લોકશાહીના ત્રીજા સ્તંભ એવા ન્યાયતંત્રનું કામ છે કે લોકતંત્ર અને વ્યવસ્થાતંત્ર દ્વારા આચરવામાં આવેલ અન્યાય, જુલમ કે અત્યાચારને સ્વતંત્ર રીતે મુલ્યાંકન કરી ન્યાય આપે. ન્યાય એ કોઈ પણ સમાજ કે રાષ્ટ્ર માટે જીવન સમાન છે. જ્યાં ન્યાય નથી ત્યાં જીવન નથી. બલ્કે ત્યાં ભ્રષ્ટાચાર છે, ત્યાં અન્યાય છે, અને ત્યાં અત્યાચાર છે. ન્યાયતંત્ર નામના સ્તંભના પાયા જો ખખડી જઈ મજબૂતી ગુમાવી સરકાર તરફ ઝુકી પડે તો ન્યાય ધ્વસ્ત થઈ જાય છે. જેની સાથે અન્યાય થયો હોય તેવા વર્ગમાં અવિશ્વાસ, નિરાશા અને અસંતોષનો જન્મ થાય છે. જે આગળ જતા ભભુકતા લાવા સ્વરૃપે ક્યારે પણ બહાર આવી શકે છે. આવી જ નિરાશા અને અસંતોષનું પ્રતિક એવો ગુલબર્ગ હત્યાકાંડનો ચુકાદો હમણાં સંભળાવવામાં આવ્યો છે.
અહમદાબાદના ચમનપુરા સ્થિત ગુલબર્ગ સોસાયટીમાં ૨૦૦૨માં આયોજનબદ્ધ રીતે જે ખૂનની હોળી કરવામાં આવી તેનો દાખલો બીજે મળવો મુશ્કેલ છે. ૬૯ નિર્દોષ લોકોને ખૂબજ નિર્દયતાપુર્વક મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યા હતા. આમ તો આવા હત્યાકાંડની તપાસ ઝડપથી થવી જોઈતી હતી અને ચુકાદો વહેલો આવી જવો જોઇતો હતો પરંતુ આ દેશમાં ન્યાયપાલિકાઓની ગતિ એટલી ધીમી છે કે ચુકાદો આવતા જ વર્ષો વીતી જાય છે. જેનાથી ન્યાય મળ્યાનો અહેસાસ સુદ્ધાં રહેતો નથી. માટે ૧૪ વર્ષ વિતી ગયા પછી જે ચુકાદો આપવામાં આવ્યો છે તે સંતોષકારક જણાતો નથી.
ખાસ સીટ અદાલત દ્વારા કલમ ૩૦૨ હેઠળ અપરાધી જાહેર થયેલા ૨૪માંથી ૧૧ દોષિતોને આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે. જેમાં માત્ર ૧૪ વર્ષનો સમાવેશ થાય છે. ઉમરકેદની સજામાં જીવન રહે ત્યાં સુધી કેદની જોગવાઈ છે. જે કોઈને આપવામાં આવી નથી. અગાઉ ૨ જૂનના રોજ ૬૦ આરોપીઓ પૈકી ૩૬ને નિર્દોષ મુકવામાં આવ્યા હતા. જ્યારે ૧૭ જૂનના રોજ દોષિત ઠરેલ ૨૪ વ્યક્તિઓને તેમના ગુનાને છાજે તેવી સજા ફટકારવામાં ન આવતા ન્યાયપાલિકાથી જે આશા હતી તેના પર પાણી ફરી વળ્યું. ૨૪ આરોપીઓ પૈકી ૧૧ને આજીવન કેદ (૧૪ વર્ષ), ૧૧ને ૭ વર્ષની કેદ અને ૧-૧ આરોપીેને અનુક્રમે ૧૦ અને ૧ વર્ષની સજા ફટકારવામાં આવી હતી.
આ સત્ય કોઈનાથી છુપું નથી કે ગોધરા ટ્રેન અકસ્માતના બનાવ પછી જે રાજ્યભરમાં હુમલાઓ થયા તે આયોજનબદ્ધ અને લઘુમતિઓ વિરુદ્ધ હતા. જેમાં સરકાર અને વ્યવસ્થાતંત્રની મુક સંમતિ હતી. અસંખ્ય હુમલાઓમાં લઘુમતિના લગભગ ૧૫૦૦ જેટલા લોકો ભોગ બન્યા હતા. અહમદાબાદમાં નરોડા પાટિયા અને ગુલબર્ગ સોસાયટી હત્યાકાંડ અત્યંત બર્બરતાપુર્વક અંજામ આપવામાં આવ્યા હતા. બળાત્કાર, હત્યા અને જીવતા સળગાવી દેવાની ઘટનાઓ ખૂબજ ઘૃણાસ્પદ ગણી શકાય તેમ છે. દોષિતોની સજા મૃત્યુદંડથી કોઈપણ રીતે ઓછી હોઈ શકે નહીં. પરંતુ અહીં અન્યાયી લોકો રાજ કરી રહ્યા છે. ન્યાયતંત્ર સરકારોને આધીન બની ધીમે ધીમે પોતાની સ્વતંત્રતા ગુમાવી રહ્યું છે. આવા સંજોગોમાં મૃત્યુદંડની સજાની આશા રાખવી જ મુર્ખામી સમાન છે.
ન્યાયની સ્થાપના કાજે જે વ્યવસ્થા ગોઠવવામાં આવી છે તે સ્વંય ભુલભરેલી છે. માનવસર્જીત કાયદાઓ હંમેશા કોઈની તરફેણ અને કોઈને પક્ષપાત કરે છે. કારણ કે વ્યક્તિ ઉતાવળ્યો સાબિત થયો છે. પોતાને લાગતા વળગતાને કાયદા વડે ફાયદો પહોંચાડવો અને અણગમતા વ્યક્તિઓથી બદલો લેવો તે કાયદા બનાવનારાઓની માનસિકતા રહી છે. પછી ક્યારેક કાયદો ન્યાયી હોવા છતાં કાયદાનું અર્થઘટન કરનારા કોર્ટના જજો કેસમાં સંડોવાયેલા લોકોની જાત, ધર્મ અને સામાજીક દરજ્જાને જોઈને ફેંસલો કરે છે. એવું જ કંઇ ગુલબર્ગ હત્યાકાંડના દોષિતો સાથે બન્યું છે. તેમને જે રાહત આપવામાં આવી છે તેની પાછળ આ જ કારણો જવાબદાર છે.
આપણા સૌના સર્જક અને પાલનહારે જે કાયદો મનુષ્યજાત માટે ઘડયો છે તે અદ્ભૂત અને ઉચ્ચ કોટીએ છે. તેનાથી ઉપર ન્યયાની કલ્પના શક્ય નથી. અલ્લાહ ધરતી પર ન્યાયની સ્થાપના કરવાનું ફરમાન કરતા જણાવે છે કે, “હે લોકો, જેઓ ઈમાન લાવ્યા છો ! અલ્લાહ માટે સચ્ચાઈ ઉપર કાયમ રહેવાવાળા અને ન્યાયની સાક્ષી આપવાવાળા બનો, કોઈ જૂથની દુશ્મનાવટ તમને એટલા ઉત્તેજિત ન કરી દે કે તમે ન્યાયથી ફરી જાઓ. ન્યાય કરો, આ તકવા (અલ્લાહથી ડરવા) સાથે વધુ સુસંગત છે. અલ્લાહનો ડર રાખીને કામ કરતા રહો, જે કંઈ તમે કરો છો અલ્લાહ તેનાથી પૂરેપૂરો વાકેફ છે.” (સૂરઃ માઇદહ-૮)
અલ્લાહ ન્યાયની બાબતમાં બિલ્કુલ નિષ્પક્ષ છે તેથી તેણે એવા કાયદા આપ્યા કે જેથી ગુના અત્યાચાર કે જુલમ કરતા પુર્વે વ્યક્તિ ૧૦૦ વાર વિચાર કરે. કુઆર્નનો આદેશ છે, “હે લોકો, જેઓ ઈમાન લાવ્યા છો ! તમારા માટે હત્યાના ખટલાઓમાં કિસાસ(બદલો)નો હુકમ લખી દેવામાં આવ્યો છે. આઝાદ (ગુલામ ન હોય તે) મનુષ્યએ હત્યા કરી હોય તો તે આઝાદ મનુષ્યથી જ બદલો લેવામાં આવે, ગુલામ હત્યારો હોય તો તે ગુલામની જ હત્યા કરવામાં આવે અને સ્ત્રી આ ગુનાનું આચરણ કરી બેસે તો તે સ્ત્રી પાસેથી જ કિસાસ લેવામાં આવે.”(સૂરઃબકરહ-૧૭૮).
બીજી જગ્યાએ અલ્લાહનો ઇર્શાદ છે,”તૌરાતમાં અમે યહૂદીઓ માટે આ આદેશ લખી દીધો હતો કે પ્રાણના બદલે પ્રાણ, આંખના બદલે આંખ, નાકના બદલે નાક, કાનના બદલે કાન, દાંતના બદલે દાંત અને તમામ ઈજાઓ માટે સમાન બદલો. પછી જે કિસાસ (ખૂનનો બદલો) દાન કરી દે તો તે તેના માટે કફ્ફારો (પ્રાયશ્ચિત) છે, અને જે લોકો અલ્લાહના અવતરિત કરેલા કાનૂન મુજબ ન્યાય ન કરે તેઓ જ અત્યાચારી છે.” (સૂરઃ માઇદહ-૪૫)
આવા સરળ અને સીધા કાયદા હોય ત્યારે જ વ્યક્તિ ગુનાખોરીથી દૂર રહી શકે છે. માનવસર્જીત કાયદાઓ વ્યક્તિને કાયદાની ગંભીરતા અને તેની પકડથી એટલો ડર પેદા કરતા નથી જેટલો ડર અલ્લાહના કાયદાઓને લાગુ કરવાથી થઈ શકે છે. આવા સખત કાયદા લાગુ કરવામાં નહીં આવે તો ગુલબર્ગ કે નરોડા પાટિયા કે ન જાણે કેટકેટલા હત્યાકાંડો સર્જાતા રહેશે અને મનુષ્યો ન્યાય માટે તરસતા રહેશે.