દેવામાં આવે છે કે આજ ઔરંગઝેબે એજ નાગરશેઠે બનાવેલા શત્રુન્જ્યા અને આબૂ મંદિરોને ખૂબ મોટી જાગીરો પ્રદાન કરી.

બેશક ઇતિહાસથી આ પુરવાર થાય છે કે ઔરંગઝેબે બનારસના વિશ્વનાથ મંદિર તથા ગોલગુન્ડાની જામા મસ્જિદને ધ્વસ્ત કરી દેવાનો આદેશ આપ્યો હતો. પરંતુ આનું કારણ કંઈક જુદુ હતું. વિશ્વનાથ મંદિરના સંદર્ભમાં ઘટનાક્રમ આ મુજબ વર્ણવવામાં આવે છે કે જ્યારે ઔરંગઝેબ બંગાળ જતી વખતે બનારસની પાસેથી પસાર થઈ રહયો હતો એના કાફલામાં શામેલ હિન્દુ રાજાઓેએ બાદશાહને નિવેદન કર્યું અને કહ્યું. કાફેલો એક દિવસ જો રોકાઈ જાય તો તેમની રાનીઓ બનારસ જઈ ગંગા નદીમાં સ્નાન કરી લેશે અને વિશ્વનાથ મંદિરના દર્શન પણ કરી આવશે. ઔરંગઝેબે તુરતજ આ નિવેદન સ્વિકાર કર્યો, અને કાફલા ના પડાવથી બનારસ સુધી પાંચ માઈલના રસ્તામાં ફૌજી સુરક્ષા ગોઠવી દીધી. રાણીઓ પાલકીમાં બેસીને ગઈ, સ્નાન તથા પૂજા કરી પાછી આવી ગઈ. પરંતુ એક રાણી (કચ્છ ની મહારાણી) પાછી ન આવી. તો તેમની શોધખોળ કરવામાં આવી, પરંતુ તે મળ્યા નહીં. જ્યારે ઔરંગઝેબને સમાચાર મળ્યા તો તેને ખૂબ ગુસ્સો આવ્યો અને તેણે ફૌજના મોટા અધિકારીઓને શોધવા માટે મોકલ્યા. અંતમાં તે અધિકારીઓએ જોયું કે ગણેશની મુર્તિ જે દિવાલ સાથે જોડાયેલી હતી, થોડી હાલી રહી હતી. તેમણે મુર્તિ હટાવીને જોયું તો ભોયરામાં જવાની સીડી મળી અને ગુમ થયેલ રાણી તેમાં પડી રડી રહી હતી. તેની ઇઝ્ઝત પણ લૂંટી લેવામાં આવી હતી અને તેના આભૂષણો પણ લૂટી લેવામાં આવ્યા હતા. આ ભોયરૃ વિશ્વનાથજીની બરાબર નીચે હતું. રાજાઓએ આ ઘટના પર પોતાની નારાજગી દેખાડી અને વિરોધ પ્રકટ કર્યો. કારણ કે આ બહુ જ ધૃણાસ્પદ અપરાધ હતો, તેથી તેમણે સખત થી સખત પગલા લેવાની માંગ કરી. તેમની માંગ પર ઔરંગઝૈબે આદેશ આપ્યો કે, કેમ કે હવે પવિત્ર સ્થળ અપવિત્ર થઈ ચૂક્યું છે, તેથી વિશ્વનાથજીની મુર્તિને કોઈક બીજી જગ્યાએ લઈ જઈ સ્થાપિત કરી દેવામાં આવે અને મંદિરને તોડી જમીનની બરાબર કરી દેવામાં આવે, અને મહંદને કેદ કરી લેવામાં આવે. ડો. પટ્વાભી સીતા રમૈયા એ પોતાની પુસ્તક ‘ધિ ફેદર્સ એન્ડ ધિ સ્ટેન્સ’માં આ ઘટનાને દસ્તાવેજોના આધારે પ્રમાણિત કર્યું છે. પટના મ્યુઝિયમના પૂર્વ ક્યરેટર ડો.પી.એલ.ગુપ્તા એ પણ આ ઘટનાની પુસ્ટી કરી છે.

ગોલકુન્ડાની જામા મસ્જિદની ઘટના એમ હતી કે ત્યાંનો રાજા જે તાનાશાહના નામથી પ્રસિદ્ધ હતો, રાજ્યનો ટેક્સ વસૂલ કર્યા બાદ, દિલ્હીનો ભાગ તે મોકલતા ન હતો. થોડાક વર્ષોમાં આ રકમ કરોડોમાં થઈ ગઈ. તાનાશાહે આ ખજાનો એક જગ્યાએ જમીનમાં દાટી તેની ઉપર એક મસ્જિદ બનાવી દીધી. જ્યારે ઔરંગઝેબને આ વિષે જાણ થઈ તો તેણે આદેશ આપ્યો કે આ મસ્જિદને તોડી પાડવામાં આવે. અંતે દાટી દીધેલો ખજાનો જન કલ્યાણના ઉપયોગમાં લેવામાં આવ્યો.

આ બંને ઉદાહરણો એ પુરવાર કરે છે કે ઔરંગઝેબ ન્યાય માટે મંદિર અને મસ્જિદમાં કોઈ અંતર રાખતા ન હતા. દુર્ભાગ્ય થી મધ્યકાળ અને આધુનિકકાળની ભારતીય ઇતિહાસની ઘટનાઓ તેમજ પાત્રોને એ રીતે વિકૃત કરીને મનગઢત રીતે રજુ કરવામાં આવે છે કે જૂઠને ઇશ્વરીય આદેશની સચ્ચાઈની જેમ સ્વીકાર કરવામાં આવવા લાગ્યું. અને એ લોકોને દોષી ઠેરવવામાં આવ્યા જેઓ તથ્ય અને મનગઢત વાતો વચ્ચે અંતર રાખતા હતા. આજે પણ સામ્પ્રદાયિક તથા સ્વાર્થી તત્ત્વો ઇતિહાસને વિકૃત કરવા અને ખોટો રંગ આપવામાં લાગેલા છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments