અલ્લાહના નામથી જે અત્યંત કૃપાળુ અને દયાળુ છે
૧. પ્રશંસા અલ્લાહ માટે છે જેણે આકાશો અને ધરતી બનાવ્યા, પ્રકાશ અને અંધકારને પેદા કર્યા, તેમ છતાં તે લોકો જેમણે સત્ય-સંદેશને માનવાનો ઇન્કાર કરી દીધો છે, બીજાઓને પોતાના રબ (માલિક અને પાલનહાર)ના સમકક્ષ ઠેરવી રહ્યા છે.
૨. તે જ છે જેણે તમને માટીમાંથી પેદા કર્યા, પછી તમારા માટે જીવનની એક મુદ્દત નિશ્ચિત કરી દીધી, અને હજુ એક બીજી મુદ્દત પણ છે જે તેેના ત્યાં નિશ્ચિત છે, પણ તમે લોકો છો કે શંકામાં પડેલા છો.
૩. તે જ એક અલ્લાહ આકાશોમાં પણ છે અને ધરતીમાં પણ, તમારી જાહેર અને છૂપી બધી જ સ્થિતિ જાણે છે અને જે બૂરાઈ અથવા ભલાઈ તમે કમાવો છો તેનાથી સારી રીતે વાકેફ છે.
૪. લોકોની હાલત એવી છે કે તેમના રબની નિશાનીઓ પૈકી કોેઈ નિશાની એવી નથી જે તેમના સામે આવી હોય અને તેમણે મોઢું ફેરવી ન લીધું હોય.
૫. આથી હવે જે સત્ય તેમના પાસે આવ્યું તો તેને પણ તેમણે ખોટું ઠેરવી દીધું. સારું તો, જે વસ્તુની તેઓ અત્યાર સુધી મજાક ઉડાવતા રહ્યા છે, ખૂબ જલ્દી તેના વિષે કેટલીક ખબરો તેમને પહોંચશે.
૬. આ લોકોએ જોયું નથી કે તેમના પહેલાં કેટલીય એવી કોમોને અમે નષ્ટ કરી ચૂક્યા છીએ જેમનો પોત-પોતાના યુગમાં ખૂબ દબદબો અને પ્રભાવ રહ્યો છે ? તેમને અમે ધરતી ઉપર તે વર્ચસ્વ પ્રદાન કર્યું, જે તમને પ્રદાન નથી કર્યું. તેમના ઉપર અમે આકાશમાંથી ખૂબ વરસાદ વરસાવ્યો અને તેમના નીચે નદીઓ વહેવડાવી દીધી, (પરંતુ જ્યારે તેમણે કૃતઘ્નતાથી કામ લીધું તો) અમે તેમના ગુનાઓના કારણે તેમને નષ્ટ કરી દીધા અને તેમના સ્થાને બીજા યુગની કોમોને ઉઠાવી.
૭. હે પયગંબર ! જો અમે તમારા પર કોઈ કાગળમાં લિખિત પુસ્તક પણ અવતરિત કરી દેતા અને લોકો તેને પોતાના હાથો વડે સ્પર્શ કરીને જોઈ લેતા, તો પણ જેમણે સત્યનો ઇન્કાર કર્યો છે તેઓ એમ જ કહેતા કે આ તો નર્યો જાદુ છે.
૮. કહે છે કે આ પયગંબર પર શા માટે કોઈ ફરિશ્તો ઉતારવામાં ન આવ્યો ? જો ક્યાંક અમે ફરિશ્તો ઉતારી દીધો હોત તો અત્યાર સુધી ક્યારનોય ફેંસલો થઈ ચૂક્યો હોત, પછી તેમને કોઈ મહેતલ આપવામાં ન આવતી.
૯. અને જો અમે ફરિશ્તાઓને ઉતારતા, તો પણ તેને મનુષ્યના સ્વરૃપમાં જ ઉતારતા અને આવી રીતે તેમને તે જ શંકામાં નાખી દેતા જેમાં અત્યારે તેઓ પડેલા છે.
૧૦. હે પયગંબર ! તમારા પહેલાં પણ ઘણા રસૂલોની મજાક ઉડાવવામાં આવી છે, પરંતુ આ મજાક ઉડાવનારાઓ પર છેવટે તે જ હકીકત છવાઈને રહી જેની તેઓ મજાક ઉડાવતા હતા.
(સૂરઃ અલ-અન્આમ – ૧-૧૦)