Thursday, May 30, 2024
Homeઓપન સ્પેસસ્ટેથોસ્કોપઔવેસી ભાઈઓ અને તેમનો પક્ષ મુસલમાનો માટે કેટલા ઉપયોગી સાબિત થશે ?

ઔવેસી ભાઈઓ અને તેમનો પક્ષ મુસલમાનો માટે કેટલા ઉપયોગી સાબિત થશે ?

મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીઓમાં બે બેઠકો પર વિજય મેળવીને ઑલ ઇન્ડિયા મુત્તહીદા ઇજલાસુલ મુસ્લીમીન અથવા (AIMIM) રાષ્ટ્રીય સ્તરે ચર્ચાનો વિષય બની ગઈ છે. ૧૯૨૭માં મુત્તહીદા ઇજલાસુલ મુસ્લીમીન અથવા MIM તરીકે સ્થાપિત થયેલ આ પક્ષ તેના અધ્યક્ષ કાસિમ રીઝવીના પાકિસ્તાન ગયા બાદ ૧૯૫૭માં ભારતીય બંધારણને અનુરૃપ થવા AIMIM તરીકે પુનઃસ્થાપિત થયો અને તેનો કાર્યાભાર ત્યારથી અબ્દુલ વાહિદ ઔવેસીએ સંભાળ્યો. આ પક્ષનો ઇતિહાસ રઝાકારો સાથે સંકળાયેલો છે. જેઓએ હૈદરાબાદ રાજ્યને ભારતીય સંઘમાંથી બાકાત રાખવા ઘણા પ્રયત્નો કર્યા હતા. શરૃઆતથી જ પક્ષનો વિસ્તાર હૈદરાબાદ સુધી સીમિત રહ્યો છે અને તેની રાજનિતી મુખ્યત્વે મુસલમાનોનો તેમના બંધારણીય અધિકારો અપાવવાની આસપાસ રહી છે. પક્ષના બે મુખ્ય ચહેરા અને ભાઈઓ અસદુદ્દીન અને અકબરૃદ્દીન ઔવેસી તેમની વાકશૈલીના કારણે ખૂબ જ જાણીતા થયા છે. ઔવેસી ભાઈઓની આ વાકછટાએ દેશમાં ઘણાં મુસલમાનોને પોતાની તરફ આકર્ષિત કર્યા છે. સ્વતંત્રતા પછી મોટા ભાગે કોંગ્રેસે જ દેશની સરકાર ચલાવી છે અને મુસલમાનોમાં આ માન્યતા આમ થઈ ગઈ છે કે કોંગ્રેસ તેમની સ્થિતિ સુધારવાના હેતુસર ક્યારે પણ ગંભીર રહી નથી અને તેનાથી આશા માંડવી નિરર્થક છે. આ ઉપરાંત સ્પષ્ટપણે મુસલમાન વિરોધી હોય એવો પક્ષ ભાજપ જ્યારે સ્પષ્ટ બહુમતિથી ચૂંટાઈ આવ્યો ત્યારે મુસલમાનોમાં અસલામતી વધી ગઈ અને પરિણામ સ્વરૃપે તેઓ પોતાની રાજકીય વાચા માટે કોઈ વિકલ્પ શોધી જ રહ્યા હતા. આમ આદમી પાર્ટીનો જે જુવાળ આવ્યો તે ક્ષણિક સાબિત થયો અને AIMIM તરફ મુસલમાનોનો ઝુકાવ વધતો ગયો. મહારાષ્ટ્રમાં સારી શરૃઆત કર્યા પછી AIMIM હવે દિલ્હી તરફ મીટ માંડી રહ્યું છે તેવી પણ ચર્ચાઓ છે. આ ઉપરાંત ઉત્તરપ્રદેશમાં પણ તેઓ પોતાનું માળખું પાથરી મજબૂત કરવા પ્રયત્ન કરી રહ્યા છે.

આવા સંજોગોમાં હિંદુત્વના આધારે જમણેરી રાજનીતિ કરતા પક્ષો માટે મુસલમાનોને કોમવાદી ગણાવવા માટે AIMIM એક આસાન મહોરુ મળી ગયું છે. આ ઉપરાંત ધર્મનિરપેક્ષ વિચારધારામાં વિશ્વાસ રાખનાર લોકો AIMIM ના ઉદયને દેશ માટે સારુ ચિહન નથી ગણી રહ્યા. AIMIM વિશે શું અભિગમ અપનાવવો તેના વિશે અવઢવ ત્યારે વધી ગયા જ્યારે તે સમાચાર મળ્યા કે મહારાષ્ટ્રમાં દેવેન્દ્ર ફડનવીસના નેતૃત્વમાં ભાજપ જ્યારે વિશ્વાસ મત મેળવવાની કસોટીમાંથી પસાર થઈ રહી હતી ત્યારે AIMIMના બંને ધારાસભ્યો ગેરહાજર રહ્યા અને પરોક્ષ રીતે ભાજપને સહકાર આપી દીધો. (આ સમાચાર ઇન્ટરનેટના સૂત્રોને આધારિત છે અને કંઇ ચૂક હોય તો અમારી સમક્ષ સત્ય સામે લાવવા વિનંતી.)

આમ અમૂક વર્તુળોેમાં જે ચર્ચા ચાલી રહી હતી કે AIMIM અને ભાજપ વચ્ચે એક એવી સમજૂતી થઈ ગઈ હતી અન ેતે પ્રમાણે AIMIM મહારાષ્ટ્રમાં મુસલમાનોના પ્રભાવશાળી બેઠકો પર આવીને ચૂંટણીઓ લડે જેથી કરીને ધર્મનિરપેક્ષ તાકતો વહેંચાઈ જાય. કેટલાક લોકો તેવુ પણ માને છે કે આ AIMIM આ પ્રકારે ભાજપની પરોક્ષ મદદ અમૂક દબાણવશ થઈને કરી રહ્યું છે. શક્ય છે કે AIMIM પરના આક્ષેપોમાં બહુ તથ્ય ન હોય પણ તેઓની કારકિર્દીની સમીક્ષા અને દેશ માટે તથા વિશેષ મુસલમાનો માટે તેઓ કેટલા ઉપયોગી નિવડશે તેનો ચિતાર કાઢવો જરૂરી છે.

AIMIM ૧૯૬૦થી આંધપ્રદેશની વિધાનસભામાં હાજર છે અને લોકસભામાં પણ ૧૯૮૪થી એકધારા મોજૂદ છે. ભલે સમગ્ર આંધપ્રદેશ (અને હવે તેલંગાના અને આંધ્રપ્રદેશ)માં તેઓની નોંધપાત્ર હાજરી ન હોય પરંતુ જૂના હૈદરાબાદના વિસ્તારોમાં તેમની પકડ મજબૂત રહી છે. હૈદરાબાદ માટે શિક્ષણ માટે, બેરોજગારી ડામવા માટે અને મુસલમાનોના અન્ય ક્ષેત્રના વિકાસ માટે તેમની કોઈ નોંધપાત્ર ભૂમિકા રહી નથી. તેઓ પોતાની કાર્યશૈલીમાં એટલા સામાન્ય છે કે ચૂંટણી સમયે તેઓ કોઈ મેનીફેન્સટો અને ઘોષણાપત્ર કાઢવાને પણ ઉચિત ગણતા નથી. તેમના પાસે સમૂદાય વિકાસ માટેની કોઈ ચોક્કસ રૃપરેખા નથી. પોતાના સમુદાયમાં શિક્ષણ જેવી પાયાની સવલત માટે તેઓ કોઈ નક્કર આપી શકયા નથી. આમ મુસલમાનો માટે પોતાની સમસ્યાઓ લઈ તેમના સુધી જવાનો કોઈ સિલસિલો જોવા મળતો નથી. અત્યાર સુધી તો AIMIMને આંધપ્રદેશની રાજ્ય કક્ષાની પાર્ટી તરીકે ઓળખ ન હતી કારણ કે તેઓનું કાર્યક્ષેત્ર જૂના હૈદરાબાદ સુધી સીમિત હતું અને તેમના પાસે રાજ્ય વિકાસ માટે કોઈ દીર્ધદૃષ્ટિ પણ મોજૂદ નથી. ટીવી અને ઇન્ટરનેટ માધ્યમોથી ઔવૈસી ભાઈઓની વાકછટાની નોંધ જ્યારે દેશભરમાં થવા લાગી ત્યારે તેમને વિવિધ જગ્યાઓથી આમંત્રણ પણ મળવા લાગ્યું. ભાજપની આક્રમકતા અને બીજા સેક્યુલર પક્ષોની નિષ્ક્રીયતાઓ તેમના માટે તેમનો વ્યાપ વધારવાનો રસ્તો આસાન બની ગયો.

