Tuesday, June 25, 2024
Homeઓપન સ્પેસગુજરાત ઇલેકશન ૨૦૧૭ – ભાગ 3

ગુજરાત ઇલેકશન ૨૦૧૭ – ભાગ 3

‘પડે છે ત્યારે સઘળું પડે છે’ આ કહેવતથી ભાજપા અધ્યક્ષ સુપેરે પરિચિત છે. કારણ fake encounterના એક પછી એક કેસમાં ફસામણી અને IPS પોલીસ ઓફિસર સાથે મલી ખંડણી ઉઘરાવવાના કેસમાં રાજ્યમાંથી તડીપાર થવાના અદાલતી હુકમ સમયે આ લાગણી તેઓએ જાતે અનુભવેલ છે. અને હવે જય શાહજાદાનો ૧૬૦૦૦ ગણો પ્રગતિનો ગ્રાફ તથા પેરેડાઈઝ પેપર્સ પ્રગટ થવું અને મુખ્યમંત્રી રૃપાણીને સેબીની નોટિસ મળવાનો ક્રમ ઘણો ભારે છે.

ગુજરાતમાં ૧૫૦+ ના ટારગેટ સાથે એહમદ પટેલને રાજસભાની ચૂંટણીમાં એકદમ જ કોર્નેર કરી કોંગ્રેસના ધારાસભ્યોને ખેરવી જે ખેલ પાડી બતાવ્યો તે પછી આટલી ઝડપથી પવન ફરશે તેની કલ્પના ક્યાંથી આવે. ઉત્તરપ્રદેશના અભૂતપૂર્વ વિજયના સથવારે પુરૃં મીડિયા જ્યારે એક જ ધૂન એકધારી સતત વગાડતું હોય ત્યારે આ વિક્ષેપ કોણ કલ્પી શકે, વારૃ…

પણ સાબરમતી-નર્મદાના પાણી જે ઝડપે ચોમાસા બાદ વહી રહ્યા છે તેને પણ આંબીને પડકારોની હારમાળા આવી ગઈ છે. રાહુલગાંધીનો અમેરિકા યાત્રા થકી જે makeover સેમ પિત્રોડા એ કર્યો છે તે ખરેખર અદ્ભૂત છે. બોડી લેંગવેજથી લઈ ભાષાની પકડ અને વ્યંગબાણોની વણઝાર તેઓના ભાષણ તથા ટ્વીટર બધામાં રમઝટ બોલાવી રહ્યા છે.

મોદી શાહની હિટ જોડી હવે ખુલાસાના modeમાં સાચે જ defensive જણાઈ રહી છે અને એ જ મોદી અદામાં રાહુલ સવાલો પૂછી જનતાનું સમર્થન મેળવી રહ્યા છે.

આજ તો છે ભારતીય લોકશાહીની કમાલ! ગુજરાત ઇલેકશન રોમાંચક હશે, તે તો પહેલાંથી જ જણાતું હતું પરંતુ તે ગેમચેન્જર પણ હોઈ શકે છે તે કોઈ જ જાણતું ન હતું. પણ હવે! વર્ષોથી ભાજપ સમર્થક એવા એક વયોવૃદ્ધ કટારલેખકે પણ આ ઇલેકશનને ગેમચેન્જર લખવા મજબૂર થવું પડયું છે અને કોંગ્રેસના વિજયની શક્યતાનો સ્પષ્ટ ઇશારો કર્યો છે. આ એ જ મહાશય છે જેઓએ ૨૦૦૪માં શાઈનીંગ ઇન્ડિયાની આભામાં એવું લખ્યું હતું કે શ્રીમતી સોનિયા ગાંધીએ બાજપાઈ સામે ૨૦૧૪ સુધી તો રાહ જોવી જ પડશે અને શું થયું તેનો ઇતિહાસ સાક્ષી છે.

અલ્પેશ, હાર્દિક અને જીગનેશની ત્રિપુટીએ  મૃત્યુશય્યા પર બેસેલી કોંગ્રેસમાં પ્રાણ પૂરી દીધા છે. ખેલ પાડવાના માહેર મોદી-અમિતશાહ પોતાની મુત્સદ્દી પર મુસ્તાક હતા અને આ છોકરડાને પટાવવા ભાજપાને કોઈ જ મુશ્કેલી નહીં પડે તેવી ગણતરી શરૃઆતથી રાજકીય પંડિતો પણ મૂકી રહ્યા હતા. એક તરફ અલ્પેશ પોતે તેના હોર્ડીંગમાંથી લઘુમતિની બાદબાકી કરી પોતે ભાજપા તરફ સરકી રહ્યા છે તેવા સ્પષ્ટ ઇશારા થકી ઉલ્લુ બનાવી ગયા તો પાસ અને ધાર્મિક ટ્રસ્ટોના તથા વ્યાપાર-ઉદ્યોગ ગૃહોના માધાંતા થકી હાર્દિકને વાળી લઈશું તેવા મદમાં રહેતા ભાજપા તથા પાટીદાર અગ્રણીઓને જે રીતે ભોંઠા આ ઉગતા યુવાને પાડ્યા છે તે ખરેખર આશ્ચર્યજનક છે અને જીગ્નેશ તો ગાંઠતો જ નથી.

કોંગ્રેસ, જેમાં killing instinct દેખાતો જ નહોતો તે હવે બધા પાસાઓમાં ધારદાર દેખાઈ રહી છે. પાટીદાર અનામતના ઉકેલ સારૃ વરિષ્ઠ ધારાશાસ્ત્રી કપિલ સિબ્બલને એક તરફ ઉતાર્યા છે તો બીજી તરફ ધૂરંધર ટેકનોક્રેટ સેમ પિત્રોડાને નવયુવાનોને આકર્ષવા સમયસર મેદાનમાં મૂક્યા છે.

પણ આ બધું હાલ પોતાના પક્ષે હોવા છતાં કોંગ્રેસનો જંગ આસાન નથી. મોદી-શાહની કેમેસ્ટ્રી એક તરફી સરકારના કાર્યોની સિદ્ધિ થકી ‘વિકાસ’ની ગાથાઓ તો બીજી તરફ સંગઠન ક્ષેત્રે પેજ વર્કરથી લઈ બૂથ મેનેજમેન્ટ સુધીની કામગીરમાં બેમિસાલ છે. IT સેલ તથા મીડિયા મેનેજમેન્ટ દ્વારા પ્રજાને સતત મુખ્ય મુદ્દાથી દૂર રાખવા તથા ભ્રમ (illussion)માં રાખવાના તેઓ પાયોનીયર છે. તેમનું આ મોડેલ જ્યારે દેશભરમાં ધૂમમચાવી રહ્યું હોય ત્યારે હવે ગુજરાતમાં તે સતત નાવીન્ય લાવવાના પ્રયત્નોમાં લાગેલું રહેશે તે ચોક્કસ છે.

મોદી-શાહ બન્ને ગુજરાતમાં સતત સભાઓ, રોડશો, સંગઠન બેઠકો દ્વારા કાર્યકરોનો ઉત્સાહ વધારવા મચી પડયા છે. રાહુલ ગાંધીને આક્રમક રીતે counter કરવાના પેંતરા બરાબર ગોઠવાઈ રહ્યા છે. પણ રૃપાણી-રૃપાલા ઘણા વામણા લાગે છે. બીજા કેન્દ્રીય કે પ્રાદેશિક કોઈ જ નેતા પ્રજામાં ઉત્સાહ જગાવી નથી રહ્યા. સુષ્મા હોય કે નિર્મલા, સ્મૃતિ હોય કે જાવડેકર સભામાં ભાડૂતી તથા કાર્યકર સિવાયની જનતાને જોડવું મુશ્કેલ નહીં પણ અશક્ય જણાય છે. ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી પણ હિંદુત્વ કાર્ડ થકી માહોલ બનાવવામાં પહેલા ચરણમાં સાવ નિષ્ફળ ગયા છે. પાટીદાર આંદોલનની સાથે ઠાકોર ક્ષત્રિય સેના અને દલિતોનો મોરચો હાલ ભાજપાને કોઈ જ સ્પેસ આપતો નથી અને જનતા પણ સ્પષ્ટ રીતે anti incumbency થકી શાસન વિરોધી લાગણી બતાવી રહી છે તેમ જણાય છે.

રાષ્ટ્રીય મુદ્દામાં ફુગાવો, મોંઘવારી, બેરોજગારીના મુદ્દા તો છે જ પણ નોટબંધી અને GST એ શાસન વિરોધી વાતાવરણને ખૂબ જ ઉત્તેજના આપી દીધી છે. ભ્રષ્ટ અને કલંકિત બાબુ બોખરીયા, રાદડિયા, પુરુષોત્તમ સોલંકી જેવા પ્રધાનો પ્રજામાં શું આભા ઉભી કરી શકે તે વિચારણા માંગી લે છે. તમે સૌરભ પટેલને ૧૩ વર્ષ સુધી ઉર્જા વિભાગમાં રાખી બધી ગોઠવણો પાર પાડો અને હવે આંતરિક વિખવાદોમાં બહાર રાખો અને તેમના ભ્રષ્ટાચાર પ્રગટ કરો, તો ‘ખાતો નથી – ખાવા દેતો નથી’ ક્યાં ફીટ બેસે છે તે પ્રજાને સમજાતું નથી. પનામા પેપર્સ પછી હવે પેરેડાઈઝ પેપર્સના ધડાકા પછી સરકાર, ભાજપા અને ખુદ મોદી સ્તબ્ધ છે. ઇન્ડિયન એક્સપ્રેસ તથા આંતરરાષ્ટ્રીય પત્રકાર સંગઠન સામે આંગળી ઉઠાવવી શક્ય નથી. પણ બંદા તો અમિતાભ બચ્ચનને એ જ રીતે ઉઝળા દેખાડી રહ્યા છે. હવે તો CBIના ડાયરેકટર IPS ગુજરાત કેડરના આસ્થાનાનું પણ સાંડેસરા ગ્રુપની ડાયરીમાં હવાલા કનેકશન ખુલી ગયું છે. દરેક શાસન સામેના સવાલમાં તમે વિધાનસભાની પ્રશ્નોત્તરી ફિક્સ કરો, કેગના અહેવાલ કે માનવધિકારના અહેવાલ છેલ્લે ઔપચારિક સ્વરૃપે મૂકો પણ હવે આ સોશ્યલ મીડિયાનું કેમનું ફિક્સ કરવું તેની જડીબુટ્ટી જડી નથી રહી.

પાટીદારનો બોલેકો વર્ગ સતત સોશ્યલ મીડિયામાં ઘેરી રાખે છે અને એટલે જ આક્રમક રેશ્મા તથા વરૃણ પટેલ પણ પાસમાંથી ભાજપમાં ગયા પછી શાંત રહેવા મજબૂર થઈ ગયા છે. અલ્પેશના કોંગ્રેસ પ્રવેશને counter કરવા ભાજપે રેશ્મા-વરુણની બેલડીને પ્રવેશ આપી છાકો પાડવાનો અને પાટીદાર આંદોલનને છિન્ન-ભિન્ન કરવા મરણીયો પ્રયાસ કર્યો, પણ હાર્દિકની આક્રમકતાને કાબૂમાં બિલ્કુલ જ નથી લાવી શકાઈ, સેક્સ CD  પ્રગટ કર્યા પછી પણ! જેમજેમ ચૂંટણી નજીક આવી રહી છે તેમ હાર્દિકની ફ્લેશ સભામાં અભૂતપૂર્વ મેદની સ્વયંભૂ ઉમટી રહી છે. સુરેનદ્રનગરની સભામાં ૧ લાખની મેદની તેની લોકપ્રિયતાનો પૂરાવો છે, કારણ આ મોદીની સમકક્ષ છે.

૨૨ વર્ષના શાસન પછી કોંગ્રેસના નેગેટીવ પોઈન્ટ્સને જ ઉપલબ્ધિમાં બતાવવાનું ભારે પડી રહ્યું છે. નર્મદાનો મુદ્દો કોઈ પ્રભાવ ઉભો નથી કરી શક્યો કારણ વિતરણ માટેની સબ કેનાલોના કામમાં ભાજપા શાસન બિલ્કુલ જ નિષ્ફળ રહ્યું છે. જયનારાયણ વ્યાસ જે ભાજપના પ્રધાન તથા પ્રવકતા રહ્યા છે અને સનત મહેતાના શિષ્ય તરીકે નર્મદા ડેમ તથા સિંચાઈ બાબતે તેના તજજ્ઞ ચાર્ટર્ડ સીવીલ એન્જીનીયર હોવાના નાતે ઓથોરીટી કહી શકાય તેઓએ બે દસકા પહેલાના અખબાર જોગ લેખમાં આ જ મુદ્દા ઉપર ભાર મૂક્યો હતો કારણ તેમાં અસંખ્ય નાના ખેતરો વીંધવાના હોઈ  આ પડકારજનક કાર્ય છે. પરંતુ આ જ ભાજપાએ આંતરિક વિખવાદોમાં આ બાહોશ તજજ્ઞને કોરાણે મૂકયા અને પરિણામ આપણી સામે છે. હવે તમે સરદારની પ્રતિમા મૂકી જનતાને ઉલ્લુ બનાવો તે અઘરું છે. ‘સરદાર’નો ઉપયોગ પાટીદારો આક્રમક રીતે હવે આજ સરકારની સામે કરી રહ્યા છે. ‘જય સરદાર જય પાટીદાર’.

જ્ઞાતિના સમીકરણોમાં પાટીદાર, ઠાકોર, દલિત, ઓબિસીની અનેક જાતિઓ પણ હવે જ્યારે ભાજપાથી મોં ફેરવી રહી છે ત્યારે કોંગ્રેસે તેને હવા આપવા તથા બહેકાવવામાં કોઈ જ કસર છોડી નથી. કારડિયા રાજપૂત તથા કોળી સમાજનો ભાવનગરમાં પક્ષ પ્રમુખ જીતુ વાઘાણી સામેનો આક્રોશ તેનું ઉદાહરણ છે. છોટુ વસાવા, NCP, આપ તથા અન્ય પક્ષોને સાથે રાખવા પણ કોંગ્રેસે કમર કસી છે અને અપક્ષો થકી પણ ઓછામાં ઓછું નુકસાન થાય તેની સારી ગોઠવણ કરવા કોંગ્રેસ તત્પર જણાય છે. શંકરસિંહ વાઘેલાના જનવિકલ્પનું હાલ તો સૂરસૂરિયું થઈ ગયું છે પણ ઉમેદવાર જાહેર થાય તો ગોઠવણથી તે નુકસાન કરી શકે છે જેને ધ્યાને લેવું પડશે. કેશુભાઈ પટેલની પરિવર્તન પાર્ટીના ૩.૬૩ તથા અપક્ષના ૫.૮૩ ટકાના ૨૦૧૨ના હિસ્સાને ધ્યાને લેતાં કોંગ્રેસ જો ૨ થી ૩ ટકા મત પોતાની તરફેણમાં આ વખતે આમાંથી ખેંચી લેશે તો તેને ભારે ફાયદો થઈ શકે છે. કોંગ્રેસના ૩૮.૯૩ ટકાની સામે ભાજપાએ ૪૭.૮૫ ટકા મતો મેળવેલ. જો આ ૯ ટકાના તફાવતમાં કોંગ્રેસ ૪-૫ ટકા જે ફ્લોટીંગ (અનિર્ણિત) જે કમીટમેન્ટ સિવાયના વોટર છે તે બદલીને ભાજપમાંથી તોડી લાવે તો સમીકરણો બિલકુલ જ બદલાઈ જશે.

૨૦૧૫માં પાટીદાર આંદોલનના પ્રારંભે તાલુકા જીલ્લા પંચાયતોના પરિણામો જેને પટેલ આનંદીબહેનનો ભોગ લીધો તેમાં આટલો જ તફાવત નોંધાયો છે. ભાજપના ૪૫.૩૫ ટકા હતા તો કોંગ્રેસના ૪૯.૦૮ ટકા નોંધાયેલ અલબત્ત શહેરોની કોર્પોરેશન તથા મોટા નગરોની પાલિકામાં ભાજપનો પ્રભાવ જળવાઈ રહ્યો હતો અને હાલમાં પણ તેમાં ગાબડું પડેલ જણાતુ નથી. સૂરત તથા કેટલાક શહેરોમાં પાટીદાર આંદોલન પ્રભાવી રહેશે અને સીટોનું નુકસાન પણ કરી શકે છે.

અને છેલ્લે ભલે કોંગ્રેસ સરકાર બનાવતી દેખાઈ રહી હોય તો આ પણ ગુજરાત મોડલની જ પહેલ છે કે રાહુલગાંધી મંદિરોના દર્શનથી લઈ જ્ઞાતિના સમીકરણો સુલઝાવી રહેલ હોય, તે સર્વે કાર્યક્રમોમાં લઘુમતિનો (મુસલમાનો નહીં) ઉલ્લેખ પણ ટાળ્યો છે અને ખુદ કોંગ્રેસીઓ મુસલમાન સમેત આશ્વસ્ત છે કે આ બરાબર જઈ રહ્યું છે. છેવટે RSSના એજન્ડા મુજબ જ હાંસિયામાં ધકેલાઈ ગયેલ મુસ્લિમો સેક્યુલરો કે હિંદુ ભાઈઓ તથા પક્ષો સર્વે આ બાબતે ચૂપ છે કે રખે ને તૃષ્ટિકરણનું આળ આપણા માથે ન આવી જાય. ભલેને સાચર રિપોર્ટ આયનો બતાવે અને લઘુમતિમાં જૈનોને વિના માંગ્યે બધા જ લાભ-સવલતો મળે જાય, ચૂપ રહેવામાં જ શાણપણ છે.

આ જ એજન્ડાના ભાગ રૃપે સવર્ણો અને ઉચ્ચ જાતિઓ ગુર્જરો, જાટો, પાટીદારો પોતાને અનામત આપવા આક્રમક રીતે મેદાનમાં આવી સરકારોને ઘૂંટણિયે પાડે છે અને દલિતો, વંચિતો, મુસલમાનો લાચારીથી આ તમાશો જોઈ રહ્યા છે. તેઓ ન તો આનો વિરોધ કરવા સક્ષમ છે ન જ પોતાના સારૃ કોઈ રજૂઆત કરી શકે છે. આ છે નવો રંગ ચૂંટણી ટાણે ગુજરાતમાં પણ.

હવે ઉમેદવારોની જાહેરાત થયે જામશે ખરાખરીનો જંગ અને મપાઈ જશે પાણી બન્ને પક્ષોનું પણ તથા ઉમેદવારોનું પણ. એટલું ચોક્કસ કે ગુજરાતની આ ચૂંટણી આવતા વર્ષોમાં આવી રહેલ વિધાનસભા, રાજસ્થાન, એમ.પી., કર્ણાટક વિ. તથા ૨૦૧૯ લોકસભા માટે ગેમ ચેન્જર બની રહેશે. /

(લખ્યા તા. ૧૪-૧૧-૨૦૧૭)

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments