Saturday, July 27, 2024
Homeમનોમથંનતૃષાથી તૃપ્તિની યાત્રા… હજી અધૂરી છે

તૃષાથી તૃપ્તિની યાત્રા… હજી અધૂરી છે

હું બેચેન છું… બહુ દિવસથી ખૂબ બેચેની છે. જાણે રૂંધામણ થતી હોય ને એમ લાગે છે… કાંઈ સમજમાં નથી આવતું કે શું કરવું?

હું બોલાવું તો કોને બોલાવું… મદદ માટે કોને સાદ દઉં? યાદ કરૂં તો કોને કરૂં? કેમ કે જેને સાદ દેવાનો છે કે યાદ કરવાનો છે, તેની તો હું શોધમાં છું… હાં.. મને શોધ છે એની જેને હું મારો પાલનહાર, મારો ખુદા કહી શકું…

મારૂં ઘર, મારા પાડોશી અને મારી આસપાસના લોકો જેને પોકારે છે તે તો સાવ બહેરા છે… કંઈ જ સાંભળતા નથી… એટલું જ નહીં તે તો મૂંગા અને આંધળા પણ છે… મનેચ્છાઓને કંડારીને બનાવેલી નિસ્તેજ મૂર્તિઓ… હાં જ તો વળી પથ્થરની જ ને… ખૂબ જ મજબૂત… એટલી કે એક માખી જા તેમના પર બેસી જાય ને તો તેને પણ ના હટાવી શકે.

રોજ જોઉ છું ને, મારા ઘર અને મારા નજીકના કેવા કેવા સજીવો આ નિર્જીવ આકાર સામે સાવ નિરાધાર બનીને માથું ટેકીને જાણે ગરીબડા બની જાય છે – માલદાર બનવા માટે જ તો વળી… તેમના જ પાસે માંગે છે, રડે છે અને તેમના કૃતજ્ઞ બને છે. જાઈ જાઈને મારું હૃદય રડે છે ..

પણ હું શું કરૂં? તેઓ જેમનાથી જાડાયેલ છે, એમનાથી હું કપાયેલ છું… છતાં મારી શોધ તો બાકી જ છે ને… એ ઈશ્વરની શોધ જેનાથી હું જોડાઈ શકું… બધાથી કપાઈને…

કેટલા દિને ને કેટલી રાતો વીતી ગઈ આમ ને આમ…ને અચાનક પરમ દિવસે હું ખુશીથી ઝૂમી ઊઠી.

મેં એક તારો જાયો. કેટલો ઊંચે હતો. દૂર બહુ દૂર.. છતાંય કેવો પ્રકાશિત અને કેટલી બધી ચમક, છેક ત્યાંથી અહીં સુધી પહોંચે છે એનો એ પ્રકાશ. મનમાં વિશ્વાસ થઈ ગયો કે આ જ હોઈ શકે છે મારો ખુદા… આમ ખુશ થતી હું આખી રાત જાગતી રહી અને રાત વીતી ગઈ અને તારો તો ડૂબી ગયો… અને ડૂબી જવાવાળો મારો ખુદા ના હોઈ શકે. ક્યારેય નહિ… આમ તો સવાર શરૂ થઈ રહી હતી પણ મારા જીવનમાં જાણે અંધકાર છવાઈ જવાની તૈયારી જ હતી ને મારી નજર સૂર્ય ઉપર પડી. મનમાં થયું સવાર તો હવે પડી… આની જ તો મને જરૂર હતી… આ જ હોઈ શકે છે મારો ખુદા… કેટલો મોટો છે… સમગ્ર વિશ્વમાં તેની ઝાંખી માત્રથી પ્રકાશ જ પ્રકાશ… અને જેમ જેમ દિવસ વધતો ગયો તેમ તેમ મારી શ્રદ્ધા પણ વધતી ગઈ… સૂર્યના પ્રકાશમાં જાણે જીવન માર્ગ ઝળહળી ઊઠયો… પણ આ શું? સાંજ પડતાં પડતાં તો સૂરજ ડૂબવા લાગ્યો… અને ડૂબવા વાળો મારો પાલનહાર અને ખુદા કેવી રીતે હોઈ શકે છે?

જીવનમાં જાણે અમાસનો અંધકાર છવાઈ જવાની રાહ જ જાતો હતો પણ કોણ જાણે કેમ કોઈ અદ્રશ્ય શક્તિ મારા પડખે ઊભી હતી… અને કેટલાય દિવસોની અનિંદ્રાથી પીડિત હું અગાશીએ જઈને ખુલ્લા આકાશમાં થોડુક ઊંઘી લેવા માટે પહોંચી ગઈ… અને મારી તો જાણે દુનિયા જ બદલાઈ ગઈ… ઊંઘ એવી ગાયબ થઈ ગઈ કે જાણે હમણા જ સવાર પડી હોય… પૂર્ણિમાનો ચંદ્ર તેના શીતળ તેજથી મારા જીવનમાં હંમેશાં ઠંડક કરવા માટે જ તૈયાર હોઈ ને એવું લાગ્યું… મને થયું કે જે અદૃશ્ય શક્તિ મને પ્રેરિત કરતી હતી તે આ જ ચંદ્રની છે, મારી દૃષ્ટિ ટુંકી હતી કે તેને આજે જોઈ શકી. આ જ તો છે મારો ખુદા. કેટલો ઊંચે, કેટલો સુંદર, કેટલો શીતળ અને પ્રકાશ પણ એવો કે અમાસના અંધકારનો નાશ કરી નાખે… માંડ સંતૃપ્તિની અનુભૂતિને મારૂંં મન હજુ પામ્યું હશે ને આભમાંથી આભ તૂટ્યો… ચંદ્ર તો ડૂબી ગયો… અને સાથે સાથે મારૂં મન પણ નિરાશાની ગર્તામાં ડૂબી ગયું… ડૂબવા વાળો મારો ખુદા ક્યાંથી હોઈ શકે?

કોઈ પણ હિંમત હારી જાય ને એવી પરિસ્થિતિ થઈ મારી. પણ પેલી અદૃશ્ય શક્તિ તો હજુ મારા પડખે ઊભી જ હતી ને?

એ ક્યાં ડૂબી હતી, એટલે હજુ મારા મનને ફરી જાણે એક નવી શોધ માટે પ્રેરણા મળી. એટલે મેં એક નવી દિશામાં નજર દોડાવી.

હમણાં ક્રિસમસની રજાઓ ગઈ. મારી કેટલીક ખ્રિસ્તી સહેલીઓ સાથે મળવાનો મોકો મળ્યો. વાતમાં વાતમાં તેમણે તેમના ધર્મમાં એક અદૃશ્ય ખુદાની વાત કરી એટલે હું સફાળી ઊંઘમાંથી જાગી હોઉં એમ મારા સમગ્ર અસ્તિત્વ અને મારી તમામ શક્તિઓને તે ખુદાને પામી લેવા માટે એકાગ્ર કરી દીધી… બસ જાણે હવે મારી તૃષાને સંજીવની મળવાની હોય એવી અનુભૂતિએ મારામાં એક અનન્ય આનંદની લહેર દોડાવી દીધી… પણ હજુ સંઘર્ષ બાકી હતો. મારી સહેલીએ એ અદૃશ્ય શક્તિની વાત કરતા કરતાં કહ્યું કે ઈશુ મસીહ પણ ખુદાની એ ખુદાઈમાં ભાગીદાર છે એટલે અમે એમને પણ પૂજીએ છીએ અને મારા શરીરમાં હિલોળા લેતું લોહી જાણે થીજી ગયું… એક માનવી આ સૃષ્ટિનો ખુદા કેવી રીતે હોઈ શકે? આ આકાશ, ધરતી, પર્વત, નદીઓ, વૃક્ષો અને વનસ્પતિઓ, ઝરણાઓ અને દરિયાઓ અને પછી એમાં વસતી એક વિશાળ વૈવિધ્યપૂર્ણ જીવસૃષ્ટિ… કોઈ માણસ કદી તેને બનાવી જ કેવી રીતે શકે? અરે તેના સંચાલનમાં ભાગીદાર પણ કઈ રીતે હોઈ શકે?

મારી શોધ ચાલુ છે. મને પૂછો છો? કોને શોધી રહી છું એમ? કેવા ખુદાની શોધ છે એમ જ ને?
તો આવો હોઈ શકે મારો ખુદા… મારો માલિક… મારો પાલનહાર …. તે એક અને માત્ર એક હોઈ અને તેનો કોઈ ભાગીદાર ના હોઈ. તે હંમેશાંથી હોય અને હંમેશા રહેવાવાળો હોય… તે બધાને બનાવનાર અને પેદા કરનાર હોય… તે બધાનો સર્જનહાર હોય પણ તે કોઈનું સર્જનના હોય… ના તેને કોઈ સંતતિ હોય, ના તે કોઈની સંતતિ… તે સર્વશક્તિમાન અને સર્વગુણ સંપન્ન, સર્વે જરૂરતોથી પર અને બધાનું એક માત્ર આશ્રયસ્થાન હોય…

હાં… હાં… મને આવા જ ખુદા અને પાલનહારની જરૂર છે… તેને જ હું શોધી રહી છું…
સાંભળ્યું છે કે મુસલમાનો પાસે એક આવા જ ખુદાની ઓળખ છે… તેઓ તેને માનવાનો દાવો પણ કરે છે… એક મહાન પયગંબરે તેમને આ ઓળખાણ કરાવી છે… એક મહાન પુસ્તક દ્વારા…
ઘણીવાર મનમાં થયું કે આ મુસલમાન ભાઈઓ બહેનોથી હું પણ આ ખુદાની ઓળખાણ મેળવું અને જાણું… પણ બહુ જ છુપાવી છુપાવીને રાખે છે એ બધા … રખે ને કોઈ જાણી જાય… કોઈને કાનો કાન પણ ખબર ન પડે તેવું ધ્યાન રાખે છે… અને પેલું પુસ્તક… એને કુઆર્ન કહે છે એ લોકો… એ તો કોઈ ને બતાવતા જ નથી… પોતે પણ ક્યાં બહુ ખોલી ખોલીને જુવે છે… રેશમના કપડાંમાં કબાટમાં છેલ્લે છુપાવીને મૂકે છે… કોઈને મળે જ નહિ… એમને પણ જોઈએ ને તો મુશ્કેલીથી મળે એ રીતે…

પણ મારે તો જીવન-મરણનો પ્રશ્ન હતો… એટલે મેં પણ એક યુક્તિ કરી… ચૂપકે-ચૂપકે દબાતા પગે તેમના જીવનમાં ડોકિયું કરવા ગઈ હતી… મારા નજીકના મિત્રોના જીવનમાં, તેમના ઘરોમાં, તેમના બજારોમાં, તેમના મોહલ્લાઓમાં… કદાચ ત્યાંથી કોઈ ભાળ મળી જાય… પણ મારા બેટા હોશિયાર… ના… બહુ હોશિયાર… તમને હવા સુધ્ધાં ન આવવા દે ને… ખુદાની ઓળખાણ તો દૂરની વાત છે…

એવું લાગે કે જાણી જોઈને હૂબહૂ અમારા જેવું જ જીવવાનું ચાલુ કર્યું છે તે લોકોએ… અમારા જેવી જ રહેણી-કરણી… અમારા જેવા જ રીત-રિવાજા… અમારા જેવા જ લગ્ન-વિવાહો… અમારા જેવા જ વાર-તહેવાર… ર્ઙ્ઘૈંં અમારા જેવું… ભૂલથી એ પયગંબર જેવી જિંદગી કોઈ જોઈ જાય તો ખુદાને ઓળખે ને… બહુ તકેદારી રાખી છે આ લોકો એ… આ બાબતમાં પાછા બધા એક…. આમ પાછા તૂટી-ફૂટી ગયેલા અને કેટલાય વાડાઓમાં વહેંચાયેલા… બહુ પાક્કા હોં…

મેં પણ ક્યાં હિંમત હારી છે… દૃઢ નિર્ધાર કર્યો છે કે મારી આ શોધને જીવનપર્યંત ચાલુ રાખીશ…
રાહ જાઈશ એ દિવસની જ્યારે કોઈ ખુદાનો નેક બંદો કે બંદી મારા ઉપર તરસ ખાઈને મારી આ તરસને સંતૃપ્ત કરશે… ઢાંકી ઓઢાડીને રાખેલા ખુદાના પુસ્તક અને ખુદાના પયગંબરના જીવનને મારા જેવા કઈ કેટલાય લોકો માટે ખોલીને અમ ખુદાના બંદાઓ પર ઉપકાર કરશે… રાહ ભૂલી ગયેલા અને અજાણ્યે ભટકી ગયેલા વટેમાર્ગુઓને હાથ પકડીને તેમને સાચો રાહ બતાવવાનું અને પાલનહારની ઓળખાણ કરાવવાનું એક મહાન કામ કરશે…

સાંભળો છો…? ઓ મુસલમાનો સાંભળો છો?

ક્યાં સુધી આમ છુપાઈ છુપાઈને ચૂપચાપ બેસી રહેશો… જો તમે સાચા છો અને તમારા પાસે સૃષ્ટિ ના માલિકની સાચી ઓળખ છે અને તમે એને છુપાવી રહ્યા છો… તો યાદ રાખજા અમે તમારો જવાબ માંગીશું… એ ખુદા તમારો જવાબ માંગશે.

બહાર આવો અને મારા જેવા કેટલાય લોકોની આ શોધ ને પૂરી કરો…•

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments