Wednesday, April 17, 2024
Homeમનોમથંનગુજરાત ઇલેકશન ૨૦૧૭

ગુજરાત ઇલેકશન ૨૦૧૭

કોઈપણ ચૂંટણી લોકશાહીમાં પોતાનું આગવું મહત્ત્વ ધરાવે છે. કારણ, સામાન્ય રીતે દર પાંચ વર્ષે પ્રજાને રાજકીય પક્ષોના ઓડિટનો સીધો મોકો ચૂંટણી દ્વારા મળે છે. સત્તાધારી પક્ષ તથા વિપક્ષ બન્ને પોતાની સત્તા જતી ન રહે તથા જલ્દી પાછી મળી જાય તેના ભય તથા આશામાં કામે લાગી જાય છે. ચૂંટણી સતત પ્રજાની જરૂરીયાતનું ધ્યાન રાખવા બન્નેને પ્રેરે છે.

નરેન્દ્ર મોદીએ જે પ્રચાર સ્ટાઈલ તેઓ મુખ્યમંત્રી હતા ત્યારે અને હવે પ્રધાનમંત્રી બન્યા પછી અપનાવી છે તેના લીધે સર્વે રાજ્યોમાં વિધાનસભા ચૂંટણી તથા લોકસભા ચૂંટણી પ્રજામાં અનેરો રોમાંચ ઊભો કરે છે. પ્રસાર માધ્યમો, પ્રિન્ટ તથા ઇલેકટ્રોનીક અને હવે તો સૌથી મહત્ત્વના સોશિયલ્ મીડિયા, વોટ્સએપ, ફેસબુક, ટ્વીટર વિ… થકી સતત ચૂંટણીલક્ષી લેખો, તર્કો, કાર્ટુનો, વીડિયો-ઓડિયો ક્લીપ્સનો મારો વાતાવરણને એકદમ જ ચાર્જ કરી દે છે. ૨૦૧૭ની ગુજરાત ચૂંટણી આ સમયે ખૂબ જ ઉત્તેજના સાથે યોજ્વા જઈ રહી છે ત્યારે આવો લઈએ એક વિહંગાવલોકન ગુજરાતના અને રાષ્ટ્રના રાજકીય ચિત્રનું.

૧૯૯૫ થી ૨૦૧૭ સુધી ભાજપા  ૯૭-૯૮ના શંકરસિંહ વાઘેલા પ્રેરિત બળવા થકી રાજપા શાસનને બાદ કરતાં ૨૦ વર્ષથી ગુજરાતમાં આધિપત્ય ભોગવી રહી છે. પશ્ચિમ બંગાળમાં માર્કસવાદી સામ્યવાદી પક્ષની ૩૨ વર્ષ સુધી આણ પ્રવર્તતી હતી જેમાં ૨૪ વર્ષ સુધી સતત જ્યોતિબાસુ મુખ્યમંત્રી રહ્યા અને વય અવસ્થાને લીધે વિદાય થયા ત્યાં સુધી એક ચક્રી શાસન ભોગવેલ. ઇન્દીરા ગાંધીની ચાણક્ય ચાલો પણ આ આંદોલનને આંબી શકી નહોતી. સિદ્ધાર્થશંકર રે જેઓ બેરિસ્ટર હતા અને રાજકારણના ઊંડા અભ્યાસુ તથા વિચક્ષણ ખેલાડી હોવા છતાં તેઓના મુખ્યપ્રધાન પદે આરૃઢ થયા પછીથી સત્તા સામ્યવાદીઓએ છીનવી લીધી અને સતત કોંગ્રેસને વિપક્ષમાં બેસવા મજબૂર કરી દીધી હતી. અને હવે ઘણા રાજકીય પંડિતો, કદાચ તેઓ ‘ભક્ત’ પણ હોઈ શકે અને હવે પૂરી શ્રદ્ધા અને કદાચ ભક્તિભાવથી પણ આ રેકર્ડ ગુજરાતની પ્રજા ભાજપા થકી તોડશે તેવી આગાહીઓ કરી રહ્યા છે.

૨૦૧૪ પછી જે નવું રાજકીય વાતાવરણ ઊભું થયું છે અને મીડિયાએ તેને જે રીતે વકરાવ્યું છે તે બે મિસાલ છે. પ્રજાનો ઘણો મોટો વર્ગ બે ઊભા ફાડિયામાં સીધો વહેંચાઈ ગયો છે અને હવે તો મીડિયા પણ આ જ તર્જ ઉપર સ્પષ્ટ રીતે વહેંચાઈ ગયું છે. તમે ક્યાં તો મુગ્ધ ભક્ત છો જે મોદી (ભાજપા નહીં ફકત મોદી)થી એ હદે અંજાયેલા છે કે દેવકાંત બરૃઆનું “Indira is India” ફિકકું અને વામણું લાગે છે કારણ આપણા સાહેબ જે રીતે વિશ્વ પર્યટન કરી રહ્યા છે અને ત્યાં જઈને પણ ચૂંટણી સભા સંબોધતા હોય તે રીતે ભાષણો આપીને મીડિયાનો ઉપયોગ સતત કરી રહ્યા છે તેના લીધે સામાન્ય જનતાથી લઈ ધુરંધરો સૌ કોઈ આ ગુણગાનમાં જોડાઈને કે વિરોધ કરીને મીડિયા ગજવી રહ્યા છે.

મોદી-અમિતશાહની જોડી હાલ તો હીટ જઈ રહી છે. દિલ્હી-બિહારને બાદ કરતાં પાસા પોબાર જઈ રહ્યા છે. ખાસ કરીને યુ.પી.ની ઐતિહાસિક જીત પછી અને યોગીના મુખ્યમંત્રી તરીકે આરૃઢ થયા પછી જે માહોલ બન્યો છે તેને તુરંત encash કરવા સંઘ/ ભાજપા નેતાગીરી થનગની રહી છે.

નોટબંધીની ભયંકર નિષ્ફળતા છતાં યુ.પી.ની જીતે તેને નવું જોમ આપ્યું  છે અને હવે GST થકી તે નવા આયામો સાથે ગુજરાત ઇલેકશન તરફ અગ્રેસર છે. આ જોમ જુસ્સાને બેવડાવવા ભાજપા અધ્યક્ષ અમિત શાહે ૧૫૦ + નું ટાર્ગેટ આપી પાર્ટીને ધબકતી કરવા એડીચોટીનું જોર લગાવી દીધું છે. ભાજપા સર્વે ઇલેકશન ફકત અને ફકત મોદીની ઇમેજ ઉપર જીતવાની સ્ટ્રેટેજી આગળ ધપાવી રહી છે. ઓરિસ્સા અને પશ્ચિમ બંગાળમાં પણ પગપેસારો કર્યા પછી આ સ્ટ્રેટેજી હાલ તો સફળતાથી આગળ વધી રહી છે. યુ.પી.માં મુઝફ્ફરનગરની તર્જ ઉપર ધ્રુવીકરણની આબાદ ચૂંટણી સફળતા પછી આ જ રાહે પશ્ચિમ બંગાળમાં ભાજપા આગળ ધસી રહી છે. આ જ   modus operendi અન્ય રાજ્યોમાં પણ પ્રયોજી શકે છે તેવું સ્પષ્ટ લાગી રહ્યું છે.

ગુજરાતમાં પણ મોદીના આરોહણ બાદ તેમના અનુગામી આર્યન લેડી આનંદીબેન પટેલનો, પટેલ આંદોલન થકી ભોગ લેવાયા પછી જે ચાલાકીથી અંગૂઠા છાપ રબર સ્ટેમ્પ રૃપાણીને નીતીન પટેલના મોંમાથી કોળિયો ઝુંટવી મુખ્યમંત્રી બનાવાયા તે ખરેખર અદ્ભૂત છે. આનંદીબેન અમિતશાહના આંતરિક જંગમાં જે નુસ્ખો ભાજપે અજમાવ્યો તેમાં પટેલ આંદોલનમાં પટેલનો જ ભોગ લેવાયો અને હવે તે આગામી ચૂંટણી જંગમાં શું રંગ પકડે છે તેના ઉપર સૌની નજર છે. ભાજપ પોતાની આ વોટબેંક અકબંધ રાખવા કટિબદ્ધ છે તો સામે પક્ષે સાચે જ આ વખતે તો બતાવીને જ જંપીશું તેવો પડકાર છે. સૂરતના રોડશૉ દ્વારા મોદીએ તેને પોતાના પક્ષમાં ગતિ આપવાની શરૃઆત કરી દીધી છે.

ગુજરાતમાં મુસલમાનો ફકત ૯ ટકા જ છે અને તેઓ આર્થિક, સામાજીક, શૈક્ષણિક, ઔદ્યોગિક, વાણિજ્યિક અને રાજકીય સર્વે આયામોમાં ઘણા જ પાછળ છે. આ હકીકત સર્વવિદિત છે. જનતા પણ જાણે છે. તેમ છતાં મોદીએ સફળ રીતે આંતરરાષ્ટ્રીય આંતકવાદના અપપ્રચારનો પૂરો લાભ લઈ મુસ્લિમોને demonise કરવાનો જે કારસો ૨૦૦૧થી રચ્યો અને તેમાંથી કોમવાદ અને કોર્પોરેટની જે cocktail બનાવી તે પહેલાં ગુજરાતીઓને અને હવે તો સમગ્ર ઉત્તર-પશ્ચિમ-પૂર્વ ભારતને જે નાગચૂડમાં લઈ લીધું છે તે એટલું બધુ વિકરાળ બની રહ્યું છે કે તેના લીધે સમગ્ર દેશમાં મુસ્લિમો અને દલિતો હાંસિયામાં ધકેલાઈ ગયા છે. અને બહુમતી પ્રજા તેનાથી જરાપણ  વિચલિત થયા વગર અભિભૂત છે.

આ જ તર્જ ઉપર હવે ગુજરાતની ચૂંટણીમાં પણ ભૂલે ચૂકે કોઈ સાચા મુદ્દા ન આવી જાય તેની પૂરતી કાળજી લેવાઈ રહી છે. બેરોજગારી, કિસાન આત્મહત્યા, ઔદ્યોગિક-વેપાર, મંદી જે હવે મહામંદી તરફ આગળ વધી રહી છે. ચીન-પાકિસ્તાનના ડખા, કાશ્મીરની સળગતી સમસ્યા, શિક્ષણ-સ્વાસ્થ્યનું કથળતું જતું સ્તર. આવો કોઈ જ મુદ્દા ચર્ચામાં જ ન આવે તેનું પાકું આયોજન ગોઠવાઈ ગયું છે. ગોદી મીડિયા તેને લઈને રોજ નવા ડાકલા વગાડી રહ્યું છે. મીડિયાના સીધા ઊભા ભાગલા કર્યા પછી સામેનું કોઈ જુએ જ નહીં કે વાંચે જ નહીં તેના કારસા ગોઠવાઈ રહ્યા છે. દેશદ્રોહીના સ્ટેમ્પ પ્રચૂર માત્રામાં બનાવી તેનો ભરપૂર ઉપયોગ થઈ રહ્યો છે. તટસ્થતાથી વિચારવા – બોલવા – લખવાવાળા હાંસિયામાં ધકેલાઈ રહ્યા છે.

ગુજરાતના ત્રણ મુખ્ય અખબારો, ભાસ્કર, ગુજરાત સમાચાર તથા સંદેશ સરકાર તરફી વિરોધી બન્ને તરફના સમાચાર, કટાર લેખો તથા તંત્રી લેખો લખી રહ્યા છે. સરકારની સામે લખાતું ઘણી વાર વધુ પણ આવતું રહે છે પરંતુ પ્રજા જે પહેલાં મોટા પ્રમાણમાં તટસ્થ દેખાતી હતી તે હવે સ્પષ્ટ રીતે વિભાજીત થઈ રહી છે. બે ફાડિયામાં સરકારની સામે યા તો સાથે.

ધ્રુવીકરણનું  જે ગુજરાત મોડેલ ભાજપાને ફળ્યું છે તેને જાળવી રાખવાનો પડકાર પણ નાનો સૂનો નથી. કારણ જૂઠો સતત જૂઠો નકરો પ્રચાર, વધુ માત્રામાં વધુ ઘટ્ટ અપપ્રચાર, છેવટે ઉબકા પણ લાવી શકે છે. આ બાબતે Media Savvy ભાજપા નેતાગીરી પૂરેપૂરી સભાન છે. અને તેથી જ મીડિયા ખાસ કરીને સોશ્યલ્ મીડિયા થકી નીત નવા તિકડમ ચલાવી પોતાની વોટબેંક અકબંધ રાખવાનું પાકું આયોજન ગોઠવી રહી છે.

આટલા લાંબા આકલન પછી હવે ચકાસીએ વિપક્ષ – ખાસ તો કોંગ્રેસની હાલત ૨૦૦૨, ૨૦૦૭ અને ૨૦૧૨માં નમો સામે કોંગ્રેસની વોટની ટકાવારી તથા બેઠકો ક્રમશઃ વધતી રહી છે પરંતુ તે ક્યારેય પડકારજનક નથી બની શકી. જે થોડી બેઠકો ભાજપા Anti incumbencyમાં ગુમાવે તેની સામે બીજી નવી બેઠકો સર કરવાનું પાકું આયોજન ભાજપાને ફળતું રહ્યું છે. ચૂંટણી પછી પણ ધારાસભ્યોને ખેરવવાનો પ્લાન સતત ધમધમતો રાખી કોંગ્રેસને રક્ષણાત્મક હાલતમાં જ રહેવા મજબૂર કરવામાં પણ સફળ રહ્યા છે.પટેલ આંદોલન પછીના પરિપ્રેક્ષ્યમાં તાલુકા – જીલ્લા પંચાયતમાં સપાટો બોલાવ્યા પછી પણ કોંગ્રેસ પોતાનું ઘર સાચવવામાં નિષ્ફળ પૂરવાર થઈ રહી છે.

ભાજપાએ ભ્રષ્ટાચાર માટેનું જે નેટવર્ક ગોઠવ્યું છે તે ખરેખર ખૂબ જ અદ્ભૂત રીતે કામ કરી રહ્યું છે. એક શહેરના નગરપાલિકાના સભ્યે આની વિગત આપતાં સમજાવ્યું કે ગ્રામપંચાયતના સભ્યો ૨-૫ લાખ, નગરપાલિકાના સભ્યો ૧૦-૧૨ લાખ  તથા કોર્પોેરેશનના સભ્યો ૨૦-૨૫ લાખ ગોઠવણથી રળી લે છે. વિપક્ષ સહિત. હોદ્દેદારો તો બમણું ચાર ઘણું કમાઈ લે છે. જવાબદારી અધિકારી અને કોન્ટ્રાક્ટર પર ઢોળે છે અને પછીની ચૂંટણીમાં ઉમેદવાર બદલી ભાજપા સ્થાનિક એન્ટી ઇન્કમબન્સી ખાળી ઉમેદવાર જીતાડી શકે છે. આ થિયરી બહુ જ મજબૂત રીતે મૂળ જમાવી શકી હોઈ વિપક્ષોનું ટકવું અને આક્રમક રહેવું દુષ્કર છે. સત્તા થકી ડર અને લાલચ બન્નેનો ભરપૂર ઉપયોગ કરી સિસ્ટમમાં ગાબડું પાડવાનો ખેલ અમિતશાહ હવે દેશભરમાં પૂરા જોશથી ચલાવી રહ્યા છે. ત્યારે ગુજરાતમાં તો આ સાવ જ સહેલુ છે. ગુજરાત કેડર IAS-IPSને ભક્તિના જે મીઠા ફળ રળી આપ્યા છે તે હવે તો દેશભરમાં પ્રેરણા આપી રહ્યા છે.  આ માહોલમાં કોંગ્રેસ નીચેના સ્તરે સત્તા મેળવ્યા પછી પણ લાચાર નજર આવી રહી છે. કોંગ્રેસ તૃષ્ટિકરણના આરોપને ખાળવા Soft હિંદુત્વ અપનાવી લઘુમતિમાં અને Secularism સાચવવામાં બહુમતિમાં અળખામણી થઈ રહી છે. બાવાના બેઉ બગડી રહ્યા છે. No win situation સતત તેના માથે મંડરાયેલી રાખવામાં ભાજપ સફળ થઈ છે. પ્રબુદ્ધ નાગરિકોને આકર્ષવામાં પણ તે કોઈ કૌવત બતાવી નથી શકી. આંતરિક વિખવાદો સતત માથે રાખી ફરવાની જાણે તેને એવી ફાવટ આવી ગઈ છે કે છેલ્લે શંકરસિંહ બાપુનો વિખવાદ ૩-૪ મહિનાથી મોટા ઉપાડે ચાલી રહ્યો છે અને તેની આ નબળાઈ તેને આસાનીથી ડૂબાડી દઈ રહી છે.

પટેલ આંદોલન થકી હાર્દિક, ઉના કાંડ થકી ઉભરેલા જીગ્નેશ મેવાણી અને ઓબીસી મંચ થકી જોર મારી રહેલા અલ્પેશ ઠાકોર ગુજરાતમાં યુવા નેતાગીરી સ્વરૃપે એક તાકાત તરીકે ઉપસ્યા છે અને રાજકીય સમીકરણ બદલવાની પૂરી તાકાત પણ ધરાવે છે. હવે જોવાનું એ છે કે આનો સાચો ઉપયોગ કોંગ્રેસ કરી શકે છે કે કેમ અને શું બાપુ આ ત્રણનો સાથ લઈ કોઈ અલગ મોરચો તો નથી બનાવી દેતા તે પણ જોવું રહ્યું. અલબત્ત ભાજપ આને છિન્નભિન્ન કરવા એડી ચોટીનું જોર લગાવશે તેમાં બે મત નથી.

નમોની ગેરહાજરીમાં અલબત્ત પ્રમોશન થકી અને નામ માત્રના મુખ્યમંત્રી રૃપાણીની આગેવાનીમાં જે નબળાઈ દેખાય છે તેને મોદીની પ્રધાનમંત્રીની આભા થકી પૂરવામાં ભાજપાના પ્રયત્નોને રોકવામાં કોંગ્રેસ કેટલો અસર દાર દેખાવ કરી શકે છે તે એક પ્રશ્નાર્થ છે.

આપ, બસપા, NCP, SP તથા  અન્ય પક્ષોમાં ફકત થોડો ભાગ પડાવવાની જે તાકાત છે તેનો ‘First past the Post’ના સમીકરણમાં ચાલાકીથી ઉપયોગ કરવામાં માહેર અને નાણાં કોથળીથી છલકાતા અમિતશાહને કાબૂમાં રાખવામાં કોંગ્રેસ કોઈ ચમત્કારિક સોગઠી ગોઠવે છે કે કેમ તે જોવંુ સમજવું પણ રસપ્રદ બની રહેશે. આમ આદમી પાર્ટી તેના છેલ્લા દિલ્હી ધબડકા પછી એકદમ જ બેકફૂટ  પર જતી રહેવાથી તેની જે થોડી ઘણી આભા હતી તે હવે ઓસરી ગઈ હોઈ ગુજરાતમાં બધે જ દ્વિ-પક્ષી જંગ  જ જોવાઈ રહ્યો છે.

નોટબંધી અને તેના પાક રૃપે ૯ માસ પછી અવતરેલ GST (સોશ્યલ્ મીડિયામાં ચાલતી જોક)ના લીધે વેપારી/ ઔદ્યોગિક આલમમાં આકરા પ્રત્યાઘાતો છતાં બન્ને પ્રયોગો પૂરા આત્મવિશ્વાસથી અમલમાં લાવ્યા પછી હવે તે ચૂંટણીમાં કોઈ પડકાર ઊભો કરે છે કે કેમ તે જોવું રહ્યું કારણ વિપક્ષ તો આને ઉછાળવામાં વામણા દેખાઈ રહ્યા છે. કિસાનો અને વેપારીઓની રજૂઆત કોઈ આંદોલનનું સ્વરૃપ લે તેવી કોઈ જ શક્યતા ક્ષિતિજે દેખાઈ નથી રહી તે કોંગ્રેસની નિષ્ફળતા દર્શાવે છે. તદ્ઉપરાંત અનામતના મુદ્દે સવર્ણોને બહેકાવવામાં તથા દલિત-આદિવાસી ઓબીસીને હાંસિયામાં ધકેલી દેવાની RSS-BJPની સોગઠી પણ કોંગ્રેસને ઉશ્કેરવાને બદલે હવે રક્ષણાત્મક અભિગમ અપનાવવા મજબૂર કરી રહી હોય તેમ જણાઈ રહ્યું છે.

કોંગ્રેસ ૪૦ ટકા અને ભાજપ ૫૦ ટકાની આસપાસ ગુજરાતમાં વોટ મેળવી રહ્યા છે શું કોંગ્રેસ ૭-૮ ટકા ભાજપાને મળતા વોટ કિસાનો, વેપારીઓ, બેરોજગાર યુવાનો અને જ્ઞાતિઓ થકી પટેલ, દલિત, ઓબીસીમાંથી ઝુંટવી શકશે? તે છે યક્ષ પ્રશ્ન.

ગુજરાતના ૨૦૧૨ના ચૂંટણી જંગ સમયે એક ટીવી ચર્ચામાં દિવગંત વિનોદ મહેતા (તંત્રી આઉટલૂક)ની મોદી સારૃ ઉચ્ચારાયેલ ભવિષ્યવાણી  He is just unstopable… અક્ષરશઃ સાચી પડતી જઈ રહી છે ત્યારે શું ગુજરાત કોઈ દિલ્હી બિહારની તર્જ ઉપર જઈ ચોંકાવી દેશે કે પછી નવું +૧૫૦ ગુજરાત મોડેલ પૂરા ભારતને આંજી દેશે.

ચાલો આપણે રાહ જોઈએ ડિસેમ્બર ૨૦૧૭ ચૂંટણીના પરિણામ સુધી અને માણીએ ૨૦૧૭ ગુજરાત ચૂંટણી લોકશાહીનું અનેરૃં પર્વ, અલબત્ત એક કેવીએટ/ પ્રાર્થના સાથે કે કોઈ જ કોમી – જાતિવાદી દંગલ ન થાય અને પ્રજાનો સદ્ભાવ – સૌહાર્દ બનેલો રહે અને સુદૃઢ થાય. /

(લેખક નિવૃત્ત મુખ્ય ઇજનેર ગેટકો – જીઈબી છે. આપનો સંપર્ક mgvgetco@yahoo.co.in ઉપર કરી શકાય છે.)

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments