દેશની સ્વતંત્રતા પછી દેશની નિચલી જાતિઓ કે જેમની સાથે વર્ષોથી અન્યાય થયો હતો, તેમની સામાજીક અને આર્થિક અસમાનતાને દૂર કરવાના હેતુ સાથે બંધારણમાં અનામત દાખલ કરવામાં આવી. દેશના બંધારણના ઘડવૈયા અને પ્રથમ કાયદામંત્રી ડો. ભીમરાવ આંબેડકરે તેની માન્યતા અમુક વર્ષો સુધી જ સીમિત રાખી હતી. પરંતુ તે વર્ષો પુર્ણ થતા એ અનામતનો ઉપયોગ રાજકીય લાભ હાંસલ કરવા માટે થઈ ગયો. જે જાતિઓને અનામતનો લાભ મળતો હતો તેે જાતિઓ પાસેથી અનામત પાછું લેવું આસાન ન હતું. આવી જાતિઓના આગેવાનોને અનામત નામનું લોલીપોપ બતાડીને મત માંગવાની શરૃઆત થઈ. પરિણામે દરેક સંગઠિત જાતિ રાજકીય પાર્ટીઓને મત આ શરતે જ આપે છે કે તેમની જાતિને કયો લાભ પહોંચાડવામાં આવશે.
એ સામાજીક અને આર્થિક અસમાનતા (જે અનામત આપવાનો મૂળ આશય હતો) કેટલી હદે દૂર થઈ અને કોને કેટલો લાભ થયો અને હજી કેટલા વર્ષો જોઈએ એ અસમાનતાને દૂર કરવા એ ચર્ચાનો વિષય છે; પરંતુ એટલું ચોક્કસ છે કે દેશની સામાજીક અને આર્થિક પરિસ્થિતિને અનામતના કારણે જરૃર નુકસાન થયું છે. ૧૫૦ વર્ષના અંગ્રેજોના શાસનકાળ દરમ્યાન જેટલું આર્થિક નુકસાન દેશને થયુ હશે તેના કરતા વધારે નુકસાન દેશના લોકોએ જ દેશને પહોંચાડયું છે. ભારત દેશમાં અસંખ્ય જાતિઓ, અસંખ્ય ભાષાઓ અને અસંખ્ય માન્યતાઓ પ્રવર્તતી હોવાથી સ્થાનિક રાજકારણ ખુબજ જોવા મળે છે. સ્થાનિક રાજકારણનું પીઠબળ જ જાતિવાદ છે. જાતિવાદ રાજકારણમાં કેન્દ્ર સ્થાને જાતિ હોય છે અને તેથી જ દેશની સ્વતંત્રતાના ૬૮ વર્ષો વિતી ગયા હાવા છતાં દેશની સામાજીક અને આર્થિક સમાનતાની પરિસ્થિતિ થવી જોઈએ તેટલી મજબૂત નથી થઈ.
તાજેતરમાં જ પાટીદારો દ્વારા જે આંદોલન છેડવામાં આવ્યું છે તે જાતિવાદનું તાજુ ઉદાહરણ છે. પાટીદારો ગુજરાતના સૌથી સમૃદ્ધ અને જાગૃત સમાજ ગણી શકાય. ગુજરાતની લગભગ ૨૦ ટકા વસ્તી પાટીદારોની છે. ખેતીવાડી અને જમીનના વ્યવસાયમાં પાટીદારોનો મોટો હિસ્સો છે, ગુજરાતના મુખ્યમંત્રી, ગૃહમંત્રી અને બીજા છ મંત્રીઓ પાટીદાર છે. છતાં તેમને અનામતની જરૂરીયાત મહેસૂસ થઈ રહી છે??? ૨૫મી ઓગષ્ટના રોજ અહમદાબાદના જીએમડીસી ગ્રાઉન્ડમાં રેલી યોજવાના આયોજનમાં સરકારનો વિરોધ હોવા છતાં છૂપો ટેકો હતો. કારણકે અહમદાબાદ બહારથી આવતા પાટીદારોના વાહનો પર ટોલટેક્ષ લેવામાં ન આવ્યો. જીએમડીસી ગ્રાઉન્ડનું ભાડુ (જે ૯ લાખ છે) પણ ન લેવામાં આવ્યું. સાથે સાથે ટ્રાફિક ન થાય એટલા માટે જીએમડીસી ગ્રાઉન્ડ ફરતે રસ્તાને આમ જનતા માટે બ્લોક કરી દેવામાં આવ્યા હતા. આ છૂપો ટેકો આપવા પાછળ પણ ઘણાં રાજકીય હિતો છે. જે આંદોલનની સફળતા અને નિષ્ફળતાની અંદર છૂપાયેલા છે. પ્રથમ તો આ પાટીદારો શાસક પક્ષને વરેલા છે. તેમને નારાજ કરીને તેમની મતબેંક ગુમાવી પોતાના હાથે જ પોતાના પગ ઉપર કુહાડા મારવા બરાબર છે. તેથી સરકાર તેમની માંગનો સ્પષ્ટ ઇન્કાર કરતી નથી. બીજું કાયદાકીય જોગવાઈઓને ધ્યાને લઈએ તો રાજ્ય સરકાર સીધી રીતે અનામત આપી શકવાની પરિસ્થિતિમાં જ નથી. કોઈપણ જાતિને ઓબીસીમાં સમાવવા માટે એક ચોક્કસ પ્રક્રિયાને અનુસરવું પડે છે. આ પ્રક્રિયાને પાટીદાર સમાજ અનુસરે તો તેઓ કોઈપણ રીતે ઓબીસી માટે યોગ્ય ઠરે જ નહીં. તેથી રાજ્ય સરકાર તેમની માંગ સંતોષી શકશે નહીં. ત્રીજું આંદોલનને બળ પ્રયોગ દ્વારા કચડવાનો પ્રયાસ કરવામાં આવે તો રાજ્યભરમાં આશાંતિ વ્યાપી જવાનો ભય રહે છે. આમ પાટીદારોએ સરકારનો બરાબર ઘેરાવ કર્યો છે.
છતાં પાણી માથાની ઉપર ગયું ત્યારે ના છૂટકે પાટીદારો વિરુદ્ધ એકશન લેવું પડયું. જેના વળતા પ્રહાર સ્વરૃપે પાટીદારો બેકાબૂ બન્યા અને તેમના રોષનો ભોગ રાજ્યની મિલકતો બની. રાજ્યને લગભગ ૩૦ કરોડની મિલકતોનું નુકસાન સહન કરવું પડયું. ૭ દિવસ સુધી ઇન્ટરનેટની સુવિધા સ્થગિત કરવી પડી જેના કારણે ઓનલાઇન બિઝનેશ ઠપ થઇ ગયો (તેના નુકસાનનો અંદાજ કાઢવો મુશ્કેલ છે) અને આમ જનતા સાત દિવસ સુધી ભયના ઓથાર હેઠળ જીવતી રહી. બીજી તરફ ભાજપ વિરોધી આંદોલન હોવાનું માલૂમ પડતા જ હાર્દિક પટેલને નીતિષ કુમારે ટેકો જાહેર કરી દીધો અને પાટીદારો જેવી ઓબીસીની માંગ ધરાવતા ગુર્જરોના આગેવાને પણ હાર્દિકને ટેકો આપવાની વાત કરી.
રાજ્ય સરકારે જ્યારે પાટીદારોને બેકાબૂ બનતા જોયા તે તરત જ કેન્દ્ર સરકાર પાસેથી લશ્કરી દળોની ટુકડીઓ મંગાવી લીધી. બીજા દિવસે જ કેન્દ્ર સરકારે લશ્કરની ટુકડીઓ મોકલી દીધી અને પેટ્રોલીંગ શરૃ કરાવી દીધું કે જેથી પરિસ્થિતિને જલ્દીથી કાબૂમાં લઇ શકાય. આ સમગ્ર ઘટનાક્રમમાં દરેક વ્યક્તિ કે પાર્ટીએ કે જાતિએ પોતાના સ્વાર્થ અને હિતને જ કેન્દ્રમાં રાખીને જ નિર્ણય લીધો છે એ સ્પષ્ટ થાય છે. પ્રથમ તો પાટીદારોને અનામતની કોઈ જરૃર નથી. છતાં અનામત માટે આંદોલન કરી રહ્યા છે જે તદ્દન ગેરવ્યાજબી છે. આ આંદોલન અનામત માટે છે, વર્ષોથી ચાલી આવતા અનામત વિરોધી છે, કે ઈબીસી (ઇકોનોમિક બેકવર્ડ ક્લાસ) લગાવવાનો પ્રયાસ છે કે રાજ્ય સરકારની નેતાગીરી ઉથલાવવા આંતરિક પરિબળો જવાબદાર છે કે બીજા રાજકીય પક્ષનો હાથ છે કે પાટીદારો કોઈ વ્યક્તિ કે સંસ્થાના હાથા બની તેમના ઇશારે કોઈ બીજા જ લક્ષ્યને હાંસલ કરવાનું કાવતરૃ છે, તે આવનારો સમય બતાવશે. પરંતુ હાલ પુરતુ એટલું જરૃર કહી શકાય કે જાતિના નામે લાખો લોકોને એક એવા ઉદ્દેશ્ય માટે એકઠા કરવામાં આવી રહ્યા છે જેનાથી દેશની શાંતિ અને સલામતી મુશ્કેલ બનશે. તેમજ નાણાંકીય નુકસાન થશે. બીજું રાજ્ય સરકારે લશ્કર બોલાવવાની અને પટેલોને કાબૂમાં લેવાની જે તાબડતોડ કોશિશ કરી તે અભિનંદન પાત્ર છે. પરંતુ તેમાં રાજ્ય સરકારને પટેલોની મતબેંક ગુમાવી દેવાનો ડર હતો તેથી આ ‘અભિનંદનીય’ કામ અંજામ પામ્યું. જ્યારે આનાથી પણ ભયંકર પરિસ્થિતિ ૨૦૦૨માં ગોધરાકાંડ પછી સર્જાઈ હતી, સતત ત્રણ દિવસ સુધી લશ્કરના ઠેકાણા ન હતા. સેંકડો લોકોએ પોતાના જીવ ગુમાવી દીધા હતા. તે વખતે વર્તમાન પ્રધાનમંત્રી અને પ્રવર્તમાન મુખ્યમંત્રીને લશ્કર યાદ ન આવ્યું.! તે સમયે શાંતિ અને સલામતિની ચિંતા એટલા માટે ન કરવામાં આવી કારણ કે એક ખાસ જાતિ પ્રત્યે દ્વેષ અને ખુન્નસ હતું.
ત્રીજું, નીતિશ કુમારને અચાનક હાર્દિક પટેલને ટેકો જાહેર કરવાનું સુઝ્યુંં! અહીં હાર્દિક પણ ગેલમાં આવીને હરખપદુડો બન્યો, અને રેલીમાં એલાન કર્યું, નીતિશ પણ અમારી સાથે છે. નીતિશ કુમારને હાર્દિક ફકત એટલા માટે યાદ આવ્યો કેમ કે બિહારમાં ચૂંટણીનું વાતાવરણ છે અને ગુજરાતમાં સરકાર ભાજપની છે અને બિહારમાં નીતિશનો સીધો મુકાબલો ભાજપ સાથે છે. નીતિશ એવો સંદેશો પહોંચાડવા ઇચ્છતા હતા કે તમારા વિરોધીઓને અમારું સમર્થન છે. ગુર્જરો પણ અનામત ઇચ્છતા હોવાથી પટેલો માટે તેમના મનમાં પ્રેમ જાગે એ સ્વભાવિક છે.
જાતિવાદને કારણે દેશમાં લોકો વ્હેંચાઈ ગયા છે. એક જાતિના લોકો બીજી જાતિના લોકોને પારકા અને જુદા સમજે છે. ઊંચનીચનું જે અંતર સ્વતંત્રતા પહેલાં હતુું તે આજે પણ છે. અને નજીકના ભવિષ્યમાં આ અંતર ઓછું થાય તેવા અણસાર પણ દેખાતા નથી. અનામતનો જે ભૂંડો ઉપયોગ દેશના રાજકારણીઓએ કર્યો છે અને જાતિવાદના જે બીજ રોપાયા છે તેના માઠા ફળો દેશના ફાળે આવ્યા છે અને દેશ ભોગવી રહ્યું છે.
જાતિઓ અને સમુદાયો ફકત એટલા માટે છે કે જેથી વ્યક્તિની ઓળખાણ થઈ શકે. ઊંચી જાતિમાં જન્મ થઈ જતા વ્યક્તિ આપમેળે મહાન બની જતો નથી અને નીચિ જાતિમાં જન્મ થઈ જતા વ્યક્તિ આપમેળે નીચ થઈ જતો નથી. વ્યક્તિ જ્યારે જન્મે છે ત્યારે એ મનુષ્ય હોય છે, એકમાત્ર મનુષ્ય. તેને મહાન અને નીચ તેના કર્મો બનાવે છે, જાતિ નહીં. પોતાને મહાન અને ઉચ્ચ ગણતા વ્યક્તિએ પોતાના કર્મો જોઈને નિર્ણય લેવો જોઈએ કે પોતે હકીકતમાં શું છે? દરેક વ્યક્તિ જે પોતાને ઉચ્ચ ગણે છે અથવા જે પોતાને પછાત સમજી અનામતમાં પોતાનું સ્થાન મેળવવા ઇચ્છે છે તેણે મહાન ગ્રંથ કુઆર્નની આ આયત યાદ રાખવી જોઈએ – “લોકો ! અમે તમને એક પુરુષ અને એક સ્ત્રીમાંથી પેદા કર્યા અને પછી તમારી કોમો (જાતિઓ) અને કબીલા (બિરાદરીઓ) બનાવી દીધા જેથી તમે એકબીજાને ઓળખો. હકીકતમાં અલ્લાહના નજીક તમારામાં સૌથી વધુ પ્રતિષ્ઠિત તે છે જે તમારામાં સૌથી વધુ પરહેઝગાર (અલ્લાહથી ડરનાર, સંયમી) છે. નિશ્ચિતપણે અલ્લાહ સર્વજ્ઞા અને સુમાહિતગાર છે.” (સૂરઃ હુજુરાત-૪૯:૧૩)