Friday, December 13, 2024
Homeપયગામકોમી સંવાદિતામાં ધર્મની ભૂમિકા

કોમી સંવાદિતામાં ધર્મની ભૂમિકા

નીચે અમે અમીર, જમાઅતે ઇસ્લામી હિન્દ – ગુજરાત જનાબ શકીલઅહમદ રાજપૂતનું એ વ્યાખ્યાન, જે તેમણે ઔ”પીસ ફોરમ ફોર કોમ્યુનલ હારમની, વડોદરા” દ્વારા એમ્ફી થીએટર, વડોદરામાં તારીખ ૧૩ ફેબ્રુઆરી, ૨૦૧૬, શનિવારે “કોમી સંવાદિતામાં ધર્મની ભુમિકા”ના વિષય ઉપર યોજાયેલ સંમેલનના સંદર્ભે આપેલ. અત્રે વાંચકોના રસ હેતુ પ્રસ્તુત છે.

આજે દેશમાં કોમી સંવાદિતાને ફેલાવવાની ખૂબ જરૃર લાગે છે, જ્યારે આપણા દેશની વિશેષતા ‘વિવિધતામાં એકતા’થી છે. પોતાના સુંદર અને તેજસ્વી ભૂતકાળને ફરીથી જીવંત કરવાની જરૃર છે. ક્યારેક એવું લાગે છે કે આપણા દેશને કોઈ શત્રુની નજર લાગી ગઈ છે. આ વિષય ઉપર આવા કાર્યક્રમ કરવા વાસ્તવમાં પ્રશંસાને પાત્ર છે. આવા પ્રોગ્રામો વારંવાર અને દેશના ખૂણા ખૂણામાં થવા જોઈએ. આ પ્રોગ્રામના આયોજકોને હું મુબારકબાદ આપું છું અને અલ્લાહથી પ્રાર્થના કરૃં છું કે અમોને એટલી શક્તિ આપે કે સાથે મળીને આ કામને આગળ વધારી શકીએંે. શેતાનને સુમેળવાળા કામ બહુ નાપસંદ છે અને તે સારા કામો કરવાવાળા લોકોમાં ફાટફૂટ નાંખે છે. આ કાર્યક્રમ નફરત, ઈર્ષા, દ્વેષ, નિશ્ચેતના, અસહિષ્ણુતા, લડાઈ અને શત્રુતાને ખત્મ કરવાની શરૃઆત બને અંત નહીં.

આ વિષય પર વાત કરતા પહેલા આ વાત પણ આપણે સમજી લેવી જોઈએ કે ભારતના મુસલમાનો by chance Indian નહીં બલ્કે by choice Indian છે. ભારત કોઈ ખાસ વર્ણ કે ધર્મનો દેશ નથી, આ ૧૩૦ કરોડ લોકોનો દેશ છે. ૧૮૫૭થી લઈને ૧૯૪૭ સુધી જે રીતે આપણે સૌએ સાથે મળીને સ્વતંત્રતા સંગ્રામમાં ભાગ લીધો તે જ રીતે આપણે બધાને સાથે મળીને તેના વિકાસ, પ્રગતિઅને સમૃદ્ધિ માટે પ્રયત્નો કરવો પડશે. આપણા દેશને સ્વતંત્ર થયા ૭૦ વર્ષો થવા જઈ રહ્યા છે પણ આપણે શા માટે સંવાદિતાનું વાતાવરણ ઊભું કરવામાં સફળ થયા નથી. આ આપણા બધાને માટે વિચારવાનો વિષય છે. હું માનું છું કે આનું એક કારણ તો એક બીજાના ધર્મ-જ્ઞાાનનો અભાવ અને તેમના વચ્ચેની ગેરસમજો અને ભ્રમણાઓ છે, જેને દૂર કર્યા વગર કદાચ કોમી સંવાદિતાનું સ્વપ્ન પુરૃં નથી થઈ શકતું.

જેમ કે એક Miss Conception આ છે કે ઇસ્લામ તલવારના જોરથી ફેલાયો છે. જ્યારે કે ઇસ્લામનું શિક્ષણ તો આ છે કે, “દીન (ધર્મ)ના મામલામાં કોઈ બળજબરી નથી” (સૂરઃ બકરહ-૨૫૬). ગાંધીજીએ પોતે આ વાત સ્વીકારી છે કે ઇસ્લામ ચારિત્ર્યના બળથી ફેલાયો છે. સત્યને ક્યારેય થોપવામાં નથી આવતું તે તો પ્રાકૃતિક રીતે ફેલાય છે.

જિહાદ ઉપર પ્રશ્ન ઉઠાવવામાં આવે છે અને તેનો અર્થ પ્રસ્તુત કરવામાં આવે છે. જ્યારે કે તેનો અર્થ ધ્યેયની પ્રાપ્તિ કરવા માટે અથાક પ્રયત્નો કરવાનો છે, અને ધાર્મિક વ્યાખ્યામાં સત્ય, ન્યાય અને શાંતિની સ્થાપના માટે સંઘર્ષ કરવાનું નામ જિહાદ છે.

યુદ્ધના મેદાનમાં પણ ઇસ્લામનું શિક્ષણ તો આ છે કે મહિલાઓ અને બાળકોને મારવામાં નહીં આવે, વૃદ્ધોની હેરાનગતિ નહીં કરવામાં આવે, જાહેર મિલકતને નુકશાન પહોંચાડવામાં નહીં આવે, ખેતરોને બાળવામાં નહીં આવે, નિઃશસ્ત્રો પર વાર નહીં કરવામાં આવે, કોઈ આશ્રય માંગે તો આશ્રય આપવામાં આવે, કોઈ સમાધાન ઇચ્છે તો ઝડપ કરવામાં આવે, કોઈ કરાર થઇ જાય તો ચુસ્તથી પાલન કરવામાં આવે. પયગંબર મુહમ્મદ સ.અ.વ.ને પોતાના જમાનામાં જે યુદ્ધ પણ કરવા પડયો તે પ્રેમના રંગથી રંગાયેલ હતા અને મનુષ્યોને જુલ્મ અને અન્યાયથી મુક્તિ અપાવવા માટે હતા. વિજેતા સૈન્ય કોઈ દેશમાં જાય છે તો કેવી અવ્યવસ્થા ફેલાવે છે એ સાબિત કરવાની જરૃર નથી. ઇરાક, અફઘાનિસ્તાન વિગેરે ઘણા દેશો આનું ઉદાહરણ છે. પરંતુ મુહમ્મદ સ.અ.વ.એ જ્યારે મક્કા ફતેહ કર્યું તો મક્કા પ્રવેશ વખતે તેમની સેનાની નજરો નીચી હતી, કોઈ હત્યા નહીં, કોઈ જુલ્મ નહીં, કોઈ બળાત્કાર નથી, કોઇ પણ વસ્તુ પર કબ્જો નહીં અને બધા માટે જાહેર માફી.

ભાઈઓ અને બહેનો, બધા ધર્મોમાં સારા ઉપદેશ છે આ વાત બિલકુલ સાચી છે અને આમાં જે સમાનતાઓ છે તેના પર સાથે મળી આગળ વધવું જોઈએ આ જ ઇસ્લામનું શિક્ષણ છે. ”હે ગ્રંથવાળાઓ ! આવો એક એવી વાત તરફ જે તમારા અને અમારા વચ્ચે સમાન છે.” (સૂરઃ આલે ઇમરાન-૬૪)

સમાન વસ્તુઓ જ માનવને માનવથી નજીક કરી શકે છે અને જોડવા માટે એક પ્લેટફોર્મ ઊભુ કરી શકે છે, પરંતુ જેે વૈવિધ્યતાઓ છે તેના ઉપર ચિંતન થવું જોઈએ. સમજવા અને સમજાવવા અને ચર્ચા-વિચારણા કરવાની પ્રક્રિયાને ખત્મ નહીં કરવી જોઈએ. મનુષ્યને આપણા પાલનહારે જે વિશેષતાઓ આપી છે તે આ જ જ્ઞાાન, બુદ્ધિ, વિચારવા અને આચરણ કરવાની શક્તિ છે. જો આ જ શક્તિ છીનવી લેવામાં આવે તો મનુષ્ય અને પશુમાં તફાવત જ શું બાકી રહેશે?

કોમી સંવાદિતા માટે આ જરૂરી છે કે ધર્મોને માન-મર્યાદા અને આદર આપવામાં આવે. પ્રેમથી સ્વસ્થ ચર્ચા-વિચારણા કરવામાં આવે. પયગમ્બર મુહમ્મદ સ.અ.વ.એ ફરમાવ્યું કે પોતાના ભાઈ માટે એ જ વસ્તુ પસંદ કરો જો તમે પોતાના માટે પસંદ કરો છો. બલ્કે આ વસ્તુને ઈમાન સાથે જોડી દીધું. આપ શાંતિ, સલામતિ, વિકાસ, ભૌતિક સમૃદ્ધિ, ઉન્નતી અને પ્રગતિ ઇચ્છો છો તો પોતાના ભાઈ માટે પણ આ જ વસ્તુઓ પસંદ કરો. સ્વામીજી હિંદુ ધર્મ પસંદ કરે છે તો તેના વિશે પોતાના ભાઈને પણ બતાવો, ફાધર ખ્રિસ્તી ધર્મ પસંદ કરે છે તો આપ પોતાના ભાઈને પણ સમજાવો, હું ઇસ્લામને પસંદ કરૃં છું તો ઇસ્લામને પણ પોતાના ભાઈ માટે પસંદ કરૃં. મન-મસ્તિષ્કની વિશાળતા કોમી સંવાદિતા માટે બહુ જ જરૂરી છે.

ઘણી વખતે એવું થાય છે કે સારા કામોને ફકત એ કારણસર સપોર્ટ કરવામાં નથી આવતો કે તે બીજા ધર્મ અથવા સંપ્રદાયના લોકો કરી રહ્યા છે. આનાથી અંતર પેદા થાય છે. કુઆર્ન કહે છે કે સારા કામોમાં એક બીજાની મદદ કરવામાં આવે અને બુરાઈના કામોમાં મદદ નહીં કરવામાં આવે. વ્યક્તિ આ સિદ્ધાંતને અપનાવી લે ત્યારે જ સમાજમાં ભલાઈઓની વસંત આવશે અને પ્રેમનું ફૂલ ખીલશે.

જો આપણે વાસ્તવમાં આપણા દેશમાં કોમી સંવાદિતા ઇચ્છતા હોઈએ તો આપણી શિક્ષણ વ્યવસ્થા ઉપર પણ વિચારવું પડશે. મુલ્યો આધારિત શિક્ષણ થકી જ સમાજમાં નૈતિક પરિવર્તન આવી શકે છે. આજે દુનિયામાં સારૃં કે ખરાબ જે પણ દેખાય છે તે બધું મનુષ્યો દ્વારા જ કરાયેલું છે. એક બાજુ આપણે ચંદ્ર અને મંગળ ઉપર જવાની તૈયારીઓ કરી રહ્યા છીએ અને બીજી તરફ આપણા ચારિત્ર્ય પાતાળમાં જઇ રહ્યા છે. ચરિત્રનું અદ્યઃપતન થશે તો કોણ કોનો આદર કરશે અને કોણ કોનું સન્માન કરશે? દ્વેષપૂર્ણ વાણી ઉપર પાબંદી કોણ લગાવશે અને સહિષ્ણુતાનો વિકાસ કોણ કરશે? મતભેદની સાથે મળીને પ્રેમપૂર્વક સાથે રહેવું કેવી રીતે તે કોણ શીખવશે? કોણ ભુખ્યા રહીને બીજાને ખવડાવશે અને કોણ પોતાના ભાઈને પોતાની ઉપર પ્રાધાન્યતા આપશે. મને પયગંબર મુહમ્મદ સ.અ.વ.નું કથન યાદ આવે છે, આપ સ.અ.વ.એ ફરમાવ્યું,

“તમારામાં સૌથી સારો માણસ એ છે જેનું ચરિત્ર સારૃં હોય.”

“કોઈ વ્યક્તિ મુસ્લિમ નથી થઈ શકતી જેની જીભ અને હાથથી તેનો ભાઈ સુરક્ષિત ન હોય.”

“પૂછવામાં આવ્યું શ્રેષ્ઠ ઇસ્લામ શું છે? આપ સ.અ.વ.એ ફરમાવ્યું, ભુખ્યાને ખવડાવવું.”

ઇસ્લામ તો મૃતકને પણ બાળવાની પરવાનગી નથી આપતો તો પછી જીવિતને કેવી રીતે બાળી શકેે?, કોઈ નિર્દોષની હત્યા કરવી, કોઈ નગરને આગ લગાડવી, ક્યાંક આતંક ફેલાવવું આ ક્યારેય ધર્મનું શિક્ષણ નથી હોઈ શકતું. ઇસ્લામ તો આને ઘોર અપરાધ માને છે બલ્કે એક વ્યક્તિની હત્યાને સમગ્ર માનવજાતની હત્યા ગણે છે. કુઆર્ન કહે છે, ‘જેણે કોઈ વ્યક્તિના ખૂનના બદલે કે ધરતી પર બગાડ ફેલાવવા સિવાય કોઈ અન્ય કારણસર હત્યા કરી, તેણે જાણે કે સમગ્ર માનવ-જાતની હત્યા કરી અને જેણે કોઈને જીવન પ્રદાન કર્યું, તેણે જાણે કે સમગ્ર માનવ-જાતને જીવન પ્રદાન કર્યું.” (સૂરઃ માઇદહ-૩૨)

આધુનિકતા વ્યક્તિમાં સ્વાર્થ અને સ્વછંદતા પેદા કરે છે. દરેક વ્યક્તિ પોતાના માટે સિદ્ધાંતો નક્કી નથી કરી શકતી. માનવજીવન જોકે ઘણું જ ગૂંચવણભર્યું છે. તેના માટે એવા સિદ્ધાંતો કોણ આપી શકે જે તમામ માનવો માટે સમાન હોય. જે કોઈ પણ ભાષા, જ્ઞાાતિ, કોમ, ભૌગોલીક સીમાઓ, ઊંચ-નીચ, અને અસ્પૃશ્યતા બહાર હોય. એવા માર્ગદર્શન તો આપણો સર્જનહાર જ આપી શકે છે, જેણે આપણે અલ્લાહ પ્રભુ અને ઇશ્વરના નામોથી જાણીએ છીએ. આધુનિકતા નિષ્ફળ થઇ ગઈ છે હવે ખુદાની તરફ પટલવાની સદી છે. કેટલા બધા ધર્મો, વિચારો, વ્યવસ્થાઓ છે કોણ ખુદા સુધી પહોંચવાનો આસાન અને સારો માર્ગ બતાવે છે. આના પર વિચાર કરવાની આઝાદી હોવી જોઈએ. આસ્તિક અને નાસ્તિક વચ્ચે મતભેદ હોય તો સમજાય છે પરંતુ મને એ નથી સમજાતુ કે ધાર્મિક લોકોની વચ્ચે અંતર અને દ્વેષ ભાવના કેમ છે? જ્યારે કે બંને ઇશ્વર પર શ્રદ્ધા રાખે છે. ધર્મ એક નાજુક અને સંવેદનશીલ વાત છે. આ માટે કુઆર્ને પણ એવું શિક્ષણ આપ્યું છે, “અને (હે મુસલમાનો !) આ લોકો અલ્લાહ સિવાય જેમને પોકારે છે, તેમને અપશબ્દો ન કહો.” (સૂરઃ અન્આમ-૧૦૮)

કોમી સંવાદિતા ત્યારે ખત્મ થાય છે જ્યારે હુલ્લડમાં કોઈ હિન્દુ આ પૂછે કે કેટલા હિન્દુઓ મર્યા અને કોઈ મુસલમાન આ પુછે કે કેટલા મુસલમાનો મર્યા. જે સ્વર્ગ-નર્કની આપણી ઇચ્છા છે અને તેને પામવા માટે જરૂરી છે કે આપણે આપણા દેશને સ્વર્ગ સમાન બનાવવાની કોશિશ કરીએ, સત્ય અને પ્રેમનું વાતાવરણ હોય, હિંસા અને હત્યા ન હોય, લૂંટફાટ અને રમખાણો ન થાય, અપમાન સહન કરવું ન પડે. દેશમાં કોમી સૌહાર્દની જ જરૃર નહીં બલ્કે સાંપ્રદાયિક સંવાદિતાની પણ જરૃર છે. ઊંચનીચ અને ભેદભાવ ખત્મ થવો જોઈએ. બધા મનુષ્યો બરાબર છે. કુઆર્નમાં અલ્લાહ ફરમાવે છે, “લોકા! અમે તમને એક પુરુષ અને એક સ્ત્રીમાંથી પેદા કર્યા અને પછી તમારી કોમો (જાતિઓ) અને કબીલા (બિરાદરીઓ) બનાવી દીધા જેથી તમે એકબીજાને ઓળખો. હકીકતમાં અલ્લાહના નજીક તમારામાં સૌથી વધુ પ્રતિષ્ઠિત તે છે જે તમારામાં સૌથી વધુ પરહેઝગાર (અલ્લાહથી ડરનાર, સંયમી) છે. નિશ્ચિતપણે અલ્લાહ સર્વજ્ઞા અને સુમાહિતગાર છે. ” (સૂરઃ હુજુરાત-૧૩)

પયગંબર હઝરત મુહમ્મદ સ.અ.વ.એ ફરમાવ્યું, હેે લોકો! તમે બધા આદમની સંતાન છો અને આદમ માટીથી પેદા થયા, કોઈ કાળાને કોઈ ગોરા ઉપર કોઈ ગોરાને કોઈ કાળા ઉપર, કોઈ અરબીને કોઈ બિનરઅરબી ઉપર અને કોઈ બિનઅરબીને કોઈ અરબી ઉપર શ્રેષ્ઠતા પ્રાપ્ત નથી, શ્રેષ્ઠતા ફકત તકવા (ઇશપ્રેમ, સંયમ)ની બુનિયાદો પર છે. જીવિત લોકો તો ઠીક ઇસ્લામ તો મૃતકનું પણ ધ્યાન રાખે છે. એક વખત કોઈ વ્યક્તિનો જનાઝો આપ સ.અ.વ.ની સામેથી પસાર થયો, તો આપ સ.અ.વ. ઉભા થઈ ગયા. કોઈએ કહ્યું કે હુઝુર એ તો યહૂદી છે. આપ સ.અ.વ.એ ફરમાવ્યું, શું તે મનુષ્ય નથી?

આપણી સંવેદના એટલી ખતમ થઈ ગઈ છે તેનોે અનુભવ કરી શકાય છે. કહેવામાં આવે છે કે સ્ત્રી બજારમાં સુરક્ષિત નથી, કેમ્પસમાં સુરક્ષિત નથી, ઓફિસમાં સુરક્ષિત નથી, અરે, હું કહું છું કે આજે સ્ત્રી માના ગર્ભમાં પણ સુરક્ષિત નથી જેણે મમતાની મૂર્તિ કહેવામાં આવે છે. ઇસ્લામે ભ્રુણહત્યાને ઘોર અપરાધ ગણ્યો છે. કાલે કયામતના દવિસે તેણીથી પુછવામાં આવશે કે તે કયા આરોપમાં મારવામાં આવી? મુહમ્મદ સ.અ.વ.એ એવું શિક્ષણ આપ્યું છે કે જો વ્યક્તિ પોતાની ત્રણ, બે અથવા એક બેટીનું પાલનપોષણ કરશેે, તેણીને સારું શિક્ષણ આપશે, સારી જગ્યા તેણીનું લગ્ન કરશે તો તે મારી સાથે સ્વર્ગમાં રહેશે.

મીડિયાના પક્ષપાતી વલણના કારણે પણ કોમી સંવાદિતાને નુકશાન પહોંચે છે. વગર ઇન્ક્વાયરીએ કોઈ પણ વ્યક્તિને અપરાધી ઠરાવી દેવાથી સમાજની બદનામી પણ છે અને બે સમાજની વચ્ચે અંતર પણ વધે છે. ઇસ્લામ કહે છે, “હે લોકો, જેઓ ઈમાન લાવ્યા છો ! જો કોઈ અવજ્ઞાાકારી તમારા પાસે કોઈ સમાચાર લઈને આવે તો તપાસ કરી લેવાનું રાખો, ક્યાંક એવું ન બને કે તમે કોઈ જૂથને અજાણતામાં હાનિ પહોંચાડી બેસો અને પાછળથી પોતાના કૃત્ય પર પસ્તાવો કરોે.” (સૂરઃ હુજુરાત-૬) બીજી વાત આ કે જે પણ દેખાય છે એને એમ જ નહીં માની લો બલ્કે તેની ઊંડાઈમાં જાવ. કૂતરો પણ કંઇ પથ્થર જોઈને નથી ભસતો બલ્કે તે પથ્થર મારવાવાળા પર ભસે છે. કંઇ વ્યક્તિ જો કોઈ ષડયંત્રનો શિકાર થઇ રહી છે તે બેશક બુરી છે પરંતુ તેના પાયામાં કોઈ બીજો છે જેની શોધ થવી જોઈએ. વિસ્ફોટોના અનેક કેસોમાં જે લોકો આરોપી હતા તે બધા સન્માનભેર છૂટી ગયા. પણ પ્રશ્ન એ છે કે ખરો આરોપી કોણ છે તેની પકડ પણ થવી જોઈએ.

મિત્રો, જોવામાં આવ્યું છે કે આપણે વિદેશમાં અજ્ઞાાત લોકોની વચ્ચે હોઈએ અને ત્યાં અચાનક કોઈ એવી વ્યક્તિથી મુલાકાત થઈ જાય જે આપણા દેશના હોય તો કેટલી ખુશી થશે અને જો આપણા રાજ્યના હોય તો પ્રેમની ધારા ફૂટી નીકળશે અને આપણા શહેરનો નીકળે તો પછી એવી મિત્રતા થઇ જાય છે જે ક્યારેય નથી તુટતી. મિત્રો આપણે બધા અહીંયા એક અજ્ઞાાત ગ્રહ પર આવીને સ્થાયી થયા છીએ. અમુક સમય અહીં રહેવાના છે અને પછી પરત ફરવાનું છે. આ વિદેશમાં જો કોઈ આવે છે ત્યાંથી જ આવે છે, તો પછી આપણે બધા મનુષ્યોથી પ્રેમ કેમ નથી કરતા. એક હદીષનો ભાવાર્થ છે, “સમસ્ત સર્જન અલ્લાહનું કુટુંબ છે જે તેમના પ્રત્યે દયા નથી દાખવતો તેમના ઉપર દયા કરવામાં નથી આવતી.”

વિશ્વમાં જેટલી પણ વસ્તુઓને લઈને હુલ્લડો થાય છે, તે પૈસા હોય, મિલ્કત હોય, પદ અથવા પોસ્ટ હોય, સત્તા હોય તે બધી વસ્તુઓ નાશવંત છે, બાકી રહેવાવાળી જાત ફકત અલ્લાહ-ઇશ્વરની જાત છે. તેનાથી જ આપણે પ્રેમ કરવો જોઈએ અને તેનાથી આપણે કેટલો પ્રેમ કરીએ છીએ તેનોે માપદંડ એ છે કે આપણે જોઈએ કે આપણે તેના બંદાઓથી કેટલા પ્રેમ કરીએ છીએ.

સજ્જન પુરુષોથી વાત કરીએ છીએ તો કહે છે કે બધા જ તોફાનો રાજનીતિના કારણે છે. એવા લોકો પણ છે જેઓ કહે છે કે તોફાનોનું મૂળ કારણ ધર્મ છે. આ સ્થિતિને સારી રીતે ન સમજવાનું પરિણામ છે. હું રાજનીતિના વિરોધમાં નથી, ન ઇસ્લામ તેનો વિરોધી છે. રાજનીતિ જ્યાં સુધી ધર્મના તાબે રહે છે ત્યાં સુધી કોઈ સમસ્યા નથી હોતી. જેમ ધર્મ માનવ મન-મસ્તિષ્કમાં શાંતિ પેદા કરે છે તેથી જ સમાજમાં પણ શાંતિ ઉત્પન્ન થાય છે, ભાઈચારો ફેલાય છે, અને દરેક પ્રકારની બુરાઈઓ અને ભ્રષ્ટાચાર સમાપ્ત થઇ જાય છે. પરંતુ જ્યારે રાજનીતિ ધર્મનો પ્રયોગ કરતી હોય છે તો હિંસા ભડકે છે, વિશ્વાસ સમાપ્ત થઇ જાય છે, નફરત અને દુશ્મની પેદા થાય છે, પરિણામ સ્વરૃપ સમાજમાં અશાંતિ અને અન્યાય પેદા થાય છે.

ઇસ્લામનું શિક્ષણ આ છે કે રાજા પ્રજાનો સેવક હોય છે. પયગમ્બર મુહમ્મદ સ.અ.વ.એ ફરમાવ્યું, તમારામાં દરેક વ્યક્તિ જવાબદાર છે. રાજાથી તેની પ્રજાના વિષેમાં પૂછવામાં આવશે અને પિતાથી તેના પરિવારના વિષે, અને પત્નીથી તેના પતિ અને સંતાનના વિષેમાં કે તેની સાથે કેવો વ્યવહાર કર્યો. આ જ ઉત્તરદાયિત્વની ભાવના હતી કે હઝરત ઉમર રદિ. રાત્રે વેશ બદલી ગલીએ-ગલીએ ફરતા હતા, તેઓ કહેતા હતા કે જો એક નદી કિનારે બકરીના બચ્ચા પણ તરસથી મરી જાય તો હું સમજીશ કે ઉમર તેનો જવાબદાર છે. આ અવસર પર મારી એક પ્રાર્થના છે કે આપણે ધર્મ પ્રિય બનીએ ન કે હઠધર્મી બનીએ.

ઇસ્લામે મર્યા પછી ઉત્તરદાયિત્વનું શિક્ષણ આપ્યું છે. કાલે કયામતના દિવસે દરેક મનુષ્યથી પાંચ સવાલ પૂછવામાં આવશે. જેનો ઉત્તર આપ્યા વગર તે હટી નહીં શકે. જીવન કેવી રીતે વિતાવ્યું? યુવાનીનો કીંમતી સમય કયા વ્યતીત કર્યો? સત્ય જ્ઞાાન કેટલું પ્રાપ્ત કર્યું અને કેટલું આચરણ કર્યું? ધન ક્યાંથી કમાવ્યું અને ક્યાં ખર્ચ કર્યું? ઉત્તરદાયિત્વની આ ભાવના મનુષ્યને બુરા કાર્યો કરવા, કોઈને કષ્ટ આપવા, કોઈનો અધિકાર છીનવી લેવા, કોઈના ઉપર અન્યાય કરવા, કોઈના ઉપર જુલ્મ કરવાથી રોકે છે અને માનવને કલ્યાણ અને ભલાઈના કાર્યોમાં વ્યસ્ત રાખે છે.

કાલે કયામતના દિવસે સોથી પહેલો પ્રશ્ન મનુષ્યથી કોઈની નાહક હત્યાના વિશે પૂછવામાં આવશે. એક વાર પયગમ્બર મુહમ્મદ સ.અ.વ.એ પુછયું, “મારી ઉમ્મતમાં સૌથી ગરીબ કોણ? કહેવામાં આવ્યું જેની પાસે ધન-દોલત નથી. આપે કહ્યું, નહીં. મારી ઉમ્મતમાં સૌથી નિરાધાર અને ગરીબ એ વ્યક્તિ છે જે કયામતને દિવસે અલ્લાહની સામે એ રીતે હાજર થાય કે તેણે કોઈને ગાળ આપી હશે, કોઈના ઉપર જુલમ કર્યો હશે, કોઈનો અધિકાર માર્યો હશે. અલ્લાહ તેની નેકીઓ (પુણ્ય) પીડીતને આપી દેશે. પછી પણ હિસાબ બાકી હશે તો તે નિરાધારોના ગુનાઓ એ વ્યક્તિના ખાતામાં નાંખી દેશે જેના કારણે તેની પાસે કંઇ પણ બાકી નહીં રહે.”

અન્યાયી પોતાની ચાલાકી અને બદમાશીથી, કપટ અને તાકાતથી, પ્રતિષ્ઠા અને ભ્રષ્ટાચારથી અહીં બચી શકે છે પણ અલ્લાહની અદાલતમાં નથી બચી શકતો, કારણકે અલ્લાહ બધુ જ જોઈ રહ્યો છે.

આપણે ૧૪૦૦ વર્ષ પાછા ફરીને જોઈએ જે સમાજમાં પયગમ્બર હઝરત મુહમ્મદ સ.અ.વ. પેદા થયા તે સમાજ કેવો હતો. ત્યાં જરાય પણ કોમી સંવાદિતા ન હતી. નાની-નાની વાતોને લઇને પેઢી દર પેઢી યુદ્ધ થતા હતા, માર્ગો લૂંટી લેવામાં આવતા, શરાબ, જુગાર, વ્યભિચાર, હત્યા સામાન્ય બાબત હતી. દીકરીઓને જીવિત દાટી દેવામાં આવતી, આર્થિક અને સામાજીક શોષણ, ગુલામી પ્રથા, અશ્લીલતા, અનૈતિકતા, બળવાન લોકો કમજોરો પર જુલ્મ કરતા, અને ઘણી બધી બુરાઈઓ હતી જેને આપ સ.અ.વ.એ એકેશ્વરવાદ અને આખિરતના આધાર ઉપર ખત્મ કરી, યુદ્ધોને રોકવા માટે હિલ્ફુલ ફુઝુલની સંધી કરાવવામાં આપ સ.અ.વ.ની ભૂમિકા સૌથી અમૂલ્ય હતી. અને જ્યારે હિજરત કરીને મદીના ચાલ્યા ગયા તો ત્યાં પણ બહુસંખ્યક મિશ્ર સમાજ હતો ત્યાં પણ સર્વસંમત બાબતો પર કરાર કર્યા. હુદૈબિયાની સંધી, મક્કા વિજયના અવસર પર બધાને ક્ષમા આપવી અને આ રીતે એક સભ્ય, સંસ્કારી, નૈતિક, શિક્ષિત, ન્યાયપૂર્ણ અને શાંતિમય સમાજની રચના થઈ.

સમાજમાં કોમી સદ્ભાવ અને પ્રેમનું વાતાવરણ બનાવવામાં આપ સ.અ.વ.એ આપેલ શિક્ષણ અસરકારક બનશે. આપે કહ્યું કે બુરાઈઓને ખત્મ કરવાના ત્રણ સ્તરો છે. કહ્યું કે તમે કોઈ બુરાઈને થતી જુઓ તો પોતાના હાથથી રોેકો, એ પણ ન થઇ શકે તો પોતાની જીભથી રોકો, અને એ પણ ન થઈ શકે તો પોતાના હૃદયમાં એને બુરી સમજો અને એ ઈમાનનું સૌથી કમજોર સ્તર છે.

મિત્રો સમસ્યા આ નથી કે સમાજમાં આજે સારા લોકોની અછત છે અને દુષ્ટ લોકોની સંખ્યા વધી ગઈ છે. દુષ્ટ લોકો તો દરેક સમયમાં દરેક સમાજમાં રહે છે. સમસ્યા એ છે કે સજ્જન સંગઠિત નથી અને આ જ દુષ્ટ લોકોની શક્તિ છે. આપ સ.અ.વ.એ ફરમાવ્યું કે પોતાના ભાઈની મદદ કરો ચાહે ઝાલીમ હોય કે મઝલુમ, અનુયાયીઓ પુછયું કે નિર્દોષની મદદ કરવું તો સમજાય છે પરંતુ જુલમીની મદદ કેવી રીતે. આપ સ.અ.વ.એ ફરમાવ્યું, તેને જુલ્મ કરવાથી રોકવો એ તેની મદદ છે.

આ મારા હૃદયની વાતો હતી કોઈ જ્ઞાાનવર્ધક વસ્તુ ન હતી. ભારત ફકત હિમાલય જેવા પર્વત, ગંગા-યમુના જેવી નદીઓ, સિમેન્ટથી બનેલી ઇમારતો, જંગલ અને મોટી સડકોનું નામ નથી. આ વિવિધ ધર્મ, સંસ્કૃતિ અને સંપ્રદાયના લોકોથી બનેલો દેશ છે. તેમની ભલાઈ બધાની છે અને તેમની બુરાઈ બધાની બુરાઈ છે. મારી આ લાગણી પણ છે કે આ દેશમાં બે ધર્મો વચ્ચે જોવા મળતી તિરાડો અને અંતર અને ગેરસમજો પાછળ જ્યાં ઘણા કારણો છે આમાં એક કારણ એ પણ છે કે મુસલમાનોએ પણ ગંભીરતાપૂર્વક પોતાની જવાબદારી અદા નથી કરી અને દેશવાસીઓને ઇસ્લામના શિક્ષણથી પરિચિત જ કરાવવામાં નથી આવ્યા.

અલ્લાહથી પ્રાર્થના છે કે સમાજમાં કોમી સંવાદિતા માટે સરળતા પ્રદાન કરે.

તુલસી મીઠે વચન સે સુખ ઉપજત ચહુ ઔર,
વશીકરણ એક મન્ત્ર હે તજદે બચન કઠોર

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments