Sunday, October 6, 2024
Homeમનોમથંનતુર્કી સૈન્ય બળવો : શીખવા જેવા પાઠ

તુર્કી સૈન્ય બળવો : શીખવા જેવા પાઠ

દુનિયામાં ઇસ્લામ વિરોધી ચળવળ એટલી હદે સફળ થઈ છે કે દરેક ત્રાસવાદી ચળળળ સાંભળ્યા પછી બિનમુસ્લિમના મનમાં એક મુસ્લિમ છબી ઉપસે છે. તેને તે ધિક્કારે છે અને ‘મુસ્લિમો એવા જ હોય છે’ એવો હુંકાર થાય છે. મુસ્લિમો, મુસ્લિમ સંસ્થાઓ અને મુસ્લિમોના તાબા હેઠળના દેશના હોદ્દેદારો ‘ઇસ્લામને આતંકવાદની સાથે કોઈ લેવા દેવા નથી’ ‘ઇસ્લામ શાંતિનો સંદેશ છે’ વિગેરે વિધાનો દ્વારા બચાવની પરિસ્થિતિમાં આવી જાય છે. મુસ્લિમોમાંનો એક વર્ગ જે ઇસ્લામની શિક્ષાથી અને આધુનિક શિક્ષણથી દૂર છે તેણે સ્વીકારી લીધું છે કે અમારા કેટલાક લોકો તોફાની અને હિંસક હોય છે જે આવી પ્રવૃત્તિ કરતા રહે છે.

છેલ્લા દોઢ દાયકાથી દુનિયાના જગત જમાદારો દ્વારા એવો પ્રયત્નો કરવામાં આવી રહ્યો છે કે ઇસ્લામ અને આતંકવાદ બંને એક બીજાના પર્યાય સમાન છે. અફઘાનિસ્તાન પર હુમલો કરવા માટે વલ્ડ ટ્રેડ સેન્ટર પરના આતંકવાદી હુમલાને આધાર બનાવવામાં આવ્યો હતો, ઇરાક પર હુમલો કરવા માટે સદ્દામ હુસૈન પાસે રસાયણિક હથિયારો છે તેવું બહાનું બતાવવામાં આવ્યું હતું અને લિબિયા પર હુમલા કરવા માટે ગદ્દાફીની સરમુખ્તિયારશાહીની આડ લેવામાં આવી હતી. આતંકવાદને નાથવાના બહાના બતાવી દુનિયાની મુખ્ય તાકતોએ મુસ્લિમ રાષ્ટ્રો પર જબરદસ્ત આતંકવાદી હુમલાઓ કર્યા અને કુદરતી સાધન-સંપત્તિ પર પોતાનો કબ્જો જમાવ્યો. આ ષડયંત્રો અને પાખંડ પાછળ આર્થિક અને રાજકીય એમ બંને મોરચે પોતાની સર્વપરિતા પ્રસ્થાપિત કરવા અને જાળવી રાખવાનો હેતુ છુપાયેલો હતો.

લિબિયામાં સરમુખ્તિયારશાહી અને એક હથ્થુ શાસનને અંત આણી લોકશાહી સ્થાપવાના બહાને હુમલો કરવામાં આવે છે ત્યાં જ સઉદી અરેબિયા, યુએઈ, કુવૈત વિગેરે દેશો જ્યાં રાજાશાહી છે તેની સાથે સુમેળ ભર્યા સંબંધો સ્થાપવામાં આવ્યા છે. ઇજિપ્તમાં જ્યાં સરમુખ્તિયારશાહી હતી ત્યાં લોકશાહી ઢબે ચૂંટાયેલ સરકારને સૈન્ય બળવા દ્વારા ઉથલાવી દેવામાં આવે છે. ફકત એટલા માટે કે લોકશાહી ઢબે ચૂંટાયેલી સરકાર ઇસ્લામ પસંદ હતી! આ બાબતો જગત જમાદારોની દંભી, બેવડી અને ઇસ્લામ વિરોધી નીતિને છતિ કરે છે. મુસ્લિમોની જાગૃતિ, સમૃદ્ધિ અને તેમના વિકાસની સાથે તેમનું ઇસ્લામ પસંદ હોવું કહેવાતા વિકસિત દેશોની આંખમાં ખુંચે છે. તેમને તેમનો રાજકીય દબદબો દુનિયામાંથી ખતમ થઈ જશે તેનો ભય સતાવે છે. તેઓ ખૂબ સારી રીતે જાણે છે કે મુસ્લિમો જ એક એવી કોમ છે જે દુનિયામાં ન્યાય, શાંતિ અને સુખાકારીની સ્થાપના કરી શકે છે. માટે તેઓ નથી ઇચ્છતા કે મુસ્લિમોમાં એકતા, જાગૃતિ અને રાજકીય સ્થિરતા પેદા થાય.

હાલના તુર્કીના સૈન્ય બળવા પાછળ આ જ માનસિકતા કારણભુત હતી. પરંતુ તુર્કીના જાગૃત લોકોએ બળવાને નિષ્ફળ બનાવવામાં મહત્ત્વની ભુમિકા ભજવી. તુર્કી એક એવું રાષ્ટ્ર છે જ્યાંથી ૬૦૦ વર્ષ સુધી ખિલાફતે ઉસ્માનિયાનું સંચાલન થતું રહ્યું. ભૌગોલિક રીતે ખુબજ મહત્ત્વનું સ્થાન ધરાવતા તુર્કીનો એક હિસ્સો યુરોપ અને બીજો હિસ્સો એશિયા ઉપખંડમાં આવેલો છે. તેના જમીની રસ્તાઓ એટલા વિશાળ છે કે ખાડી પ્રદેશોથી રશિયા સુધી પહોંચે છે. કુદરતી સાધન સંપત્તિ અને સુંદરતાથી પણ સમૃદ્ધ દેશ છે. આવા દેશની અંદર કબ્જો જમાવવા જગત જમાદારો તલપાપડ બને એ સ્વાભાવિક છે. ઇજિપ્તની જેમ સૈન્ય બળવા દ્વારા કોઈ અબ્દુલ ફત્તાહ અલસીસી જેવા તળવાચાટ વ્યક્તિને બેસાડી તુર્કી પર રાજ કરવાની મેલી મુરાદ હતી જે તૈયિબ અરદુગાન જેવા બાહોશ અને સક્ષમ વ્યક્તિની દિર્ઘદૃષ્ટિ અને જાગૃત પ્રજાની તાત્કાલિક પ્રતિક્રિયાથી નિષ્ફળ બનાવી દેવામાં આવી.

કોઈ નેતા કે સરકારથી પ્રજા એટલી હદે પ્રેમ કરે કે પોતાના જીવના જોખમે રસ્તા પર આવી જાય અને ટેંકોની નીચે સુઈ જાય! આવો દાખલો ઇજિપ્ત પછી તુર્કીમાં જોવા મળ્યો. પ્રજાએ કોઈપણ પ્રકારના હિંસક કે ઉત્તેજક રસ્તાઓ અપનાવ્યા સિવાય ખુબજ ગંભીરતાપૂર્વક પોતાની સરકારનો સાથ આપ્યો. આ વાત વિચારવા જેવી છે કે અરદુગાન સરકારે એવું તો શું કર્યું કે પ્રજા જીવના જોખમે સરકારના સમર્થનમાં રસ્તે ઉતરી ગઈ. અર્દુગાન સરકારની કેટલીક સિદ્ધીઓ અને પ્રજાલક્ષી કાર્યોએ તેમને પ્રજામાં હીરો બનાવી દીધા છે. અહીં કેટલીક બાબતો પ્રસ્તુત છે.

૧. જીડીપીમાં ૨૦૦૨થી ૨૦૧૨ના સમયગાળા દરમ્યાન ૬૪ ટકાની વૃદ્ધી થઈ છે. જ્યારે માથાદીઠ આવકમાં ૪૩ ટકાનો વધારો થયો છે.

૨. આઈએમએફ (ઇન્ટરનેશનલ મોનીટરી ફંડ)નો ઋણ ૨૦૧૨માં પુરે પુરો ચુકવી દેવામાં આવ્યો છે. તુર્કીના માથે કોઈપણ નાણાંકીય સંસ્થાનો કોઈ બોજો નથી. આર્થિક રીતે ખુબજ સદ્ધર છે.

૩. ૨૦૦૨માં તુર્કીની મધ્યસ્થ બેંકમાં ૨૬.૫ બિલિયન ડોલરનું ભંડોળ હતું જે ૨૦૧૧માં વધી ૯૨.૨ બિલિયન ડોલર થઈ ગયું.

૪. અરદુગાન શાસન દરમ્યાન ફુગાવો ૩૨ ટકાથી ઘટીને ૯ ટકા થયો.

૫. અરદુગાન સરકારમાં એરપોર્ટની સંખ્યા ૨૬થી વધીને ૫૦ થઈ.

૬. ૨૦૦૨થી ૨૦૧૧ના સમયગાળા દરમ્યાન ૧૩૫૦૦ કિ.મિ. લાંબો ઘોરી માર્ગ બાંધવામાં આવ્યા.

૭. તુર્કીના ઇતિહાસમાં પ્રથમ વખત હાઈસ્પીડ રેલ્વે લાઈન બાંધવામાં આવી. આ હાઈસ્પીડ રેલ્વે સેવા ૨૦૦૯માં શરૃ કરવામાં આવી. આઠ વર્ષોમાં ૧૦૭૬ કિ.મિ.નો નવો રેલ રસ્તો બાંધવામાં આવ્યો અને ૫૪૪૯ કિ.મિ.નો રેલ રસ્તાઓનું નવીનીકરણ કરવામાં આવ્યું.

૮. સ્વાસ્થ્ય વ્યવસ્થામાં અરદુગાને જંગી રોકાણ કર્યું. મોટા હોસ્પિટલો બાંધી અને ‘ગ્રીન કાર્ડ’ કાર્યક્રમની શરૃઆત કરી. જે અંતર્ગત ગરીબોને મફત સ્વાસ્થ્ય સેવાઓ પુરી પાડવામાં આવે છે.

૯. શિક્ષણ પર કરવામાં આવતા ખર્ચને અરદુગાને ૨૦૧૧માં ૩૪ બિલિયન લીરા (તુર્કીનું ચલણ) કર્યું. જે ૨૦૦૨માં ૭.૫ બિલિયન હતું.

૧૦. ૧૯૯૬માં ૧ ડોલર = ૨૨૨ લીરા હતા જે ૨૦૧૬માં ૧ ડોલર = ૨.૯૪ લીરા છે.

તુર્કીમાં ઘટેલ સૈન્ય બળવાના સમગ્ર પ્રકરણમાં દુનિયાના લોકો અને મુસ્લિમ દેશો માટે ભણવા જેવા પાઠ છે.

મુસ્લિમ એકતા

તુર્કીની પ્રજા વિરોધ પક્ષ તથા દરેક વિચારધારામાં માનતા મુસ્લિમોએ સૈન્ય બળવાને વખોડયું છે. પાડોશી રાષ્ટ્ર ઇરાને પણ સૈન્ય બળવાને સખત રીતે વખોડી કાઢયું છે. જેના પરિણામે ષડયંત્રકારોના હોંસલાઓ પરાસ્ત થઈ ગયા છે. જે એકતાનું પ્રદર્શન મુસીબતની ઘડીએ થયુ છે તેવી એકતા અને ભાવના સામાન્ય સંજોગોમાં પણ દેખાવવી જોઈએ. મુસ્લિમોનો ભવ્ય ઇતિહાસ જણાવે છે કે તેમનો સિતારો ત્યાં સુધી ચળકતો રહ્યો જ્યાં સુધી તેઓ એક હતા. જ્યારે આંતરિક બાબતોમાં વિરોધાભાસ નફરતમાં પરિણમયો ત્યારે તેમનો રાજકીય દબદબો ખતમ થઈ ગયો. એક બીજાની નફરતે દુશ્મનને સીધો ફાયદો પહોંચાડયો.

આજે દુનિયાના મુસ્લિમો વૈચારિક અને મસ્લકી વિરોધાભાસને કારણે એક બીજાથી વિમુખ છે. અકીદાની બાબતે એક હોવા છતાં ગૌણ બાબતોના વિરોધાભાસને આધાર બનાવી નફરતો ઉભી કરવામાં આવી રહી છે. ભારત દેશમાં મુસ્લિમોનું આર્થિક, સામાજિક અને રાજકીય સ્તરે પાછળ હોવાનું મુખ્ય કારણ પરસ્પર મસ્લકી વિરોધાભાસ છે. જેનો લાભ લઈ હિંદુકટ્ટરવાદી સંસ્થાઓ મુસ્લિમોના પાયાને કમજોર કરી રહી છે. દેશના મુસ્લિમોએ એક જુટ થઈ પોતાનો આંતરિક વિકાસ થાય અને આર્થિક, સામાજિક અને રાજકીય સ્તરે સ્થિતિ મજબૂત બને તેની ઉપર ધ્યાન કેન્દ્રિત કરવું પડશે.

એ જ રીતે મુસ્લિમ રાષ્ટ્રોના મસ્લકી વિરોધાભાસનો ફાયદો ઉઠાવી અમેરિકા અને ઇઝરાયેલે ખાડી દેશોને ખુબ નુકસાન પહોંચાડયું છે. મુસ્લિમ રાષ્ટ્રોએ હઝરત અલી રદી. અને મુઆવિયા રદી. ના વિરોધાભાસને અને રૃમી સામ્રાજ્યના બદ ઇરાદાની પ્રસ્તુતીને મુઆવિયા રદી. દ્વારા આપવામાં આવેલ જવાબને ધ્યાને લેવાની જરૃર છે અને તેના પર અમલ કરવાની જરૃર છે.

આર્થિક સદ્ધરતા

જે વિકાસ અને સમૃદ્ધિ છેલ્લા દસ વર્ષમાં તુર્કી દ્વારા કરવામાં આવી તે અદ્વિતીય છે. યુરોપીયન યુનિયનના તમામ ૯ દેશો કરતા તુર્કી આર્થિક રીતે વધુ સદ્ધર છે. તેની આર્થિક નીતિ, વિદેશ નીતિ અને ગૃહ નીતિનો અભ્યાસ કરવો જરૂરી છે. યુરોપના મોટા ભાગના દેશો (ફ્રાંસ, જર્મની વિગેરે) ઇસ્લામ વિરોધી માનસિકતા ધરાવતા હોવા છતાં સૈન્ય બળવાને વખોડયો છે. જેની પાછળ તુર્કી પ્રેમ નહીં પરંતુ તુર્કીની સાથેના આર્થિક કરારો અને વ્યાપારી વ્યવહારો જવાબદાર છે. આર્થિક સદ્ધરતાએ આજે ઇસ્લામ દુશ્મનોને પણ ઇસ્લામ પસંદોની વહારે લાવીને ઉભા કરી દીધા છે. આર્થિક સદ્ધરતા વ્યક્તિગત રીતે અને રાષ્ટ્ર તરીકે સમાજ અને દુનિયામાં ટકી રહેવા માટે અગત્યનો ભાગ ભજવે છે.

પ્રજાલક્ષી કાર્યો

સૈન્ય બળવાએ સૌ પ્રથમ મીડિયા પર અંકુશ મેળવવાનો પ્રયાસ કર્યો હતો કે જેથી બળવાની ખબર લોકો સુધી પહોંચે નહીં. અરદુગાને સોશિયલ મીડિયાના ઉપયોગ દ્વારા પ્રજાને અનુરોધ કર્યો કે તમારી સરકારને ખતમ કરવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. તેથી તમે રસ્તા પર ઉતરી આવો. અરદુગાનનો સંદેશો વાયરલ થતા લોકો પોતાના ઘરેથી નીકળી રસ્તા પર આવી ગયા. પોતે અરદુગાન પણ લોકોની વચ્ચે જઈ પહોંચ્યા. આ નજારો ભાગ્યે જ જોવા મળે છે. પ્રજાએ અરદુગાનને જે આદર અને પ્રેમથી નવાજ્યા છે તેની પાછળ તેમની દસ વર્ષની પ્રજાલક્ષી નીતિઓ જવાબદાર છે. અરદુગાન શાસનમાં લોકોને જે ફાયદો પહોંચ્યો છે અને સુખ સુવિધાઓ પ્રાપ્ત થઈ છે તેનો ઋણ પ્રજાએ આ રીતે ચુકવ્યું. જો પ્રજા રસ્તે નહીં પહોંચી હોત તો બળવાને અંકુશમાં કરવું મુશ્કેલ બની જતું.

બીજા મુસ્લિમ રાષ્ટ્રોએ પણ પોતાના વૈભવી જીવન પર અને સંબંધીઓ પર પહોંચાડવામાં આવતા ફાયદાઓ પર રોક લગાવી પ્રજાલક્ષી કાર્યો કરવા જોઈએ, પ્રજા પર ખર્ચ કરવા જોઈએ. ઇરાકમાં સદ્દામે પોતાની પ્રતિમાઓ સ્થાપિત કરાવી હતી. મહેલમાં સોનાના પાણીના નળ વિગેરે હતા. જે તેમની વૈભવી જીવન શૈલીને છતુ કરતું હતું. એટલે જ પ્રજા તેમની વહારે આવી ન હતી.

લોકશાહીની સ્થાપના

લોકશાહીની સ્થાપના દરેક દેશમાં થવી જોઈએ. રાજાશાહી અને સરમુખ્તિયારશાહી હવે ઝાઝો સમય ટકવાની નથી. તેથી જે દેશોમાં સરમુખ્તિયારો માથુ ઉચકી રહ્યા છે અને જ્યાં રાજાશાહી ચાલી રહી છે તેમને સમય રહેતા લોકશાહીની સ્થાપના કરી લેવી જોઈએ કે જેથી તેમને લોકોના સાથસહકાર મળી રહે. ભારતમાં હિંદુરાષ્ટ્રનું સપનું જોતા મોદી અને સંઘ વિચારી લેવું જોઈએ કે નફરત અને દ્વેષથી કોઈના દિલ પર રાજ કરી શકાય નહીં. દેશમાં વસ્તા દલિતો, લઘુમતિઓ અને સંપ્રદાયોની ઉપેક્ષા અને તેમના પર અત્યાચારની ઘટનાઓ લોકોમાં આક્રોશ અને અવિશ્વાસને જન્મ આપશે અને સમાન તકો ન મળતા લોકશાહી ઢબે રાજકીય પછડાટ પણ આપી દેશે.

ખાડી દેશોના રાજાઓ પણ યાદ રાખવું જોઈએ કે જે રીતે ગદ્દાફી પર સરમુખ્તિયારશાહીની આડ થકી હુમલો કરવામાં આવ્યો તેવી જ રીતે તેમની ઉપર પણ લોકશાહી સ્થાપવાની આડમાં હુમલો થઈ શકે છે. તે વખતે તેમની વહારે લોકો નહીં જ આવે. તેથી જરૂરી છે કે લોકશાહીની પદ્ધતી દ્વારા શાસન થાય.

અંતિમ અને સૌથી મહત્તવની બાબત આ છે કે સૈન્ય બળવાને કચડવામાં અને તેને નિષ્ફળ બનાવવામાં અરદુગાનની સાથે અલ્લાહની મદદ હતી. દુનિયાના દરેક ઝાડના પાંદડા જે દિશામાં હલન-ચલન કરે છે તે અલ્લાહની મરજીથી જ કરે છે તેથી શાણપણ આમાં જ છે કે સૌથી શક્તિશાળી અને પાવન એવા અલ્લાહની મરજી મુજબ લોકો સાથે વર્તન કરવામાં આવે. પછી ભલે તમે એક સામાન્ય માણસ હોવ કે દેશના વડાપ્રધાન કે રાષ્ટ્રપતિ. તેની મરજી વિરુદ્ધનું કૃત્ય અને તેની અવગણતા દુનિયા અને આખિરત બંનેમાં અપમાનિત કરી શકે છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments