Thursday, March 28, 2024
Homeઓપન સ્પેસજીનીયસ બનવા શું જરૃરી : પરિશ્રમ કે પ્રતિભા?

જીનીયસ બનવા શું જરૃરી : પરિશ્રમ કે પ્રતિભા?

જીનીયસ અર્થાત્ મેઘાવી પુરૃષો કુદરતી રીતે જ  જીનીયસ હોય છે, શું જન્મથી જ તેઓ પ્રતિભા ધરાવે છે કે પછી સખત પરિશ્રમ એમને જીનીયસ બનાવે છે? આ પ્રશ્ન લગભગ દરેક યુગમાં ચર્ચાતો રહ્યો છે અને ચર્ચાતો રહેશે. મોટાભાગના કિસ્સાઓમાં બને છે એમ અહીં પણ બે વર્ગ પડી ગયા છે. એક વર્ગ માને છે કે જીનીયસ લોકો જન્મજાત જીનીયસ હોય છે, પરિશ્રમથી એમને કોઈ લેવા દેવા નથી. જ્યારે બીજો વર્ગ માને છે કે પ્રતિભા જેવી વસ્તુ હોતી નથી. સખત પરિશ્રમ દ્વારા જ પોતાનામાં રહેલી શક્તિઓને બહાર કાઢી શકાય છે. સખત પરિશ્રમથી જ બુદ્ધિશાળી બની શકાય છે, કેમ કે આપણું મગજ adaptable હોય છે.

આ તો સર્વવિદિત છે કે માણસો માનસિક શક્તિમાં જુદા જુદા હોય છે. પરંતુ ટ્રેનિંગથી મહારત પ્રાપ્ત કરી શકાય છે. ટ્રેનિંગથી બુદ્ધિ વધારી પણ શકાય છે એના વૈજ્ઞાનિક અને પ્રાયોગિક પુરાવાઓ પણ છે. આયર્લેન્ડ વિશ્વવિદ્યાલયના મનોવિજ્ઞાનના અધ્યાપક આર્યન રોસ ‘સાયકોલોજી ટુડે’માં લખે છે કે “વાસ્તવિકતા તો આ છે કે બુદ્ધિ વધારી શકાય છે.” જે લોકો એમ માને છે કે આપણાં બુદ્ધિઆંક (IQ) જીવનભર એટલો જ રહે છે તેઓ વાસ્તવમાં બુદ્ધિઆંકની પરીક્ષાના પરિણામ વિશે એવું કહેતા હોય છે. પરંતુ આપણી બુદ્ધિ સતત વધતી હોય છે. પરંતુ એના માટે મગજને સતત સક્રીય રાખવું પડે છે. સતત માનસિક કસરતો કરતી રહેવી પડે છે. જેમને આપણે ખૂબ સફળ અને મેઘાવી પુરૃષો તરીકે ઓળખીએ છીએ એવા લોકો – માર્ગેટથી બિલ ગેટ્સ સુધી – એક ખાસ લાક્ષણિકતા ધરાવતા હોય છે. તેઓ પોતાની સ્કીલ્સ અર્થાત્ કૌશલ્યને વિકસાવવા માટે ખંતપૂર્વક લાગેલા રહે છે અને પોતાની જાત સાથે કમિટેડ વચનબદ્ધ હોય છે. તેઓ સખત મહેનતુ હોય છે. બની શકે કે કેટલાક લોકોમાં કુદરતી પ્રતિભા બીજા કરતા વધારે હશે પરંતુ આ બધા જ જીનીયસ લોકોમાં ‘ઇશ્વરીય ભેટ’ પ્રતિભા કરતા સખત પરિશ્રમથી મેળવેલ માસ્ટરી વધારે જોવા મળે છે.

જેટલા પણ સફળ ખેલાડીઓ થયા તેઓ સખત પરિશ્રમ થકી જ અને સતત પ્રેકટીસ થકી જ સફળ થયા. ટાઈગર વુડ્સે ૨૧ વર્ષની ઉંમરે વર્લ્ડ ચેમ્પિયનશીપ જીતી પરંતુ એ માટે એણે ૧૮ વર્ષ સખત પરિશ્રમ કર્યો હતો. સેરેના વિલીયમ્સ, વિનસ વિલીયમ્સ, સ્ટેફી ગ્રાફ, યુસુૈન બોલ્ડ, માઈકલ ફેલ્પસ, સુમાકર, સચિન તેન્ડુલકર કે વિરાટ કોહલી… લિસ્ટ ઘણું લાંબુ છે. આ બધા જ લોકો સખત અને સતત પ્રેકટીસ થકી જ સફળ થયા છે. એ માટે મહત્ત્વની વસ્તુ છે ધ્યેયલક્ષી પ્રેકટીસ. ધ્યેયલક્ષી પ્રેકટીસ જ મગજ ઉપર ચમત્કાર કરી શકે છે. ફ્લોરીડાના મનોવિજ્ઞાનના અધ્યાપક એન્ડર્સ એરીક્સને પણ કહ્યું છે કે “આ સમજાવવું ખૂબ જ જટીલ છે કે જીનીયસ અથવા નિષ્ણાંતો કેવી રીતે ઉત્પન્ન થાય છે અને તેઓ શા માટે અલ્પસંખ્યામાં હોય છે. જો ધ્યેયલક્ષી અને સુધારાવાદી પ્રયત્નો કરવામાં ન આવે તો કાબેલિયત ધીમે ધીમે નષ્ટ થવા લાગે છે.”

એ.આર.રેહમાન વિશે આપણે જાણીએ છીએ કે ઈશાની/ રાત્રિની નમાઝ પછી પોતાનું સંગીત બનાવવા માટે અડધી અડધી રાત સુધી સખત મહેનત કરે છે. રહેમાનથી પણ ચઢિયાતા એવા સિમ્ફનીઓના રચયેતા માોર્ગેટ પણ સખત પરિશ્રમ કરતા હતા. એક મિત્રને એમણે પત્રમાં લખ્યું હતું કે લોકો એમ વિચારે છે કે મારી કલા મને બહુ સરળતાથી પ્રાપ્ત થઈ છે. હું ખાતરી આપું છું દોસ્ત કે, મારા જેટલો સમય વિચારવા અને સંગીત બનાવવા માટે બીજા કોઈએ આપ્યો નહીં હોય. કોઈ એવો પ્રસિદ્ધ સંગીતકાર નથી જેના વિશે મેં ઉદ્યમપૂર્વક અભ્યાસ કર્યો ન હોય.

માઈકલ ફેલ્પ્સ સ્વીમીંગમાં ૨૩ ગોલ્ડ મેડલ મેળવ્યા એ વિના મહેનતે નથી મેળવ્યા. દરરોજ ૮ થી ૧૦ કલાક એ સ્વીમીંગપુલમાં પ્રેકટીસ કરતો હતો. સચિન તેંડુલકરને મહાન બનાવ્યો એની સતત અને સખત પ્રેકટીસે. વિરાટ કોહલી બીજો સચિન બને તો નવાઈ નહીં. એ પણ પોતાની સાતત્યપૂર્ણ દેખાવ માટે સખત નેટપ્રેકટીસ કરે છે. એટલું જ નહીં વેકેશનમાં પણ એ તો જીમમાં જઈ વર્કઆઉટ કરે છે જેથી ફિટનેસ જાળવી શકાય. મહાન વિજ્ઞાની થોમસ આલ્વા એડીસન સતત નિષ્ફળતાઓ છતાં પણ જ્યાં સુધી સંપૂર્ણ પણે શોધ ન થઈ જાય ત્યાં સુધી જંપતો નહોતો એ માટે એ ખાવાપીવાની કે ઊંઘવાની પણ પરવા કરતો ન હતો. લેબોરેટરીમાં જ એ ઝોંકા ખાઈ લેતો અને પોતાના કામમાં વળગેલો રહેતો.  ૧૦૯૩ પેટન્ટસ કઈ અમથી નથી મળતી. સખત પરિશ્રમની સાથે બીજી એક બાબત પણ આવા મેઘાવી લોકોને સતત પ્રેરણા આપતી રહે છે – જિજ્ઞાસા. તમે પણ જો તમારી જિજ્ઞાસાને પૂર્ણ કરવા લાગ્યા રહો તો કોઈ અર્થપૂર્ણ કાર્ય કરવા તમને પ્રેરિત કરશે. જિજ્ઞાસા જ હોય છે જે તમને નવા વિશ્વમાં લઈ જાય છે. જિજ્ઞાસાને સંતોષો તો તમારા જ્ઞાનમાં વૃદ્ધિ થાય છે, સાથે સાથે તમે અહોભાવથી બીજા વિશ્વમાં પહોંચી જાવ છો. એ માટે ધીરજ જોઈએ આપણી મુશ્કેલી એ છે કે બહુ જલ્દીથી આપણે કોઈ એક કાર્યમાં કંટાળી જઈએ છીએ અને એને છોડી દઈએ છીએ. આ જ એક બાબત છે જે આપણને જીનીયસોથી અલગ પાડે છે. તમારામાં અને આઈન્સટાઈન કે પિકાસો કે એવા બીજા જીનીયસો વચ્ચે મુખ્ય તફાવત આ જ હોય છે કે તેઓએ પોતાના કામમાં-પ્રવૃત્તિમાં માસ્ટરી કેળવી હોય છે. તેમણે વધારે સમય કેનવાસ ઉપર કે ગિટાર ઉપર કે કોમ્પ્યુટર ઉપર ગાળ્યો હોય છે એમની આત્મા અને મન  પોતાના મનગમતા કાર્યમાં લાગેલા હોય છે. તેઓ પોતાની સઘળી શક્તિઓ એમાં લગાવી દે છે. સ્પેસએક્સના સ્થાપક એલન મુસ્ક વિશે એના સાથીદાર જીમ કન્ટ્રેલ કહે છે કે માત્ર બુદ્ધિ થકી જ તમે સફળ થતા નથી. ૨૦૦૧માં સ્પેશએક્સ સ્થાપના કરવામાં આવી ત્યારે એનલ મુસ્કને સ્પેસ વિશે કે લોંચ વ્હીકલ કે રોકેટ સાયન્સ વિશે કોઈ ખાસ જ્ઞાન ન હતું પરંતુ પોતાની સખત મહેનત અને જે કાર્ય હાથમાં લીધું એને છેલ્લે સુધી જકડી રાખવાની વચ્ચેથી ન છોડવાની ટેવને લીધે એ સફળ  થયો જીમ કન્ટ્રેલ કહે છે કે સફળતા માત્ર ત્રણ સાદી બાબતો ઉપર નિર્ભર કરે છે. એક તો તમે જે કામમાં જોશ ચડતું હોય તમે જે માટે પેશનર હોવ એ કામ કરો. જોશ કે જુસ્સા વિના તમારૃં કામ એ તમારો પ્રેમ બની શકતો નથી. બીજું, તમે જેમાં સારા હોવ અને જે કામની પ્રતિભા ધરાવતા હોવ એ કામ કરો. ત્રીજું જેના થકી કોઈ મૂલ્યનું સર્જન થતુ હોય અને જેને માર્કેટમાં અત્યારે કે ભવિષ્યમાં વેચી શકાય એવું કંઈક નિર્માણ કરો. પોતાના સ્વાર્થ કરતા બીજાના ભલા માટે વિચારીને કરશો તો સફળતાની સાથે તમે આર્થિક ઉપાર્જન પણ કરી શકશો.

એટલે સફળ થવા માટે બહુ બુદ્ધિશાળી હોવું કે ખૂબ ઊંચુ આઈક્યુ – બુદ્ધિઆંક ધરાવવો જરૂરી નથી. જેનો બુદ્ધિઆંક ૧૬૦ હતો એવો જીનીયસ આઈન્સ્ટાઈન પણ પોતાની જાતને શું જીનીયસ કે ગિફટેડ માનતો હતો? ના. એણે એક વખત લખ્યું હતું કે “એવું નથી કે હું ખૂબ સ્માર્ટ – હોશિયાર છું. પરંતુ હું મુશ્કેલી સામે વધારે સમય સુધી ટકી રહું છું. (એને હલ કરવા માટે સખત પરિશ્રમ કરતો રહું છું.) મોટાભાગના લોકો કહે છે કે આ બુદ્ધિ જ છે જે મહાન વૈજ્ઞાનિક બનાવે છે. તેઓ ખોટા છે. ચારિત્ર્યથી મહાન બનાય છે.” /

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments