જવાહરલાલ નહેરૂ યુનિવર્સિટી (JNU)માં ભણતા એમ.એસ.સી. બાયોટેકનોલોજીમાં અભ્યાસ કરતાં નજીબ એહમદ ઓકટોબર ૨૦૧૬થી ગુમ છે. તેનો કોઈ પતો અત્યાર સુધી પોલીસ શોધી શકી નથી. નજીબને લઈને જ્યારે પણ દેખાવો અને ધરણાં થયાં ત્યાં પોલીસે દમન ગુજારવાથી વિશેષ કંઈ કર્યું નથી. હજી નજીબની માતાના આંસુઓ સુખ્યા નથી, તેમને ઇન્સાફ મળ્યો નથી ત્યાં માજીદનો ગુમ થયાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે.
ભુજના માજિદ થેબા અને તેની પત્ની ૧૯ જુલાઈના રોજ રાત્રી ભોજન લઈ રહ્યા હતા ત્યારે અચાનક પોલીસ ત્રાટકી હતી અને માજિદને મારવાનું શરૂ કર્યું હતું. માજિદની પત્ની આશીયાના થેબાએ બચાવવાનો પ્રયત્ન કરતાં પોલીસે તેને પણ માર માર્યો હતો અને માજિદને પોલીસ સાથે લઈ ગઈ હતી. બીજી તરફ આશીયાનાને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. હોસ્પિટલમાં તેણીને ગર્ભવતી હોવા છતાં પુરતી સારવાર નહીં આપતા હોસ્પિટલના સત્તારૂઢ લોકોએ પોલીસના દબાણને વંશ થઈ અડધી રાત્રે તેણીને ડીસ્ચાર્જ કર્યું હતું. પરિવારનો આરોપ છે કે પોલીસ માજિદને પોતાની સાથે લઈ ગઈ હતી ત્યારે પોલીસ પોતાના બચાવમાં કહે છે કે માજિદ નાસી છુટ્યો હતો. પોલીસ દ્વારા ૧૯મી જુલાઈની કાર્યવાહી હાફેઝા પઠાણ નામની વ્યક્તિની ફરીયાદને આધારે કરવામાં આવી હતી. તેણીનું કહેવું છે કે ૧૯મી જુલાઈએ માજિદ અને તેની પત્નીએ તેણીને માર માર્યો હતો. પોલીસના કહેવા મુજબ માજિદ ગુનાહિત ઇતિહાસ ધરાવતો હતો અને એક કેસમાં હાલ તે જામીન પર હતો. લોકોનું માજિદ બાબતે કહેવું છે કે તેને પોલીસ લઈ ગઈ હતી અને તે પોલીસ કસ્ટડીમાં જ છે. પરંતુ પોલીસ તેને પરિવાર સમક્ષ હાજર કરવા આંખ આડા કાન કરી રહી છે.
ન્યાયની દૃષ્ટિએ જાઈએ તો પોલીસે માજિદ વિશે ખુલાસો કરવો જાઈએ. જો ખરેખર તે ફરાર થઈ ગયો હોય તો તેની શોધખોળ કરવી જાઈએ અને જા તે તેમની કસ્ટડીમાં હોય તો તે કઈ પરિસ્થિતિમાં છે અને ક્યાં છે તેનો ખુલાસો કરવો જાઇએ. જો પોલીસની વાત સાચી હોય કે માજિદ ફરાર થઈ ગયો છે અને ૧૯ જુલાઈની રાતથી તે ગાયબ છે. તો પોલીસ વિભાગની આ નિષ્ફળતા છે જે તે તેને મહિનો થઈ ગયો હોવા છતાં શોધવામાં નિષ્ફળ ગઈ છે.
સિવીલ સોસાયટીના ન્યાયપ્રિય લોકોની જાગૃતતાને કારણે મામલો એસ.પી. ઓફિસ સુધી પહોંચ્યો છે. અને મીડિયા સમક્ષ ગયો છે તેના કારણે આ સમગ્ર કિસ્સાથી લોકો માહિતગાર થયા છે. નહીંતર વ્યવસ્થાતંત્રનું વધતું જતું બેજવાબદારી ભર્યું વલણ ચિંતાજનક છે. વ્યવસ્થાતંત્ર લોકશાહીનું એક સ્તંભ છે. આ સ્તંભ લોકશાહીને ટકાવી રાખવામાં નિષ્ફળ જઈ રહ્યું હોય તેવું લાગે છે. દેશમાં જ્યાં મહિલા સશક્તિકરણની વાતો થઈ રહી છે ત્યાં એક ગર્ભવતી મહિલાને વગર વાંકે પુરૂષ પોલીસ કર્મચારીઓ દ્વારા માર મારવામાં આવી રહ્યું છે!!! આ તે કેવી લોકશાહી? માજિદની પત્નીને કોઈ પણ મહિલા પોલીસ કર્મી વગર પોલીસ સ્ટેશને લઈ જવામાં આવ્યું અને પુછપરછ કરવામાં આવી. આ બધું કાયદાની વિરુદ્ધ છે.
પોલીસની ભુમિકા સમાજમાં અતિ મહત્ત્વની છે. નાગરિકોની સુરક્ષા, કાયદાનું પાલન અને લોકશાહીનું રક્ષણ તેની ફરજ છે. આ ફરજ ચુંક નાગરિકોની સુરક્ષા વ્યવસ્થામાં છીંડા પાડે છે, કાયદા પાલનને વેર વિખેર કરે છે અને લોકશાહીનું ચિરહરણ કરે છે. કહેવામાં તો વ્યવસ્થાતંત્ર લોકતંત્ર અને ન્યાયતંત્ર સ્વતંત્ર છે અને બંધારણની મર્યાદામાં હક્કો ભોગવે છે અને જવાબદારી નિભાવે છે. પરંતુ એવું નથી. લોકશાહીના આ ત્રણે સ્તંભો ક્યાંક ને ક્યાંક એક બીજાની કમજારી અને નિષ્ફળતાને છાવરે છે. ન્યાયના ઉલ્લંઘન માટે ન્યાયનો જ સહારો લે છે.
યાદ રાખવું જાઈએ નજીબ, માજિદ અને એવા અનેક લોકો જે વ્યવસ્થાતંત્રનો ભોગ બની રહ્યા છે તેઓએ ન્યાયની આશા રાખવી પડશે અને કાયદામાં વિશ્વાસ રાખવો પડશે અને કાયદામાં પ્રસ્થાપિત તેમના હક્કોને મેળવવા સતત પ્રયત્નશીલ રહેવું પડશે. જેવી રીતે અન્યાય કરવા કાયદાનો ઉપયોગ કરવામાં આવે છે તેવી જ રીતે ન્યાય હાંસલ કરવા માટે પણ ન્યાયનો ઉપયોગ કરવો પડશે. છેલ્લે જા ન્યાય હાંસલ કરવામાં નિષ્ફળતા સાંપડે તો યાદ રાખજા અલ્લાહ જાઈ રહ્યો છે અને તે ન્યાય કરવા સમર્થ છે. તે અન્યાયી અને અત્યાચારીઓને પસંદ નથી કરતો અને તેને જરૂર સજા કરશે. –•–