Thursday, May 30, 2024
Homeપયગામજલ એ જ જીવન છે

જલ એ જ જીવન છે

પાણી એ આપણા પાલનહાર તરફથી ખુબ જ મોટી ભેટ છે.  જલથી જ જીવન છે. જીવનથી જ સમગ્ર સૃષ્ટિમાં સુંદરતા છે. જીવન ન હોય તો સૃષ્ટિનું અસ્તિત્વ નિરર્થક છે. અલ્લાહ તઆલા કુઆર્નમાં ફરમાવે છે કે,

“શું તે લોકો, જેમણે (પયગંબરની વાત માનવાનો) ઇન્કાર કરી દીધો છે, વિચાર કરતા નથી કે આ બધા આકાશો અને ધરતી એકબીજા સાથે જોડાયેલા હતા, પછી અમે તેમને અલગ કર્યા, અને પાણી વડે દરેક સજીવ વસ્તુ પેદા કરી ? શું તેઓ (અમારી આ સર્જન-શક્તિનો) સ્વીકાર કરતા નથી ?” (સૂરઃ અંબિયા-૩૦)

દરેક સજીવનું સર્જન પાણીથી કરવામાં આવ્યું છે. એ પાણી વિપુલ પ્રમાણમાં લોકોને મળી રહે તેના માટે અલ્લાહ તઆલાએ ‘જલચક્ર’ની વ્યવસ્થા કરી છે.દરિયાનું પાણી વાયુ બનીને ઉપર જાય છે ત્યાં વાદળોના રૃપમાં એકત્ર થાય છે. વાયુ તેને એક જગ્યાથી બીજે લઇ જવામાં મદદ કરે છે પછી તે પાણી બની વરસાદના રૃપમાં વરસે છે, અને મૃત પ્રાય થયેલી જમીનમાં ફરી જીવનના અંકુર ફુટે છે અને જોત જોતામાં સમગ્ર પૃથ્વી લીલીછમ બની જાય છે. જેમાંથી માનવો તેમજ બીજા પ્રાણી પક્ષીઓ પોતાની ખોરાક મેળવે છે. એ પાણીની કિંમત સમજાય કદાચ તે માટે જ રોઝામાં પીવાની પણ મનાઈ કરવામાં આવી છે. કુઆર્ન મજીદમાં આશરે ૬૩ વખત પાણીનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. પાણીનો આ મહત્ત્વ હોવાથી ઇસ્લામે તેને સાવચેતી અને કરકસરપૂર્વક ઉપયોગ કરવાની શિખામણ આપી છે. નમાઝ મુસલમાનો જે દિવસમાં પાંચ વખત પઢે છે તેના માટે વુઝુ કરવું ફરજીયાત છે. વુઝુમાં પણ પાણી ન વેડફવાની તાલીમ ઇસ્લામ આપે છે. ઇસ્લામ એક એવો ધર્મ છે જે માનવતાથી છલોછલ ભરેલો છે. પયગમ્બર મુહમ્મદ સ.અ.વ.એ ફરમાવ્યું, ‘અલ્લાહ તે વ્યક્તિ તરફ નજર નહીં કરે જેની પાસે પાણી હોય અને તે અવંતુક અથવા મુસાફરને ન આપે.’ પાણીને પ્રદુષિત કરવાથી પણ ઇસ્લામે રોક્યુ છે. પાણીના સ્ત્રોત પર કોઈ વ્યક્તિ કબ્જો જમાવી બેસી જાય અને ગરીબો તથા નિર્બળો ઉપર અત્યાચાર ગુજારે એ કાયદેસર નથી. હઝરત ઇબ્રાહીમની પુનિત પત્નિ હઝરત હાજરા પાસે જ્યારે ‘જુરહમ’ કબીલાના લોકો પહેરવા અને ઝમઝમના કુવાની પાસે રહેવાની પરવાનગી માંગી ત્યારે તેમની એક શરત આ હતી કે તેઓ પાણી ઉપર કબ્જો નહીં જમાવે. પયગમ્બર મુહમ્મદ સ.અ.વ.ના જમાનામાં એક યહુદી પાસે કુવો હતો જે લોકોને પાણી નહોતો લેવા દેતો અથવા મોટી રકમ તેના બદલામાં વસૂલ કરતો. ત્યારે તેમના એક દાનવીર અનુયાયી હઝરત  ઉસ્માન રદિ.એ કુવો ખરીદી લીધો અને તમામ લોકો માટે મફતમાં ખુલ્લો મુક્યો. આ જોઈ પયગમ્બર સાહેબ બહુ ખુશ થયા.

પયગમ્બર મુહમ્મદ સ.અ.વ.એ ફરમાવ્યું પાણીનો બગાડ ન કરો ભલે તમે દરિયાના કાંઠે હોવ, એ જ પાણી જેના ઉપર જીવન શકય છે જ્યારે અલ્લાહની નાફરમાની અને દુષ્કર્મો વધી જાય તો પ્રકોપનો સ્વરૃપ પણ ધારણ કરી લે છે. કુઆર્નમાં નુહ અલૈ.ની કોમનો ઉલ્લેખ છે જે પાણીના પ્રકોપથી નષ્ટ થઈ અને આજે દુનિયાના વિવિધ ભાગોમાં પુર તોફાનો અને સુનામીઓ આવતા રહે છે જે આપણને ચેતવે છે કે આપણે એ એક જ ઇશ્વરને માનીએ જે સમગ્ર સૃષ્ટિનો સર્જક અને સમગ્ર માનવોનો જીવન દાતા છે. *

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments