જૂનાગઢ શહેરમાં આવેલ જૂનાગઢ એગ્રીકલ્ચર યુનિવર્સિટી કેમ્પસ ખાતે રાજ્યપાલ અને ચાન્સેલર કમલા બેનીવાલના ઉપસ્થિતિમાં યોજાયેલી પદવીદાન સમારોહમાં અહમદાબાદ શહેરના જુહાપુરા ખાતે રહેતા ઇકબાલ એહમદ મિરઝાના પુત્ર સમીર એહમદ મિરઝાએ તમામ ફેકલ્ટીમાં ટોપ રહીને ૧૦-૧૦ ગોલ્ડ મેડલ મેળવ્યા. સમગ્ર ગુજરાતના મુસ્લિમો માટે ગૌરવ સાથે એક ઇતિહાસ સર્જી દીધો છે. સમીર એહમદ મિર્ઝાએ મેળવેલ સફળતાથી સમગ્ર રાજ્યનો મુસ્લિમ સમાજ ગૌરવની લાગણી અનુભવે છે.
જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી ખાતે બી.ટેક (એગ્રી. એન્જિનિયરીંગ)નો અભ્યાસ પૂર્ણ કરનાર સમીર એહમદે તેના અભ્યાસક્મના વિવિધ પાંચ ડિપાર્ટમેન્ટની તમામ ૧૦ ફેકલ્ટીમાં ગોલ્ડ મેડલ મેળવીને અભૂતપૂર્વ સફળતા પ્રાપ્ત કરીને સમગ્ર વિદ્યાર્થી આલમ ખાસ કરીને મુસ્લિમ સમાજ માટે એક જવલંત દૃષ્ટાંત પૂરું પાડવાની સાથે એક ‘માઈલ સ્ટોન’ સર્જી દીધો છે.
આ અંગે સમીર એહમદે જણાવ્યું કે અલ્લાહની મહેરબાની અને મા-બાપની દુઆ અને મહેનતના પરિણામ સ્વરૃપ તેને આ સફળતા પ્રાપ્ત થઈ છે. મારી આ સફળતા માટે હું અલ્લાહતઆલાનો શુક્ર અદા કરું છું. આ સફળતા પાછળ મારા પપ્પાએ (કે જેઓ એસ.આઇ.ઓ. ગુજરાતના ઓર્ગેનાઇઝર હતા. હાલમાં જમાઅતે ઇસ્લામી હિન્દ ગુજરાતના નાગરિક વિકાસ કેન્દ્રના સેક્રેટરી છે) મને ખૂબજ પ્રોત્સાહક પ્રેરકબળ પૂરું પાડયું હતું.