હઝરત અબ્દુલ્લાહ બિન આમીર રદી. વર્ણન કરે છે કે, જ્યારે તેઓ નાના હતા. એક દિવસ મારી માએ મને બુમ પાડી. તે વખતે અલ્લાહના રસૂલ સ.અ.વ. અમારા ઘરે પધારેલા હતા. મારી માએ મને બૂમ પાડીને કહ્યું, અહીં આવ હું તને એક વસ્તુ આપીશ. અલ્લાહના રસૂલ સ.અ.વ.એ મારી માથી પૂછ્યું “તમે આ બાળકને કઈ વસ્તુ આપવા ઇચ્છો છો?” તેમણે કહ્યું, હું તેને ખજૂરો આપીશ. આપ સ.અ.વ.એ ફરમાવ્યું, “જો તમે એને કંઈ પણ ન આપતા અને માત્ર બોલાવવા ખાતર જ તમે આમ કહ્યું હોત તો તમારા નામે એક જૂઠ લખી દેવામાં આવતું.” (હદીસ સંગ્રહ – અબુદાઉદ)
જૂઠનો અમલ ગુનાઓ તરફ લઈ જાય છે અને માનવીને છેવટે જહન્નમના સુપ્રત કરી દે છે. અલ્લાહના રસૂલ સ.અ.વ. કહે છે, “જૂઠથી બચો કેમકે જૂઠ ગુનાઓ સાથે લાગેલુ છે અને આ બંને ચીજો જહન્નમમાં જશે.” (ઇબ્નેમાજા – નિસાઈ)
મનનો દંભ અને વાતચીતમાં ખ્યાનત પણ જૂઠ છે. અલ્લાહના રસૂલ સ.અ.વ.એ ફરમાવ્યું “આ મોટી ખ્યાનત છે કે તમે પોતાના ભાઈથી એવી વાત કહો જેને તે તો સાચી સમજી રહ્યો હોય જ્યારે કે તમે જૂઠ બોલી રહ્યા હોવ.” (બુખારી)
જૂઠ માનવ પ્રકૃતિથી વિરુદ્ધ છે અને એવી નૈતિક બુરાઈ છે જે એ સમયે જન્મ લે છે જ્યારે જૂઠ બોલનારના મનમાં ફસાદ-ઉપદ્રવ પોતાની જડો જમાવી ચૂક્યો હોય છે. અલ્લાહના રસૂલ સ.અ.વ.નું કથન છે. “મોમિનની પ્રકૃતિમાં દરેક ફસાદની ગુંજાઈશ છે સિવાય જૂઠ અને ખ્યાનતની.” (અહમદઇબ્ને હંબલ)
અલ્લાહના રસૂલ સ.અ.વ.થી પૂછવામાં આવ્યું, “શું મોમિન ડરપોક હોઈ શકે છે?” કહ્યું – “હા” – પૂછ્યું, “શું મોમિન કંજૂશ હોઈ શકે છે?” કહ્યું – “હા”. પૂછ્યું, “શું મોમિન જૂઠો હોઈ શકે છે?” ફરમાવ્યું “ના.” (મૂઅ્તા ઈમામમાલિક)
હઝરત આઈશા સિદ્દીકા રદી. ફરમાવે છે કે, આપ સ.અ.વ.ને જૂઠથી વધારે નાપસંદ કોઈ વાત ન હતી. સહાબા રદી.માંથી કોઈ જૂઠ બોલતું તો અલ્લાહના રસૂલ તેનાથી ચેતી જતા હતા અને આ ચીજ આપ સ.અ.વ.ના મનમાંથી ત્યાં સુધી સાફ નહોતી થતી જ્યાં સુધી આ જૂઠથી તે સહાબી તૌબા ન કરી લેતા.
અલ્લાહના રસૂલ સ.અ.વ. મુસ્લિમ ઉમ્મતની તરબીયત કરી રહ્યા હતા. ઇસ્લામી સમાજનું ઉત્થાન થઈ રહ્યું હતું અને એક ઇસ્લામી રાજ્ય કાયમ થઈ રહ્યું હતું. આપ સ.અ.વ.એ ચિંતામાં રહેતા હતા કે જે આધારો પર આ ઈમારત ઊભી થઈ રહી છે તે દરેક પ્રકારે મજબૂત અને સુરક્ષિત હોય.
આપ સ.અ.વ. સહાબા કીરામ રદી.ને જૂઠની ગંદકીથી ચેતવતા રહેતા હતા. આપ ફરમાવે છે કે, “બંદો જ્યારે જૂઠ બોલે છે તો આ જૂઠની જે દુર્ગંધ ફેલાય છે તેના કારણે ફરિશ્તા તેનાથી એક માઈલ દૂર જતા રહે છે. આપ સ.અ.વ.એ કહ્યું, જે ચીજ તમને શંકામાં નાંખી દે તેને છોડીને એવી ચીજને અપનાવો જે તમને શંકામાં ન નાંખે કેમકે સચ્ચાઈ મનની એકાગ્રતાનું નામ છે અને જૂઠ શંકા અને પ્રપંચ છે.” (બુખારી)
બાળકોની તરબીયતનો મામલો આવ્યો તો અલ્લાહના રસૂલ સ.અ.વ.એ માતાઓને સખત તાકીદ કરી કેમકે અલ્લાહતઆલાએ સંતાનો સ્વરૃપે જે અમાનત તેમને સોંપી છે તેઓ આ બાબતે સંપૂર્ણ રીતે જવાબદાર છે. તેમની જવાબદારી છે કે તેઓ તેમના સંતાનોમાં ઉચ્ચ પ્રકારના નૈતિક મૂલ્યોનું સિંચન કરે. તેમનામાંથી ખરાબ કામો અને બુરી આદતોને નાબુદ કરે. પોતાના સંતાનોની સંભાળપૂર્વક કાળજી રાખે. તેમની નિગરાની કરે તેમના માટે શ્રેષ્ઠ નમૂના અને આદર્શ રજૂ કરે કેમકે બાળકો કોઈ બીજાના વલણ અને વર્તનને તો નજરઅંદાજ કરી શકે છે પરંતુ જેમની અમલી વર્તણુંક કે વર્તનને નજરઅંદાજ નથી કરી શકતો તે તેના મા-બાપ, શિક્ષક, વાલી અને રહેનુમા કે માર્ગદર્શક હોય છે. એટલે જ્યારે ઇસ્લામે ઇચ્છ્યું કે આ નાના છોડની સાચી દિશામાં સાચી રીતથી કેળવણી ને જાળવણી થાય તો માતાને એ વાતની તાલીમ આપી કે તે તેના સાથે કેવી રીતે રહે અને કેવી રીતે વર્તે.
જે પ્રસંગનું અત્રે વર્ણન થયું તે આ વાત ભારપૂર્વક દર્શાવે છે. જેમાં અલ્લાહના રસૂલ સ.અ.વ. વાસ્તવમાં માઓને એ વાતથી મના ફરમાવી રહ્યા છે કે તેઓ પોતાના સંતાનોથી જૂઠ બોલે. ત્યાં સુધી કે એવા મામલાઓમાં પણ નહીં જેને મા તદ્દન સામાન્ય કે તુચ્છ સમજતી હોય…
અલ્લાહના અંતિમ રસૂલ સ.અ.વ.એ ઉત્કૃષ્ઠ માનવ સમાજ અને ઉત્તમ સભ્યતા ઊભી કરવા શરૃઆતથી જ લોકોમાં એવા સંસ્કારના બીજ
રોપ્યા અને તેમના મન-મષ્તિષ્ક અંતરઆત્માની એ રીતે તરબીયત કરી કે આગળ જતા આ બીજ વિશ્વ ફલકમાં ઘટાદાર વૃક્ષોમાં રૃપાંતરિત થતા ગયા…
આ છે માનવતા ઉપર તેના શ્રેષ્ઠ ઉપકારક સ.અ.વ.નો અનુપમ ઉપકાર અને ઉપહાર. /