Saturday, July 20, 2024
Homeઓપન સ્પેસનવી પેઢીની માનસિકતા અને બદલાવ માટેના પ્રયોજનો

નવી પેઢીની માનસિકતા અને બદલાવ માટેના પ્રયોજનો

ભારતની ૧૨૫ કરોડની જનસંખ્યામાં લગભગ ૬૫ ટકા જેટલી જનસંખ્યા યુવાપેઢી (Young Generation)ની છે. મુસ્લિમ સમુદાયની વસ્તી ૨૦ કરોડ જેટલી ગણીએ તો તેમના સમાજમાં લગભગ ૧૩ કરોડ જેટલી સંખ્યા ‘યુવાપેઢી’ (અબ્દુલ્લાહ યૂસુફ અલીએ એના માટે Rising Generation શબ્દ વાપર્યો છે. નોંધ ૪૭૯૩). કોઈ પણ સમાજની યુવાપેઢી જે તે સમાજ માટે ‘મેરૃદંડ’ (રીઢકી હડ્ડી) જેવું સ્થાન ધરાવે છે. એના અંદર ઉત્સાહ, ઉમંગ, ધગસ, કંઈક કરી છૂટવાની ભાવના અને તેના માટે પૂરતું જોમ વિશેષ માત્રામાં છલકાતાં હોય છે. પણ આ બધી શક્તિઓને સાચી દિશા માટેનું પ્રશિક્ષણ, પોતાના અને અન્ય સમાજોની ભલાઈની પ્રબળ ઇચ્છાશક્તિ, શિસ્તબદ્ધતા, અનુપાલન અને પોતાના મીશન પ્રત્યે પ્રતિબદ્ધતા હોવી જરૂરી છે. ઇસ્લામ વિશ્વ ભલાઈ અને તમામ માનવજાતના અંદર સંતુલન તથા સંયમિતતાને જાગૃત કરવા માટેનું મીશન લઈને ચાલનારો મજહબ છે. તે માનવજાતને તેમના સર્જનહાર અને પાલનહારને સમર્પિત થઈને કુદરતના પ્રાકૃતિક અનુબંધો તરફ દોરી જવા માંગે છે, જેથી વિશ્વમાં સાચી શાંતિ અને સુખાકારીનો માહોલ સ્થાપિત થઈ શકે. પ્રત્યેક મુસ્લિમ યુવા અલ્લાહ-રસૂલ દ્વારા તેમને સોંપવામાં આવેલી આ જવાબદારી શક્ય તે માત્રામાં અદા કરવા બંધાયેલો છે. જૂની પેઢીના લોકો, જેમની પાસે જ્ઞાન અને અનુભવ છે તેઓ યુવાપેઢીના મહેરામણને પ્રશિક્ષિત કરવા અને જરૂરી માર્ગદર્શન પૂરૃં પાડવાની સેવાઓ આપી શકે છે પણ જગતના સમરાંગણમાં તો આ યુવાપેઢી એ જ ઝઝૂમવાનું રહે છે. ત્યારે આ ક્ષેત્રે કર્મશીલ બનીને કામ કરવા યુવા પેઢીમાં કેવી ક્ષમતાઓ હોવી જરૂરી છે? ૧૩ કરોડ યુવાસમાજમાં બહુ થોડા યુવાઓ (આટામાં નમક જેટલા) કદાચ આ માટે કંઈક વિચાર કરતા હશે. તેમના સમાજની મોટી સંખ્યા આ મુદ્દા ઉપર ભાગ્યે જ કંઈક વિચાર કરતી હશે.

જે યુગમાં તેઓ જીવી રહ્યા છે. તેમની  સામે જે પ્રકારના પડકારો ઉપસ્થિત છે, જીવન-મૈદાનમાં ઉપલબ્ધીઓની પ્રાપ્તિ માટે જે હોડ લાગેલી છે, આનંદ-પ્રમોદના જે વળગણો સમાજજીવન ઉપર પ્રભાવી બની ગયાં છે, અને બાતિલ વિચારધારાઓએ જે બિન્ધાસ્ત જીવનશૈલી તેમની સામે મૂકી છે તેમાં જકડાતી જતી આ યુવાપેઠીને તેમના આ પ્રાણ પ્રશ્ન વિષે વિચારવાનો ભાગ્યે જ કોઈ મોકો મળે છે. અલ્લાહની અંતિમ કિતાબ જે તેમની માનસિકતાનું સાચું ઘડતર કરી શકે છે, પ્યારા નબી સ.અ.વ.નું જે અમૂલ્ય માર્ગદર્શન તેમના અંદર ઇસ્લામી સંસ્કારિતાનું સાચું સીંચન કરી શકે છે અને દીને ઇસ્લામની સેવા માટે તેમના અંદર પ્રબળતાની લાગણી જન્માવી શકે છે તેનાથી તેઓ લગભગ અજાણ છે. એવું નથી કે તેમના અંદર એ કામ માટે કોઈ સદ્ભાવના નથી બલ્કે પરિસ્થિતિઓ એ છે કે વડીલોનો જે સમાજ તેમને આ બધું સાહિત્ય આપવા અને માર્ગદર્શન કરવા સક્ષમ છે તેમણે પોતાની એ જવાબદારી બરાબર નીભાવી નથી. શિક્ષકો ભણાવે જ નહીં અથવા તો અધૂરા અને અધકચરા પાઠ ભણાવીને ચાલતી પકડે તો પ્રશિક્ષિત થવા આવેલા વિદ્યાર્થી સમાજની શું હાલત થાય? બસ કંઈક આવી જ પરિસ્થિતિઓ આજના મુસ્લિમ યુવાસમાજ માટે ઊભી થઈ ગઈ છે. ઇસ્લામી જ્ઞાનદર્શન અને ઇસ્લામી જીવનશૈલીને લગભગ ભૂલી ચૂકેલી આ યુવાપેઢી ક્યાં જઈને અટકશે? વિશ્વ સ્ટેજ ઉપર તે પોતાની કેવી છબી બનાવી શકશે? ઇસ્લામના પ્રતિનિધિ તરીકે તેઓ માનવ-સમાજ સામે સાચા અર્થમાં આવી શકશે કે કેમ? અને જગતને તેઓ શું આપી શકશે? તેમની પોતાની હાલત કેવી થઈને રહી જશે? આ બધા સવાલો ઉપર તેમણે ગંભીરતાપૂર્વક વિચાર કરવો જોઈએ. આ માટે પરસ્પરમાં ચર્ચાઓ કરવી જોઈએ. જાણકારો સાથે બેઠકો યોજીને આ મુદ્દાના ઊંડાણમાં ઊતરવું જોઈએ. ઇસ્લામી જ્ઞાનધારા અને જીવન-શૈલીનાં દર્શન માટે જે થોડા લોકો તરફથી સેમીનારો, સિમ્પોઝિયમો અને ચર્ચાગોષ્ઠીઓનાં આયોજનો થઈ રહ્યાં હોય તેમાં એમણે સહર્ષ ભાગ લેવો જોઈએ. એકવીસમી સદીમાં તેમની સામે જે પડકારો આવી રહ્યા છે તેના માટે પૂરતી તૈયારીઓ કરવી તેમના માટે અનિવાર્ય છે. આજનો યુગ બુદ્ધિનો યુગ છે, અને ગેરમાર્ગે દોરાયેલી વક્ર બુદ્ધિ તમામ આયુધો લઈને તેમની સામે આવીને ઊભી છે. ઇસ્લામમાં બુદ્ધિચાતુર્ય, પ્રાકૃતિકતાપ્રચુર મજબૂત દલીલો, માનવજાત માટે સાચી દિશાઓના પ્રાવધાનોનો અખુટ ખજાનો ભરેલો છે. આ બધાનો ઉપયોગ કરતાં તેમણે શીખવું પડશે. ઇસ્લામને આવા પ્રશિક્ષિત અને પ્રતિબદ્ધ યુવાઓની ખાસ જરૃર છે. શું તેઓ આ પડકારોને ઝીલી શકશે?

આ બધી વાતો આજના પ્રાતકાલીન અભ્યાસ સૂરઃ અહકાફ (૪૬મી સૂરઃ)ની આયતો નંબર ૧૭, ૧૮, ૧૯ના અભ્યાસ દરમ્યાન મનમાં ઘમસાણ મચાવી રહી છે. જીવનના જે સ્ટેજ ઉપર આવીને હું ઊભો છું ત્યાં હવે અલ્લાહ-રસૂલના આદેશોનો સંદર્ભ આપીને નવી પેઢી Rising Generationને આવી બધી બાબતોમાં ચિંતન કરવા અને માર્ગો શોધવા પ્રબુદ્ધ થવા જરૂરી દિશાનિર્દેશ કરવા સિવાય બીજુ શું કરી શકું? અલ્લાહની કિતાબ અને પ્યારા નબી સ.અ.વ.ના ફરમાનો મને આ વિષયે અંતઃસ્ફુરણા કરતાં રહે છે. પ્યારા નબી સ.અ.વ.ના શબ્દો “પહોંચાડો સન્માર્ગની વાત ભલે એક આયત કેમ ન હોય.” અને અલ્લાહનો આદેશ “હક્કની તલકીન કરતાં રહો અને એમ કરવામાં જે મુસીબતો પડે તેના ઉપર સબ્ર કરવાની સાંત્વના આપતા રહો.” એ છેલ્લા બાર વર્ષથી મને આ કામમાં જોતર્યાે છે. આજે એ જ જવાબદારી અદા કરવા આપને આ સંબોધન કરી રહ્યો છું. સૂરઃ અહકાફની આયતો નંબર ૧૭, ૧૮, ૧૯માં અલ્લાહે જે દૃષ્ય બતાવ્યું છે તે કંઈક આવું છેઃ “અને જેણે પોેેતાના માતા-પિતાને કહ્યું, ”ઉફ્ફ ! તંગ કરી નાખ્યો તમેે, શું તમે મને આનાથી ડરાવો છો કે મરી ગયા પછી મને કબરમાંથી પાછો કાઢવામાં આવશે? જો કે મારા પહેલાં ઘણીય પેઢીઓ પસાર થઈ ચૂકી છે (તેમનામાંથી તો કોઈ ઊઠીને ન આવ્યું!)”. માતા અને પિતા અલ્લાહને ફરિયાદ કરીને કહે છે, ”હે દુર્ભાગી ! માની જા, અલ્લાહનો વાયદો સાચો છે.” પરંતુ તે કહે છે, ”આ બધી અગાઉના જમાનાની પુરાણી કહાણીઓ છે.” આ લોકો છે જેમના ઉપર યાતનાનો નિર્ણય લાગુ થઈ ગયો છે. આમના પહેલાં જિન્નાતો અને મનુષ્યોના જે ટોળાં (આ જ પ્રકારના)  થઈ ગયા છે તેમાં જ આ લોકો પણ સામેલ થશે. નિઃશંક આ નુકસાનમાં રહી જનારા લોકો છે. બંને જૂથોમાંથી દરેકનો દરજ્જો તેમના કર્મને અનુરૃપ છે જેથી અલ્લાહ તેમના કર્મોનો પૂરેપૂરો બદલો તેમને આપે. તેમના ઉપર કદાપિ જુલ્મ (અન્યાય) કરવામાં નહીં આવે.”

આ આયત ઉપરની વિવરણનોંધમાં અબ્દુલ્લાહ યૂસુફ અલીએ લખ્યું છે કે, An ungodly son always flouts (અનાદર કરે છે) all that the father held sacred and looks upon his father himself as old fashioned and unworthy of respect and regard. Such contrast generaly happens in the passing and rising generation of mankind, on account of normal evolution of mankind. What we have to do is for far the matured generation to bring up their successors in Godly ways and far the younger generations to relalise that age and experience counts far something, especially in the understanding of spiritual matters and other matters of the highest moment of man.  (Page – 1549)

આજના યુવા મુસ્લિમ જગત ઉપર નજર નાખીશું તો જોવા મળશે કે પરિસ્થિતિઓ આજે પણ કંઈક આવી જ છે. બેશક દિલોમાં ઈમાન છે. અલ્લાહ-રસૂલથી સંબંધનો દાવો તો છે પણ વલણ અને વ્યવહાર સાવ વિપરીત જોવા મળે છે. કહેવાતા પ્રગતિશીલ યુગના ચલણે જે ધારા-ધોરણો, જોગવાઈઓ અને પદ્ધતિઓ જનજીવન ઉપર ઠોકી બેસાડી છે તેના વહેણમાં તેઓ પણ વહ્યે જાય છે. તેમની પાસે બુદ્ધિ છે, ઉચ્ચ શિક્ષણ છે, કૌશલ્ય છે, માહિતીઓના ભંડારો છે, ઝાકઝમાળ જીવનશૈલીની ચકાચોંધ કરવાની સામગ્રી છે, મનોરંજનના અગણિત સ્ત્રોત તેમને લલચાવી રહ્યા છે, બેકાર વાતો અને પ્રવૃત્તિઓની મહેફિલો તેમને લલચાવવવા માટે ઉપલબ્ધ બનાવી દેવાઈ છે. જે દીન ઉપર તેઓ ઈમાન લાવ્યા છે તે શું છે? તેની ડિમાન્ડ શું છે? તેમની જવાબદારીઓ શી છે? તેમનું જીવનલક્ષ્ય અસલમાં શું છે? એનું ભાગ્યે જ તેમને કોઈ ભાન છે. ચોવીસ કલાક રોકી રાખનારી પ્રવૃત્તિઓ તેમને અલ્લાહ-રસૂલના ફરમાનોને ઉઠાવીને જોવાની તક આપતી નથી. વળી એ બધું તેમની સામે સરળતાથી ઉપલબ્ધ પણ નથી. કુઆર્ન તથા હદીષના જોગવાઈઓ, તેના ખુલાસાઓ તેના દિશાનિર્દેશો અને તેના ગૂઢજ્ઞાનના ભંડારો તેમના માટે પૂરતા પ્રમાણમાં લભ્ય બનાવી શકાયા નથી. ચીલાચાલુ વાતો અને કિસ્સા-કહાનીઓ દ્વારા તેમના દિમાગો ઉપર થોપવામાં આવતી સામગ્રી તેમને બરાબર પ્રશિક્ષિત કરી શકતી નથી. અને દુનિયા તથા તેની રંગીનીઓમાં તેમને ડુબાડી રાખતી બાતિલ વ્યવસ્થાની પેલી ભરપૂર સામગ્રીઓ તેમને પોતાના બંધનમાં બરાબર જકડતી જાય છે. કરોળિયો પોતાના શિકારને જકડે તેમ!

તેમને બતાવવું પડશે કે તમે માનવજાતમાં ઉપસ્થિત એક વિશેષગ્રુપના સંતાનો છો. તમે તમારા સર્જનહાર અને પાલનહારનો તે સંદેશ ધારાવો છો જેનાથી જગતની અન્ય કોમો વંચિત છે, અજાણ છે. જો તમે તમારી ફરજ ભૂલી જશો તો અલ્લાહનો આ સંદેશ જગતને કોણ પહોંચાડશે? પ્રાકૃતિક સત્ય તરફ જગતને કોણ લઈ જશે? તમે જ દુનિયાની રંગીનીઓમાં ખોવાઈ જશો તો સત્યનો પ્રકાશ જગતને કોણ બતાવશે? શું આવું વલણ તમારા માટે લાભપ્રદ છે ખરૃં? ચેતી જાવ, એવું ન બને કે,

દુનિયા સંવારનેમેં સોગાતે રબ ગંવા દી!

ક્યાં મુંહ દિખાઉંગા મેં વકતે લીકા ખુદા કો?!

(વક્તે લીકા એટલે ખુદાથી મુલાકાતનો સમય.)

ચાલો, સુસ્તી ખંખેરી નાખો, સભાન થઈ જાવ અને કામમાં લાગી જાવ. અલ્લાહ તમારી મદદ કરે. (આમીન)

RELATED ARTICLES

Most Popular

Recent Comments