છેલ્લા કેટલાક દિવસોથી ગૌ-રક્ષાનો પ્રશ્ન સતત ચર્ચામાં છે. સમગ્ર દેશનું ધ્યાન એ જ તરફ દોરાઈ ગયું છે. ઉત્તરપ્રદેશમાં યોગી આદિત્યનાથ દ્વારા મુખ્યમંત્રી તરીકે શપથ ગ્રહણની સાથે જ ત્યાં ગેરકાયદેસર કતલખાના બંધ કરવાના નામે આ આખા કારોબારને અમલી રીતે ખતમ કરવા માટે પગલા ભરવામાં આવ્યા જેનાથી લાખો લોકોના ધંધા-રોજગાર સંકળાયેલા છે. ગૌ-રક્ષકોની ગતિવિધિઓ ફરીથી તીવ્ર બની ગઈ છે. ભાજપના જ શાસનવાળ રાજ્ય રાજસ્થાનમાં અલ્વર જિલ્લામાં એક મુસ્લિમ વ્યક્તિને મારી મારીને હત્યા કરી નાખવામાં આવી. જો કે એ માણસ ગૌ-હત્યામાં સંડોવાયેલ ન હતો. એ માણસ સરકારી બજારથી ગાય ખરીદીને તમામ કાગળો, રસીદો અને દસ્તાવેજો સાથે તેમને સ્થળાંતર કરી રહ્યો હતો. પરંતુ કહેવાતા કે બની બેસેલા ગૌ-રક્ષકોએ તેને તથા તેના સાથીઓને અમાનવીય રીતે તેની મારપીટ કરી જુલ્મ તથા અત્યાચારની હદ વટાવી નાખી, પરિણામે એ વ્યક્તિ પહેલુખાન મૃત્યુ પામી. સૌથી વધુ આશ્ચર્યની તથા અફસોસની વાત આ છે કે ગાય માટે ખૂબજ કડક કાયદાઓ ઘડનારાઓ માટે એક માનવીની જીવ-પ્રાણની કોઈ જ કીમત નથી રહી. રાજસ્થાનના ગૃહમંત્રી આ ઘટનાને ફકત મારપીટ ઠેરવે છે. જ્યારે કે એ ઘટનામાં એક માણસના પ્રાણ ગયા છે. આ ઘટનાનો વીડિયો સમગ્ર દેશમાં ફરી રહ્યો છે છતાં કેન્દ્રીય મંત્રી મુખ્તાર અબ્બાસ નકવીએ શરૂઆતમાં તો આવી કોઈ ઘટના બની હોવાનો જ ઇન્કાર કર્યો હતો.
આ દેશમાં માનવોને એવા એવા પ્રશ્નોનો સામનો કરવો પડી રહ્યો છેકે જેમના પર સમયસર અને યોગ્ય કાર્યવાહી કરવી સરકારોની જવાબદારી તથા ફરજ પૈકી છે. અહીં લોકો બે ટંક ભોજન માટે તડપી રહ્યા છે. ગરીબી તથા દરિદ્રતામાં ઉત્તરોત્તર વધારો થતો જઈ રહ્યો છે. ઘણી મોટી સંખ્યાને રોજગાર પ્રાપ્ત નથી, તો અનેકોને ઇલાજ ઉપલબ્ધ નથી. આ દેશમાં લાખો બાળકો કૂપોષણના શિકાર બનેલા છે, અને આના પરિણામે મોતના કોળિયા બની જાય છે. આ દેશમાં અનેક ગામડાઓ એવા છે કે જ્યાંના લોકોને આ જ સુધી વીજળીની સુવિધા નથી મળી શકી. આ જ દેશમાં કરોડો લોકો એવા છે કે, જેમને શૌચાલયોની સગવડ પ્રાપ્ત નથી. અહીં અનેક હોસ્પિટલો એવા છે કે જ્યાં ન તો પૂરતી દવાઓ ઉપલબ્ધ છે અને ન જ પૂરતા ડોકટર્સ. આ દેશમાં કરોડો યુવાનો એવા છે કે જેમને રોજગાર પ્રાપ્ત નથી. અહીં અસંખ્ય કુટુંબો એવા છે કે જેઓ મૂળભૂત સવલતોથી વંચિત છે. આ અને આવા અનેક પ્રશ્નો કે સમસ્યાઓ મોં ફાડીને ઊભી છે કે જેમના તરફ ધ્યાન આપવાના બદલે આપણી સરકારો આસ્થા અને અકીદતના પ્રશ્નોમાં ગૂંચવાયેલી છે. સમગ્ર દેશના સેકયુલર મૂલ્યોને નેસ્તનાબૂદ કરવા પ્રયત્નો થઈ રહ્યા છે અને તમામ રાજકારણ ગાયની આસપાસ ઘૂમી રહ્યું છે. કોઈ જગ્યાએ ગૌ-રક્ષા માટે આજીવન કારાવાસની સજા કરવા જેવા સૂચનો અપાઈ રહ્યા છે તો કોઈ રાજ્યમાં આના માટે મૃત્યુદંડની સજા માટે કાયદો ઘડવા સુધી પહોંચી ગયા છે. કદાચ સમગ્ર વિશ્વમાં એક માત્ર ભારત્ જ એવો પ્રથમ દેશ હશે કે જ્યાં કોઈ પ્રાણીના પ્રાણ લેવા બદલ માનવીને મૃત્યુદંડની સજા ફરમાવવામાં આવશે.
જો કોઈ પ્રાણીને કોઈ ધર્મમાં પવિત્ર સમજવામાં આવે છે તો આ તેના ધર્મનો પ્રશ્ન છે. દેશના કાયદાઓ તથા દેશના પાયાના કે મૂળભૂત માળખાનો પ્રશ્ન હોઈ શકે નહીં. કોઈ પણ ધર્મમાં આ વાતની પરવાનગી નથી આપી શકાતી કે કોઈ પ્રાણીને બચાવવા માટે માનવીના પ્રાણ લઈ લેવામાં આવે કે તેને મારી નાખવામાં આવે. થોડાક મહિનાઓ પહેલાં આપણા વડાપ્રધાને પણ દેશના ગૌ-રક્ષકોને પોતાની ટીકાનો ભોગ બનાવ્યા હતા અને તેમને ધંધાદારી ઠેરવ્યા હતા. તેમ છતાં આ કહેવાતા ગૌ-રક્ષકો ફરીથી સક્રિય થઈ ગયા છે, , અને પોતાના હેતુઓ તથા ઇરાદાઓને ગૌ-રક્ષાના નામે પાર પાડવા માટે લાગી ગયા છે કે બીજા શબ્દોમાં મંડી પડયા છે. તેમને રાજ્ય સરકારોની પ્રત્યક્ષ રીતે સરપરસ્તિ પ્રાપ્ત છે. કાયદા-વ્યવસ્થાના રખેવાળ પણ તેમની સામે લાચાર તથા વિવશ દેખાવા લાગ્યા છે. આ એવી પરિસ્થિતિ સર્જાઈ છે કે જે અત્યંત અફસોસજનક અને ચિંતાજનક છે. આનું તાત્કાલિક નિવારણ થવું જોઈએ. /