AIMIM જો એક જવાબદાર રાજકીય પક્ષ તરીકે પોતાને સ્થાપિત કરવા માંગતો હોય તો તેની રાજનીતિ પર ફેરવિચારણા કરવી પડશે. તેણે સમજવું પડશે કે ભારત જેવા વૈવિધ્યપૂર્ણ રાષ્ટ્રમાં એક ચોક્કસ સમૂદાય માટેની રાજનીતિ વધુ દૂર પણ જઈ ન શકે અને અસરકારક પણ સાબિત ન થઈ શકે. સિંહગર્જના કરવાથી કે લલકાર કરવાથીપીડિતોને ક્ષણિક રાહત તો આપી શકાય પરંતુ તેમના માટે ગૌરવપૂર્ણ જીવન આપવા માટે ઘણું કરવાની જરૃર પડે છે.

ભારતની વર્તમાન રાજનીતિ પર ફાસીવાદનો કલંક લાગી ગયો છે ભારતની આ પરિસ્થિતિ થોડા અંતરમાં નહીં પરંતુ ચોક્કસ તાકતોની દાયકાઓની મહેનત પછી ઉદ્ભવી છે. પરંતુ ભારતીયોના હૃદય અને માનસ હજૂ પણ એકંદરે સહિષ્ણુતાને નકારનારુ નથી બન્યા. જો ફાસીવાદનો જવાબ તેની જ ભાષામાં આપવામાં આવશે તો સહજ અને શાણાં લોકોના મનમાં જે લાગણીઓ છે તે પણ ખોવાનો વારો આવશે.

AIMIM મુસ્લિમ રાજનીતિના કરવાને બદલે ઇસ્લામી શિક્ષણોના આધારે રાજનીતિ કરશે તો ફકત મુસલમાનો માટે જ નહીં પરંતુ સમગ્ર રાષ્ટ્ર માટે હિતકારક સાબિત થશે. આ ઇસ્લામી શિક્ષણ તો છે જે દરેક અન્યાય વિરૂદ્ધ લડવાની પ્રેરણા આપે છે, પછી ભલેને અન્યાય કરનારો તમારો ભાઈ જ કેમ ન હોય. ઇસ્લામી મૂલ્યોના આધારે જ ફાસીવાદનું ઝેર ઓગાળી શકાય તેમ છે.

AIMIM પાસે સમૂદાયની, સમાજની અને રાષ્ટ્રની નવરચના હેતુસર ઠોસ મુસદ્દો હોવો જરૂરી છે. આ કામ માટે પોતાના પક્ષમાં એક તરફ તો ચિંતકો અને વિચારકો સમાવવા પડશે અને બીજી તરફ લોકો સમક્ષ તેનો સંદેશ પહોંચાડી શકે તેવા ઉત્સાહી લોકોને ભેગા કરવા પડશે. પક્ષની પાંખ ફેલાવવા માટે તેણે નેતૃત્વને પરિવારવાદના સંકુચિત ખાનામાંથી બહાર કાઢી લાયકાત અને નેકનિયતીના દાયરામાં લાવવું પડશે.

AIMIMને પોતાના માર્ગમાં પ્રલોભનો પણ મળશે અને દબાણો પણ આવશે. પોતાના રાજકિય સ્વાર્થ માટે મોટા પક્ષો જ્યારે તેને લોભ લાલચ આપે અથવા દબાણ કરશે ત્યારે તેના ચરિત્રની ખરી પરીક્ષા થશે. જે રીતે AIMIMને દેશભરના વંચિતોનું પ્રતિનિધ્તવ કરવા ઇચ્છે તે માટે તેમણે તેમની મહત્વકાંક્ષાઓને સમજવી પડશે. આ મહત્વકાંક્ષાઓને સમજયા વગર તે પોતાની રાજનીતિ જારી રાખશો તો સંજોગોમાં કોઈ બદલાવ નહીં આવે.

આપણે તો તે જ આશા રાખીએ કે જે રીતે ચારે તરફથી AIMIMમાં લોકોનું આશાનું કિરણ દેખાયું છે તે તેનું સન્માન કરે અને પોતાની કારકિર્દીને નવી રૃપરેખા આપે. નહીંતર આ પહેલા ડઝનો પક્ષ અને સેંકડો નેતાઓએ મુસલમાનો, લઘુમતિઓ અને વંચિતો માટે ઘણા દાવા કર્યા છે અને નિષ્ફળ પણ સાબિત થયા છે. AIMIM પક્ષે ધ્યાન રાખવું પડશે કે તેનો ગણતરી ક્યાંક આ યાદીમાં ન થઈ જાય.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments