Thursday, September 12, 2024
Homeકેમ્પસ વોઇસથોડું શિક્ષણચિંતન : વિઝન ૨૦૨૫

થોડું શિક્ષણચિંતન : વિઝન ૨૦૨૫

શિક્ષક કભી સાધારણ નહીં હોતા એવું વિધાન ચાણક્યના નામે જાણીતું બલ્કે ચવાયેલું છે. ચંદ્રગુપ્તના રાજમાં વિદ્યાસહાયકો ન હતા, એટલે ચાણક્ય બે-ધડક આવું કહી શક્યા. બીજું એ પણ સારૃ કે ચાણક્ય પોતાની જાતને મૂળભૂત રીતે શિક્ષક ગણતા હતા. (જેમ છટ્ટા પગારપંચ પહેલાના યુગમાં સમાજના ઘણાં લોકો અધ્યાપકોને મૂળભૂત રીતે ‘માસ્તર’ ગણતા હતા) એટલે શિક્ષકો પ્રત્યે તેમનો પક્ષપાત સમજી શકાય.

પરંતુ ચાણક્ય વિશે અને તેના સમયના બીજા શિક્ષકો વિશે કેટલીક અગત્યની માહિતી સંતોષકારક રીતે  જાણવા મળતી નથી. જેમ કે ચાણક્ય ત્રણ પાળીમાં ટયુશન ક્લાસ ચલાવતા હતા?  જેટલી વાર ચંદ્રગુપ્તની અને ધીમે ધીમે કરતા મગધના કોઈ પણ માણસની- વાત નીકળે એટલી વાર ‘એહ, એ તો મારો વિદ્યાર્થી’ એવું કહેતા હતા? મગધ યુનિવર્સિટીના કુલપતિ તરીકે પોતાના માણસને ગોઠવવા માટે ચાણક્યે કંઈ કર્યું હતું? ચંદ્રગુપ્તની નજરે (આંખે નહીં, નજરે) ચઢીને મગધ યુનિવર્સિટીના કુલપતિ તરીકે ગોઠવાઈ શકાય એ માટે ચાણક્યને પસંદ કરવા માટે એ સમયના બીજા આચાર્યોએ કશું કર્યું હતું? ચાણક્યના જમાનામાં પેપરો ફૂટતાં હતા? પેપરો ફૂટતાં અટકાવવા માટે ચાણક્યે તેમના ગ્રંથ અર્થશાસ્ત્રમાં કોઇ સુચનાઓ આપી છે? તક્ષશિલા-નાલંદાના કુલપતિઓ ‘બાઉન્સર’ રાખતા હતા? તેમને પોતાની સુરક્ષાની અને રાજાઓને વહાલા થવાની ચિંતા હરપળ સતાવતી હતી?  એ સમયના શિક્ષણમંત્રીઓ ચાણક્યની સામે આંખમાં આંખ મિલાવીને વાત કરી શકાય અને તેમને પણ આદેશો આપી શકાય એ માટે પરદેશી યુનિવર્સિટિઓમાંથી એક અઠવાડિયાના સર્ટિફિકેટ કોર્સ કરી લાવતા હતા?

ચાણક્યના જમાનામાં નામી સરકારી મહાવિદ્યાલયોની સાઘોસાથ મોંમાંગી સુવર્ણમુદ્રાઓ લઈને ઇચ્છિત ડિગ્રી આપ્તાં સેલ્ફ ફાઇનાન્સ મહાવિદ્યાલયો હતા? ગ્રીસની યુનિવર્સિટી સાથે અમારૃં જોડાણ છે. અમારે ત્યાંથી કોર્સ કરનારે ગ્રીસ જવાની શાહી પરવાનહી સત્વરે મળી જશે એમ કહીને દેશો વિદ્યાર્થીઓને આકર્ષવાનો ત્યારે રિવાજ હતો? ચંદ્રગુપ્તના રાજમાં સ્કૂલમાં વિદ્યાર્થીઓના પ્રવેશોત્સવ થતા હતા? શિક્ષણ ક્ષેત્રે શિક્ષણ સિવાયની પ્રવૃત્તિઓમાં કેટલા નાણા ખર્ચવા જોઇએ એ વિશે કૌટિલ્યે કશું ચિંતન કર્યું હતું (કે એ બાબતમાં ગુજરાત સરકારે તેેમના કરતા બે ડગલા આગળ નીકળી ગઈ કહેવાય)

ચાણક્યના જમાનામાં ચંદ્રગુપ્ત આખા મગધના શિક્ષણની માઠી દશા કર્યા પછી શિક્ષકોનું દેશના ઘડતરમાં કેટલું મહત્તવ છે તેના ભાષણ ઝૂડી શક્તો હતો? અને ચંદ્રગુપ્તનું ભાષણ એક સાથે મગધના તમામ શિક્ષણકેન્દ્રોમાં વિદ્યાર્થીઓ સુધી પહોંચી જાય એવી વ્યવસ્થા ત્યારે ગોઠવાયેલી હતી?

શિક્ષણના ચાણક્ય યુગમાં મોટા ભાગની ખાનગી સ્કૂલો ચંદ્રગુપ્તના દરબારીઓની કે તેમના સગા-વ્હાલાની હતી? અને નફાખોરીની બાબતમાં ‘સો દુકાનો બરાબર એક સ્કૂલ’નું સમીકરણ ત્યારે પ્રચલિત હતું? ચંદ્રગુપ્તના રાજમાં દરેક વર્ષે ઊઘડતી સ્કૂલે પાઠયપુસ્તકો પહોંચવામાં કકળાટ થતો હતો? પાઠય-પુસ્તકોની સાથે ચંદ્રગુપ્તના મળતિયાઓના પુસ્તકો પૂરક વાંચન તરીકે ઘુસાડવામાં આવતા હતા? એ જમાનામાં ‘વિદ્યાવનસપતિ’ની જેમ ‘વિદ્યાવાણિજ્યપતિ’ ની કોઇ ઉપાધિ મળતી હતી? આખા મગધની વિદ્યાપીઠોમાં કોણે નક્કી કરેલો અભ્યાસક્રમ ચાલે એ બાબતે ચંદ્રગુપ્ત ચાણક્ય વચ્ચે કદી ખટરાગ થતો હતો? ચાણક્ય મગધ છોડીને ગયા એ માટે આવો કોઈ ખટરાગ જવાબદાર હતો?

આવા અનેક સવાલ ઊંડુ સંશોધન માંગી લે છે. ચાણક્ય મગધ છોડીને કેમ પોતાની વિદ્યાપ્રવૃત્તિમાં પાછા જોડાઇ ગયા, એવો સવાલ અત્યારના કોઇ ‘વિદ્યાવાણિજ્યપતિ’ (શિક્ષણના વેપારી)ને પૂછવામાં આવે તો એ રીઢા બિઝનેસમેન જેવા (‘હું કેવો સ્માર્ટ, તમે કેવા ડફોળ’ પ્રકારના) સ્મિત સાથે કહી દેશે, ‘રાજ કરીને શું લેવાનું’ એ લોહીઉકાળામાં કોણ પડે? એના કરતાં આપણી જેટલી સ્કૂલો-કોલેજો છે એ ચલાવીને બેસી રહીએ તો બખ્ખા જ બખ્ખા છે.’ આધુનિક ભારતમાં શિક્ષકનો ભાવ નથી, એવું તો કેમ કહેવાય? કલાસિસના આયોજકો ટયુશન ચલાવે છે કે ટંકશાળ, એ નક્કરી કરવું અઘરું છે. બારમા ધોરણ માટેના એડમિશન બે વર્ષ પહેલાં અને એડવાન્સ રૃપિયા આપીને લઈ લેવા પડે એવી સ્થિતિ છે. શિક્ષક બનવા માટે પણ છ આંકડાની રકમ આપવી પડે છે. શિક્ષકનો ભાવ ના હોય તો આ શીર રીતે શક્ય બને? અને શિક્ષણની કિંમત નથી, એવું કહેવાની હિંમત જ  શી રીતે ચાલે? ભણવા માટે લોન લેવી પડે એવી ફી હોય છે અને એ રીતે ભણ્યા પછી મોટા ભાગના લોકોને મળતી નોકરી એવી હોય છે કે લોન પછી ભરવાના ફાંફા પડે. પહેલાના જમાનામાં સંસારી બચરવાળા માણસો માંદગી માટે રૃપિયા બચાવી રાખતા હતા અને ક્યારેક તેમાં દેવાદાર પણ થઇ જતા હતા. આધુનિક યુગમાં શિક્ષણની એટલી બધી કિંમત છે કે બાળકોને ભણાવવા માટે લોકો રૃપિયા બચાવી રાખે છે. અને દેવું કરે છે. દેવું કરીને પણ ‘ઘી પીઓ’ એવું ચરક વાક્ય હવે બદલાઇ ગયું છે ઃ  ‘દેવું કરીને પણ ડિગ્રી લઇ આવો.’  શિક્ષણનો ધંધો એવો છે કે મોટા કોર્પોરેટ હાઉસને પણ તેમાં એકાદ આંગળી રાખવાનું મન થાય છે.

દેશમાં ડિજિટલ ક્રાંતિ થયા પછી ડિગ્રીઓ ‘ઓન ડિમાન્ડ’ મળતી થઇ છે. ઇ- કોમર્સની સાઇટો પરથી તેને ‘કેશ ઓન ડિલિવરી’ તથા ‘ફ્રી હોમ ડિલિવરી’ના ઓપ્શન સાથે ખરીદી શકાશે. દરેક ડિગ્રી સર્ટિફિકેટ પર વડાપ્રધાનની તસવીર  ન હોય એ ડિગ્રી નકલી ગણાશે. એવો કાયદો થાય તો પણ નવાઇ નહીં. ભારતમાં ડિગ્રીનું માર્કેટ ખુલી ગયા પછી વિદેશી હુંડિયામણની આવકમાં ભારે  ઉછાલ આવશે. પહેલાં ભારતના લોકો માલેતુજારો પરદેશ જઇને ભળતી સળતી ડિગ્રીઓનું શોપિંગ કરી લાવતા હતા. ભવિષ્યમાં ભારતીય ડિગ્રીઓનું બજાર એવું ગરમ હશે કે પરદેશી ટુરિસ્ટ શિયાળામાં ભારત ફરવા આવશે ત્યારે પાછા જતી વખતે પોતાના માટે કે પોતાના સંતાનો, દોસ્તો યારો માટે બે ચાર ડિગ્રી સર્ટિફિકેટ ખરીદતા જશે.

ભારતના શિક્ષણનો એ સુવર્ણયુગ હશે. તેની કલ્પના કરતાં શરીરમાંથી રોમાંચનું લખલખું પસાર થઇ જાય છે. કેટલાકને તે ભયની ધ્રૂજારી લાગે એ તેમની દૃષ્ટિનો દોષ ગણાય.

(સૌજન્ય: ગુજરાત સમાચાર)

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments