Saturday, July 27, 2024
Homeપયગામજીવનનો મર્મ જ્યારે પામ્યો, મોતને વ્હાલ કરવા લાગ્યો

જીવનનો મર્મ જ્યારે પામ્યો, મોતને વ્હાલ કરવા લાગ્યો

દુનિયામાં વિવિધ પ્રકારની વિચારધારા ધરાવનારા લોકો છે. ધાર્મિક છે, અધાર્મિક છે. આસ્તિક છે ને નાસ્તિક છે. જીવનનો શું મર્મ છે? શું ઉદ્દેશ્ય છે? મૃત્યની શી વાસ્તવિકતા છે? મૃત્ય પછી શું છે? ઘણાં બધા પ્રશ્નો છે જે માનવને મૂંઝવણમાં નાખી દેતા હોય છે. ઇશ્વર વિષે ધાર્મિક લોકોનું માનવું છે કે તે સત્ય છે અને વ્યક્તિનું પોતાનું અસ્તિત્વ તેની સૌથી મોટી દલીલ છે. સૃષ્ટિની એક એક વસ્તુ તેના અસ્તિત્વની સાબિતી આપે છે. દરેક વ્યક્તિને વિચાર આવે છે જે આત્માનો ખ્યાલ આપે છે. માંસપેશીના શરીરમાં વિચારવાની શક્તિ નથી એ શક્તિ આત્મા (રૃહ)ની છે. કોઈ મોટા વૈજ્ઞાાનિકનું મગજ બીજા કોઈ મૂર્ખ કે મંદબુદ્ધિના માથામાં ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવે તો તે વિદ્વાન બની શકતો નથી, જે દર્શાવે છે કે બદ્ધિનો સંબંધ માથા સાથે નથી બલ્કે આત્મા સાથે છે. શરીર તો નિમિત્ત છે અથવા શરીરની હૈસિયત એક વસ્ત્રની છે.

આ આત્મા ક્યાંથી આવે છે અને ક્યાં જાય છે તે અંગે મુખ્યત્વે ત્રણ દ્રષ્ટિકોણ જોવા મળે છે. અમુક લોકો એમ માનીને સંતોષ મેળવે છે કે જેમ બે વિરુદ્ધ લક્ષણ ધરાવતા તાર એક બીજાથી મળે તો કરંટના કારણે અગ્નિ પ્રકટ થાય છે. તેમજ ભ્રૂણ અવસ્થામાં એવા કેટલીક ખાસ પ્રકારની રાસાયણિક પ્રક્રિયાના પરિણામે માંસના એ લોથડામાં શક્તિ કે જીવન ઉત્પન્ન થાય છે. અને જેમ મશીન ઘસાઈને નાશ પામે છે તેમ તે મૃત્યુને પ્રાપ્ત થાય છે.

અમુક લોકો એમ કહે છે કે આત્મા ઇશ્વરનો અંશ છે. તે નાશ પામતો નથી. પરંતુ વિજ્ઞાાનના સિદ્ધાંત પ્રમાણે જેમ કોઈ વસ્તુનો નાશ થતો નથી બલ્કે બીજા સ્વરૃપમાં ટ્રાન્સફોર્મ થાય છે. અને આ પ્રક્રિયા સતત ચાલતી રહે છે. નવું સ્વરૃપ શું હશે તેના માટે વ્યક્તિએ કરેલા કર્મો જવાબદાર હોય છે.

અમુક લોકોનું માનવું છે કે આત્મા ઇશ્વરના આદેશથી આવે છે, અને નિર્ધારિત અવધિ પછી પાછો જતો રહે છે. શરીર નષ્ટ થાય છે પરંતુ રૃહ મૃત્યુ પામતી નથી. એક દિવસ આવશેે જ્યારે વ્યક્તિએ જે કર્મો કર્યા છે તેના મુજબ તેને ફળ મળશે. આત્મા બીજા સ્વરૃપમાં પરિવર્તિત થતો નથી કે વિનાશ પામતી નથી.

“તમે અલ્લાહ સાથે કુફ્ર (ઇન્કાર)નું વલણ કઈ રીતે અપનાવો છો, જ્યારે કે તમે નિર્જીવ હતા, તેણે તમને જીવન પ્રદાન કર્યું, પછી તે જ તમારા પ્રાણ લઈ લેશે, પછી તે જ ફરીવાર જીવન પ્રદાન કરશે, પછી તેના જ તરફ તમારે પાછા ફરીને જવાનું છે.” (સૂરઃબકરહ ૨ઃ૨૮)

અત્યારે આપણે એ ચર્ચા કરવી નથી કે સૌથી સંતુલિત, સરળ અને સત્ય દૃષ્ટિકોણ કયો છે. પરંતુ મૃત્યુ વિષે જાણવાનું છે. રોજેરોજ આપણે જોઈએ છીએ કે લોકો મૃત્યુ પામી રહ્યા છે. આપણા સગા-વહાલા આપણને મૂકીને જઈ રહ્યા છે. આકસ્મિક અને પ્રાકૃતિક મૃત્યુ આપણી સમક્ષ થતા રહે છે. પરંતુ બહુ ઓછા લોકો તેનાથી બોધ ગ્રહણ કરે છે. મોત એક એવો શબ્દ છે જે લોકો સામાન્ય રીતે નાપસંદ કરે છે. દુનિયામાં કોણ એવી ખુશહાલ વ્યક્તિ છે જે મૃત્યુને પસંદ કરતી હોય??? કદાચ કોઈ નહીં હોય. વ્યક્તિ પોતાના ધનથી બધું જ ખરીદી શકે છે પરંતુ જીવન ખરીદી શકતી નથી. મોત એક એવી વાસ્તવિકતા છે જેનો ઇન્કાર નાસ્તિક પણ કરી શકતો નથી. ના તો જીવન આપણા હાથમાં છે ન તો મૃત્યુ. તમે વિચારો છો એટલે તમે જીવિત છો, તમે જીવિત છો એટલે કાલે મોતને ભેટવાના છો. જીવન પહેલાં તમારો ભ્રૂણ હતો અને મૃત્યુ પછી તમારૃં શરીર છે જ. તમે ક્યાં હતા અને ક્યાં ગયા? સહેજ વિચાર કરીએ તો સમજમાં આવે છે કે જીવન મૃત્યુનો ક્રમ એ કંઈ રમત નથી કે કોઈ અકસ્માત નથી. બલ્કે કોઈના  ઇશારે થતી ઘટના છે. અને જો કોઈ છે તો જીવન અને મૃત્યુ આપવાનો કોઈ આશય હશે. એ આશયને જે પામી જાય છે મૃત્યુ વિષે તેનો દ્રષ્ટિકોણ બદલાઈ જાય છે. કુઆર્નમાં અલ્લાહ ફરમાવે છે, “જેણે મૃત્યુ અને જીવનનો આવિષ્કાર કર્યો જેથી તમને લોકોને અજમાવીને જુએ કે તમારામાંથી કોણ સારા કર્મ કરનાર છે, અને તે પ્રભુત્વશાળી પણ છે અને ક્ષમા કરવાવાળો પણ.” (સૂરઃ મુલ્ક-૬૭ઃ૨)

મૃત્યુના શબ્દ માત્રથી લોકો ગભરાઈ જાય છે. તેનું કારણ અજ્ઞાાનતા છે. જેમ વ્યક્તિ સાંપથી ડરે છે પરંતુ તેને ખબર પડે કે આ સાંપ વિષહીન છે તો તેનો મોટા ભાગે ભય દૂર થઈ જાય છે અને બાળક તેની સાથે રમી શકે છે. વાસ્તવમાં મૃત્યુ એ અનંત જીવનમાં પગ મૂકવા વચ્ચે માર્ગ છે. જેમ વિદેશ જવા માટે એરપોર્ટ જવું પડે છે તેમ બીજું જીવન પ્રાપ્ત કરવા માટે મૃત્યુ જરૂરી છે. જેમ એરપોર્ટ ઉપર પ્રતીક્ષાલય હોય છે તેમ મૃત્યુ પછી એક નિર્ધારિત સમય ગાળો છે. એના પછી શરૃથી અંત સુધી બધા જ માનવોને જીવિત કરી સૌના હિસાબ લેવામાં આવશે અને તેમના કર્મો મુજબ ફેસલા આપવામાં આવશે.

“તેના જ તરફ તમને સૌને પાછા ફરવાનું છે, આ અલ્લાહનો પાકો વાયદો છે. નિઃશંક સર્જનની શરૃઆત તે જ કરે છે, પછી તે જ બીજીવાર પેદા કરશે, જેથી જે લોકો ઈમાન લાવ્યા અને જેમણે સદ્કાર્યો કર્યા તેમને ન્યાયપૂર્વક બદલો આપે, અને જેમણે કુફ્ર (ઇન્કાર)નો માર્ગ અપનાવ્યો તેઓ ઊકળતું પાણી પીએ અને પીડાકારી સજા ભોગવે સત્યના તે ઇન્કારના બદલામાં જે તેઓ કરતા રહ્યા.” (સૂરઃ યુનૂસ-૧૦ઃ૪)

લોકો મૃત્યુને પસંદ કરતા નથી એટલે મરઘટ કે શમશાન મોટા ભાગે આબાદીની બહાર બનાવાય છે. પરલોકના વાસ્તવિક જીવનનો આધાર પૃથ્વીલોકના જીવન ઉપર છે. બંને વચ્ચે બીજ વાવવા અને ફસલ કાપવાનો સંબંધ છે. જો સારી ફસલ લેવા માંગતા હોવ તો વર્તમાન જીવનને સાર્થક બનાવવું પડશે. અને પોતાના પાલનહારથી નાતો જોડીને જ જીવનનો ઉદ્દેશ્ય પૂર્ણ થઈ શકે છે. જેઓ પરલોકના જીવનને નજર અંદાજ કરી દુનિયાના બંદા બનીને જીવન ગુજારે છે તેમના માટે યાતનાઓ છે.

“આ તે લોકો છે, જેમણે આખિરત વેચીને દુનિયાનું જીવન ખરીદી લીધું છે, એટલા માટે ન તો તેમની સજામાં કોઈ ઘટાડો થશે અને ન તો તેમને કોઈ મદદ મળી શકશે.” (સૂરઃબકરહ ૨ઃ૮૬)

“તમે જોશો કે આ લોકો જીવવાની સૌથી વધુ લાલસા ધરાવે છે, બલ્કે આ બાબતમાં તેઓ મુશ્રિકો (અનેકેશ્વરવાદીઓ) કરતાં પણ આગળ છે. તેમનામાંથી એકેએક વ્યક્તિ એવું ઇચ્છે છે કે કોઈ પણ રીતે હજાર વર્ષ જીવે, જો કે લાંબું આયુષ્ય તેમને સજાથી તો દૂર રાખી શકતું નથી. જે કંઈ કૃત્યો તેઓ કરી રહ્યા છે, અલ્લાહ તો તેને જુએ જ છે.” (સૂરઃબકરહ ૨ઃ૯૬)

મૃત્યુની યાદ મનુષ્યમાં એક પ્રકારનું સુખ ઉત્પન્ન કરે છે. આ સુખ મોતને ભેટવાનું નામ નથી બલ્કે પોતાના સર્જનહાર પાસે જવાનું નામ છે. આ સુખ અને આનંદને પ્રાપ્ત કરવા માટે સન્યાસ લેવાની જરૃર નથી. મૃત્યુની યાદ વ્યક્તિને સ્વાર્થહીન, મોહવિહીન કરી દે છે. દુનિયા તેના કદમોમાં હોય છે હૃદયમાં નહીં. લોકો ધર્મને ભલે માનતા હોય પરંતુ તેઓે જે અનીતિ, હિંસા, અન્યાય, અત્યાચાર કરે છે, ખોટા કાર્યો કરે છે તેનું મૂળ કારણ મૃત્યુથી બેફિકરાઈ છે. તેનો જીવંત અહેસાસ પેદા થાય તો વ્યક્તિ ઈશ્વરનો પ્રિય બંદો બની સ્વર્ગને લાયક બની શકે છે. એટલે જ હિદાયત આપવામાં આવી છે કે કબ્રસ્તાનની મુલાકાત લેતા રહો અને પોતાના મોતને યાદ રાખો.

ઇસ્લામે આ યાદને જીવંત રાખવા સુંદર વ્યવસ્થા કરી છે. વ્યક્તિને કોઈ અપ્રિય સમાચાર મળે કે કોઈ વસ્તુથી તેને દુઃખ પહોંચે તો તેને યાદ અપાવવામાં આવ્યું છે કે તમને પાછા વળીને અલ્લાહની પાસે જવું છે.

“આ સંજોગોમાં જે લોકો ધીરજ રાખે અને જ્યારે કોઈ મુસીબત આવી પડે તો કહે કે, અમે અલ્લાહના જ છીએ અને અલ્લાહના જ તરફ અમારે પાછા ફરવાનું છે.” (સૂરઃબકરહ ૨ઃ૧૫૬)

પરંતુ શેતાની વિચારો વ્યક્તિને બિનજવાબદાર, ટૂંકીદૃષ્ટિ, ઉતાવળો અને બુદ્ધિહીન બનાવે છે. જ્યારે મોતની યાદ એટલે અલ્લાહને મળવાની તમન્ના તેને દીર્ઘદુષ્ટા, કરૃણામયી અને જ્ઞાાની બનાવે છે. એટલે જ આપ સ.અ.વ. કહેતા હતા કે બુદ્ધિમાન વ્યક્તિ તે છે જે આવનારા જીવન માટે કર્મ કરે. પરંતુ યુવાનીની મહત્ત્વકાંક્ષાઓ, ભોગ-વિલાસની તૃષ્ણા, મનેચ્છઆઓના ઘોડાપૂર તેને બેદરકાર બનાવી દે છે. જેમ અનુભવી અને સારા ખેલાડીઓથી એ આશા વધારે હોય છે કે તેઓ છેલ્લા બોલ પર પણ છક્કો મારી શકે  છે તેમ જે વ્યક્તિનું જીવન સત્યવાદી, સંસ્કારી અને વાસનાહીન હોય તેને સારુ મૃત્યુ પ્રાપ્ત થઈ શકે છે.

જેમ ઝાકળબિંદુ કેળાના પાંદડો પરથી તેજીથી પડી જાય છે તેમ જીવન પણ મૃત્યુ તરફ ગતિશીલ છે. અને એ માર્ગ ક્યાં પૂર્ણ થાય છે તેની કોઈને ખબર નથી. એટલે બુદ્ધિમાન વ્યક્તિ એ છે જે જીવનની એ એક ક્ષણની કદર કરે અને તેને નિરર્થક વેડફવાને બદલે સલામત રીતે જીવે, નીતિમાન બને અને મૃત્યુ પછી પોતાના કર્મોનો હિસાબ આપવો છે તેવો ભાવ ઉત્પન્ન કરે. આ ઉત્તરદાયિત્વની ભાવના સાથે જીવન વ્યતીત કરવામાં આવશે તો તેનું દિલ સ્વર્ગસમ બની જશે અને તેનું મૃત્યુ પણ શાંતચિત્તે થશે તથા મૃત્યુ પછી પણ તે પોતાના પાલનહારની કૃપાથી સ્વર્ગનો અધીકારી બની જશે.

“છેવટે તેઓ અલ્લાહની બક્ષિશ અને કૃપા સાથે પાછા આવ્યા, તેમને કોઈ પ્રકારનું નુકસાન પણ ન થયું અને અલ્લાહની મરજી મુજબ ચાલવાનું શ્રેય પણ તેમને પ્રાપ્ત થઈ ગયું, અલ્લાહ મોટો કૃપાવાન છે.” (સૂરઃ આલે ઇમરાન-૩ઃ૧૭૪) ***

sahmed.yuva@gmail.com

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments