Saturday, February 24, 2024
Homeપયગામજ્યારે ધરતી પોતાની પૂરી તીવ્રતાથી હલાવી નાખવામાં આવશે

જ્યારે ધરતી પોતાની પૂરી તીવ્રતાથી હલાવી નાખવામાં આવશે

ભુકંપ! નામ સાંભળતા જ હૃદયમાં ધ્રુનરી પેદા થઈ જાય છે અને તેને જોઈ લેતા આખા શરીરમાં કંપારી પેદા થઈ જાય છે. અને કેમ ન થાય વ્યક્તિના જીવન-મૃત્યુનો પ્રશ્ન છે. પ્રકૃતિનો એક નાનો સરખો ઝટકો ભવિષ્યના સુવર્ણ સ્વપ્નોને ક્ષણવારમાં પાડી શકે છે. ભુકંપ પ્રાકૃતિક આપદાઓમાંની એક છે. જે સેકન્ડોમાં મોટી મોટી ઇમારતો અને અરીસાના મહેલોને કાંકરા પાથરાઓનો ઢગલો બનાવી દે છે અને વિકસીત નગરો પણ ખંડેર જંગલ બની જાય છે. જ્યારે આવી ઘટનાઓ બને છે ત્યારે પણ લોકો તેમની માનસિકતા મુજબ મંતવ્યો અને નિવેદનો આપતા રહે છે. અથવા તેના કારણોને સમજવા પ્રયત્ન કરે છે. હાલ નેપાળમાં જે ભુકંપ આવ્યો તેમાં હજારો વ્યક્તિઓ મોતને ભેટ્યા. તેની કેટલીક વીડિયો ક્લીપ્સ પણ ઇન્ટરનેટ અને વોટ્સએપ પર ફરતી થઈ. મારા મોટા પુત્રએ મને ભુકંપ વિશે જાણવા પ્રશ્ન કર્યો. રાત્રે ત્રીજા માળે પેરાફિટની દિવાળ પર હાથ રાખીને હું ઊભો હતો. મે મારા મોટા પુત્રને બોલાવ્યો અને કહ્યું અહિં હાથ મુકીને ઊભો રહે. તેમણે મને ભુકંપ વિશે પૂછ્યું હતું. થોડી વાર પછી મે તેમને પુછ્યું શું અનુભવ્યુ. તેમણે કહ્યું, દિવાલ ધીમે-ધીમે ધ્રુજતી હતી. મે કહ્યું સડક પરથી જ્યારે કોઈ ભારે વાહન પસાર થાય છે તો પૃથ્વી પર ધ્રુજરી પેદા થાય છે. એ તે અનુભવી. આજ રીતે પૃથ્વીની ઊંડાણમાં વિવિધ પ્લેટો છે. જ્યારે તેમના ઉપર ઘર્ષણના કારણે દબાણ ઉત્પન્ન થાય છે તો પૃથ્વી પર કંપન પેદા થાય છે. જેને આપણે ભુકંપ કહીએ છે. આ ઘર્ષણ આપમેળે થતું નથી. અલ્લાહના આદેશથી થાય છે.

ભુકંપ વિશે ઘણી બધી ગેરસમજો, માન્યતાઓ સમાજમાં જોવા મળે છે. ભુકંપ કેમ આવતા હશે? તેની વાસ્તવિક્તા શું છે? શું માનવીય કર્મો સાથે તેનો કોઈ સંબંધ છે? વિગેરે ઘણા પ્રશ્નો ઉત્પન્ન થાય છે. આજે આપણે ટુંકમાં તેને સમજવાના પ્રયત્નો કરીશું.

માંસ ભક્ષણ કરવાથી ભુકંપ આવે છે

આપણા દેશના એક વિખ્યાત સાધુ કમ નેતાએ નિવેદન આપ્યું કે રાહુલ ગાંધી માંસ ખાય છે અને તે પશ્ચાતાપ વગર કેદારનાથ ગયો તેથી ભુકંપ આવ્યો. સાક્ષી મહારાજના નિવેદનોને સાચુ માનીએ તો પ્રશ્ન એ થાય છે કે પાપ તો રાહુલે કર્યું હતું. પણ કેદારજીએ સજા બીજાને કેમ આપી? ખોટું કર્યું ભારતીયોએ ક્રોધ વરસાવ્યો નેપાળીઓ પર!!! આ કેવો ન્યાય! ને આ કેવી માન્યતા. ઉત્તરાખંડમાં કેદારનાથનું મંદિર આવેલું છે અને ૨૦૧૩માં ઉત્તરાખંડમાં જે સાયક્લોન આવ્યો તેમાં મોટાપાયે જાન હાનિ થઈ હતી, તે કોના કારણે હતી! આવા કઠિનાઈના સમયે આવા હાસ્યાસ્પદ નિવેદનો આપવા કેટલા યોગ્ય છે. ચીનના લોકો તો દરેક વસ્તુને ખાય છે. કોઈપણ વનસ્પતિ હોય કે કોઈપણ પ્રાણી તેઓ બધાનું ભક્ષણ કરે છે. તર્કને માન્ય રાખીએ તો ત્યાં દરરોજ કુદરતી આપદાઓે આવવી જોઈએ.

આવી જ રીતે ભુકંપના કારણ બતાવતો નીચેનો એક મેસેજ પણ ફરતો હતો, ” ભુકંપ ગાયની ગાથા ગઇ રહ્યો છે. જ્યારે ગો માતાને વધુ ત્રાસ થાય છે ત્યારે પૃથ્વી ધ્રુજે છે. જે દિવસે પૃથ્વી પર ધેનું નહિં હોય તે જ ક્ષણે પૃથ્વી રસાતલ (પાતાળ)માં પહોંચી જશે.”

આ બધી માત્ર માન્યતાઓ છે. વાસ્તવિકતા સાથે તેનો કોઈ સંબંધ નથી. આખી વાર્તા ફેલાવી કદાચ તેઓ ગોવંશ કાયદાને યોગ્ય ગણાવવા માંગતા હશે. સત્ય તો આ છે કે ગોવંશ ઉપર અત્યાચાર કરનારા ખૂદ તેમના પાલક જ હોય છે. ગોવંશ સુરક્ષા કાયદા જે રાજ્યોમાં લાવવામાં આવ્યો છે ત્યાંના માલધારીઓ પોતે તેનો વિરોધ કરી રહ્યા છે. મહારાષ્ટ્રના આઠવલેએ તો સરકાર સામે કમર કસી છે. ગૌ માંસની નિકાસ કરતી ભારતની મોટી કંપનીઓ પણ હિંદુ ભાઈઓની છે. ગાયોને કેટલ હાઉસ કે પાંજરાપોળમાં લઈ જનારા અને ત્યાંથી બ્લેકમાં વેચનારા પણ હિંદુ ભાઈઓ જ હોય છે. બીજું ગાય પણ બીજા પશુઓની જેમ એક પશુ છે. દરેક પશુની પોતાની એક વિશેષતા હોય છે તેમ ગાયની કોઈ વિશેષતા હોઇ શકે. પરંતુ ગાય અને બીજા પશુઓમાં કુદરત ભેદભાવ કરશે એમ લખવું ન્યાયોચિત નથી. દુનિયાના વધૂ પડતા દેશો માંસાહારી છે. મનુસ્મૃતિમાં માંસાહાર જ નહીં બલ્કે ગાયાનું માંસ ભક્ષણ કરવાને આદેશ જેટલો સ્પષ્ટ છે. તેટલો કુઆર્નમાં પણ નથી. અને હવે તો ઘણા બધા રાજ્યમાં ગૌવંશ સુરક્ષા કાયદો લાગૂ થઈ રહ્યો છે. કુદરતે તો ભુકંપની જગ્યાએ કોઈ ઇનામ આપવું જોઈતુ હતું. આવી દલીલને માન્ય રાખવામાં આવે તો કદાચ એ કહેવું વધારે યોગ્ય હશે કે ગૌવંશ કાયદા લાગુ થવાને કારણે ભુકંપ આવ્યો છે!!

ત્રીજી એક તસ્વીર વાયરલ થઈ હતી, જેમાં પશુબલી આપી રહ્યાના ચિત્ર હતા. અમુક આંધળા જીવદયા પ્રેમીઓએ કહ્યું કે પશુબલીના કારણે નેપાળમાં ભુકંપ આવ્યો. આવી બલી તો તેઓ વર્ષોથી આપી રહ્યા છે. અને આપણા ભારતના કોલકાતામાં પણ આવા મંદિર છે. બલીના કારણે ભુકંપ આવતા હોય તો પછી કોલકાતા કેમ નહોતા આવ્યા? અને ૨૦૦૧માં ગુજરાતનું કચ્છ ભુકંપનો એપીક સેન્ટર હતો. શું ત્યાં કોઈ પશુબલી થતી હતી?

હિંદુ મેથોલોજીમાં એક માન્યતા છે. પૃથ્વી આઠ હાથીઓ ઉપર ટકેલી છે. જેઓ એક મોટા કાચબાની પીઠ પર ઉભા છે અને કાચબો પોતે નાગની કોઈલ પર ઊભો છે. જ્યારે આ અજીબ સંતુલન ટુટે છે ત્યારે ભુકંપ આવે છે. વિજ્ઞાને અત્યાર સુધી જે સંશોધનો કર્ર્યા છે, આપણે સોર્યમંડલ વિશે જેટલું જાણ્યું છે તેના આધારે કહી શકાય કે આ બધી આંધળી માન્યતાઓ છે. રજમાત્ર વાસ્તવિકતા નથી. વિચારો તો ખરા આખી પૃથ્વીને ઉપાડનારા હાથી કેટલા મોટા હશે અને આઠ હાથીઓ ઊભા થાય એવો કાચબો કેટલો મોટો હશે!! ગ્રીક અને જાપાનીઓની પણ આવા જ પ્રકારની માન્યતાઓ છે. તેના વિસ્તારમાં જવાની જરૃર નથી. ઇશ્વરનો સાચો પરિચય ન હોવાથી અને બ્રહ્માંડ વિશે સાચુ જ્ઞાન ન હોવાથી અંધકારયુગ અથવા અજ્ઞાનકાળથી આવી માન્યતાઓ પ્રચલિત છે. ૨૧મી સદીમાં આવી માન્યતાઓને પોકળ સાબિત કરવા કોઈ દલીલની જરૃર નથી.

નેપાળના ભુકંપમાં સુરક્ષિત રહેનારી એક જામા મસ્જિદનું ચિત્ર પણ ખૂબ ફર્યું અને લોકોએ તેનો સહારો લઈ પોતાની શ્રદ્ધા સત્ય હોવાની દલીલો કરી. મારા ખ્યાલથી ઉપાસના ખંડના સુરક્ષિતરહેવા, ન રહેવા પર સત્યનો આધાર નથી. ભૂતકાળમાં એવા બનાવો પણ બન્યા છે જેમાં મસ્જિદો પણ શહીદ થઈ છે અને એવા પણ દાખલાઓ છે કે ભુકંપમાં બીજા ધર્મોના ઉપાસના ખંડ કે મૂર્તિને નુકસાન ન થયું હોય અને બૌદ્ધની અમુક એવી મૂર્તિઓ પર દર્શાવવામાં આવી જે ક્ષતિરહિત રહી. આવી ઉપરછલ્લી વાતોમાં ગુમ થઈ આપણે ઊંડાઈમાં સમજવા પ્રયત્ન નથી કરતા. ચાલો કુઆર્નના સહારે તેને સમજવાનો પ્રયત્ન કરીએ.

અમુક નાસ્તિકોને બાદ કરતા લગભગ બધા જ ધર્મો ઇશ્વરના અસ્તિત્વને સ્વીકારે છે. તેને સર્વશક્તિમાન, અનંત અને અનાદિ માને છે. તેમજ એ વિશ્વાસ પણ ધરાવે છે. સમગ્ર સૃષ્ટિની રચના તે જ અલ્લાહે કરી છે. તેણે જ આ પૃથ્વી પર પ્રથમ માનવ આદમ અલૈ.ને મોકલ્યો અને તેમને હિદાયત કરી.

“અમે કહ્યું, ”તમે સૌ અહીંથી ઊતરી જાઓ, પછી જો મારા તરફથી કોઈ માર્ગદર્શન તમારા પાસે આવે, તો જે લોકો મારા તે માર્ગદર્શનનું અનુસરણ કરશે, તેમના માટે કોઈ ભય અને દુઃખનો અવસર નહીં હોય, અને જેઓ તેને સ્વીકારવાનો ઇન્કાર કરશે અને અમારી આયતોને ખોટી ઠેરવશે, તેઓ આગમાં જનારા લોકો છે, જ્યાં તેઓ હંમેશાં રહેશે.” (સૂરઃ બકરહ-૩૮-૩૯)

મનુષ્યને એ પણ બતાવી દેવામાં આવ્યું કે તેને આ જીવન પરિક્ષારૃપ આપવામાં આવ્યું છે અને આ દુનિયામાં જુદી-જુદી રીતે તમારી આજમાઈશ કરીશું. પછી એક દિવસ આવશે જ્યારે આ જગત નાશ પામશે જેને આપણે કયામત કહીએ છીએ. એ દિવસે લોકોને ફરી જીવિત કરી તેમના શ્રદ્ધા અને કર્મ મુજબ ફળ આપવામાં આવશે. ક્યામત કેવી રીતે આવશે તેના ઉપર સૂરઃ અઝ્-ઝિલઝાલમાં પ્રકાશ પાડવામાં આવ્યો છે,

“જ્યારે ધરતી પોતાની પૂરી તીવ્રતાથી હલાવી નાંખવામાં આવશે, અને ધરતી પોતાની ભીતરના બધા બોજ કાઢીને બહાર નાખી દેશે, અને મનુષ્ય કહેશે કે તેને આ શું થઈ રહ્યું છે ? તે દિવસે તે પોતાના (પર વીતેલા) સંજોગોનું વર્ણન કરશે, કેમ કે તારા રબે (પ્રભુએ) તેને (આવું કરવાનો) આદેશ આપ્યો હશે. તે દિવસે લોકો જુદી-જુદી દશામાં પાછા ફરશે જેથી તેમને તેમના કર્મો બતાવવામાં આવે. પછી જેણે રજભાર ભલાઈ કરી હશે તે તેને જોઈ લેશે, અને જેણે રજભાર બૂરાઈ કરી હશે તે તેને જોઈ લેશે.”

આ વિશાળ અને ભયાનક ભુકંપને સમજવા જરૂરી હતુ કે લોકોને તેની યાદ અપાવવામાં આવતી રહે. જેમ બોર્ડની ફાઈનલ પરીક્ષા પૂર્વે નાના મોટા ટેસ્ટ દ્વારા વિદ્યાર્થીને તે પરિસ્થિતિની સમજ પાડવામાં આવે છે. એક બીજું કારણ આ હોઈ શકે. સમયાંતરે લોકોને એવા ઝટકા આપવામાં આવતા રહે કે તેઓ ઇશ્વર તરફ મીટ માંડે અથવા આખિરતના દિવસનો સ્વીકાર કરે. આને ચેતવણી કહી શકીએ. અલ્લાહે બની ઇસરાઈલને ઘણી ચેતવણી આપી હતી અને આ સિલસલો કયામત સુધી વિવિધ રૃપે ચાલતો રહેશે.

બીજું, ભુકંપ આવવાનું એક કારણ લોકોની પરીક્ષા પણ છે કે એક જ ક્ષણમાં આટલી મોટી તબાહી જોઈ વ્યક્તિ શું વર્તન કરે છે? તે પ્રાર્થનામય થઈ જાય છે, પ્રાયશ્ચિત કરે છે કે પછી બંડ પોકારે છે. એવા ઘણા દાખલાઓ આપણને કદાચ મળી જશે કે તેઓ બહુ શ્રદ્ધાળુ હતા અને કુદરતી હોનારતમાં તેમણે તેમના વ્હાલાસોયા ગુમાવ્યા તો દિમાગ પરનું નિયંત્રણ ગુમાવી બેસ્યા અને અસત્ય અને ખોટા વચનો કહેવા લાગ્યા. ઘણા લોકો એવા પ્રશ્ન કરે છે કે અલ્લાહ ને તમે કૃપાળું કહો છો? એ એવો તો કેવો કૃપાળુ છે જે નાના-નાના માસૂમ બાળકોનો જીવ લઈ લે છે. જીવનની વાસ્તવિકતા ન સમજવાના કારણે આવા પ્રશ્નો થઈ શકે છે. જીવન એક પરીક્ષાખંડ છે અહીં ઇશ્વર સુખ આપીને પણ પરીક્ષા લે છે કે તમે ઇશ્વર અને માનવો પ્રત્યે શું વલણ દાખવો છો અને તે દુઃખ આપીને પણ પરીક્ષા લે છે કે તમે આવી પરિસ્થિતિમાં સત્યની પડખે ઊભા રહો છો કે કેમ? ઇશ્વર તરફ પલટો છે કે કેમ? ધૈર્ય રાખી, સત્યમાર્ગે ચાલતા રહો છો કે કેમ? વગેરે. અંતે મૃત્યુ એક અટલ હકીકત છે અને જેણે પેદા કર્યો છે તેનો હક છે ઇચ્છે ત્યારે પાછો બોલાવી લે. એકી સાથે બોલાવી કે એક પછી એક એ બધું પરીક્ષા માટે છે. જે લોકો સત્ય પર અડગ રહી કલ્યાણકારી કાર્યો કરતા રહે તેઓ આખિરતના દિવસે સફળ થઈ જશે.

“જેણે મૃત્યુ અને જીવનનો આવિષ્કાર કર્યો જેથી તમને લોકોને અજમાવીને જુએ કે તમારામાંથી કોણ સારાં કર્મ કરનાર છે,” (સૂરઃ અલ-મુલ્ક-૨)

ભુકંપ અને કુદરતી આપત્તિઆનું ત્રીજુ એક રૃપ પ્રકોપનો છે. જે કોમ અથવા સમુહ ઊંદંડ થઈ જાય અને અવજ્ઞાકારીની સીમા પાર કરી જાય. સત્યનો અસ્વીકાર કરે અથવા તેના પયગમ્બરોને કત્લ કરે તો અલ્લાહનો અઝાબ તેમને આવરી લે છે. પરંતુ આ અઝાબ એવી કોમ કે સમુદાયોમાં આવતો નથી જેમણે પયગમ્બરો દ્વારા ચેતવવામાં ન આવ્યા હોય.

“અને તારો રબ વસ્તીઓને નષ્ટ કરનાર ન હતો જ્યાં સુધી તેમના કેન્દ્રમાં એક રસૂલ (ઈશદૂત) ન મોકલી દેતો જે તેમને અમારી આયતો સંભળાવતો,” (સૂરઃ કસસ-૫૯)

“ધરતી અને આકાશોમાં કેટલીય નિશાનીઓ છે જેના પરથી આ લોકો પસાર થતા રહે છે અને સહેજ પણ ધ્યાન આપતા નથી.” (સૂરઃ યૂસુફ-૧૦૫,૧૦૬)

“… પછી શું આ લોકો ધરતી ઉપર હર્યા-ફર્યા નથી કે તે કોમોનો અંજામ તેમને ન દેખાયો, જે તેમના પહેલાં થઈ ગઈ છે?” (સૂરઃ યૂસુફ-૧૦૯)

કોમોનો ઇતિહાસ જોઈલો, પુરાતત્ત્વ વિભાગ દ્વારા કરાયેલા સંશોધનો અને ખોદકામમાં એવી ઘણી હકીકતો બહાર આવી છે જેઓ વિનાશ પામેલી સંસ્કૃતિઓને પુરવાર કરે છે. આપણા દેશમાં હડપ્પા અને મોહનજોદડોની સંસ્કૃતિ હોય કે અજન્ટા ઇલોરાની ગુફાઓ, ખોદકામ દરમિયાન નિકળતા પ્રાચીન નગરો હોય કે નાંલદા જેવી યુનિવર્સિટી, વિશ્વના તમામ દેશોમાં આવા ખંડેરો અને અવશેષો મળી જશે જે તેમની ભવ્ય સંસ્કૃતિના પતનની સાબિતી આપે છે. તે કોમો ડાયનાસોરની જેમ કેમ નાબૂદ થઈ ગઈ!!!

શ્રદ્ધાનું દુરસ્ત હોવું અને જીવનનું સત્યપંથે હોવું અત્યંત આવશ્યક છે. નહિંતર કોઈપણ દેવ કે શક્તિ આપણને ઇશ્વરના પ્રકોપથી બચાવી શકતી નથી. જે કોમો તબાહ અને બરબાદ થઈ છે. તેમની સરખામણી કરવામાં આવે તો બે વસ્તુઓ સમાન જોવા મળે છે. એક છે બહુદેવવાદ અને બીજુ છે નૈતિક અધઃપતન. અલ્લાહ જ્યારે કોઈ આપત્તિ મોકલે છે ત્યારે એ વસ્તુઓ જેમને લોકો અલ્લાહ સિવાય પોકારે છે. તેમના કોઈ કામ આવી શકતી નથી. બલ્કે તેઓ પોતે પોતાની સુરક્ષા કરવા પણ સમર્થ હોતા નથી.

“લોકો ! એક દૃષ્ટાંત આપવામાં આવે છે, ધ્યાનથી સાંભળો. જે ઉપાસ્યોને તમે અલ્લાહને છોડીને પોકારો છો, તેઓે સૌ ભેગા મળીને એક માખી પણ પેદા કરવા ચાહે તો નથી કરી શકતા. બલ્કે જો માખી તેમના પાસેથી કોઈ વસ્તુ ઝૂંટવીને લઈ જાય તો તેઓ તેને છોડાવી પણ નથી શકતા. મદદ માગનારા પણ નિર્બળ અને જેમનાથી મદદ માગવામાં આવે છે, તેઓ પણ નિર્બળ.” (સૂરઃ હજ્જ-૭૩)

મારી દલીલો પરથી કોઈ એવો તર્ક આપી શકે કે ઘણા મુસ્લિમ દેશોમાં પણ ભુકંપ આવે છે જ્યારે કે તેઓ એક અલ્લાહને માને છે. બીજું એવી પણ કોમો છે જે બહુદેવવાદમાં માને છે અથવા નાસ્તિક છે. પરંતુ તેમના ઉપર આવો પ્રકોપ આવ્યો નથી. ટુંકમાં તેમને આ કહીશ કે જે મુસ્લિમ દેશોમાં પણ આવી આપત્તિ આવી હશે ત્યાં નૈતિકતાની સ્થિતિ જુઓ. કાં તો તેઓ એક અલ્લાહને માનવા છતાં તેના માર્ગદર્શન પર ચાલી રહ્યા નથી, કાં નૈતિક રીતે પાયમાલ થઈ ગયા હશે. સજ્જન અને સારા લોકો પર કોઈ આપત્તિ આવે તો તે પરિક્ષારૃપી અને તેમના પદ્ને ઊચ્ચસ્થાને લઈ જવા માટે હોય છે અને ખોટા તથા દુર્જનો બચી ગયા હોય તો તે ઇશ્વર તરફથી મહોલત છે તેમને સત્યને સ્વીકારવા માટે…

“જો અલ્લાહ લોેકોને તેમના અતિરેક પર તરત જ પકડતો રહેતો હોત તો ધરતીના પટ પર કોઈ જીવધારીને ન છોડતોે. પરંતુ તે સૌને એક નિશ્ચિત સમય સુધી મહેતલ આપે છે, પછી જ્યારે તે સમય આવી જાય છે તો તેનાથી કોઈ એક ક્ષણમાત્ર પણ આગળ-પાછળ થઈ શકતો નથી.” (સૂરઃ નહ્લ-૬૧)

ભુકંપનું એક કારણ પર્યાવરણનું દોહન છે. મોટા ઉદ્યોગો દ્વારા થતુ જળ વાયુ પ્રદુષણ, પર્વતોની કાપણી, ખાણોનો અસંતુલિત ઉપયોગ વિગેરેના કારણે પણ પૃથ્વી પર આવી આપત્તિઓ આવી શકે છે. આપણને પર્યાવરણના સંતુલનમાં હસ્તક્ષેપ કરવો જોઈએ નહીં.

“આકાશને તેણે ઊંચું કર્યું અને તુલા સ્થાપિત કરી દીધી. તેનો તકાદો એ છે કે તમે તુલામાં વિક્ષેપ ન નાખો, ન્યાયપૂર્વક સાચું તોલો અને ત્રાજવામાં ડાંડી ન મારો.” (સૂરઃ અર્-રહ્માન ૭,૮,૯)

“જમીન અને સમુદ્રમાં બગાડ પેદા થઈ ગયો છે લોકોના પોતાના હાથોની કમાણીથી, જેથી સ્વાદ ચખાડે તેમને, તેમનાં કેટલાક કર્મોનો, કદાચ તેઓ અટકી જાય.” (સૂરઃ રૃમ-૪૧)

ગમે તે કારણ હોય જેઓ ભોગ બન્યા છે. તેમાના સારા લોકોને અલ્લાહની પ્રસન્નતા પ્રાપ્ત થશે અને જે દુર્જનો હશે તેઓ નરકના ઈંધન બનશે. પરંતુ જે બચી ગયા છે. જેમના જીવ સલામત છે. તેમના માટે આવી આફતો બોધગ્રહણ કરવા માટે અને ચેતવણી રૃપ છે. આપણે તો ઇશ્વરનો આભાર માનવો જોઈએ અને પોતાના શેષ જીવનને સત્ય માટે સમર્પિત કરવું જોઈએ. જે લોકો ભોગ બન્યા છે, વંચિત થયા છે તેમના માટે વિશાળ હૃદય નાત-જાત કે ધર્મ-સંપ્રદાયના ભેદ ભૂલી કલ્યાણ અને સેવાના કાર્યો માટે આગળ આવવું જોઈએ. કેમકે માનવસેવા કોઈ વધારાનું કાર્ય નથી. બલ્કે આપણી ફરજ છે. અલ્લાહના રસૂલ સ.અ.વ.એ ફરમાવ્યું, “જો રહમ નહીં કરતા ઉસપર રહમ નહીં કીયા જાતા.”

અંતે આપણે આ યાદ રાખવું જોઈએ કે પૃથ્વી પર આપણે એકલા આવ્યા છીએ અને એકલાને જ પોતાના પાલનહાર સામે ઉત્તરાદાયી થવાનો છે, કમોનો હિસાબ આપવાનો છે. દુનિયામાં સમાજ, અહંકાર, કુટુંબ, મિત્રો કે સંબંધીઓ શું કહેશે ના બુતને તોડી સત્યના માર્ગે ચાલવું જોઈએ.

“(અને અલ્લાહ ફરમાવશે) લો, હવે તમે એવા જ એકલા અમારા સામે હાજર થઈ ગયા જેવા અમે તમને પહેલી વાર એકલા પેદા કર્યા હતા,” (સૂરઃ અન્આમ-૯૪)

sahmed.yuva@gmail.com

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments