દેશમાં ચૂંટણીઓ નજીક આવી રહી છે ત્યારે બધા જ રાજકીય પક્ષો પોતાની રીતે ચૂંટણીમાં પોતાનો પક્ષ સારો દેખાવ કરે અને વધુને વધુ લોકો પોતાના પક્ષને મત આપે તેવા પ્રયત્નો કરે છે. ત્યારે કેટલાક એવા પ્રશ્નો કે મુદ્દાઓ ફરીથી ઊભા કરવામાં આવે છે જે છેલ્લા પાંચ વર્ષથી બિલકુલ ભુલાઇ ગયા હોય. ફકત ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને જ એને કોઇપણ ભોગે સમાજનો મોટો વર્ગ પોતાના પક્ષ તરફ આકર્ષાય તેવા આશયથી ધર્મના આધારે, જાતિના આધારે કે પછી પ્રાંત કે વિસ્તારના આધારે લોકોની લાગણીઓ ઉશ્કેરવાનો પ્રયત્ન કરવામાં આવે છે. શાસક પક્ષ દ્વારા કરવામાં આવતા અન્યાય દૂર કરવાની વાતો કરી લોકોની સહાનુભૂતિ મેળવવાના પ્રયત્નો કરતા હોય છે.
આ ઉપરાંત હવે તો કરોડો રૃપિયાની જાહેરાતો પ્રસારિત કરી પ્રચાર પ્રસારના નિષ્ણાંતોને અઢળક રૃપિયા આપી કુત્રિમ લોકપ્રિયતાની હવા ઊભી કરવાના પણ પ્રયત્નો રાજકીય પક્ષો દ્વારા કરવામાં આવે છે. ત્યારે આપણા દેશમાં થતી ચૂંટણીઓમાં સૌથી વધુ ગેરલાભ જો કોઇ સમાજ કે વર્ગને કરવામાં આવતો હોય તો તે દલિત અને મુસ્લિમ સમાજ છે. કારણ કે આ સમાજના લોકો આઝાદીથી અત્યાર સુધી દબાયેલ, પછાત, અશિક્ષિત અને અસંગઠિત રહ્યા છે. તેથી રાજકીય પક્ષો માટે આ સમાજ એક સસ્તી વોટબેંક તરીકે ઉપયોગી બને છે. જેમને આસાનીથી પોતાની તરફ વાળી શકાય તેમ હોય, રાજકીય પક્ષો તેમનો ભરપૂર લાભ ઉઠાવતા રહ્યા છે. ક્યારેક લાલચ આપીને, ક્યારેક લોભામણી જાહેરાતો કરીને, ક્યારેક ધાર્મિક લાગણીઓ ઉશ્કેરીને, તો વળી ક્યારેક ડર બતાવી ભયભીત કરીને તેમને પોતાના પક્ષમાં કરવાના પ્રયત્નો રાજકીય પક્ષો દ્વારા કરવામાં આવે છે. આ સમાજના મોટાભાગના લોકો જે પક્ષ તરફ વળે તે રાજકીય પક્ષને ચૂંટણીમાં ચોક્કસ લાભ થતો જ આવ્યો છે.
પરંતુ ચૂંટણી બાદ સત્તા ઉપર આવ્યા બાદ ક્યારેય સદ્ભાવના રાખી સાચા દિલથી આ સમાજના લોકોને સાચા અર્થમાં મદદ કરવાની કે તેમના વિકાસ માટેના કામો કરવાની ચિંતા કોઇ જ પક્ષ દ્વારા કરવાની આવતી નથી. તેનું મુખ્ય કારણ સમાજમાં શિક્ષણ અને જાગૃતિનો અભાવ તેમજ સમાજનું પ્રતિનિધિત્વ કરનારા નેતાઓની સ્વાર્થવૃત્તિ છે. જે નેતાઓ સમાજના ટેકાથી ચૂંટાઇ પક્ષમાં ઉચ્ચ હોદ્દા સુધી પહોંચે છે તે સત્તા ઉપર આવ્યા બાદ પોતાની જ ખીચડી પકવવા લાગી જાય છે. પોતાનો ઉદ્યોગ કે પોતાની રાજકીય વગ ઊભી કરવાની ટૂંકી દૃષ્ટિથી કામ કરતા હોઇ સમાજને લાભદાયક થવાને બદલે સમાજના હિતને અને સમાજની છબીને મોટું નુકસાન પહોંચાડતા હોય છે.
છેલ્લા ૬૫ વર્ષનો ઇતિહાસ જોતા માલૂમ પડે છે કે દલિત અને મુસ્લિમ સમાજ એક સમાન સ્થિતિમાં હોવા છતાં દલિત સમાજમાં વધુ જાગૃતિ આવી હોવાને લીધે આ પ્રકારના શોષણનો શિકાર બનવાની વાસ્તવિક્તાથી વાકેફ થઇ ગયા છે. દલિત સમાજમાં જબરદસ્ત જાગૃતિ આવી છે. દેશનો દલિત સમાજ સંગઠિત થઇ એક પ્લેટફોર્મ ઉપર આવી પોતાની વાત દેશના રાજકારણમાં મુકવામાં સફળ થયો છે અને દેશના મુખ્યધારાના રાજકીય પક્ષોએ પણ તેમની નોંધ લેવી પડી છે. પરિણામે પક્ષની વિચારધારામાં નીતિઓમાં પણ ફેરફાર કરવા મજબૂર થવું પડ્યુ ંછે અને દેશના સૌથી મોટા રાજ્ય ઉત્તરપ્રદેશમાં માયાવતી જેવા દલિત મહિલા રાજ્યના મુખ્યમંત્રી પણ બની શક્યા છે. કમનસીબે આ પ્રકારની કોઇ જાગૃતિ મુસ્લિમ સમાજમાં હજુ સુધી આવી શકી નથી. કારણ કે મુસ્લિમ સમાજ આજે પણ અનેક ફિરકાઓમાં વહેંચાયેલો રહ્યો છે, જે એકબીજાનો વિરોધ કરવામાં જ વ્યસ્ત રહે છે. તેથી જ દેશના સોથી મોટા મુખ્ય બે પક્ષોમાંથી એકને આપણી પોતાની સિક્યોર્ડ વોટબેંક હોવાનો ભરોસો હોઇ સુંદર લોલીપોપ બતાવીને ભયભીત કરીને વોટ મેળવી મુસ્લિમ સમાજની ઉપેક્ષા જ કરતા આવ્યા છે. મુસ્લિમ સમાજનાં મતો એકસાથે કોઇ એક પક્ષને ના મળે તો કંઇ નહીં, આપણાં મતોનું વિભાજન કરી મતો તોડવાની રાજનીતિ દ્વારા હરીફ ઉમેદવારને હરાવવાના કામમાં મુસ્લિમ મતોનો ઉપયોગ થઇ રહ્યો છે. પરિણામે મુસ્લિમ મતો અપક્ષો અને નાના રાજકીય પક્ષોમાં વહેંચાઇ જાય છે. જે મુખ્યધારાના ઉમેદવારને જીતાડવા કરતા હરાવવા માટે વધુ કામમાં આવે છે.
તેથી જો આજની આ પરિસ્થિતિમાં મુસ્લિમ સમાજે આવનાર ચૂંટણીઓનો પૂરેપૂરો લાભ લેવો હોય તો બધાએ જાગૃત થવું પડશે. લોભામણી જાહેરાતો કે ડરની રાજનીતિના શિકાર બનવાથી બચવું પડશે. તેમજ સંગઠિત થઇ શક્તિ પ્રદર્શન કરવું પડશે. તેમજ એ હકીકતથી વાકેફ થવું પડશે કે બધા જ રાજકીય પક્ષો ગીવ એન્ડ ટેકની નીતિ જ અપનાવી રહ્યા છે. તેમને કંઇક ફાયદો મળશે તો જ સામા પક્ષે કંઇક આપવા તૈયાર થશે. બાકી કોઇ જ પક્ષ સાચા દિલથી કે ખરેખર સદ્ભાવના દાખવી કોઇપણ સમાજનું ભલું કરવા બેઠો નથી. આજે મોટામોટા ઔદ્યોગિક એકમો અને કોર્પોરેટ હાઉસ પણ પક્ષના પ્રચાર માટે ફાળો આપી ભવિષ્યમાં લાભ મેળવવાની યોજના બનાવી કામ કરે છે, માટે આપણે પણ સંગઠિત થઇ મતોના બદલામાં ફકત ટૂંકાગાળાના કે વ્યક્તિગત લાભો મેળવવાને બદલે સૌને આગળ વધવાની સમાન તકો મળે. શિક્ષણની સુવિધા મળે, નાનામાં નાની વ્યક્તિને પણ પોતાની આવડત દેખાડવાની સમાન તક મળે, સમાજની બધી જ કમીઓ દૂર થાય તેવા કાર્યક્રમો અને નીતિઓ ઘડાય એ માટે રાજકીય પક્ષો ઉપર દબાણ લાવી બદલામાં મત આપવાની યોજના ઘડવી પડશે. ફકત સદ્ભાવનાની વાતો કરી મુસ્લિમ પહેરવેશ ધારણ કરી સસ્તી લોકપ્રિયતા મેળવી મુસ્લિમ વિસ્તારમાં જમણવાર યોજી કે રોકડ રકમ વહેંચી લોકોને છેતરી મતો ઉઘરાવી લેનાર નેતાઓને હવે પ્રજાએ તરછોડવાનો સમય આવી ગયો છે. આવા બધા જ લાભો મેળવીને પણ પોતાનો મત તો એવા ઉમેદવારને જ આપવો કે જે વિસ્તારના અને સમાજના વિકાસના કામો કરાવે, જરૃરિયાતની સગવડો જેવી કે પાણી, વીજળી, રસ્તાઓ, ગટર, સફાઇ વગેરે ઝડપથી ઊભી કરાવે તેમજ શૈક્ષણિક સંસ્થાઓ અને સાર્વજનિક દવાખાના ખોલાવે, કાયદો અને વ્યવસ્થા સારી રીતે જળવાય તેવા પ્રયત્નો કરે વગેરે.
જો આ રીતે આપણે સૌ એક થઇ આવનાર ચૂંટણીઓમાં ભાગ લઇશું તો લોકશાહીના પર્વ સમાન ચૂંટણીઓનો સાચા અર્થમાં લાભ લઇ શકીશું. તેમજ દેશની મુખ્યધારામાં રહી હકારાત્મક વલણ સાથે દેશની રાજનીતિને અને નેતાઓને પોતાની નોંધ લેવા મજબૂર કરી શકીશું, નહીંતો નેતાઓ હંમેશાની જેમ જ આપણો ઉપયોગ કરી સમાજને ભૂલી પોતાની જ મસ્તીમાં મસ્ત રહેશે. પોતે પ્રગતિ કરશે અને આપણે ત્યાં ને ત્યાં જ રહીશું.
ટુંકમાં કહેવું હોય તો એટલું જ કહી શકાય કે,
ખુદાને આજ તક ઉસ કોમકી હાલત નહીં બદલી
ન હો જીસકો ખયાલ ખુદ અપની હાલત કે બદલને કા
(સાભાર: અંજૂમન વોઇસ)