Saturday, July 27, 2024
Homeઓપન સ્પેસધાર્મિક કટ્ટરવાદ : એક ભયંકર બીમારી

ધાર્મિક કટ્ટરવાદ : એક ભયંકર બીમારી

કટ્ટરવાદનું ફળ કડવું હોય છે. ભલે કોઈપણ કટ્ટરવાદ હોય. મોટાભાગે કટ્ટરવાદના વિરોધમાં અવાજ ઉઠાવનારા પોતે જ કટ્ટરવાદમાં ગ્રસ્ત હોય છે. કટ્ટરવાદના ઘણા પ્રકારો છે. પરંતુ ધાર્મિક કટ્ટરવાદ તેનો એક ખૂબજ ભયંકર પ્રકાર છે. કારણકે ધાર્મિક કટ્ટરતા ઇન્સાનોના મસીહાઓને ઇન્સાનોના હત્યારા બનાવી દે છે.

મેં ઘણી વખત જોયુંં છે કે લોકો ધાર્મિક કટ્ટરતા ઉપર ટીકા કરીને ધર્મ ઉપર કાદવ ઉછાળવા લાગે છે. જોકે ધર્મની સૌથી વિશ્વાસપાત્ર અને સ્વીકૃત કિતાબ કુઆર્નમાં ધાર્મિક અતિશ્યોક્તિ અને ધાર્મિક ઉગ્રવાદની જે રીતે ભૂરપૂર નિંદા કરવામાં આવી છે કદાચ કોઈ બીજી કિતાબમાં ભાગ્યે જ કરવામાં આવી હશે. કુઆર્ન તો (લસ્તા અલૈહિમ બિમુસૈતિર)નો શક્તિશાળી કાનૂન આપીને ધાર્મિક કટ્ટરતાના બધા જ માર્ગોને બંધ કરી દીધા છે. આ કાનૂન યાદ રાખવામાં આવે તો ધાર્મિક મુલ્યોની બોલબાલા થાય છે અને જો આ સબકને ભૂલાવી દેવામાં આવે તો ધાર્મિક કટ્ટરવાદનો ઉદ્ભવ થઈ જાય છે.

ધાર્મિકતા અને ધાર્મિક કટ્ટરવાદ બંનેમાં અંધકાર અને પ્રકાશ જેવો ફર્ક છે. ધર્મ ઇન્સાનને સમાજ માટે રહમત અને ભલાઈનું નિમિત્ત બનાવે છે અને ધાર્મિક કટ્ટરતાથી આદમી સમાજ માટે એક ખતરનાક સમસ્યા અને અસાધ્ય બીમારી બની જાય છે. જ્યારે કોઈ ધાર્મિક કટ્ટરવાદમાં સપડાઈ જાય છે તો તે ધર્મના નામ પર ધર્મના મૂલ્યોને નષ્ટ કરવા લાગે છે અને ધર્મમાં જે હદો નિશ્ચિત કરેલી છે તેને તોડતો રહે છે. તે ન તો મસ્જીદના સન્માનનો ખ્યાલ કરે છે અને ન આલિમોની હત્યા કરતો અચકાય છે. કુફ્રના ફતવા લાગુ કરવા એ ધાર્મિક કટ્ટરવાદની એક સ્પષ્ટ નિશાની છે. મુસલમાનો ઉપર કુફ્રના ફતવા લગાડવા એ કોઈ નવી વાત નથી. લોકોએ ધાર્મિક કટ્ટરવાદના શિકાર બનીને મોટા મોટા સહાબાઓ ઉપર કુફ્રના ફતવા લગાવ્યા છે. અહીં સુધી કે હઝરત અલી રદી. જેવી મહાન વિભૂતિને પણ છોડયા નથી.

ઇન્સાનોનું વિના સંકોચે લોહી વહેડાવવુ પણ ધાર્મિક કટ્ટરવાદની નિશાની છે. ધાર્મિક કટ્ટરતાના ધારક લોકો જ્યારે લોહી વહેડાવવા ઉપર ઉતરી આવે છે તો તેમની પાશવતાનું નિશાન અલ્લાહના નેક બંદાઓ વધારે બનતા હો છે. આવા લોકોએ ધાર્મિક કટ્ટરતાના નિશાનમાં હઝરત ખબાબ બિન અરત રદી.ને કતલ કર્યા અને તેમની ગર્ભવતી પત્નિનું પેટ ચીરી નાખ્યું. ઇમામ અહમદ બિન હમ્બલ રહ.ને યાતનાઓના નિશાન બનાવ્યા તો ઇમામ બુખારી રહ.ને કષ્ટો આપ્યા.

ધર્મના અનુયાયીઓ નિમંત્રણ અને સદ્ઉપદેશ ઉપર વિશ્વાસ ધરાવે છે. આ માર્ગમાં અજમાઈશો પર ધીરજ રાખવાની શક્તિ ધરાવે છે અને કતલની મંઝિલમાં ત્યાં સુધી દાખલ નથી થતા, જ્યાં સુધી તે અનિવાર્ય ન બની જાય. જ્યારે ધાર્મિક કટ્ટરતાની શરૃઆત જ કુફ્રના ફતવા અને કતલગીરીથી થાય છે. ચર્ચા અને અભ્યાસની અહીં શરૃઆતથી જ કોઈ ગુંજાશ જ નથી હોતી. આવા લોકો એવા દરેક આદમીને ગરદન મારવા પાત્ર સમજે છે જે તેમની વાતથી સહમત નથી થતો. ધાર્મિક કટ્ટરતાના પણ ઘણા બધા પ્રકાર છે. મસ્લક અને મશરબને જે લોકો મઝ્હબનો દરજ્જો આપીને મસ્લકી પૂર્વગ્રહ પ્રગટ કરે છે તેઓ પણ હકીકતમાં એક પ્રકારના ધાર્મિક કટ્ટરવાદમાં સપડાયેલા હોય છે. ધાર્મિક કટ્ટરતા અને વાણી સ્વતંત્રતામાં સખત પ્રકારની દુશ્મનાવટ હોય છે જ્યાં ધાર્મિક કટ્ટરતાની બોલ બાલા હોય છે. ત્યાં વિચાર અને વાણીની સ્વતંત્રતા સમાપ્ત થઈ જાય છે. ધાર્મિક કટ્ટરવાદનું જ આ પરિણામ છે કે જ્યારે કોઈ આલીમ જનસાધારણ મતથી હટીને કોઈ નવો મત દર્શાવે છે તો તેના મત પર વિચાર કરવાના બદલે તેની નિયત ઉપર હુમલા શરૃ કરી દેવામાં આવે છે. કુઆર્નનો મુન્કર, હદીસનો મુન્કર, જમાઅતનો મુન્કર જેવી ઘણી જાતના રૃઢિપ્રયોગોનો જન્મ પણ ધાર્મિક કટ્ટરવાદમાંથી જ ઉદ્ભવ પામ્યો છે. વિરોધીને દલીલોના બદલે રૃઢિપ્રયાસોથી કચડવા માટે તેનો ઉપયોગ સામાન્ય છે. મઝહબની કામગીરી થાય છે તો સાલેહિન અને મુજદ્દેદીન પેદા થાય છે. જેઓ સમસ્ત ઉમ્મતની સુધારણા અને તર્બિયતની અને સમગ્ર ઇન્સાનિયતના માર્ગદર્શનની ચિંતા કરે છે. જ્યારે ધાર્મિક કટ્ટરવાદના કારણે ફિરકાઓ પેદા થાય છે અને ફિરકાનું રક્ષણ કરનાર પેદા થાય છે, જે પોતાના ફિરકાને એહલે સુન્નત અને અન્ય તમામ ફિરકાઓને ગુમરાહ જાહેર કરે છે.

ધાર્મિક કટ્ટરવાદનું આ પરિણામ પણ સામે આવે છે, કે લોકો અકીદા અને વિચાર વચ્ચેના તફાવતને ભૂલાવી દે છે. આથી એવા વિચારો જે ઇન્સાની વિચારો હોય છે અને જેના પાછળ મોટાભાગે કોઈ કમજોર જેવી દલીલ હોય છે, તેને પણ અકીદાનો દરજ્જો આપી દેવામાં આવી છે અને તેના ઉપર ચર્ચા કરવી એ સજાપાત્ર ગુનો ઠરાવી દેવામાં આવે છે. ધાર્મિક કટ્ટરવાદના પરિણામે લોકો આ પણ ભૂલી જાય છે કે ધર્મ સંબંધી અમુક મસાઈલમાં વિરોધાભાસની શક્યતા હોય છે. કેટલાક મસઅલાનોે વિરોધ કરવાથી આદમી દીનથી નીકળી નથી થઈ જતો. ભલે તેની દલીલ નબળી અને આપણી દલીલ મજબૂત કેમ ન હોય. અમુક ચીજો આપણી નજરમાં મુન્કર હોય તો પણ તેના ઉપર બીજાઓ તેની વાતની પકડ કરતાં પહેલા પકડ કરવાના કે ચકાસવાના નિયમોને પૂર્ણ કરવા જરૂરી હોય છે. ધાર્મિક કટ્ટરવાદ વિચારવાની અને સમજવાની યોગ્યતાને વિકૃત બનાવી મુકે છે. આવા લોકો સામે દલીલો વજનવગરની અને આલીમો તિરસ્કૃત બની જાય છે. એટલા જ માટે કુઆર્ન આપણને ગૌર-ફિકર (ચિંતન અને મનન) કરવાની દા’વત આપે છે કે જે ધાર્મિક કટ્ટરવાદથી બહાર નીકળવાનો એક માત્ર રસ્તો છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments