Sunday, October 6, 2024
Homeપયગામક્યારેય વિચાર્યું છે રમઝાન આવે છે કેમ ?

ક્યારેય વિચાર્યું છે રમઝાન આવે છે કેમ ?

ભાઇઓ ! ઇન્સાન જે કંઇ કામ કરે છે તેમાં બે વસ્તુઓ ફરજિયાત રીતે હોય છે. પહેલી વસ્તુ કામનો હેતુ, અને બીજી વસ્તુ કામનું એક ચોક્કસ સ્વરૂપ જે કામના હેતુને પ્રાપ્ત કરવા માટે અંગીકાર કરવામાં આવે છે. દા.ત. ખાવાની ક્રિયાને જ લો. ખાવાથી તમારો હેતુ જીવંત રહેવા અને શરીરની શક્તિઓને ટકાવી રાખવાનો છે. આ હેતુને પ્રાપ્ત કરવાની રીત એ છે કે તમે ખોરાકનો પ્રથમ કોળિયો બાંધો છો, પછી તેને મોમાં નાખી દાંતો વડે ચાવી ગળા નીચે ઉતારો છો. શા માટે ? એટલા માટે કે આ જ રીત એ હેતુને પ્રાપ્ત કરવા વધુ યોગ્ય છે તેથી જ તમે એને અપનાવી છે. બધા જ એ વાત જાણે છે કે મૂળ વસ્તુ તો એ જ છે જેના માટે ખોરાક ખાવામાં આવે છે, ન કે ખાવાની આ પદ્ધતિ. હવે કોઇ માણસ જા લાકડાના વેર કે માટીના કોળિયા બનાવીને મોમાં મૂકે અને પછી દાંતો વડે ચાવીને ગળામાં ઉતારે તો તેને તમે શું કહેશો ? એ જ કે એનું મગજ ફરી ગયું છે. શા માટે ? એ માટે કે તે મૂર્ખ ખાવાના અસલ હેતુને સમજતો નથી. તે સમજ્યો છે કે ખાવાની માત્ર આ ચાર ક્રિયાઓ પૂરી કરવાનું નામ જ ખાવું છે. આવી જ રીતે તમે એવા માણસને પણ મુર્ખ કહેશો જે રોટલી ખાધા પછી ગળામાં આંગળી નાખી ઊલ્ટી કરી દે અને પછી ફરિયાદ કરે કે રોટલી ખાવાના જે ફાયદા લોકો વર્ણવે છે તે તો તેને મળતા નથી, અને ઊલ્ટામાં તે દિન પ્રતિદિન દૂબળો પડતો જાય છે અને મરવાને આરે પહોંચી ગયો છે. એ મૂર્ખ પોતાની દુર્બળતાનો દોષ રોટલી ઉપર અને ખાણા ઉપર નાખે છે, વાસ્તવમાં મૂર્ખતા તો એની પોતાની જ છે. તેણે પોતાની નાદાનીથી એવું સમજી લીધું છે કે ખાવાના જે નિયમો બનેલા છે તેને પૂરા કરી દેવા માત્રથી જીવનશÂક્ત મળી જશે. આથી એણે વિચાર્યું કે નાહકનો રોટલીનો ભાર જઠરમાં શા માટે રાખવો ? તેને બહાર જ ના કાઢી મૂકે કે પેટ હલકું રહેવા પામે ? ખાવાની જે બાહ્ય રીત છે તે તો મેં પૂરી કરી જ નાખી છે. આવા મૂર્ખતા ભરેલા વિચારોની સજાથી તે માણસ બચી શકે ખરો ? એણે સમજવું જાઇતું હતું કે જ્યાં સુધી રોટલી પેટમાં જઇને પચશે નહિ અને લોહી બનીને આખા શરીરમાં પ્રસરી જશે નહિ ત્યાં સુધી જીવન-શક્તિ પ્રાપ્ત કરવી શક્ય નથી. હા, ખાવાની જે બાહ્ય રીત છે તેને તો પૂરી કરવી જાઇએ, કારણ કે એ વિના રોટલી જઠર સુધી કેવી રીતે પહોંચી શકે ? પણ ફકત બાહ્ય રીતને અનુસરવાથી બધું જ કામ થઇ જવાનું નથી. આ રીતમાં કંઇ જાદુ ભર્યો નથી કે જેનુ પરિપાલન કરવા માત્રથી ઇંસાનની નસોમાં લોહી દોડવા લાગી જાય. લોહી તો અલ્લાહે તેના માટે જે નિયમ નિયત કર્યો છે તે મુજબ જ પેદા થશે. એ નિયમનો ભંગ કરશો તો પોતે જ પોતાનું મોત નોંતરશો.

ઉપરોક્ત ઉદાહરણને વિસ્તારથી મેં તમને એટલા માટે સમજાવ્યું કે તમે એ પરથી વિચાર કરી શકો કે તમારી આજની ઇબાદતો અસરહીન શા માટે થઇ ગઇ છે. હું આ પહેલાં પણ તમને જણાવી ચૂક્યો છું કે તમારામાં એક મોટી સમજફેર એ ઊભી થઇ ગઇ છે કે રોઝા-નમાઝના નિયમો અને તેમના બાહ્ય સ્વરૂપોને જ તમે ઇબાદત સમજી બેઠા છો, અને એવી ખોટી ભ્રમણામાં પડી ગયા છો કે જેણે આ નિયમોને પૂરા કર્યા તેણે અલ્લાહની ઇબાદત પૂરી કરી લીધી. આથી તમારો પણ દાખલો તે માણસ જેવો છે કે જે ખાવાના ચારે નિયમોને એટલે કે કોળિયા બાંધવા, તેને મોંમા મૂકવા, દાંત વડે ચાવવા અને ગળા નીચે ઉતારવાને-ખાવાનું સમજે છે. અને સાથોસાથ એમ ધારે છે કે જેણે આ ચાર નિયમોનું પાલન કર્યું તેને ખાવાના બધા ફાયદાઓ પ્રાપ્ત થવા જાઇએ. પછી ભલે એ નિયમોની સાથે માટી કે પથ્થરને તેણે પેટમાં કેમ ન ઉતાર્યા હોય, કે આંગળીઓ નાખી ખાધેલું અન્ન ઓકી કેમ ન નાખ્યું હોય. જા વાસ્તવમાં લોકો  આ મૂર્ખાઇમાં પડી ગયા નથી તો મને બતાવો કે એ કઇ બાબત છે કે સવારથી સાંજ સુધી રોઝદાર અલ્લાહની ઇબાદતમાં રચ્યો-પચ્યો રહેવા છતાં અસત્ય કેવી રીતે બોલી શકે છે ? નિંદા-ચુગલી કેવી રીતે કરે છે ? વાત વાતમાં લડાઇ-ઝઘડા શા માટે કરી બેસે છે ? તેની જીભથી અપશબ્દો શા માટે નીકળે છે ? તે લોકોના હક્કોને કેવી રીતે પચાવી પાડે છે ? અને આ બધું કરવા છતાં એ શા માટે એવું સમજે છે કે તેણે અલ્લાહની ઇબાદત કરી છે ? શું આ માણસ તે પેલા માણસ જેવો નથી જે રાખ અને માટી ખાય છે અને ખાવાના નિયમોના પાલન માત્રને સમજે છે કે ખાવાનું આને જ કહેવામાં આવે છે !

હવે એ પણ મને જણાવો કે આખા રમઝાન માસ દરમિયાન લગભગ ૩૬૦ કલાક ખુદાની ઇબાદત કર્યા પછી તમે મુક્ત થાવ છો તો એ પૂરી ઇબાદતની તમામ સઘળી અસરો શવ્વાલ(અરબીમાં મહિનાનું નામ)ની પહેલી જ તારીખે શા માટે ઓસરી જાય છે ? બિનમુસ્લિમો પોતાના તહેવારો દરમિયાન જે કંઇ કરે છે તે બધું તમે ઇદના દિવસે મોટા શહેરોમાં બદકારી અને શરાબની રમઝટ ચાલે છે અને જુગારના મેળા ભરાય છે. કેટલાક એવા જુલ્મીઓ પણ મેં જાયા છે કે જેઓ રમઝાન દરમિયાન દિવસે તો રોઝા રાખે છે અને રાત્રે દારૂ પીએ છે અને વ્યભિચાર કરે છે.

એ ખરૂં છે કે આમ મુસલમાનો ખુદાના ફઝલથી કંઇ એટલા બધા બગડેલા નથી પણ રમઝાન પૂરો થયા પછી તમારામાંથી કેટલા એવા છે જેમની અંદર ઇદના બીજા દિવસે પણ તકવા અને પરહેઝગારીની કોઇ અસર બાકી રહેતી હોય ? ખુદાના કાનૂન વિરૂદ્ધ અમલ કરવામાં કોઇ કસર સુદ્ધાં રાખવામાં આવતી હોય ? નેક કાર્યોમાં કેટલો ભાગ લેવામાં આવે છે? અને મનેચ્છાઓમાં કેટલો ઘટાડો આવી જાય છે ?

સમજા અને વિચારો કે આ બધું થવાનું કારણ છેવટે શું છે ? હું તમને ખાતરી આપું છું કે આનું કારણ ફકત એ જ છે કે તમારા દિમાગોમાં ઇબાદતની વ્યાખ્યા અને ઇબાદતનો અર્થ જ ખોટો બેસી ગયો છે. તમે એવું સમજા છો કે સહેરીથી લઇને મગરિબ સુધી કંઇ જ ન ખાવા પીવાનું નામ રોઝા છે અને બસ એ જ ઇબાદત છે. આથી રોઝાનું તો તમે પૂરેપૂરી રીતે રક્ષણ કરો છો. ખુદાનો ડર તમારા દિલમાં એટલો બધો હોય છે કે જે વસ્તુથી રોઝો તૂટી જવાનો જરા જેટલો પણ સંદેહ હોય તેનાથી તમે દૂર રહો છો. જીવનનું જાખમ આવી જાય તેમ છતાં પણ રોઝાને તોડવાનો ઇરાદો નથી કરતા અને છતાં એ નથી જાણતા કે આમ ભૂખ્યા-તરસ્યા રહેવું એ અસલી ઇબાદત નથી, બલ્કે ઇબાદતનું સ્વરૂપ માત્ર છે. અને આ સ્વરૂપ નક્કી કરવાનો હેતુ એ છે કે તમારામાં ખુદાનો ડર અને ખુદાની મોહબ્બત પેદા થાય અને તે વડે તમારામાં એટલી શક્તિ આવી જાય કે જે વસ્તુમાં દુનિયાભરના ફાયદા સમાયેલા હોય, પણ જા ખુદા એથી નારાજ થઇ જશે એવું લાગતું હોય તો તમે એનાથી સંયમપૂર્વક બચી જાવ, અને જે વસ્તુમાં પ્રત્યેક પ્રકારના પુષ્કળ જાખમો અને નુકસાન હોય, પણ  એનાથી ખુદા જા રાજી થતો હોય, તો તમારા આત્માને એ કામ કરવા માટે મજબૂર કરી શકો.

આ શક્તિ માત્ર એ રીતે જ થઇ શકતી હતી કે તમે રોઝાના હેતુને સમજતા અને આખો મહિનો ખુદાના ડર અને ખુદાની મહોબ્બતમાં તમારી મનેચ્છાઓને રોકી રાખીને ખુદાની મરજીને આધીન થઇ ચાલવાની જે ટેવ તમે પાડી હતી એનાથી કામ લેતા. પણ તમે તો રમઝાન પૂરો થતાં જ આ કવાયત અને એ વડે જન્મેલા ગુણોને એવી રીતે ફગાવી દો છો જેમ કોઇ માણસ જમ્યા પછી મોંમા આંગળા નાખી ઉલ્ટી કરી દે છે, બલ્કે એથી પણ આગળ વધી તમારામાંના અમુક તો રોઝા ઇફ્તાર કર્યા પછી તરત જ દિવસભરની પરહેઝગારીને ફગાવી દે છે. હવે તમે જ ન્યાય કરો કે રોઝા કંઇ જાદુ તો નથી કે તેના બાહ્ય સ્વરૂપને પૂરૂં કરો એટલે તે શક્તિ તમને પ્રાપ્ત થઇ જાય જે વાસ્તવમાં તેનાથી પ્રાપ્ત થવી જાઇએ.

જેવી રીતે અન્ન ખાવાથી એ જ્યાં સુધી જઠરમાં જઇને પચે નહિ અને લોહી બનીને નસોમાં દોડા લાગે નહિ ત્યાં સુધી જીવનશક્તિ મળી શકતી નથી તેવી જ રીતે રોઝાથી પણ તે રૂહાની શક્તિ ત્યાં સુધી પ્રાપ્ત થઇ શકતી નથી જ્યાં સુધી આપણે રોઝાના મૂળ હેતુને સારી રીતે સમજીએ નહિ, જ્યાં સુધી તે હેતુ આપણા દિલ-દિમાગ, નીયત, ઇરાદા, આચાર-વિચાર અને વર્તન બધાની અંદર સંપૂર્ણપણે ઉતરી જાય નહિ.

આ જ કારણસર અલ્લાહ તઆલાએ રોઝાના હુકમવાળી આયતના અંતમાં ફરમાવ્યું છે કે – “લઅલ્લકુમ તત્તકૂન” અર્થાત્‌ તમારી ઉપર રોઝાઓ ફરજ કરવામાં આવે છે. “કદાચ કે તમે મુત્તકી અને પરહેઝગાર બની જાવ.” એ નથી ફરમાવ્યું કે તમે એનાથી જરૂર મુત્તકી અને પરહેઝગાર બની જશો. કારણ કે રોઝાનું પરિણામ તો માણસની બુદ્ધિ, સમજ-ભાન અને ઇરાદા પર નિર્ભર છે. જે આ હેતુને સમજી લેશે અને તેના વડે મૂળભૂત હેતુને પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરશે તો અમુક પ્રમાણમાં પરહેઝગાર બની જશે, પરંતુ જે મૂળ હેતુને જ નહિ સમજે અને તેને પ્રાપ્ત કરવા માટે પ્રયત્ન જ નહિ કરે તો તેને કોઇ પણ ફાયદો પ્રાપ્ત થવાની આશા નથી. નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમે જુદી જુદી રીતો વડે રોઝાના મૂળ હેતુઓ તરફ ધ્યાન દોર્યું છે, અને એ સમજાવ્યું છે કે હેતુથી વંચિત રહીને ભૂખ્યા તરસ્યા રહેવામાં કોઇ ફાયદો નથી, જેમ કે ફરમાવ્યું: “જે કોઇએ જૂઠ બોલવું અને જૂઠનું આચરણ કરવાનું જ છોડ્યું નહિ તો તેનું ખાવું અને પીવું છોડવી દેવાની અલ્લાહને કોઇ જરૂર નથી.” બીજી હદીસમાં છે કે નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમે ફરમાવ્યું :“કેટલાક રોઝદાર એવા છે કે રોઝાની ભૂખ-તરસ સિવાય તેમને કંઇ નથી મળતું. અને ઘણાં રાત્રે ઊભા રહેનારા એવા છે કે તે આ ઊભા રહેવાથી રાત-જગો સિવાય તેમને કંઇ નથી મળતું.”

આ બંને હદીસોનો મતલબ સ્પષ્ટ છે. આનાથી સ્પષ્ટ રીતે ખ્યાલ આવે છે કે ફકત ભૂખ્યા અને તરસ્યા રહેવું જ ઇબાદત નથી, પરંતુ મૂળ ઇબાદતનું માધ્યમ છે, અને અસલ ઇબાદત છે ખુદાના ડરના લીધે ખુદાના કાનૂનની અવજ્ઞા ન કરવી, અને અલ્લાહની મહોબ્બતના લીધે તે દરેક કામ માટે શોખથી આગળ વધવું જેમાં મહેબૂબની પ્રસન્નતા હોય, અને જ્યાં સુધી શક્ય હોય, સ્વાર્થ પરાયણતાથી બચવું. જે કોઇ માણસ આ મૂળભૂત ઇબાદતથી અજાણ રહ્યો તેણે અમસ્તી જ પોતાના પેટને ભૂખ અને તરસની પીડા આપી. અલ્લાહ તઆલાને એની ક્યાં જરૂરત હતી કે બાર-ચૌદ કલાક માટે એનાથી ખાવું-પીવું છોડાવી દે ?

રોઝાના મૂળ હેતુ પ્રત્યે માનવતાના પયગંબર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમે આવી રીતે અંગુલિનિર્દેશ કર્યો છે કે “જેણે ઇમાન અને આત્મ-નિરીક્ષણ સાથે રોઝો રાખ્યો તેના પાછલા તમામ ગુનાઓ માફ કરી દેવામાં આવ્યા.”

ઇમાનનો અર્થ એ છે કે ખુદા વિષે એક મુસલમાનનો જે અકીદો હોવો જાઇએ તે સંપૂર્ણપણે હૃદયમાં તાજા રહે અને એહતિસાબ (આત્મ-નિરીક્ષણ)નો અર્થ છે કે માણસ પ્રત્યેક વખતે પોતાના વિચારો અને વર્તન પર દૃષ્ટિપાત કરતો રહે કે ક્યાંક તે અલ્લાહની મરજી વિરૂદ્ધ તો નથી ચાલી રહ્યો ? આ બન્ને વસ્તુઓની સાથે જ માણસ રમઝાનના પૂરેપૂરા રોઝા રાખશે તે પોતાના પાછલા તમામ ગુનાઓની માફી મેળવી જશે, એટલા માટે કે તે એક વખત ખુદાનો નાફરમાન અને બંડખોર બંદો હતો તો પણ હવે એ પૂરેપૂરી રીતે હૃદયપૂર્વક પોતાના માલિક તરફ વળ્યો છે. અને – “ગુનાઓથી તોબા કરનારો એવો છે જાણે તેણે ગુનો કર્યા જ નથી.” બીજી એક હદીસમાં છે કે, “રોઝા ઢાલ સમાન છે (જેમ ઢાલ દુશ્મનના વારથી બચવા માટે હોય છે તેમ રોઝા શેતાનના વારથી બચવા માટે છે) તેથી કોઇ માણસ રોઝદાર હોય તો એણે (એ ઢાલનો ઉપયોગ કરવો જાઇએ અને) ટંટા-ફિસાદથી દૂર રહેવું જાઇએ. કોઇ માણસ ગાળ આપે કે ઝઘડો કરે તો તેને કહેવું જાઇએ કે ભાઇ હું રોઝદાર છું. (મારાથી એવી આશા રાખશો નહિ કે હું તમારી આ પ્રવૃત્તિમાં ભાગ લઇશ.)”

બીજી હદીસમાં પણ હુઝૂર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમે દર્શાવ્યું છે કે રોઝાની હાલતમાં ઇન્સાનને વધુમાં વધુ નેક કામો કરવા જાઇએ અને પ્રત્યેક ભલાઇના શોખીન બની જવું જાઇએ. રોઝાની હાલતમાં તેણે પોતાના બીજા ભાઇઓની હમદર્દીની ઊંડી ભાવના ખાસ કરીને કેળવવી જાઇએ, કારણ કે ભૂખ્યા-તરસ્યા રહીને એ ઇન્સાન પોતાના બીજા ગરીબ ભાઇઓ પર ગરીબાઇ અને મુસીબતોમાં શી વીતતી હશે તે સ્થિતિ તે સ્વયં અનુભવી શકે છે. ઇબ્ને અબ્બાસ રદિ.નું વૃત્તાંત છે કે ખુદ અલ્લાહના રસૂલ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ રમઝાનમાં સામાન્ય દિવસોથી વધુ રહેમદિલ, વધુ મહેરબાન બની જતા હતા. કોઇ માગનાર એ સમયમાં હુઝૂર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમના દરવાજેથી ખાલી હાથે પાછો ફરતો ન હતો. અને કોઇ કેદી તે સમયમાં કેદ રહેતો ન હતો.

એક હદીસમાં ઉલ્લેખ છે કે હુઝૂર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમે ફરમાવ્યું:“જેણે રમઝાનમાં કોઇ રોઝદારને ઇફતાર કરાવ્યું, તે એના ગુનાઓની માફી અને તેની ગરદનને આગથી છોડવવામાં મદદરૂપ થશે, અને તેનો એટલો જ સવાબ મળશે અને સાથે જ પેલા રોઝાદાર (ઇફતાર કરનાર)ના સવાબમાં કંઇ ઘટાડો થશે નહીં.” •

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments