ત્રણ પ્રસિદ્ધ ગ્રીક ટ્રેજેડી નાયટકારોમાંથી એક અને નાટય સ્પર્ધાઓમાંથી ત્રણેમાં સૌથી વધુ વખત વિજેતા બનનાર (૩૦માંથી ૨૪ વખત) યુડીપસ ધી કિંગ, યુડીપસ એટ કોલોનસ, એન્ટીગોન અને ઇલેકટ્રા જેવા વિશ્વપ્રસિદ્ધ ટ્રેજેડી નાટકોનો લેખક સોફોકલીસે આજથી સાડા ચોવીસસો વર્ષ પહેલા લખ્યું હતું કે “જે માણસ કાર્ય કરતો નથી એને ઇશ્વર પણ મદદ નથી કરતો.” ઇશ્વરે સૌ સર્જનોમાં માણસનું સૌથી શ્રેષ્ઠ સર્જન કર્યું છે. આ શ્રેષ્ઠ સર્જન જો નકામો બેસી રહે અને બધું જ મળી જશે એવી આશા રાખે તો આનાથી મોટી મુર્ખાઈ બીજી કોઈ ન હોઈ શકે. સંસ્કૃત ઉકિત છે એનો ભાવાર્થ એવો છે કે પરિશ્રમથી જ બધું પ્રાપ્ત થાય છે. જંગલના રાજા સિંહના મોઢામાં હરણ આવીને પડતો નથી. જો જંગલના રાજાને પણ મહેનત કરવી પડતી હોય તો આપણે સામાન્ય માનવીઓની શી વિસાત? વિશ્વમાં ઘણાબધા લોકો અને ખાસ કરીને આપણા મહાન દેશમાં એવું માને છે કે કોઈ જ કામ ન કરવું એ બહું મોટું કામ કરવા બરાબર છે! આવા લોકોએ એ વાત સમજવી જોઈએ કે કુદરતની દરેક વસ્તુ કાર્યશીલ છે – દરેક વસ્તુ એકશનમાં છે. જે ઝાડ તમને સ્થિર લાગે છે એમાં પણ પ્રકાશસંશ્લેષણ જેવી આંતરિક ક્રિયાઓ તો સતત ચાલુ જ હોય છે. ધરતી અને બીજી ગ્રહો, ઉપગ્રહો સતત પરિભ્રમણ કરતા રહે છે. અરે સ્થિર લાગતો સૂર્ય સુદ્ધાં પણ પોતાની ધરી ઉપર ભ્રમણ કરી રહ્યો છે. કુદરતમાં ક્યાંય નિષ્ક્રીયતા કે આળસ નથી.
આ ધરતી ઉપર માનવજાતનું મિશન શું છે? કામ કરવું. જીવવું હોય તો સતત કામ કરવું પડે છે. દામ કમાવવા માટે અને નામ કમાવવા માટે પણ – સક્રીયતા જાતને ધારધાર બનાવે છે તો નિષ્ક્રિયતા બુદ્ધિ પણ બનાવી શકે છે.
ચાર્લ્સ ડાર્વિને ‘સર્વાઈવલ ઓફ ધી ફિટેસ્ટ’નો નિયમ આપ્યો હતો. જે અંગનો વધારે ઉપયોગ થાય એે વધારે વિકાસ પામે. સક્રીય રહે અને જેનો ઉપયોગ ના થાય એ નિષ્ક્રિય બની ખરી પડે. ડાર્વિનના ઉત્ક્રાંતિવાદ સાથે આપણે સહમત હોઈએ કે ના હોઈએ પણ આ વાત સાથે તો સહમત થવું પડે એમ છે. સક્રીય થઈને સફળ થવાય કે કદાચ નિષ્ફળતા પણ મળે પરંતુ નિષ્ક્રિય રહીને તો હંમેશા નિષ્ફળતા જ મળવાની. એક મહાઉદ્યમી પુરૃષે ઇચ્છા વ્યક્ત કરી હતી કે “આળસના કાટથી મારો અંત આવે તે કરતાં ઉદ્યમથી અંત આવે એ હું વધારે ઇચ્છું છું.” ઉદ્યમ કરતાં આળસથી વધારે ઘસારો પહોંચે છે. એક ધર્મોપદેશકે ઉપદેશ આપ્યો હતો “મનુષ્યનું જીવન ઉદ્યમ અને સહશીલતાનું બનેલું છે, અને જે પ્રમાણમાં જિંદગી સદ્કૃત્ય કરવામાં અથવા ધૈર્ય અને ખંત રાખવામાં ગુજારવામાં આવે તે પ્રમાણમાં તે સફળ થાય. પણ જાતમહેનત કરનારાઓ જ માત્ર ખરા કામ કરનારાઓ નથી. જીવનના આ વિભાગમાં વિચાર કરનારા (બુદ્ધિજીવીઓનું) જીવન પણ આવે છે. કેમકે ખરો વિચાર કાર્ય છે. આળસમાં કે માનસિક નિદ્રામાં જીવન ગુમાવવાથી પ્રતિષ્ઠા ઘટે છે. કારણ કે ઉદ્યમથી જ જીવન ઉત્તમ બને છે.”
આળસ શરીર, મન અને અંતઃકરણને અદ્યમ સ્થિતિમાં લાવી મૂકે છે. વિશ્વના મોટાભાગના દુર્ગુણો આળસથી ઉત્પન્ન થાય છે. આળસુઓ પોતાની જાત ચલાવી શકતા ન હોવાથી અને એ રીતે જીવનમાં સફળતા પ્રાપ્ત ન કરી શકતા હોવાથી બીજા લોકોની ઇર્ષ્યા કરનારા પણ બને છે. બીજાની પ્રગતિ જોઈ પોતે ઇર્ષ્યામાં બળતા રહે છે. પરિણામે તેઓ ઉદ્વિગ્ન રહે છે. મનને શાંતિ મળતી નથી. લોક વ્યવહારમાં ઉદ્વતાઈથી વર્તે છે અને એ રીતે સમાજમાં અહંકારી અને’જંગલી’ તરીકે પંકાઈ જાય છે. આવા લોકોથી સીધા સાદા લોકો તો દૂર ભાગે જ છે પરંતુ એમના જેવા તોછડા લોકો પણ એમની સાથે વાત-વ્યવહારમાં દૂરી રાખે છે કે ક્યાંક નાનકડી વાતમાં મોટો ઝઘડો ન થઈ જાય. આમ, આળસુ લોકો પોતે તો પોતાનું નુકસાન કરે જ છે. સમાજમાં અળખામણ પણ બને છે. સફળતા મેળવવા માટે લોક વ્યવહારમાં પ્રેમ, નરમાશ, શિષ્ટાચાર, નમ્રતા, અને એકબીજાને માન-સન્માન આપવા જેવા ગુણોની આવશ્યકતા હોય છે, દુર્ભાગ્યે આળસુ લોકોમાં મોટાભાગના ગુણો જોવા મળતા નથી પરિણામે આળસુ લોકો નિષ્ફળતાને જઈ વરે છે. પોતે દુઃખી થાય છે. સગાસંબંધીઓને પણ દુઃખી કરે છે.
નિષ્ક્રીયતા શંકા અને ભય ઉત્પન્ન કરે છે. સક્રીયતા આત્મવિશ્વાસ અને હિમ્મત જન્માવે છે. તેથી શંકા અને ભય ઉપર વિજય મેળવવો હોય તો હાથ ઉપર હાથ દઈને બેસી રહેવાને બદલે ઉઠીને કામ ઉપર વળગી જવું જોઈએ. કશું જ ન કરવા કરતા કશુંક કરવું સારી બાબત છે.
આળશ કે નિષ્ક્રિયતા દૂર કરવા નીચેના ઉપાયો અજમાવી શકાય એમ છે.
(૧) હકારાત્મક બનો. હકારાત્મક રીતે વિચારો તો બધામાં સારા ગુણો દેખાશે.
(૨) આશાવાદી બનો-નિરાશા ખંખેરો – નિરાશામાં જ આશા છુપાયેલી હોય છે – એને શોધો.
(૩) પોતાની જાતને હલકી ન ગણો. બીજા લોકો જે કામ કરી શકતા હોય એ તમે પણ કરી જ શકો છો. પોતાની જાતને કાર્ય કરવા પ્રેરીત કરો.
(૪) સારા પુસ્તકોનું વાંચન કરો. મહાપુરૃષોની જીવનકથા વાંચવાથી સમજાશે કે એમણે
જીવનમાં કેટલો સંઘર્ષ કર્યો હતો ત્યારે એ સફળ થઈ શકયા.
(૫) હકારાત્મક વિચારસરણી ધરાવતા લોકોની સંગત કેળવો. મહેનતુ લોકો સાથે મિત્રતા બાંધો. તમને પણ એમનાથી પ્રેરણા મળશે.