અલ્લાહના નામથી જે અત્યંત કૃપાળુ અને દયાળુ છે.
૧૭૨. (આવા ઇમાનવાળાઓના બદલાને) જેમણે ઘા ખાધા પછી પણ અલ્લાહ અને રસૂલનો પોકારનો સ્વીકાર કર્યો – તેમનામાંથી જે વ્યક્તિઓ સદાચારી અને સંયમી છે, તેમના માટે મોટો બદલો છે.
૧૭૩. – જેમને લોકોએ કહ્યું, “તમારા વિરૂદ્ધ મોટી સેનાઓ એકઠી થઇ છે, તેમનાથી ડરો.” તો આ સાંભળી તેમનું ઇમાન ખૂબ વધી ગયું અને તેમણે જવાબ આપ્યો, “અમારા માટે અલ્લાહ પૂરતો છે અને તે જ સર્વોત્તમ કાર્યસાધક છે.”
૧૭૪. છેવટે તેઓ અલ્લાહની બક્ષિસ અને કૃપા સાથે પાછા આવ્યા, તેમને કોઇ પ્રકારનું નુકસાન પણ ન થયું અને અલ્લાહની મરજી મુજબ ચાલવાનું શ્રેય પણ તેમને પ્રાપ્ત થઇ ગયું. અલ્લાહ મોટો કૃપાવાન છે.
૧૭૫. હવે તેમને ખબર પડી ગઇ તે ખરેખર શેતાન હતો જે પોતાના મિત્રોથી અમસ્તો ડરાવી રહ્યો હતો, એટલે ભવિષ્યમાં તમે મનુષ્યોથી ન ડરશો, મારાથી ડરજો જો તમે ખરેખર ઇમાનવાળા છો.
૧૭૬. (હે પયગંબર !) જે લોકો આજે કુફ્ર (ઇન્કાર)ના માર્ગમાં ભારે દોડધામ કરી રહ્યા છે તેમની પ્રવૃત્તિઓ તમને દુઃખી ન કરે, તેઓ અલ્લાહનું કંઇ પણ બગાડી શકશે નહીં. અલ્લાહનો ઇરાદો એ છે કે તેમના માટે આખિરત (પરલોક)માં કોઇ હિસ્સો ન રાખે, અને છેવટે તેમને કઠોર સજા મળવાની છે.
૧૭૭. જે લોકો ઇમાન છોડીને કુફ્ર (ઇન્કાર)ના ખરીદનારા બન્યા છે, તેઓ નિશ્ચિતપણે અલ્લાહને કોઇ નુકસાન નથી પહોંચાડી રહ્યા, તેમના માટે પીડાકારી સજા તૈયાર છે.
૧૭૮. આ મહેતલ જે અમે તેમને આપી રહ્યા છીએ, તેને આ કાફિરો (અધર્મીઓ) પોતાના હિતમાં સારી ન સમજે, અમે તો તેમને એટલા માટે મહેતલ આપી રહ્યા છીએ કે તેઓ ગુનાઓનો ભારે બોજ ભેગા કરી લે, પછી તેમના માટે કઠોર અપમાનજનક સજા છે.
૧૭૯. અલ્લાહ ઇમાનવાળાઓને તે સ્થિતિમાં કદાપિ નહીં રહેવા દે જેમાં તમે લોકો અત્યારે જોવા મળો છો. તે પાક (પવિત્ર) લોકોને નાપાક (અપવિત્ર) લોકોથી જુદા કરીને રહેશે. પરંતુ અલ્લાહની આ રીત નથી કે તમને ગેબ (અદૃષ્ય)ની વાતો જણાવી દે. (ગેબની વાતો બતાવવા અંગે તો) અલ્લાહ પોતાના રસૂલો (સંદેશવાહકો) પૈકી જેને ચાહે છે પસંદ કરી લે છે, તેથી (ગેબની વાતોની બાબતમાં) અલ્લાહ અને તેના રસૂલો ઉપર વિશ્વાસ રાખો. જો તમે ઇમાન અને તકવા (ઇશ-ભય અને સંયમ)ના માર્ગે ચાલશો તો તમને મોટું વળતર મળશે.
૧૮૦. જે લોકોને અલ્લાહે પોતાની કૃપા પ્રદાન કરી છે અને પછી તેઓ કંજુસી કરે છે તેઓ એ ભ્રમમાં ન રહે કે આ કંજૂસી તેમના માટે સારી છે. નહીં, આ તેમના માટે અત્યંત ખરાબ છે, જે કંઇ તેઓ પોતાની કંજૂસી વડે એકઠું કરી રહ્યા છે તે ક્યામત (પુનરૃજ્જીવન)ના દિવસે તેમના ગળાની તોક બની જશે. ધરતી અને આકાશોનો વારસો અલ્લાહ જ માટે છે અને તમે જે કંઇ કરો છો અલ્લાહ તેને જાણે છે. (સૂરઃઆલે ઇમરાન)