ઉઘાડ બારીઓ મનની, સરસ હવા આવે,
ને લ્હેરખીઓ સંગ રમવાની પણ મજા આવે!
સમજના સ્ત્રોત સુકાયા છે કંઇક સદીઓથી
મધુર સુવાસ ને ધબકાર ત્યાં નવા આવે
હૃદયના દ્વાર ઉઘાડીને બેસ પ્રાંગણમાં
દુઃખી પીડિતજનો હળવાશ માણવા આવે
સદાચરણની જરા માંડ હાટડીઓ તૂં હવે
તો દૂર દૂરથી લોકો ખરીદવા આવે
મધુર સૂર જો અંતરના સાજ પર છેડે
તો લયના ચાહકો સુરતાલ જાણવા આવે
વિશાળ વૃક્ષના ઘટાદાર છાંયડા હેઠળ
પથિકો પ્રેમથી વિશ્રામ માણવા આવે
પછી જો ભીડ કેવી જામે આંગણે તારા
હજારો દર્દની થઈને અગર દવા આવે
નવી સુવાસ ફરીથી ભરે નિજ અંતરમાં
તો દીપ લઈને તને લોક શોધવા આવે