Thursday, April 25, 2024
Homeમનોમથંનડોકટર કૂરિયનના સંસ્મરણો

ડોકટર કૂરિયનના સંસ્મરણો

સફેદ ક્રાંતિના જનક ડો.વર્ધીસ કુરિયનનું અવસાન થતાં જ એક યુગનો અંત આવી ગયો. કેરેલાના પ્રતિષ્ઠિત ખ્રિસ્તી પરીવારમાં જન્મેલા કુરિયન નસીબજોગે સરકારી સ્કોલરશીપ પર અમેરિકામાં ડેરી એન્જીનયરીંગનો અભ્યાસ કરવા પહોંચ્યા અને પરત ફરીને સરકારે આણંદની એક ક્રિમરીમાં તેમની નિમણુંક કરી. જ્યારે તેઓ આણંદ આવ્યા ત્યારે તે દસ હજારથી પણ ઓછી વસ્તિનું એક નાનકડું નગર હતું. શરૃઆતમાં તો ડો.કૂરિયનને તેમના માંસાહારી હોવાના કારણે કોઇ રહેવાની જગ્યા આપવા પણ તૈયાર ન હતું અને તેમને એક ગાડી મૂકવાના શેડમાં આશ્રય લેવો પડયો. શહેરી રીત ભાતમાં ઉછરેલા અને વિદેશમાં અભ્યાસ મેળવેલા કૂરિયન માટે આણંદમાં સમય પસાર કરવાનું જરાય મન ન હતું. તેઓ સરકારી સ્કોલરશિપ લીધેલ હોવાથી નોકરી કરવા માટે બંધાયલા હતા અને આ કારણે તેઓ વારંવાર સરકારી અધિકારીઓને પત્ર લખતા કે તેમના માટે આણંદમાં કંઇ પણ ઉપયોગી કામ ન હતું અને તેથી તેમને જલ્દીથી આ નોકરીમાં થી મુક્ત કરવામાં આવે. કૂરિયનના સતત દબાણના કારણે અંતે તેમની ઇચ્છા ફળી અને સરકારે તેમની અરજી મંજુર કરી દીધી. પરંતુ તે આણંદ છોડે તે પહેલા જ જિલ્લાના ખેડુતોએ એક એવી ચળવળ આરંભી દીધી હતી કે કૂરિયન આવનારા સંપૂર્ણ જીવન માટે તેના એક અંગ બની જવાના હતા. ૧૯૪૦ નો તે દાયકો હતો અને ત્રિભુવનદાસ પટેલના નેતૃત્વમાં દૂધનું ઉત્પાદન કરનારા ખેડૂતોએ પોલ્સન ડેરીના શોષણનું વિરોધ કરવાનો નિશ્ચય કરી લીધો હતો. વાત એમ હતી કે પોલ્સન નામ નો વેપારી ખેડુતો જોડે નજીવા ભાવે દૂધ ખરીદતો અને મુંબઇના શહેરી વિસ્તારોમાં દૂધ પહોંચાડી તગડા દામે વેચી જંગી લાભ રળતો હતો. તેની પાસે દૂધનો સંગ્રહ કરવા જરૂરી મશીનરી હતી જે ખેડૂતો પાસે ઉપલબ્ધ ન હતી. જો ખેડૂતો પોતાનું દૂધ પોલ્સનને ન વેચે તો તે દૂધ થોડાં જ સમયમાં ખરાબ થઇ જાય. આમ ખેડૂતો જોડે અન્યાય થતો અને તેમનું શોષણ થતું. ખેડૂતોએ નક્કી કરી લીધું હતું કે તેઓ દૂધ જમીન પર ઢોળી દેશે પરંતુ પોલ્સનને તેમનું શોષણ કરવાનો મોકો નહી આપે. અહીંથી સહકારી મૂલ્યો પર આધારિત એક અદભુત ચળવળની શરૃઆત થાય છે.

આમ ખેડા જિલ્લા સહકારી દૂધ ઉત્પાદન સંધની સ્થાપના થાય છે. ખેડૂતો પાસે હોંસલો હતો પરંતુ તેમની પાસે ન તો દૂધનો સંગ્રહ કરવાની તકનીકો વિશે જાણકારી હતી, ન તો ગ્રાહક સુધી પહોંચવા માટેની વિતરણ વ્યવસ્થાનું કોઇ જ્ઞાાન હતું અને આ તમામ બાબતોનો વહીવટ કરી શકે તેવો કોઇ દીર્ધદ્રષ્ટા પણ ન હતો. આવા સમયે ત્રિભુવન દાસ પટેલની નજર સરકારી ક્રિમરીમાં કામ કરવા આવેલા યુવાન પર પડે છે. ખેડૂતોના વતી કૂરિયનને વિનંતી કરવામાં આવે છે કે તેમને કઇ મશીનરી ખરીદવી તે બાબતે તેમની મદદ કરે. આણંદના સંકુચિત વાતાવરણથી વિરામ લેવા અવારનવાર મંબઇ આવતા કૂરિયન માટે આ કામ રસપ્રદ પણ હતું અને કોઇને મદદ રૃપ થવાની ભાવના પણ પ્રેરક હતી. મશીનરીનો ઓર્ડર પણ અપાઇ ગયો અને હવે ખેડૂતો દ્વારા એવી વિનંતી કરવામાં આવી કે કુરીયન મશીનરી આવવામાં અને તેને સફળતા પૂર્વક અમલમાં ન મૂકવામાં આવે ત્યાં સુધી તે આણંદ ખાતે સંઘમાં કર્મચારી તરીકે જોડાઇ જાય. કૂરિયન આ પ્રસ્તાવનાનો ઇન્કાર કરી ન શકયા અને પછી જે જીવન તેમણે પસાર કર્યું તે ઇતિહાસના પૃષ્ઠામાં અંકિત થઇ ગયું જ્યારે તે આ સહકારી ચળવળ સાથે જોડાયા જેણે આગળ ચાલીને અમૂલનું સ્વરૃપ ધારણ કર્યું અને શ્વતેક્રાંતિ ગણાઇ ત્યારે ભારત દેશને પોતાના પોષણ માટે દૂધનો પાવડર ન્યુઝીલેન્ડ અને ડેન્માર્ક જેવા દેશોથી આયાત કરવો પડતો હતો. ખેડૂતોના સહકારના મૂલ્યો સામે રાખીને ડો. કૂરિયને એવી સંસ્થાઓની બુનિયાદ નાખી જેણે ભારતને વિશ્વનું સૌથી મોટું દૂધ ઉત્પાદક બનાવ્યું અને દૂધની બાબતમાં રાષ્ટ્રને સ્વાવલંબિત કર્યું તેમાં ડેરી ક્ષેત્રે અમૂલ ડેરી વિકાસ માટે એન.ડી.ડી.બી રૃરલ મેનેજમેન્ટનું શિક્ષણ આપવા ઈરમા ડેરી મશીનરી માટે આઇ.ડી.એમ.સી, પ્રાથમિક શિક્ષણ માટે આનંદાલય, દૂધ ઉત્પાદન વિતરણ ક્ષેત્રે જી.સી.એમ.એમ.એફ અને તે ઉપરાંત ડઝનેક સંસ્થા શામેલ છે. દરેક સંસ્થાનો મૂળમાં મૂલ્યો એક જ હતા અને તે હતા છેવાડા ના દૂધ ઉત્પાદક માટે સ્વાવલંબન. કામ કરવા માટે જે વ્યવહારિક મૂલ્યો હતા તેમાં નૈતિકતા અને શ્રેષ્ઠતા પર તેમનો મદાર નાખવામાં આવ્યો. ડો. કૂરિયનની સફળતા આંકવી હોય તો એક નમૂનો ઘણું કહી જાય તેમ છે. ભારતમાં ગ્રાહક જે ભાવે દૂધ ખરીદે છે તેનો ૭૦% થી પણ વધૂ ભાગ દૂધ ઉત્પાદક સુધી પહોંચે જ્યારે યુ.એસ માં આ આકડો ૪૦% થી પણ ઓછો છે.

તેમની આ ચળવળ એવી હતી જેમાં વચેટીયાઓ ના હકનો લાભ ખોટી ન શકે અને દૂધ ઉત્પાદકને તેનો શ્રેષ્ટ બદલો મળે. ડો. કૂરિયનનું જીવન એટલા માટે ઘણું જ મહત્વ ધરાવે છે કારણ કે તેમણે એવી વિચારધારાનો જીવંત દાખલો આપ્યો હતો જે ગ્લોબલાઇઝેશનનું ગાણું ગાનાર મલ્ટીનેશનલ કંપનીઓ ને હુંફાવનારી સાબીત થઇ. તેમની ચળવળે એક એવો દાખલો બેસાડયો કે જો સાવ છેવાડાના નાગરીકને ટેકનોલોજી અને માર્કેટીંગની સમજણ આપવામાં આવે તો તેઓ માલેતુજાર ઉચ્ચ શિક્ષત અને તકનીકસભર સમાજની સમકક્ષ ઉભો રહી શકે છે. ડો.કુરીયને જ્યાં એક પછી એક સફળતાના શિખરો સર કર્યાં ત્યાં ઘણી બાબતોમાં તેમને અસફળતાઓનો પણ સામનો કરવો પડયો. જ્યાં તેમના વિચારોને આખરી સત્ય માની તેના પર અમલ કરવા વાળાઓની એક મોટો સમૂહ હતો ત્યાં તેમની કામ કરવાની પદ્ધતિ અને આ ચળવળના સૌથી મોટા પડાવ ઓપરેશન ફલડના વિરોધીઓ પણ હતા.ડો. કુરિયને જ્યાં ભારતના પ્રધાનમંત્રીઓ જવાહરલાલ નહેરૃ, લાલ બહાદૂર શાસ્ત્રી અને ઇન્દિરા ગાંધીના દિલ જીત્યા હતાં ત્યાં તેમણે પોતાના જીદ્દી વલણ વડે ઘણા સ્થાનિક અને અહીં સુધી કે કેન્દ્રીય કૃષિ પ્રધાનરાવ બિરેન્દ્ર સિંઘ માટે આંખોની ખૂંચ બની ગયા હતા. તેમને પ્રધાનમંત્રીઓનો એવો વિશ્વાસ મળ્યો હતોકે કૂરિયનને તેમના પદથી હટાવા નિકળેલા બિરેન્દ્ર સિંઘને કેબીનેટમાંથી હટાવી દેવામાં આવ્યા હતા. ડો. કુરિયને એક વાર અર્થશાસ્ત્રીઓના એક મેળાવડામાં કહી દીધું હતું કે તેઓ અર્થશાસ્ત્રીઓથી નફરત કરે છે. આ તે લોકોનો સમૂહ છે જે કામના સમયે હાજર નથી હોતા પણ જ્યારે કોઇ કામ કરતું હોય અને તેને પુરૃં કરે ત્યારે તેનું અર્થહીન પૃથઃકરણ કરવા આવી પહોચતા હોય છે.

તેમને સોશ્યલ સાયન્ટિસ્ટ (સામાજીક વિજ્ઞાાનીઓ) માટે અને બ્યુરોક્રેટ્સ માટે પણ આ જ પ્રકારના વિચારો હતો. સામાજિક વિજ્ઞાાનો માટે તેમના વિચારો વધૂ નકારાત્મક ત્યારે હતા જ્યારે ગોવાના એક ચળવળકાર ક્લોડ અલવારિસે તેમના ઓપરેશન ફ્લડ પ્રોગ્રામને ‘વ્હાઇટ લાય’ સફેદ ઝૂઠ ગણાવ્યું. પરંતુ એકંદરે જોઇએ તો ડો. કૂરિયનની નિષ્ઠા અને ખેડૂતો પ્રત્યેની કર્મબદ્ધતા માટે ક્યારે પણ કોઇને શંકા ન હતી. ડો. કૂરિયનની વિચારધારા અને તેમની કામ કરવાની પદ્ધતિથી જરૃરથી ઘણા લોકોને મતભેદ હોઇ શકે પરંતુ તેમનું જીવન વિદ્યાર્થીજગત માટે એક બહુ મોટી પ્રેરણા છે. તેમનું જીવન સંદેશ આપે છે કે જો જીવનમાં બીજા માટે કંઇ કરવું હોય તોસાવ છેવાડાના માનવીને ભૂલવો ન જોઇએ. જો તેના જીવનમાં તમે થોડો ફેર લાવી શકશો તો સશક્ત સમાજની રચનામાં તમારૃં મહત્વપૂર્ણ યોગદાન હશે. તેમણે ગ્રામીણ ક્ષેત્રે વિદ્યાર્થી જગતને સતત આહવાન કર્યું. આઇ.આઇ.એમ અહમદાબાદના બોર્ડના તે સદસ્ય હતા અને ત્યારે તેમણે કહ્યું કે પ્રોફેશનલ મેનેજમેન્ટનું જ્ઞાાન પ્રાપ્ત કરીને જે વિદ્યાર્થીઓ આઇ.આઇ.એમ.માંથી પાસ થાય છે તેમણે જરૃરથી જીવનનો એક નાનકડો ભાગ જ ખરો પણ ગ્રામીણ ક્ષેત્રના ઉત્થાન માટે આપવો જોઇએ. આ સાંભળતા જ તે સમયના અહમદાબાદના એક ખ્યાતનામ ઉદ્યોગપતિએ પોતાની સિગાર મોઢામાંથી કાઢીને કહ્યું કે શું તમે મેનેજરો દ્વારા ભેંસો દોહાવા માંગો છો. કૂરિયને તરતજ વળતો પ્રહાર કર્યો કે ના અમે તો તેમને સિગારથી કઇ રીતે ધૂમાડા ઉડાડવા તેવું શિખવાડવા માંગીએ છીએ. તેમણે તરત જ બોર્ડમાંથી રાજીનામું આપ્યંુ અને આ ઘટના ઇન્સ્ટિટયુટ ઓફ રૃરલ મેનેજમેન્ટ આણંદથી સ્થાપના પ્રેરક બની. ઇરમાના દરેક કોર્ષમાં વિદ્યાર્થીઓ માટે અમુક ચોક્કસ સમય ગામડાઓમાં રહીને ત્યાંના વિકાસ માટે કાર્ય કરવાનું ફરજિયાત કરવામાં આવ્યું. આ ઉપરાંત ઇરમા તેવી એક અનોખી સંસ્થા જે જ્યાં કોઇ પણ મલ્ટીનેશનલ કંપનીને વિદ્યાર્થીઓને નોકરી આપવાની પરવાનગી નથી.

ડો. કૂરિયનના જીવનમાંથી બીજી ઉપયોગી શિખામણ એ મળે છે કે જો સફળતાને સતત પ્રાપ્ત કરવી હોય તોસંસ્થાકીય માળખુ બનાવવું અનિવાર્ય છે. જે તે કામ માટે નિષ્ણાંત માણસો અને સંસ્થાઓ હોવી જોઇએ. દરેક કામમાં શ્રેષ્ઠતાનો આગ્રહ રાખવો જોઇએ. ડો. કૂરિયને પોતાની ચળવળને લોકમાનસ પર હકારાત્મક અસર છોડવા એવા પગલાં લીધા જેના સાંસ્કૃતિક પણ કહી શકાય. ગામના ખેડૂતોના પુરૃષાર્થ અને સહકારી ભાવનાને વેગ આપવા તેમણે શ્યામ બેનેગલ જેવા ઉચ્ચ કોટિના ફિલ્મકારને રોક્યા અને મંથન નામની એક ફિલ્મ બનાવી. આ ફિલ્મ ભારતના સિનેમાની ઉચ્ચતમ કોટિમાં સમાવી શકાય તે શ્રેણીની સાબિત થઇ. આ ઉપરાંત ડો. કૂરિયને એવા ઘણા કામો કર્યો જેના વડે તેઓ પ્રેરણાસ્ત્રોત બન્યા.

આજે દેશમાં જ્યાર તરફ અન્યાય, શોષણ અને ભ્રષ્ટાચારથી ખદબદ વાતાવરણ છે ત્યારે દેશને એવા સેંકડો કૂરિયનોની જરૂરત છે જે દેશની દિશા પલટી શકે. જરૃર છે કે વિદ્યાર્થી સમુદાય આગળ આવે અને સમાજની નવરચના માટે પોતાની જાતને તૈયાર કરે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments