બધા જ ધર્મોમાં લગ્નના પવિત્ર બંધનનો સ્વીકાર કરવામાં આવ્યો છે. અને લગ્ન બહારના જાતીય સંબંધોને અર્થાત્ વ્યભિચારને પાપ ગણવામાં આવ્યું છે. લગ્ન થકી જ એક સ્ત્રી અને એક પુરૃષ કાયદેસર પતિ પત્નિ તરીકેના સંબંધોની શરૃઆત કરે છે જે નૈતિક તો છે જ પરંતુ સ્વસ્થ સમાજ માટે પણ ખૂબ આવકાર્ય છે. જોકે ભારતની સર્વોચ્ચ અદાલતે ‘લિવ ઇન રિલેશનશીપ’ને આ દેશની સંસ્કૃતિ અને રીતિ રિવાજો વિરુદ્ધ કાયદેસરની માન્યતા આપી છે એ આશ્ચર્યજનક જ નહીં આઘાતજનક પણ છે. આની સાથે સાથે ચિંતાજનક સમાચાર આવ્યા છે કે દેશમાં છૂટાછેડા લેવાની બાબતમાં ગુજરાતનો ક્રમ બીજો છે. એના જેવા જ બીજા તાજેતરના સમાચાર ઃ હનીમૂનથી પરત આવ્યા પછી દંપતીઓમાં છૂટાછેડાનું પ્રમાણ વધી રહ્યું છે. આ પ્રમાણ ગામડાઓ કરતાં શહેરોમાં વધુ છે એ પણ નોંધવું જોઈએ. પશ્ચિમી સંસકૃતિની નકલ કરતી આજની પેઢીએ પાશ્વાત્ય રહેણીકરણી અને ખાણીપીણીની સાથે સાથે શારીરિક સંબંધોની બાબતો પણ કોઈ છોછ વિના સ્વીકારી લીધી છે. પરિણામે લગ્ન પહેલાં જ મોટાભાગના યુવાનો-યુવતિઓ શરીર સુખ માણી લે છે. અને લગ્નના થોડાક જ મહીનામાં છૂટાછેડા લેવા માટે અદાલતોમાં અપીલ કરે છે. સમાજશાસ્ત્રીઓ અને મનોવિજ્ઞાાનીઓની સાથે સાથે સામાન્ય લોકો માટે પણ આ એક ચિંતન અને મનનની બાબત છે.
છૂટાછેડા માટે ઘણા બધા કારણો હોઈ શકે છે પરંતુ મનોવિજ્ઞાાનીઓ જે પ્રમુખ કારણો ગણાવે છે એમાં સૌ પ્રથમ તો આ છે કે શારીરિક જોડાણ તો સ્વભાવિક છે જ પરંતુ માનસિક જોડાણ અને એકબીજા પ્રત્યેની લાગણી લગ્ન સંબંધ ટકાવી રાખવા માટેનું મહત્ત્વનું પરિબળ છે. આ બંને બાબતો ન હોય તો એક અથવા બંને પાત્રો શરીર સુખને માત્ર યાંત્રિક કે નિરસ કસરત માનવા લાગે ત્યારે એકબીજાથી દૂર જઈ રહ્યા હોવાની અનુભૂતિ તીવ્ર બની જાય છે. કોઈને પ્રશ્ન થાય કે આપણા રૃઢિચુસ્ત સમાજમાં એરેન્જ મેરેજ થાય ત્યારે બે અજાણ્યા પાત્રો એકબીજાને ટુંક સમયમાં જ એકબીજાને સર્વસ્વ અર્પણ કરી દે અને એકબીજાને સમજવા લાગે એ જરા વધારે મુશ્કેલ કાર્ય છે. સત્ય લાગતી આ વાત અર્ધસત્ય છે. કેમકે આજના ઇન્ટરનેટ અને સ્માર્ટફોનના યુગમાં હવે બે પાત્રો એકબીજાથી અજાણ્યા નથી રહેતા. હવે તો પહેલાના જમાનાથી વિરુદ્ધ લગ્ન પહેલાં ઘણી મુલાકાતો અને વાતો થઈ જાય છે. એટલે એરેન્જ મેરેજમાં પણ બે પાત્રો લગ્ન સુધી એક બીજાથી ઠીકઠીક પરિચિત થઈ જ ગયા હોય છે. અને છતાંય છૂટાછેડા થાય છે? અને છૂટાછેડા માત્ર એરેન્જ મેરેજમાં જ થાય છે? ના. લવ મેરેજ કરનારા પ્રેમી પંખીડાઓમાં પણ હવે તલાકનું પ્રમાણ વધતું જઈ રહ્યું છે. તો શું લગ્ન પહેલાં પ્રેમ આંધળો હોય છે? લગ્ન પછી જ આંખો ખુલે છે? એવું નથી હોતું કે લગ્ન કરે એટલે માણસ બદલાઈ જાય છે એ તો એનો એ જ હોય છે પરંતુ લગ્ન પહેલાના રોમાન્સમાં માણસ તરીકેની બધી ત્રુટીઓ કે કમજોરીઓ પ્રત્યે આંખમિચામણા કરવામાં આવે છે. ત્રુટીઓ ત્રુટીઓ ન રહેતા પ્રેમનો એક અંદાજ નજર આવે છે. એમ પણ ઓછા સમયમાં છુપાતા લપાતા મળવાનું થાય એટલે માત્રને માત્ર પ્રેમની વાતો થાય છે પરંતુ લગ્ન પછી આ ત્રુટીઓ સ્પષ્ટપણે દેખાવા લાગે છે. એટલે બીજી પાત્રને પહેલું પાત્ર સાવ ‘બદલાયેલું’ લાગે છે. લગ્ન પછી સાચું સ્વરૃપ પ્રગટે છે. લગ્ન પહેલાં મોટી મોટી ખામીઓ પણ પ્યારી લાગે છે જ્યારે લગ્ન પછી નાની નાની કમજોરીઓ પણ બહુ ભારી લાગે છે.
છૂટાછેડાનું બીજું મહત્ત્વનું કારણ છે સહનશક્તિનો અભાવ. યુવાપેઢી ઝડપથી ધીરજ અને સહનશક્તિ ગુમાવતી જઈ રહી છે. ચીનમાં એક જ કુટુંબમાં સોથી પણ વધુ માણસો ધરાવતા કુટુંબના વડાને જ્યારે પ્રશ્ન પુછવામાં આવ્યો કે આટલું મોટું કુટુંબ છે છતાં કોઈ લડાઈ, ઝઘડો કે મારામારી નથી. આ એકતાનું રહસ્ય શું છે? ત્યારે પેલા વડીલે જવાબ આપ્યો – સહનશક્તિ, સહનશક્તિ, સહનશક્તિ. જોકે હવે ચીનમાં પણ ભારતની જેમ સંયુક્ત કુટુંબપ્રથા ધીરે ધીરે નષ્ટ થઈ રહી છે અને લોકો લગ્ન પછી પોતપોતાની ‘ન્યુક્લિઅસ’ ફેમિલીને લઈ અલગ રહેવા જઈ રહ્યા છે એના મૂળમાં પણ સહનશક્તિનો અભાવ જ છે. સાથે રહેવું એટલે સહન કરવું. પરંતુ આજની આધુનિક અને ભણેલી ગણેલી યુવતીઓ પોતાની સ્વતંત્રતાને ગુમાવવા ઇચ્છતી નથી એટલે દંપતીઓ અલગ રહેવાનું પસંદ કરે છે. પરંતુ બધા જ કુટુંબમાં આ સગવડ નથી હોતી કે લગ્ન થાય એટલે છોકરાને અલગ ફલેટ કે મકાન અપાવી દેવામાં આવે. જ્યાં માતાપિતા રૃઢિચુસ્ત હોય, મકાન નાનું હોય, પતિ માબાપથી અલગ જઈને રહેવામાં માનતો ન હોય ત્યાં સ્વભાવિક રીતે જ પતિ પત્નિ વચ્ચે બોલાચાલી અને ઘર્ષણ ઉત્પન્ન થાય છે અને ઘણાબધા કિસ્સામાં છૂટાછેડામાં પરિણમે છે. જે યુવાનો અને ખાસ કરીને યુવતિઓ લગ્ન પહેલા ફિલ્મો અને સીરીયલોની ઝકઝમાળથી અંજાયેલી હોય છે એ લગ્ન પછી જીવનની કડવી વાસ્તવિકતાઓ ‘એડજસ્ટ’ કરતા નથી શીખી શકતા તેઓ મોહભંગ પામે છે અને ‘જેવું વિચાર્યું હતું એવું મળ્યું નહીં’ની ફરિયાદો કરતાં ‘આપણે તો ફસાઈ ગયા’ની લાગણી અનુભવે છે, એમાંથી ઘણા લોકો છૂટાછેેડા ભણી દોરાઈ જાય છે. સદીઓ જૂની કહેવત કે ‘લગ્ન માત્ર બે શરીરોનું જ નહીં બે આત્માઓનું પણ મિલન છે’ જેવી ભારેખમ ફિલસૂફીને બદલે સાવ સરળ શબ્દોમાં લગ્નની વ્યાખ્યા આપી શકીએ કે ‘જ્યાં બે સમજણો ભેગી મળી ઐકય રચે એનું નામ લગ્ન’ આ સરળ વાતને દંપતીઓ સમજી લે તોય ઘણા ઘર, દિલ અને જીવન તૂટતા બચી જાય.
છૂટાછેડા માટેનું ત્રીજું એક મહત્ત્વનું કારણ આ છે કે આજની સ્ત્રીઓ, માનસિક અને આર્થિક રીતે સબળી થઈ રહી છે. છૂટાછેડા લેતા દંપતીઓમાં મોટાભાગના બંને પાત્રો કમાતા હોય છે. આનો અર્થ એ થયો કે સ્ત્રીઓ પુરૃષોનું આધિપત્ય સ્વીકારા તૈયાર નથી. એમને લાગે છે કે તેઓ પુરૃષો ઉપર આધાર રાખ્યા વિના પણ પોતાનો જીવનનિર્વાહ સરળતાથી કરી શકે છે. આ માનસિકતાને લીધેે શિક્ષિત યુવાનો અને યુવતીઓ મોડા લગ્ન કરે છે. ઘણી શિક્ષિત યુવતીઓ તો લગ્નમાં માનતી જ નથી, એકલી જ જીવન પસાર કરી નાખે છે તો ઘણી બધી યુવતીઓ ‘લિવ ઇન રિલેશનશિપ’માં જીવવા લાગે છે તો કેટલીક ‘વન નાઈટ સ્ટેન્ડ’ અર્થાત કોઈ અજાણ્યા પુરૃષ સાથે એક રાત શરીર સુખ માણી લે છે. સમાજશાસ્ત્રીઓ માટે ચિંતાનો વિષય આ જ છે કે તૂટતી જતી લગ્ન પરંપરાને કેવી રીતે અટકાવી શકાય? સમાજશાસ્ત્રીઓને માથું ખંજવાળતી કરે એવી બીજી બાબત આ છે કે આધુનિક દંપતીઓ લગ્નના એક કે બે વર્ષની અંદર જ છૂટાછેડા માટે અરજી કરે છે. અને અરજી કર્યા પછી એમને ફટાફટ છૂટા થઈ જવું હોય છે. કોર્ટમાં તારીખો પડતી રહે એ એમનાથી સહન થતું નથી. એમને તો ચટ અરજીને પટ છૂટાછેડા લઈ લેવા હોય છે. અને એના માટે એમને કોઈ પસ્તાવો પણ નથી હોતો. કેટલાક તો ભરણપોષણની માથાકૂટમાં પણ પડતા નથી. બસ જલ્દીથી છુટા થઈ જવાય તો બીજા કોઈ પાત્રને શોધી લઈએ એવી ઉત્કંઠા હોય છે.
મુંબઇના એક મેરેજ કાઉન્સેલર (લગ્ન સલાહકાર)ના જણાવ્યા મુજબ પહેલાના સમયમાં દહેજ, મિલકતના ઝગડા અને કુટુંબમાં થતી બોલાચાલીને લીધે છૂટાછેડાના કેસ ફાઈલ કરવામાં આવતા હતા પરંતુ આજના યુવા દંપતીઓ એટલા નિખાલસ થઈને છૂટાછેડાનું કારણ આપે છે કે વિજાતીય પાત્ર મને ગમતું નથી!
છૂટાછેડાનું એક કારણ કદાચ આ પણ હોઈ શકે કે કાયદામાં સ્ત્રીને ઘણા બધા અધિકારો આપી દેવામાં આવ્યા છે. અમે ચોખવટ કરી લઈએ કે અમે સ્ત્રી વિરોધી કે સ્ત્રી સમાનતાના કે ફેમીનીઝમના વિરોધી નથી પરંતુ આ સત્ય બાબત કોઈનું ધ્યાન જતું નથી. યુરોપ અમેરિકામાં છૂટાછેડાનું પ્રમાણ દર હજાર દંપતીઓ દીઠ ૪૦૦ થી ૫૦૦ હોય છે એનું એક કારણ તો એ છે કે સ્ત્રીને કાયદાકીય અધિકારો ઘણા છે. પુરૃષ સ્ત્રીને છુટાછેડા આપે એટલે સાથે એણે એની ૫૦ ટકા મિલકત પણ આપી દેવાની હોય છે! ઘણી બધી સ્ત્રીઓ યુરોપમાં માલદાર પુરૃષો સાથે માત્ર એટલા માટે લગ્ન કરે છે કે થોડા સમય પછી તલાક લઈ લેવાની એટલે ઘેરબેઠા કરોડપતિ! એમાં પતિ બીચારો રોડપતિ બની જાય છે. યુરોપ અમેરિકા જેટલી કાયદાકીય છુટો હજી આપણા દેશે સ્ત્રીઓને આપી નથી પરંતુ જે કેટલાક કાયદા છે એમાં પુરૃષો ઉપર રીતસરનો અન્યાય થાય છે. આવી જ એક કલમ શારીરિક અને માનસિક ત્રાસ આપવામાં આવતો હોય તો ૪૯૮ (એ)ની કલમ લગાવવામાં આવે છે. સ્ત્રીઓએ આ કલમનો ઘણો દુરૃપયોગ કર્યો છે. જોકે હવે કોર્ટો પુરતા પુરાવા ન હોય તો સ્ત્રીઓની તરફેણ કરતી નથી. હવે એમાં પુરૃષોની પણ સુનાવણી થાય છે. આ જ કલમનો દુરૃપયોગ કરીને ઘણી સ્ત્રીઓએ પતિ પાસેથી છુટાછેડા અને ભરણપોષણ મેળવ્યા હતા. ઘણા બધા કિસ્સામાં પુરૃષ બિચારો નિર્દોષ હોય તો પણ વકીલો અને પોલીસની સાંઠગાંઠથી પુરૃષો ઉપર અત્યાચાર ગુજારવામાં આવતો હતો જો કે હવે પરિસ્થિતિ સુધરી છે.
છૂટાછેડા માટે માબાપને પણ જવાબદાર ગણવા જોઈએ? જે સ્ત્રીઓ પોતાની મમ્મીઓને દાદી સાથે લડતી ઝઘડતી જોતી હોય એ સાસરે જઈને પોતાની સાસુ-નણંદ સાથે ન લડે તો જ નવાઈ! અને સાસરામાં લડાઈ ઝઘડો થાય ત્યારે ઘણા માબાપ છોકરીને સમજાવવાને બદલે એનું ઉપરાણું લેતા હોય છે, અને જેવા સાથે તેવાની નીતિ અખત્યાર કરવાની ખોટી સલાહ આપતા હોય છે. આમાંથી સંઘર્ષ વધુ મોટો થાય છે અને પતિ, સાસુ, સસરા અને નણંદ સાથેનો ઝઘડો વધતો જ જાય છે, જે મોટાભાગના કિસ્સામાં છૂટાછેડામાં પરિણમે છે.
આજે આવશ્યકતા તો આ વાતની છે કે માબાપે છોકરીઓને ફેશન અને સ્ટાઈલની સાથે સહનશક્તિ, ધીરજ અને નરમાશના ગુણો પણ શીખવવા જોઈએ. એની સામે છોકરાના માતાપિતા (અને ખાસ કરીને બહેન)ની આ ફરજ છે કે વહુને દીકરી સમાન ગણી એની નાની નાની ભૂલોને ક્ષમા આપી ઘરના વાતાવરણમાં કેવી રીતે ગોઠવાઈ જવું એ શીખવવું જોઈએ. આ ઘણી જ સામાન્ય બાબત જોવામાં આવી છે કે છોકરો નોકરી ધંધાથી થાકેલો હારેલો સાંજે આવે તો એની મમ્મી વહુની કરમકથની કહેવા બેસી જાય છે. આમાં મોટાભાગની વાતોમાં કંઇ દમ નથી હોતો પરંતુ આવી નાની નાની બાબતોમાંથી મોટો સંઘર્ષ જન્મે છે. પછી ઝઘડા અને અંતે છૂટાછેડા થાય છે.
અમેરિકન સાયકોલોજીસ્ટ જ્હોન ગોટમેનનું કહેવું છે કે ચાર બાબતોના લીધે છૂટાછેડાનું પ્રમાણ વધે છે (૧) ટીકાટીપ્પણી – દરેક વાતમાં એકબીજાની ટીકાટીપ્પણી કરી ઉતારી પાડવું (૨) એકબીજાનું સન્માન ન કરવું (૩) ખોટો બચાવ – જેે લોકો જવાબદારી સ્વીકારતા નથી તેઓ સમસ્યાને હલ નથી કરી શકતા અને પોતે ખોટા ખોટા બચાવ કરતા રહે છે. (૪) અક્કડપણું – ભૂલ ન સ્વીકારવી અને વધુ પડતી અક્કડતા દાખવવાથી વાત વધારે બગડે છે. સમાધાન નીકળવાને બદલે સમસ્યા વધે છે.
છૂટાછેડાને લીધે સ્ત્રી-પુરૃષ બંનેના દિલ અને દિમાગ ઉપર અસર પડે છે. તણાવ, બ્લડપ્રેશર, ખેંચ કે નિરાશા વ્યાપી જાય, જેનાથી તંદુરસ્તી ઉપર પણ અસર જોવા મળી શકે છે. બાળકો હોય તો તે કોની પાસે રહેશે એ સમસ્યા પણ ઉદ્ભવે છે. માબાપના ઝઘડાઓથી અને છૂટાછેડાથી એમના કુમળા માનસ ઉપર પણ કુપ્રભાવ પડે છે. તેઓ પણ નિરાશાનો શિકાર બની શકે છે. કેટલાક બાળકો તો ગુંડાગીર્દી કરવા લાગે છે.
દુર્ભાગ્યે આપણે ત્યાં મેરેજ કાઉન્સેલીંગ કે લગ્ન સલાહ કેન્દ્રો બહુ ઓછા છે. આમાં કોઈ મનોવિજ્ઞાાની પતિ-પત્નિ વચ્ચેની સમસ્યાઓને સમજાવીને ઉકેલ લાવે છે. અને મોટાભાગના કિસ્સામાં છુટાછેડા થતા અટકી જાય છે. બીજી સમસ્યા એ છે કે જો આવા સલાહ કેન્દ્રો હોય તો પણ ઘણા લોકો પોતાના અહંકારને લીધે જવાનું ટાળે છે કે શું અમે કંઇ ગાંડા થઈ ગયા છીએ? સરકાર આમ પણ આરોગ્ય વિષયક બાબતોમાં વધારે મૂડીરોકાણ કરતી નથી અને એમાં પણ દુર્ભાગ્યવશ માનસિક બીમારીઓ માટે કે સલાહ માટેના કેન્દ્રો બહુ ઓછા છે. લગ્ન સલાહ કેન્દ્રો મોટા શહેરોમાં તો કદાચ જોવા મળે પરંતુ નગરો અને ગામડાઓમાં બહુ ખરાબ પરિસ્થિતિ છે.
છૂટાછેડાની સમસ્યા કોઈ એક ધર્મ કે સમૂદાયના લોકો પૂરતી મર્યાદિત નથી રહી. દિનપ્રતિદિન આ સમસ્યા વિકરાળ રૃપ ધારણ કરતી જઈ રહી છે. આનો અંત લાવવાની જવાબદારી માત્ર મનોવિજ્ઞાાનીઓ કે સમાજશાસ્ત્રીઓની જ નથી, આપણા સૌની પણ છે.