જોત જોતામાં અચ્છે દિનના લોલી પોપ સાથે વર્તમાન કેન્દ્ર સરકારે એક વર્ષ પૂર્ણ કર્યું. માફ કરજો જોત જોતામાં નહીં પરંતુ ભારે જોતા, કેટલાક પર આઘાત તો કેટલાક પર કુઠરાઘાત, કેટલાકનો હક છીનવાઈ જવા સાથે તો કેટલાકને નાહકનું મળવાની સાથે, કેટલાકને આઘાત તો કેટલાકનો આપઘાત, કેટલાકને ન્યાય તો ઘણાને અન્યાય, કેટલાકને મુર્ખ બનાવીને તો, કેટલાકને મહામૂર્ખ બનાવી, કેટલાકને લોલીપોપ તો કેટલાકને પૈસાની નોટ સાથે અચ્છેદિન રૃપી નશાની ગોળી ગળાવી બુરેદિન રૃપી ચાદર ઓઢાડી ભારતની શાણી અને સમજદાર જનતાને ઘોર નિદ્રાંમાં પોઢાવી સરકારના વડા વિદેશની સહેલાણીએ ઉપડી જઈ પોતાના નાયબોને બેલગામ, બેફામ બફાટની આઝાદી સાથે ભારત જેવા વિશાળ દેશને ઊંડી ગર્તામાં ઉતારવામાં આવી રહ્યો છે.
હમણાંથી બરાબર એક વર્ષ અગાઉ હાલની સરકારના શાસકો દ્વારા ચુંટણી ટાણે ઉભી કરવામાં આવેલી અવાસ્તવિક અપેક્ષાઓ અને આસમાની વાયદાઓનો આજે અંશ માત્ર પણ પુરો થઈ શક્યો નથી. ચૂંટણીઓ વેળાએ વચનોની લ્હાણી તો હર કોઈ પક્ષ કે વ્યક્તિ કરતો હોય છે પરંતુ અહિં તો અચ્છે દિનની નશારૃપી ગોળી ગળાવી રીતસર હથેળીમાં ચાંદ જ બતાવવામાં આવ્યો હતો જેમાં વચન આપનારા કે સપના દેખાડનારાનો તો વાંક છે જ પરંતુ જે વસ્તુ અશક્ય છે કોઈ કાળે સંભવ નથી તેવા સપનોથી ભોળવાઈ જઈ નશાની ગોળી ગળી જનારાનો પણ વાંક ઓછો નથી. જ્યાં પાણી બતાવવાની અપેક્ષાઓ જગાડવામાં આવી હોય અને ત્યાં કાદવ પણ ન નિકળે તો ભોળવાયેલી સામાન્ય જનતા વ્યાકૂળતા સાથે પોતાની લાગણી દુભાયાની અને પોતાની ‘છેતરપીંડી’ થયાનો એહસાસ અવશ્ય કરે છે.
પહેલા વર્ષના અંતે ઉડીને આંખે વળગે તેવા ઘટનાક્રમોમાં સર્વપ્રથમ કોલેજીયમ સિસ્ટમને નાબૂદ કરવાનો મામલો, એ ભારતની આઝાદીથી ચાલી આવતી સ્વતંત્ર અને પવિત્ર ન્યાય પ્રણાલી પર હથોડો ઝીંકી. તેની પર ગંભીર કૂઠરાઘાત કરવામાં આવ્યો છે. વહીવટી બાબતોમાં ઘુસાડાયેલા રાજકીય હસ્તક્ષેપની જેમ આ પવિત્ર ન્યાય પ્રણાલીમાં પણ રાજકીય હસ્તક્ષેપ ઘુસાડી તેને પણ બોદી અને ખોખલી કરવાનો નિમ્ન પ્રયાસ માત્ર છે. તે જ પ્રમાણે ભૂમિ અધિગ્રહણ બિલમાં ગળે ન ઉતરે. એવા ફેરફારો કરીને તેની બાહ્ય બાજુનો ચળકાટ વધારી અંદરથી તેને ખોખલો કરી સામાન્ય જનતાના પગ પર કુહાડી મારી ગરીબને પાયમાલ અને ખેડૂતને ખેતમજૂર બનાવી પોતાના માનીતા એવા ભૂમાફિયા અને મોટા ઔદ્યોગિક ગૃહોને જમીન હડપ કરવાનો માર્ગ મોકળો બનાવી ગરીબ અને ખેડૂતને ‘Mad of India’ અને ઓદ્યોગિક ગૃહોને ‘Make in India’ બનાવવા તરફ દોરી જાય છે. તાજેતરમાં મળતા સમાચાર મુજબ હવે આરએસએસ એ પણ વિવાદાસ્પદ જમીન અધિગ્રહણ બિલનું સમર્થન કરવાનો નિર્ણય જાહેર કરી દિધો છે. જે કેન્દ્ર સરકાર માટે રાહતના સમાચાર છે. અત્રે એ ઉલ્લેખનીય છે કે આ જમીન અધિગ્રહણ કાયદા પાછળ અંદરખાને આરએસએસ નો જ શરૃઆતથી હાથ રહેલો છે જે હમણાં જ ‘ડર્ટીનાઉ’ ચેનલ દ્વારા જાહેર થયા મુજબ હવે આરએસએસ એ જગજાહેર આનો પક્ષ લીધો છે.
સંરક્ષણ ક્ષેત્રે ખરીદીનો મામલો હોય કે નિયુક્તિ બાબત કે પછી બજેટ ફાળવણી તેમજ શિક્ષણ અને આરોગ્ય ક્ષેત્રે ફોટાવાળી મોટી મોટી જાહેરાતો સાથેનું પેપર વર્ક હોય ભલે તેની છેવાડાના માનવી સુધીની અમલાવરીની હકીકત તદ્દન ભિન્ન હોય, આ જ પ્રમાણે કોર્પોરેટ ક્ષેત્રના માંઘાતાઓ તેમજ આંતરરાષ્ટ્રીય અર્થશાસ્ત્રીઓ જેવી રીતે ચૂંટણી ટાણે જે હદે ઓવારી ગયા હતા તેનો એક વર્ષ પછી વાસ્તવિકતા અને આશિર્વાદ કેટલો છે તે જાણીને તેમની પણ હવા નિકળી ગઈ હોય તેમ આ સંદર્ભે કશું જ બોલવા તૈયાર નથી. ચૂંટણી પહેલા સુધારા સંદર્ભે જે વાતો કરવામાં આવી હતી. તેની તરફ આજે કોઈ નક્કર ગતિ પણ દર્શાવી શકાઇ નથી. જે સ્પષ્ટરૃપે પ્રતિત થાય છે, હવે તો આ કોર્પોરેટ જગત પાસે રાહ જોવા સિવાય કે આશા રાખ્યા વિના કોઈ વિકલ્પ પણ રહેવા પામ્યા નથી. પેટ્રોલ-ડીઝલના ભાવ અદ્યોગતિ તરફ પ્રયાણ કરતા કરતા અચાનક તેની ઐતિહાસિક સપાટી કુદાવી સમાચારના મથાળા બનવા લાગ્યા છે. અહીં સામાન્યજને ભૂતકાળના અને વર્તમાનના વૈશ્વિક ફ્રુડઓઇલના ભાવ જાણવાની તસ્દી લેવી જોઈએ કે ભૂતકાળમાં વૈશ્વિક ફ્રુડ ઓઇલના ભાવની તુલનાએ આજે ત્યાં શું ભાવ છે. અને અહીં આપણને પેટ્રોલ ડીઝલ કેવા કેવા વેરાઓથી સશોભિત કરીને વેચવામાં આવે છે.
આખા વર્ષ દરમિયાન ચાલું રહેલા મંત્રીશ્રીઓના વિવાદાસ્પદ અને ઢંગઘડા વગરના જવાબદારીઓના અહેસાસ વિહોણા નિવેદનો, ઘરવાપસીની અનોખી અને અજૂગતિ વિધી, વિવિધ પંચોમાં ધરખમ ફેરફાર કરી જુની બોટલમાં નવો દારૃ ભરવા સહિતની ચેષ્ટા કરવાની સાથેસાથે વહિવટી માળખામાં ન માત્ર રાજકીય હસ્તક્ષેપ પરંતુ રાજકીય અંકુશ, વર્ષોથી જેલના સળીયા પાછળ બંધ પોતાના માનીતા અધિકારીઓનો છૂટકારો કરાવી ઉપરના હોદ્દા પર પ્રમોશન આપી તાજપોશી સાથેની નવાજીશ. સાથો સાથો છેલ્લા પંદર વર્ષથી થઈ રહેલો આંકડાની માયાજાળ અને ઇમારતો શ્રૃંગારરૃપી વિકાસ જેનાથી આજનો સામાન્ય જનને કોઈ નિસ્બત નથી રહેતી તેની પાયાની જરૂરીયાત સંતોષવી અને પોતાના હકનું મળે નહીં તો વાંધો નહીં પરંતુ તેનું હોય તે પણ બીજાની થાળીમાં પીરસાઈ જવું તે અતિશય દુઃખ દાયક અને પીડાજનક પૂરવાર થતું હોય છે.
કેન્દ્ર સરકારના એક વર્ષની પૂર્ણહુતી ટાણે સૌથી ચર્ચાસ્પદ મુદ્દો આપણા વડાપ્રધાનની વિદેશયાત્રા રહેવા પામી છે. વિદેશોમાં ભારતીય સમુદાય સમક્ષ વિજેતા તરીકેના અભિવાદનો ઝીલવાથી માંડીને અગાઉની સરકારોને ભાંડવા સહિત પોતાની આગવી અને નાટકબાજ સ્ટાઈલ તેમજ ગ્લેમર પ્રેમ ઊડીને આંખે વળગતો રહ્યો છે. જે સામાન્ય જનતાને આંજી નાખવા પૂરતો છે. આ બધું જ અમુક હદે જરૂરી હોવા છતાં નક્કર રાજદ્વારી ઉપલબ્ધિઓ સાથે તેને કોઈ લેવા દેવાનો સંબંધ હોવો જરૂરી નથી.
સાચા અર્થમાં ચુંટણીટાણે આપેલ એક વચન કે, સમગ્ર દેશને ‘ગુજરાત મોડલ’ બનાવવામાં આવશે જેને પરિપૂર્ણ કરવાનો પૂરતો પ્રયાસ કરવામાં આવ્યો છે. ગુજરાતને જેવી રીતે અન્ય મંત્રીઓ, હોદ્દોદારો કે વહીવટી અધિકારીઓને હાંસીયામાં ધકેલી ‘વન મેન શો’ સ્ટાઈલથી કરેલુ શાસન અચૂક પણે સમગ્ર ભારત પર થોપીને ત્યાં પણ ‘વન મેન આર્મી’ની રૃએ પ્રશાસનના કાટલાં ગોઠવવામાં આવી રહ્યા છે. સીએમ પદે રહી કેન્દ્ર સરકાર સામે નિતનવી અને વજૂદ વગરની ટીપ્પણીઓ અને પાયાવિહોણા આક્ષેપોમાં રત રહેતા અને સામાન્ય જનમાનસને આંજી દેતા તાલીઓનો ગડગડાટ ઉભો કરાવી દેતા, મીડિયાની મથાળાઓમાં હરહંમેશ ચમકતા રહેતા, પોતાની આગવી છટાથી ‘ભાઈઓ-બહેનો’ અને ‘મિત્રો’ને હલાવી દેતા, એવા આપણા ‘ઐતિહાસિક’ વડાપ્રધાન હવે ખરેખર ‘મૌન’ થઈ ગયા છે જે બાબત વર્તમાન કેન્દ્ર સરકારનું સરવૈયુ કાઢતા નોંધવી ઘટે.
mfarukahemad@gmail.com